વિશ્વનાં શ્રાપિત ગામો અને શહેર Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વનાં શ્રાપિત ગામો અને શહેર

વિશ્વનાં અનેક શહેરો એવા છે જે મહાન ઇતિહાસ ધરાવે છે કેટલાકની પાસે મહાન ધરોહરોનો વારસો હોય છે કેટલાક તેના ભૂતિયા ઘરો, પ્રખ્યાત  ભૂતપ્રેત, વેમ્પાયર અને  ભયંકર હત્યાકાંડનો ઇતિહાસ ધરાવતા હોય છે જો કે કોઇ એવું ન ચાહે કે તેમની રજાઓ ભૂતિયા શહેરમાં પસાર થાય જો કે તેમનો ઇતિહાસ ઘણો રસપ્રદ હોય છે.વિશ્વમાં ઘણાં જાણીતા શહેરો એવા છે જેમનો ઇતિહાસ ડરામણો છે.શ્રાપિત ગામો અને શહેરો એ મોટાભાગે હોરર કથાઓમાં સૌથી વધારે સ્થાન પામે છે પણ હકીકત એ છે કે સમગ્ર સૃષ્ટિ અને ખાસ કરીને પૃથ્વી બહુ રહસ્યમય સ્થળો ધરાવે છે એવા ઘણાં શહેરો અને ગામો છે જેની સાથે શ્રાપની કથા જોડાયેલી હોય છે.

કોલોરાડોનું ઇસ્ટેસ પાર્ક આમ તો પહેલી નજરે કોઇને ખાસ ન લાગે પણ જો તમે આ શહેરમાં ગયા હોય તો ત્યાંની કાઉન્ટલેસ હોટેલમાં રોકાવાનો વિચાર પણ ન કરતા.કહેવાય છે કે આ ઘરમાં તેના માલિકનું ભૂત વસવાટ કરે છે.આ શહેરની સૌથી પ્રખ્યાત હોટેલનું નામ સ્ટેન્લી હોટેલ છે જે દેખાવે તો અત્યંત સુંદર છે જો કે આ હોટેલ જાણીતા લેખક સ્ટીફન કિંગ માટે પ્રેરણાનું સ્થાન બની રહ્યું હતું.આ હોટેલ પરથી જ ધ શાઇનિંગ નામની નવલકથા લખાઇ હતી.જ્યારે તેઓ આ હોટેલની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે બાળકોનાં પ્રેત અને બોલરૂમ પાર્ટી જોઇ હતી જેમાં મહેમાન પ્રેત હતા.

આ હોટેલનું નિર્માણ ૧૯૦૯માં થયું હતું અને તે કોલારાડોની પ્રથમ હોટેલ હતી જે વિજળીથી સંચાલિત હતી.૧૯૧૧માં વાવાઝોડાને કારણે અહી વિજળી ગુલ થઇ હતી અને ત્યાં ગેસ લાઇટની વ્યવસ્થા કરાઇ હતી જો કે ગેસ લીકને કારણે ભયંકર વિસ્ફોટ થયો હતો.જેમાં એક મહિલાનો બચાવ થયો હતો જે રૂમ નંબર ૨૧૭માં રહેતી હતી અને તેના મોત બાદ તેનું ભૂત લોકોને દેખા દે છે.

યુરોપનાં સૌથી સુંદર શહેરોમાં પ્રાગની ગણતરી થાય છે જેના શિલ્પ અને સ્થાપત્ય મુલાકાતીઓને વશીભૂત કરી દે છે તેનો ઇતિહાસ પણ વૈભવશાળી છે પણ સાથોસાથ તે તેના ભૂતપ્રેતને કારણે પણ જાણીતું છે.તેનું સૌથી જાણીતુ પ્રેત એક વાળંદનો છે જે રાતે શેરીઓમાં ફરતું નજરે પડે છે.તેની પત્નીનાં અવસાન બાદ તેણે તેની માનસિક સ્થિરતા ગુમાવી દીધી હતી તે ત્યાં ફરનારા લોકોનાં ગળા કાપી નાંખતો હતો અને સૈનિકો પર જીવલેણ હુમલો કરતું હતું. ભીખ માંગતું હાડપિંજર પણ ત્યાનું જાણીતુ પ્રેત છે જે દારૂડિયા પાસેથી પૈસા માંગે છે.આ પ્રેત શેરીઓમાં ફરીને લોકો પાસેથી  ભીખ માંગે છે.

