ભવિષ્યનાં ઉંબરે Hiral Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભવિષ્યનાં ઉંબરે

ઇ-મેઇલ વાંચતાજ મારી ખુશીની સીમાઓ ન રહી. મેં ઉત્સાહિત થઈને પૂછ્યું,
"કિનારે બેઠા બેઠા અનિમેષ નજરે ક્ષિતિજને જોયા કરવું કોને ન ગમે?
દરિયાનાં મોજાની વાછટમાં થોડું પલળવું કોને ન ગમે?
પવનની લેહરખીથી લહેરાતા વાળમાં આંગળીઓનું ગૂંચવાવું કોને ન ગમે?
માણસોની વચ્ચે રહીને પણ સ્વયંમાં ખોવાઈ જવું કોને ન ગમે?
દરિયા કિનારે જવું કોને ન ગમે?!
વેદ, તને પણ ક્યારે શું આવા વિચારો આવ્યા છે...?"

વેદ: "નથી આવ્યા! મેં તો ફક્ત પશ્ચિમી સમુદ્રીતટ પરના સૂર્યાસ્તના તારા અનુભવો સાંભળ્યા છે."

મારા રૂમની બારીમાંથી બહાર દેખાતી દુનિયા તરફ મેં એક આશાભરી મીટ માંડી. મારી ટીમ ના 'વર્ચ્યુઅલ ટ્રાવેલ પ્રોજેક્ટ' હેઠળ આ પહેલી વખત કોઈ પ્રવાસ ખેડવાનો મારો વારો આવ્યો હતો. સમુદ્રના વિચારથીજ હું અડધી ભીંજાઈ ગઈ હતી! ઘણા સમયથી કશે પ્રત્યક્ષ જવાયું નથી, તો સમુદ્રકિનારે જવાનો લ્હાવો કેવી રીતે છોડાય! મારા ટેબલ પર બિરાજમાન થયેલા સુપર કોમ્પ્યુટરમાં દક્ષિણ ભારતના નકશા પર મેં ઝૂમ કર્યું... યસ...! પુડુચેરી(પોન્ડીચેરી)!

વેદ: "મારા રિસર્ચ પ્રમાણે ચેન્નઈ એરપોર્ટથી પુડુચેરી જવા ડાયરેક્ટ ટેક્સી કરી શકે છે. બીજા સસ્તા પર્યાયમાં એરપોર્ટની બહારથી મેટ્રો પકડી શકે છે અથવા ચેન્નઈ રેલ્વે સ્ટેશનથી સ્થાનિક રેલ્વે સ્ટેશન પેરુંગલાથુર જઈ તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પકડી લેજે."

"થેન્ક્સ વેદ, બસ હોટેલ બુકિંગનું જોઈ લે" અડધો પ્લાન રેડી થતા હું તો દિવાસ્વપ્ન જોવા લાગી હતી.

***
બે અઠવાડિયા પછી મેં પુડુચેરીની ધરતી પર પગ મૂક્યો. પુડુચેરી એક શાંત પણ મોહક એવું નાનું શહેર જણાયું.
"વેદ તને ખબર છે? પોર્ટુગીઝ લોકો ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પુડુચેરી આવ્યા હતા. એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજ કરતા રહ્યા."

વેદ: "અનાહિતા! હું AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) છું. મારી પાસે આ બધી માહિતી ફોટાઓ સહિત છે. મારુ કામ યાત્રા સ્થળ પર થતા આપણી ટીમ મેમ્બરનાં દરેક અનુભવો નોંધવાનું છે, જેના થકી આપણાં વર્ચ્યુઅલ ટ્રાવેલ એપના યુઝર ને પ્રવાસનો વાસ્તવિક અનુભવ કરાવી શકશું."

હું થોડુ ચિડાઈ, "વધારે વાયડો ના થા, વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ ડેવલપર (VED)! મેં જ તને બનાવ્યો છે! આપણું આ પ્રાથમિક ટ્રાયલ બરોબર થયું તો મગજમાં ઝરતા અંત:સ્રાવના (hormones) વધ-ઘટ થકી કોઈ સ્થળ પર અમને થતો અનુભવ તું નોંધી શકીશ અને પછી એવું સોફ્ટવેર બનાવશું કે યુઝર જ્યારે VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ડિવાઇસ થકી આપણો વર્ચ્યુઅલ ટ્રાવેલ એપ વાપરશે તો પ્રવાસનો તેને વધારે વાસ્તવિક અને તલ્લીન કરી દેતો અનુભવ મળશે!"