આયરલેન્ડનાં જાણીતા શહેરોમાં ડબ્લિનનું નામ આવે છે જેના ઘણાં સ્થળો રહસ્યમય છે.તેનુ કોનોલી સ્ટેશન પ્રેતોની હાજરીને કારણે કુખ્યાત છે તો તેની હેલફાયર ક્લબ પણ જાણીતુ સ્થળ છે જે આમ તો હોન્ટિંગ લોજ તરીકે જ ડિઝાઇન કરાઇ હતી.આ કલબની બહાર એક નાની કબર મળી આવી હતી જેમાં કોઇ ઠિંગુજીનાં અવશેષો મળ્યા હતા.

ગ્લાસનેવિન કબ્રસ્તાનની પાસે કાવાનાહ પબ આવેલું છેજેમાં એક વૃદ્ધ વ્યક્તિનું પ્રેત આવે છે જે ત્યાં ડ્રિંક લે છે અને ત્યારબાદ ગાયબ થઇ જાય છે.કહેવાય છે કે તે કબરો ખોદનાર હતો.સેન્ટ મિચેન્સ ચર્ચ પણ એક ડરામણું સ્થળ છે જ્યાં આઠસો વર્ષથી કેટલાક મૃતદેહોને જાળવી રખાયા છે અહી કોફિન્સ દરેક સ્થળે જોવા મળે છે અને ત્યાંના સ્ટેન્ડો પર મૃતદેહોનાં હાડકા વિચિત્ર રીતે લટકાવેલા જોવા મળે છે.મુલાકાતીઓને અહી સતત કોઇનાં ધીમા સાદ સંભળાય છે તો કેટલાકને ઠંડા હાથોનો સ્પર્શ પણ અનુભવાય છે.

જર્યોજિયાના સવાનાહ શહેરને આમ તો મૃતકોનું શહેર ગણવામાં આવે છે.આ શહેર યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને જે કબ્રસ્તાનમાં દફનાવાયા હતા તેના પર બાંધવામાં આવ્યું હતું.આ શહેરનાં અનેક સ્થળો ડરામણા હોવાનું કહેવાય છે.લુકાસ થિયેટર ૧૯૨૧માં ખોલવામાં આવ્યું હતું જે ૧૯૭૬માં ધ એકઝોર્સિસ્ટ ફિલ્મ બાદ બંધ કરાયું હતું.આ થિયેટર જો કે ૨૦૦૧માં ફરી ખુલ્લુ મુકાયું હતું.જો કે આ થિયેટરનું રિસ્ટોરેશન થતું હતું ત્યારે ત્યાં કામ કરનારા કામદારોને બહુ વિચિત્ર અને ડરામણા અનુભવ થયા હતા.ઘણાં લોકોને વિચિત્ર અવાજો સંભળાતા હતા અને કેટલાકનાં સાધનો રહસ્યમય રીતે ગુમ થઇ જતા હતા.ધ કોલોનિયલ પાર્ક કબ્રસ્તાન ૧૭૫૦માં બન્યુ હતુ જેની વુડુની વિધિઓ કરનારા નિયમિત મુલાકાત લેતા હોવાનું કહેવાય છે.અહી સાંજના સમયે આવનારા લોકોને ઘણાં ડરામણા અનુભવો થયાનું કહેવાય છે.

ઓહાયોનું એથેન્સ લ્યુનેટિક એસાયલમનું નિર્માણ આમ તો ૧૮૭૪માં થયું હતું જે રિડ્‌ઝ તરીકે પણ જાણીતું છે.અહી દાખલ થનારા દર્દીઓની સારવાર અત્યંત ઠંડા પાણીથી, વીજળીનાં ઝાટકાથી કરવામાં આવતી હતી આ ઉપરાંત અહી મગજની શલ્ય ચિકિત્સા પણ કરવામાં આવતી હતી.આ એસાયલમમાં આમ તો ઘરડા લોકોને અને વિદ્રોહી તરૂણોને રાખવામાં આવતા હતા.

આ એસાયલમમાં બે કબ્રસ્તાન છે જેમાં  ભૂતપ્રેતની હાજરી હોવાનું ચર્ચાતુ હતું.આ કબ્રસ્તાનનો ઉપયોગ ડાકણો પોતાની વિધિઓ માટે કરતી હોવાની ચર્ચા થતી હતી.આ સ્થળે એક માર્ગારેટ શિલિંગનું  ભૂત હોવાની વાત થાય છે જે અહીનો દર્દી હતો અને ૧૯૭૮માં ગુમ થઇ ગયો હતો અને તેનો મૃતદેહ મહિના બાદ મળ્યો હતો.તેનો મૃતદેહ મળ્યો ત્યાં તેના શરીરની આસપાસ લાઇન દોરવામાં આવી હતી.અહીથી મૃતદેહને હટાવ્યા બાદ પણ તેના નિશાન અહીંથી દુર થયા ન હતા.જો કે એથેન્સ માટે આટલા ડરામણા સ્થળ પુરતા ન હતા અહીની યુનિવર્સિટીની રચના પણ અહીનાં આદિવાસીઓનાં કબ્રસ્તાન પર બંધાઇ હતી જે ડરામણું સ્થળ છે તો માઉન્ટ નેબોનું નામ પણ ભૂતિયા શહેરોમાં સામેલ છે.

ઇટાલીનું રોમ આમ તો પ્રાચીન શહેરોમાં સામેલ છે જેનો ઇતિહાસ ગૌરવશાળી છે જો કે તે તેની ભૂતિયા સ્ટોરીને કારણે પણ એટલું જ કુખ્યાત છે.આ શહેર આમ તો મૃતકોની સાઇટ પર બંધાયેલુ છે અને અહી એવા ઘણાં કારનામા થયા હતા જે ખુબ જ ક્રુર હતા.

આ એ જ શહેર છે જ્યાં બીટ્રીક સેન્સીને મોતને ઘાટ ઉતારાયો હતો.તે માત્ર બાવીસ વર્ષનો હતો ત્યારે તેને તેના ક્રુર માતાપિતાની હત્યાની સજા રૂપે તેને કેદમાં રખાયો હતો અને તેને મોતની સજા કરાઇ હતી.તેનું પ્રેત સેન્ટ એન્જેલો બ્રીજ પર દર અગિયારમી સપ્ટેમ્બરે ફરતું જોવા મળે છે તેનું માથુ તેના હાથમાં જોવા મળે છે.આમ તો રોમમાં અનેક સ્થળો એવા છે જે ડરામણા છે પણ સૌથી વધારે ડરામઁણું કોઇ સ્થળ હોય તો તે છે કેપુડિનનું મ્યુઝીયમ.અહી ચારસો જેટલા સાધુઓનાં કંકાલ સાચવી રાખવામાં આવ્યા છે.એક સ્થળ તો હાથ અને પગનાં હાડકાથી જ બનાવાયેલુ છે અહીની દિવાલોમાં ખોપડીઓ લગાવાયેલી છે.અહી લખાયેલું છે કે અમે એ છીએ જે એક સમયે તમે હતા અને અમે એ છીએ જે તમે બનવાનાં છો.

પેરિસ ફ્રાંસનું પ્રાચીન શહેર છે જે તેના કબ્રસ્તાનો માટે જાણીતું છે.અહીનાં અનેક સ્થળો એવા છે જે ડરામણા છે.લા મ્યુઝી ડેસ વેમ્પાયર એવું સ્થળ છે જે વેમ્પાયર હંટરને સમર્પિત છે.રયુ ચેનોનિઝ એવું સ્થળ છે જ્યાં જેના પરથી સ્વીની ટોડની રચના થઇ હતી.તે અહીનો વાળંદ હતો તે લોકોને મોતને ઘાટ ઉતારતો હતો અને તેમનાં શરીરને રાંધીને તેની પેટિસ બનાવી લોકોને પિરસતો હતો.એફિલ ટાવર પર એક યુવતીનું પ્રેત જોવા મળે છે જેની હત્યા એ રાતે કરવામાં આવી હતી જ્યારે તે તેના પ્રેમીને પ્રપોઝ કરવાની હતી તેનો પ્રેમી તેને ઉપર લઇ જવા માંગતો હતો જો કે છોકરીએ તેનો ઇન્કાર કર્યો હતો પેલાએ તેને ત્યાંથી નીચે ધકેલી દેવાની ધમકી આપી પણ છોકરી માની નહી અને તેની વાત પર હસતી રહી હતી પેલા યુવકે તેને ત્યાંથી ધક્કો માર્યો હતો અને તે મોતને ઘાટ ઉતરી હતી કહેવાય છે કે તેના હાસ્યનો અવાજ આજે પણ લોકોને સંભળાય છે.તેની હાજરી પણ લોકોને સમયાંતરે વર્તાય છે.

સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ આમ તો લાંબો ક્રુર ઇતિહાસ ધરાવે છે.સાઉથ બ્રિજ વોલ્ટનું નિર્માણ અઢારમી સદીમાં કરાયુ હતું.આ જગા પર દારૂડિયાઓ અને મજુરી કરનારા લોકો રહેતા હતા જો કે ૧૯૭૫માં પુરમાં અનેક લોકો માર્યા ગયા હતા.આ સ્થળ ત્યારબાદ વેરાન બની ગયું હતું અને થોડા સમય બાદ આ જગા ગુનેગારોનો અડ્ડો બની ગઇ હતી અને આ જગા તેની ગુનાખોરી માટે કુખ્યાત થઇ ગઇ હતી.લોકો ત્યાં માર્યા ગયેલા લોકોનાં મૃતદેહો હોસ્પિટલોને વેચી દેતા હતા.ત્યારબાદ લોકોને આ સ્થળોએ ભૂતિયા અનુભવો થતા હતા.એડિનબર્ગ કિલ્લામાં કામ કરનારા લોકોને ઘણીવાર સંગીત સંભળાતું હતુ ક્યારેક કોઇનાં પગલાઓનો અવાજ સંભળાતો હતો.એક અન્ય સ્થળ પણ તેના ભૂતપ્રેતની હાજરી માટે કુખ્યાત બન્યુ છે તે છે ગ્રેફ્રેયર્સ કિર્કયાર્ડ જ્યાં ઘણી જાણીતી હસ્તીઓને દફનાવાઇ હતી.આ કબ્રસ્તાનની મુલાકાત લેનારા ઘણાં લોકોને તેમના શરીર પર ઉઝરડા અને વાગવાનાં નિશાન પડી જતા હોવાનો અનુભવ થાય છે.