સાથે ઝંખવાઈ ને મેં આગળ ઉમેર્યું "નવી જગ્યા વિશે જાણકારી મળતા ઉમળકામાં મારાથી પુડુચેરીનો ઈતિહાસ બોલાઈ ગયો."

હેન્ડબેગ માંથી નેનો ચિપ નીકાળી ડોક પર ચિપકાવી મેં સ્વયંને કહ્યું, 'ઓલરાઇટ! પ્રવાસનો પહેલો દિવસ - ૧૨ નવેમ્બર ૨૦૪૦' આ નેનો ચિપનું કામ મારા મગજમાં થતી ગતિવિધિઓની નોંધ લેવાનું છે. આ ચિપ થકી વેદ જાણી શકશે કે કોઈ સ્થળ મારા પર કેવો પ્રભાવ છોડી રહ્યું છે. હવે યોજના પ્રમાણે આખો દિવસ મારે શહેરમાં ભમવાનું હતું અને સંધ્યાકાળ મેં સમુદ્રકિનારાઓ માટે ફાળવી હતી...
પહેલા દિવસની શરૂઆત મેં ગણપતિ મંદિર (શ્રી મનાકુલા વિનયગર મંદિર) થી કરી. ત્યાં દ્વાર પર લક્ષ્મી નામની હાથણી હતી, જેણે રૂપિયાના સિક્કાની સામે મને માથા પર પોતાના સૂંઢથી આશીર્વાદ આપ્યા. મંદિર ઘણું કલાત્મક હતું. થોડી વાર પરિસરમાં લટાર મારી પછી બહાર નીકળી હું આગળ ચાલવા લાગી. ફ્રેન્ચ લોકો જ્યારે વ્યાપાર માટે પુડુચેરી આવ્યા હતા ત્યારે અહીંના સમુદ્રકિનારાથી એટલા તો પ્રભાવિત થયા હતા કે એમણે અહીં ફ્રેન્ચ કોલોની બનાવી હતી. અહીંની કેડીઓમાં સેર સપાટો કરતા મારા સ્મૃતિમાં અંગ્રેજી ફિલ્મોમાં જોયેલા લાઈટ હાઉસના દ્રશ્યો તાજા થઈ ગયા. હું રોમાંચિત થઈ, વાયરલેસ ઇયરપીસ ઓન કરી બોલી ઉઠી "દરિયો હોય અને લાઈટ હાઉસ ના હોય એવું તો ના જ બને, વેદ!"

વેદ: "પુડુચેરીમાં બે લાઈટ હાઉસ છે. એક જે એકદમ જુનું થઈ જતા ત્યાં હવે અંદર જવા મળતું નથી અને બીજું જે ૧૯૭૯ માં બંધાયું છે."
"વેદ, યાર આ બીજું લાઈટ હાઉસ તો ૧૫૭ ફીટ ઊંચું છે અને ઉપર જવા અહીં લિફ્ટ પણ નથી!"
છતાય હું પગને થોડો કષ્ટ આપી ઉપર ચઢી ગઈ. ઉપરથી દરિયાનો નજારો ઘણો સોહામણો હતો. ફિરોઝી વાદળી રંગની એ ઉછળ-કૂદ પર ક્યાંક ચમકતી સોનેરી સૂરજની કિરણો પડતા થતો આભાસ! દૂર દૂર કીડી જેવી દેખાતી હોડીઓ! ફોનમાં રહેલા પેનોરમા ફોલ્ડરની શોભા વધારવા મેં થોડા ફોટા પાડયા અને લાઈટ હાઉસથી નીકળી હું પ્રોમોનેડ તરફ આગળ વધી. પ્રોમોનેડ મુંબઈના મરીન ડ્રાઈવ જેવું છે જે રોક બીચને અડીને છે. હું પ્રોમોનેડ પર જઈ ઊભી રહી.. સામે હતો અફાટ દરિયો! એની શું વાત કરું? એનો ઘૂઘવતો અવાજ મારી આત્મા સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો. એનું પાણી મને બાથ ભરવા ઉત્સાહમાં ફલાંગ ભરતું કિનારે દોડી આવતું હતું. તેનાં ઊછળતા મોજાં મારા હૃદયનાં ધબકારા સાથે રમત રમી રહ્યા હતા. રેતીમાં ખૂંપેલી પગની આંગળીઓને થતો ભીનો સ્પર્શ...દરિયાની વિશાળતા સામે મારા પ્રોબ્લેમ્સ મને નાના લાગી રહ્યા હતા!
"વેદ, માણસની અંદર પણ એક દરિયોજ તો છે, ભાવનાઓનો દરિયો! હોઈ શકે કદાચ એથી જ ઘણા લોકો દરિયા સાથે આટલી આત્મીયતા અનુભવે છે?!"
વેદ: "હોઈ શકે!"
મને તેના જવાબથી સંતોષ ન મળ્યો પણ તેનાથી બીજી ઉમ્મીદ પણ શું રાખી શકાય! તેને થોડા આ ભાવો સમજાવાના છે?...