ઇંગ્લેન્ડનું લંડન શહેર પણ તેની ભૂતિયા સ્ટોરીઓને કારણે જાણીતું છે.૧૯૦૭માં એક વ્યક્તિ લંડન વોલ પાસેથી પસાર થતો હતો ત્યારે દિવાલમાંથી એક હાથ બહાર આવ્યો હતો અને તેનો રસ્તો રોક્યો હતો.તે વ્યક્તિ આ જોઇને ખચકાયો હતો અને તેણે એ દિશામાં જોયું તો તેને જણાયુ કે એક વ્યક્તિ સીધો દિવાલમાં ચાલ્યો ગયો હતો અને ગાયબ થઇ ગયો હતો.હાઇગેટ વેમ્પાયર પણ અહીનું જાણીતું ભૂત છે.હાઇગેટ કબ્રસ્તાન આમ તો ૧૯૬૦માં વેરાન થઇ ગયું હતુ અને દાયકાઓ સુધી તે એવું જ રહ્યું હતુ.તેના સમયમાં એ સ્થળ બહુ ફેશનેબલ ગણાતું હતુ જો કે આ સ્થળ પણ તેના  ભૂતપ્રેતની હાજરીને કારણે ઘણું કુખ્યાત બન્યું હતું.આ સ્થળ હાઇગેટ વેમ્પાયરને કારણે જાણીતુ બન્યું છે.લુસિયાનાનું ન્યુ ઓર્લિયન્સ શહેર પણ મોસ્ટ હોન્ટેડ શહેરોમાં એક ગણાય છે.આ શહેરની રચના ૧૭૧૮માં થઇ હતી.આ શહેરમાં ઘણાં ભૂતિયા ઘરો છે જો કે તે ઘરો સામાન્ય ઘરોની તુલનાએ વધારે મોંઘા છે.આ શહેર વુડુને કારણે કુખ્યાત છે વુડુ ક્વીન મેરી લાવેઉને સેન્ટ લુઇસ સિમેન્ટ્રીમાં દફનાવાઇ હતી જે વિશ્વની મોસ્ટ હોન્ટેડ સિમેન્ટ્રી ગણાય છે.આ કબ્રસ્તાનમાં યલો ફિવરનાં મૃતકો દફનાવાયા હતા અને સિવિલ વોરમાં માર્યા ગયેલા સૈનિકોને પણ અહી જ દફનાવાયા હતા.ફ્રેન્ચ કવાર્ટરનાં સમયગાળા દરમિયાન મેડમ ડેલ્ફાઇન લાલૌરી અહી રહેતી હતી.આ ઘરને પણ મોસ્ટ હોન્ટેડ મનાય છે.આ ઘરનાં  ભોંયરામાં એક ટોર્ચર ચેમ્બર મળી હતી જયાં મેડમ લાલૌરી તેના શિકારને તડપાવતી હતી અને તેના ગુલામોને જીવતા જ કાપતી હતી તેમના પર પ્રયોગો કરતી હતી અને તેમના શરીરનાં અંગો કાપતી હતી આ માર્યા ગયેલા ગુલામોનાં આત્મા આ ઘરમાં પોતાની હાજરી દર્શાવતા રહે છે.યુનાઇટેડ આરબ અમીરાતનું એક ગામ અલ જઝીરા અલ હમારામાં ક્યારેય બહુ વસ્તી હતી આજે આ ગામ સુમસામ બની જવા પામ્યુ છે.૧૯૬૦ સાઉદી અરબ તેના ઓઇલ બૂમનાં કારણે વિખ્યાત બન્યુ હતું તે પહેલા આ ગામડુ ભારે વસ્તી ધરાવતુ હતુ. આ ગામડાએ પર્સિયન ઇમિગ્રાન્ટને પોતાની તરફ ખેંચ્યા હતા.આ ઉપરાંત પણ  પોર્ટુગીઝ વ્યપારીઓ, બ્રિટનનાં અધિકારીઓ અહી પહોંચ્યા હતા.આ ગામનો પુનર્વાસ ૧૮૩૧માં થયો હતો.બ્રિટીશ આંકડાઓ અનુસાર અલ જઝીરા અલ હમારામાં એક સમયે ચાર હજારની વસ્તી હતી.આ લોકો મોતીનો વ્યાપાર કરતા હતા.ત્યારબાદ ૧૯૬૮માં આ ગામમાંથી લોકોએ ઉચાળા ભર્યા હતા.આ ગામડુ ત્યારબાદ તેની ભૂતાવળને કારણે ખાસ્સુ કુખ્યાત બન્યુ હતું.કેટલાક માનતા હતા કે આ ગામડામાં જિન્નાતોનો વાસ છે.કથાઓ અનુસાર તેઓ રણમાં રહેતા હતા અને તેમને મનુષ્યનું માંસ ખુબ પસંદ હતું.સ્થાનિક હોરર ફિલ્મ નિર્માતા ફૈસલ હાસમીએ ત્યાં જવાનો નિર્ણય કર્યો હતો.જો કે ત્યાં વસતી આત્માઓએ પોતાનાં હાથનાં પંજા દર્શાવીને તેમને ચેતવ્યા હતા.જો કે આ ગામ હોન્ટેડ છે તે જાણકારી છતાં લોકો અહી રોમાંચ અને સાહસ માટે આંટો મારતા હોય છે.કેટલાક લોકો એ કહ્યું હતું કે અહી જિન્નાત વસતા હોવાની વાત માત્ર કપોલકલ્પના છે.જો કે કેટલાકે તો તેમણે જિન્નાત જોયા હોવાની વાત કરી હતી.

ઓમાન તેની સમૃદ્ધિને કારણે વિખ્યાત છે.આ દેશમાં આમ તો બહુમતિ મુસ્લિમોની છે.અહીનાં લોકો ખારિજીવાદને માને છે અને તેમનાં માટે ઇબાદી સ્કુલ એ શ્રદ્ધાનો વિષય છે.જ્યારે ખારિજીઓ ચરમ સીમાએ હતા ત્યારે તો તેમણે પોતાની વિચારસરણી માનવા લોકોને મજબૂર કર્યા હતા જે લોકો તેમનાં વિચારોનો સ્વીકાર કરે તેમને સ્વાગત મળતું હતું પણ જો કોઇ તેમનો અસ્વીકાર કરે તો તેને મોતની સજા આપવામાં પણ ખારિજીઓ અચકાતા ન હતા. આ ઓમાનમાં બાહલા નામે એક ગામ છે જેને કાળા જાદુની રાજધાની માનવામાં આવે છે.આ ગામમાં ડાકણો, જિન્નાતો અને જાદુગરો વસતા હોવાની કથાઓ પ્રચલિત છે આથી જ તેને મધ્યપુર્વનું સાલેમ પણ કહેવાય છે.આ ગામ પણ ખંડેરમાં ફેરવાઇ ચુક્યું છે.

આર્જેટીનામાં આવેલ સિન્કો સાલ્ટોને પણ ભૂતિયુ ગામ માનવામાં આવે છે.આ ગામ રીઓ નિગ્રો વિસ્તારમાં આવેલુ છે અને આ ગામ એવી જગાએ છે જ્યાં સુર્યનાં કિરણો પણ પહોંચતા નથી આથી જ આ ગામને ડાકણોનું ગામ માનવામાં આવે છે.આ ગામમાં આવેલ વિશાળ કબ્રસ્તાન અંગે તો અનેક કથાઓ પ્રચલિત છે.એક કથાનુસાર આ કબ્રસ્તાનનું રિનોવેશન ચાલતું હતુ ત્યારે કામદારોને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બાળકીની કબર સિત્તેર વર્ષ જુની હતી.આ છોકરીની ઉંમર જો કે બારેક વર્ષની જણાતી હતી અને તેના મૃતદેહને જાળવી રાખવામાં આવ્યો હતો.આ છોકરીનો મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું કારણકે તેના પર સાંકળો વિંટાયેલી હતી.અહીનાં નિવાસીઓ માને છે કે આ મૃતદેહનો ઉપયોગ કાળા જાદુ માટે કરાયો હતો.કેટલાકે તો આ કબ્રસ્તાની આસપાસ તે છોકરીનો આત્મા જોયો હોવાની પણ વાત કરી હતી.આ ગામમાં આવેલ પેલેગ્રિની સરોવર અંગે પણ ઘણી કથાઓ પ્રચલિત છે.એક સમયે ડાકણો અહી બાળકોની બલિ ચઢાવતી હતી.કેટલાકે આ વિસ્તારમાં બાળકોની ચીસો સંભળાયાની વાત કરી હતી પણ જ્યારે આ ચીસની દિશામાં તપાસ કરાય છે તો કશું જ મળતું નથી.

ઓગણીસમી સદીમાં રાજસ્થાનનું કુલધરા ખાસ્સી વસ્તી ધરાવતું ગામ હતું પણ એકાએક આ ગામનાં લોકોએ ગામ છોડી દીધુ હતું અને તેઓ ક્યારેય પાછા ફર્યા ન હતા આજે આ ગામ પણ વેરાન હાલતમાં ઉભું છે.આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થવા પાછળ એક કથા છે જે અનુસાર આ ગામનાં રાજાની છોકરી બહુ સુંદર હતી અને તેનું સૌંદર્ય જોઇને જેસલમેરનાં મંત્રી મોહિત થઇ ગયા હતા.તે યુવતી તેને વશ ન થતાં તેનો ગુસ્સો મંત્રીએ ગામને ખેદાન મેદાન કરી નાંખ્યું હતું.જો કે આ કથા સાચી છે કે નહી તેના વિશે કોઇ પુરાવા મળ્યા નથી પણ એ હકીકત છે કે કુલધરા આજે પણ ભારતનું સૌથી હોન્ટેડ સ્થળ છે.૨૦૧૩માં દિલ્હીની પેરાનોર્મલ સોસાયટીએ અહીંની કથાઓની સચ્ચાઇ જાણવા માટે તપાસ આદરી હતી તેમણે બાર કલાક સુધી શોધ કરી હતી અને તેમને કેટલાક પુરાવા મળ્યા હતા.તેઓએ કેટલાક અવાજ રેકોર્ડ ક્યા હતા અને તેમને જણાયું હતું કે આ વિસ્તારમાં કેટલાક સ્થળે તાપમાન બહુ ઘટી જાય છે.તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓ આ વિસ્તારમાં રહ્યાં હતા એક પડછાયાએ તેમનો પીછો છોડ્યો ન હતો.આ વિસ્તારમાં ૧૯૯૮માં બે ગોરા પ્રવાસીઓ આવ્યા હતા અને તેમણે કેટલાક ઘરોમાં ખોદકામ કર્યુ હતું જ્યાંથી તેમને સોના ચાંદીનાં સિક્કા મળી આવ્યા હતા.જો કે તેનો ઉપયોગ કરવા તેઓ જીવતા રહ્યાં ન હતાં પોલીસને સિક્કા અને તેમનાં મૃતદેહ મળી આવ્યા હતા.