બીજા દિવસે મારુ આયોજન ફ્રેન્ચ/વ્હાઈટ ટાઉનમાં લટાર મારવાનું હતું. અહીંનું રંગીન બાંધકામ મારા મનને સંમોહિત કરી રહ્યું હતું. દ્વિભાષીય બોર્ડસ, સફેદ પોશાકમાં ફરતી પોલીસ, ઘરોની ભીંત પર લાગેલા સ્ટ્રીટ લાઈટનાં લેમ્પ, રંગબેરંગી દરવાજાઓ એકદમ આકર્ષક ચિત્ર ઉભું કરી રહ્યા હતા. એક આખો દિવસ તો ત્યાંની શેરીઓમાં આવેલા કેફે, મ્યુઝિયમ અને ભવ્ય ચર્ચ જોવામાં ક્યાં નીકળી ગયો ખબર પણ ન પડી. અહીં શાંતિથી વેકેશન માણવા આવવાવાળા લોકો કેટલા ભાગ્યશાળી કહેવાય! મને ત્યારે સમજાયું કે લાઈફ જીવવાના નામે આપણે પોતાને કેટલા વ્યસ્ત કરી દીધા છે, ફક્ત દેખાડા માટે જીવી રહ્યા છીએ! કામ સિવાય ઘરની બહાર નીકળતા નથી. એક્સરસાઇઝ હોય કે મૂવી જોવી હોય, બધું ઘરે જ કરીએ છીએ. ચાલતા ચાલતા આવા વિવિધ વિચારો કરતા હવે મને ભૂખ લાગી હતી.
"વેદ, ગળ્યું ખાવાનું મન થાય છે. કંઈ સૂચવ ને!"
વેદના માહિતી અનુસાર હું ઓરોવિલ બેકરી તરફ આગળ વધી. આ બેકરી અહીંના સૌથી જૂના અને પ્રચલિત ખાવાના સ્થળોમાંની એક છે. બેકરીની નજીક પહોંચતા જ મારા નાકમાં વહીને આવતી સ્વીટ બ્રેડની સુવાસ મને બમણી ગતિએ તેના દરવાજા તરફ લઈ ગઈ. પ્રવેશતાજ મારી આંખોમાં ચમક આવી ગઈ. અહીં બ્રેડ, પેસ્ટ્રી, કૂકીઝ, બ્રાઉની અને ક્રોસન્ટની વિવિધ વેરાયટી જોવા મળી.
"વેદ, ડાર્ક ચોકલેટ બ્રાઉની કેટલી લાજવાબ છે શું કહું?...મને તો લાગી રહ્યું છે, મારું પેટ મારા ઓવારણાં લેતું હશે!"
વેદ: "હા અનાહિતા, હું જોઈ શકું છું સૂર્યપ્રકાશમાં ચાલવાથી તારા મગજમાં સીરોટોનીન હોર્મોન્સ રિલીઝ થયા છે. તું રિલેક્સ છે! ડાર્ક ચોકલેટ તારા મગજમાં એન્ડ્રોફિન્સ નો સ્ત્રાવ કરી રહ્યું છે અને સવારથી મોટા પ્રમાણમાં થઈ રહેલો ડોપામાઈન હોર્મોન્સનો સ્ત્રાવ તારા ખુશીની ચાડી ખાઈ રહ્યો છે!"

"યાર...દરરોજ આપણી આવીજ બધી વાતો થાય છે! અહીં તો કંઈ નવું બોલ?!" વેદની ટેક્નિકલ વાતો પર દુર્લક્ષ કરી હું ખાવામાં તલ્લીન થઈ ગઈ...