રશિયન રિપબ્લિકનાં ઉત્તર ઓસ્સેટીયા અલાનિયામાં એક ગામ છે જેનું નામ દર્ગાવ્સ છે જેને લોકો મૃતકોનું શહેર માને છે.મધ્યગાળાનાં સમયમાં ઓસ્સેટીયાન સમુદાય અહી વસવાટ કરતો હતો જેમણે પોતાનાં પ્રિયજનોને દફનાવવા માટે ઘર જેવી કબરો બનાવી હતી.આમ તો આ ગામ અન્ય ગામડાઓ જેવું જ છે પણ અહીનાં મકાનોમાં હાડકાઓ મળે છે.આ વિસ્તારમાં આવા સો જેટલા મકાનો છે.આ મકાનોમાં નાવડીઓનાં અવશેષ મળી આવ્યા છે જે આશ્ચર્યજનક છે કારણકે આ ગામ પર્વતોની ટોચનાં વિસ્તારમાં વસેલુ છે અને પાસે કે દુર કોઇ નદી પણ નથી.જો કે આ વિસ્તારનાં લોકો માને છે કે મૃત્યુ બાદ સ્ટીક્સને પાર કરવાની છે અને તે પાર કરવા માટે નાવડીની જરૂરત પડશે.આ વિસ્તારમાં આવેલ કબરોની મુલાકાત લેનાર જીવતો પાછો આવતો નથી એવી પણ માન્યતા છે.આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે અને તે કારણે પણ તે ગામ ભૂતિયું લાગે છે.

તેરમી સદીમાં એરોગોન્સનાં ભદ્ર લોકો ટ્રેસમોઝ કેસલમાં રહેતા હતા.જો કે આ લોકો ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા.આ વિસ્તાર મોનેકેયો પર્વતમાળામાં આવેલ છે જેમાં એક ગામ ટ્રાસ્મેઝ હતું જે ડાકણો અને ચુડેલોનું ગામ હોવાની કથાઓ પ્રચલિત છે.આ ગામમાં ખ્રિસ્તીઓ, યહુદીઓ અને મુસ્લિમોની મિશ્ર વસ્તી છે.આ ગામની પાસે આવેલ લોખંડ અને ચાંદીની ખાણોમાંથી ચીસોનો અવાજ આવતો હોવાનું ઘણાં સ્થાનિકો માને છે.રોમન કેથોલિક ચર્ચ જો કે ડરતું ન હતું તેઓની ફરિયાદ હતી કે અહીનાં ચર્ચો તેમને કર આપતા નથી.ત્યારબાદ મહારાજ ફર્નિનાંડનો ગુસ્સો પણ આ ગામ પર ઉતર્યો હતો.આજે તો આ ગામમાં માત્ર બાંસઠ લોકો રહે છે પણ આ ગામને ચુડેલોનાં ગામ તરીકે આજે પણ કુખ્યાતિ સાંપડેલી છે.

રોહડ આઇલેન્ડનાં બે વેલ્સ પરિવારનાં સભ્યોએ બારાહેકની સ્થાપના ૧૭૮૦માં કરી હતી.જો કે આ ગામ ૧૮૯૦માં જ ખાલી થઇ ગયું હતું.આ ગામ ઉત્તર પુર્વ કનેક્ટિકટમાં આવેલું છે જેને ક્વાઇટ કોર્નર તરીકે પણ ઓળખ મળેલી છે.આ વિસ્તારમાં આજે તો કેટલાક ખંડેરો સિવાય બીજુ કશું જ નથી.આ ગામનું કબ્રસ્તાન પણ ચર્ચાઓમાં સ્થાન પામેલુ છે.આ વિસ્તારને ભૂતિયા અવાજોનું ગામ પણ કહેવાય છે.આ વિસ્તારમાં આવતા અનેક પર્યટકોએ અહી લોકોની ચીસોનો અવાજ સાંભળ્યો છે.માત્ર માણસો જ નહી પણ ઘોડા, કુતરા અને ભૂંડોનો પણ અવાજ લોકોએ સાંભળ્યો હોવાની વાત પ્રચલિત છે.બારાહેકનાં કબ્રસ્તાનમાં પેરાનોર્મલ સંશોધક પોલ ઇનોને પણ ચહેરા જોવા મળ્યાનો દાવો કરાય છે.

એક સમયે ઇસ્ટ એન્ગલિયાનાં કેન્યુડોનને ઇંગ્લેન્ડની વીચ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવતી હતી.ઓગણીસમી સદીમાં જેમ્સ મુરેલે આ ગામને અમરત્વ ધરાવતી ડાકણોનો વિસ્તાર જાહેર કર્યો હતો.કેટલાક કહે છે કે અહી આવેલ સેન્ટ નિકોલસ ચર્ચમાંથી કોઇ પત્થર નીચે પડે તો આ ગામની એક ડાકણ મરે છે જેનું સ્થાન લેવા બીજી આવી જાય છે.એવું કહેવાય છે કે સેન્ટ નિકોલસ ચર્ચની કોઇ કબર પાસે ચક્કર મારવામાં આવે તો શેતાન દેખાય છે.કેટલાક કહે છે કે શેતાન નહી પણ ભૂતો અને ડાકણો દેખા દે છે.આથી જ હેલોવિનનાં દિવસે કોઇને પણ આ કબ્રસ્તાનમાં જવા દેવામાં આવતા નથી.સોળમી અને સત્તરમી સદીમાં આ વિસ્તારમાં ઘણાં વીચ ટ્રાયલ્સ ચલાવવામાં આવ્યા હતા અને  ઘણાંને મોતને ઘાટ ઉતારાયા હતા.અહીની ડાકણો કાળી બિલાડી નહી પણ સફેદ ઉંદરનો ઉપયોગ કરતી હોવાનું કહેવાય છે.વીસમી સદીમાં પ્રખ્યાત જાદુગર જર્યોજ પિકિંગન્ગલે પણ અહી કેટલાક વિધિ વિધાનો કર્યા હોવાનું કહેવાય છે.તે શેતાનનો પુજારી હોવાની વાત પણ જાણીતી છે.કોલંબિયાનાં યારૂમલને એક અજબ શ્રાપ મળ્યો છે અહીનાં નિવાસીઓમાં મોટાભાગનાને પચાસની આસપાસની વયે અલ્જાઇમરનો રોગ લાગુ પડે છે.સત્તરમી સદીમાં સ્પેનિશો અહી પહોચ્યા હતા જેમનાં ડીએનએ અહીનાં લોકોમા જોવા મળે છે અને તેઓ આ રોગને પણ સાથે લાવ્યાનું મનાય છે.

રાજસ્થાનનું અન્ય એક ગામ ભાણગઢ પણ હોન્ટેડ વિસ્તારોમાં સ્થાન પામે છે.૧૫૭૩માં આ ગામની સ્થાપના થઇ હતી.જો કેે મુગલો નબળા પડ્યા બાદ જનરલ જયસિંહ બીજાએ આ રાજ્યને પોતાના રાજ્ય અજબગઢમાં ભેળવી દીધુ હતું.જો કે તેના સોવર્ષમાં જ આ ગામમાંથી લોકોએ ઉચાળા ભર્યા હતા.આ ગામ માટે એ કથા પ્રચલિત છે કે અહીની રાજકુમારી ખુબ જ સુંદર હતી અને એક કાળોજાદુ કરતા જાદુગરને તે ગમી ગઇ હતી અને તેને પોતાના વશમાં લાવવા માટે તેણે એક પીણુ તૈયાર કર્યુ હતું જો કે રાજકુમારીએ એ પીણુ પીધુ ન હતું અને તેને નીચે ફેંકી દીધુ હતું જે એક મોટા પત્થર પર પડ્યુ અને એ પત્થરે પેલા જાદુગરને કચડી નાંખ્યો હતો. મરતા પહેલા પેલા જાદુગરે શ્રાપ આપ્યો હતો કે આ શહેરમાં ક્યારેય કોઇ લાંબો સમય સુધી રહી શકશે નહી.આ શહેર હોન્ટેડ છે અને પુરાતત્વવિભાગે પણ શહેરની બહાર બોર્ડ માર્યુ છે કે રાતનાં સમયે આ વિસ્તારમાં કોઇએ પ્રવેશ કરવો નહી.આ વિસ્તાર માટે પણ એ વાત કુખ્યાત છે કે અહી રાત્રે જનાર કોઇ સવારે જીવતું પાછુ આવતું નથી.જો કે તેમ છતાં આ સ્થળને જોવા હજ્જારો પ્રવાસીઓ દર વર્ષે અહી આવે છે.