***
ત્રીજા દિવસે હું એક રસ્તા સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામે એક આશ્રમમાંથી થોડા લોકો મને બહાર આવતા દેખાયા. તેમના મુખ પરનાં શાંતી અને સઁતોષના ભાવ મને તે આશ્રમ તરફ વળવા મજબૂર કરી ગયા. તે સ્થળ હતું શ્રી અરવિંદ આશ્રમ. અંદર જતા પહેલા મને એક બોર્ડ નજરે ચડ્યું જેમાં લખ્યું હતું, "મોબાઈલ બંધ રાખવો અને મૌન રાખવું"
"વેદ, જરા શ્રી અરવિંદ આશ્રમની માહિતી આપને"
વેદ: "શ્રી અરવિંદ ભારતના આધ્યાત્મિક રાષ્ટ્રવાદના વાહક ગણાતા હતા. રાજનીતિમાંથી સંન્યાસ લીધા બાદ પુડુચેરીમાં યોગનો અભ્યાસ કરવા આવ્યા અને પછી અહીંજ રહી એમણે આ આશ્રમની સ્થાપના કરી."
વેદને થેન્ક્સ કહી મેં વાયરલેસ ઇયરપીસ ઓફ કર્યો અને મોબાઈલ બંધ કરી બન્ને વસ્તુઓ બેગમાં મૂકી.

પોન્ડીચેરીમાં વસેલા આ આશ્રમનાં દરવાજાની અંદર પ્રવેશતા જ ત્યાંનો ચેતનાથી સંપન્ન માહોલ મને સ્પર્શી ગયો. ત્યાં શ્રી અરવિંદની સમાધિ હતી અને તેમનાં શિષ્યો માટે રહેવા અને સાધના કરવા માટે એક મકાન હતું. અહીં એક પુસ્તકાલય પણ હતું જ્યાં આધ્યાત્મિક પુસ્તકો વેચાણ માટે રાખવામાં આવ્યા હતા. આશ્રમ નાનો હોવા છતાં ઠેરઠેર રંગીન ફૂલો અને વૃક્ષોને કારણે બહારની દુનિયાથી અલિપ્ત હતો. પંખીઓનો કલરવ, ખિસકોલીઓની મુક્તપણે દોડાદોડ... જાણે આ આશ્રમ અલગજ વિશ્વમાં જીવી રહ્યો હોય એવી અનુભૂતિ કરાવી રહ્યો હતો. શરીરના કણકણમાં આ સ્થળ પોતાની છાપ છોડી રહ્યું હતું. શું શાંતિ મારી આટલી સમીપ હોઈ શકે? હું મેડિટેશન કરવા ત્યાં અડધો કલાક બેઠી.
હું ત્યાંથી નીકળી ત્યારે મારી અંદર કંઈક બદલાયું હતું! હું રોકબીચ તરફ આગળ વધી...કિનારે ઉભા ઉભા હું દૂર દેખાતી એક હોડી ને અપલક નજરે જોઈ રહી હતી ત્યારે અચાનક મારી ડોકમાં લગાડેલી ચિપમાંથી મને એક નાનો કરન્ટ લાગ્યો...રઘવાટમાં હું બોલી ઉઠી, "અ..રે.. મોબાઈલ ક્યાં છે!!!"
બેગમાંથી મોબાઈલ કાઢી વાયરલેસ ઇયરપીસ કાનમાં લગાવી ઓન કર્યો.
"આ શું હતું...વેદ!?" ડોક આમતેમ ઘુમાવી થોડા સ્વસ્થ થતા મેં પૂછ્યું.
વેદ: "સોરી અનાહિતા...તારો ફોન ઘણા સમય સુધી બંધ હતો માટે ચિપમાંથી એલર્ટ કરવું પડ્યું!"

એક ઊંડો શ્વાસ લઈ મેં પૂછ્યું, "લોકો ટેકનોલોજી પર આટલા અવલંબિત ક્યારથી થઈ ગયા વેદ! જે અનુભવ પ્રત્યક્ષ કરવાના હોય તે આ વર્ચ્યુઅલ રિયાલિટીના હેડસેટમાં કેવી રીતે કરશે???"

વેદ: "ટેકનોલોજીની શું તને જાણ નથી?! VR ટુરિઝમ ૨૦૨૦ની પહેલા જ આવી ગયું હતું. ઑમ્નીડિરેકશનલ(૩૬૦°ફરતા) કેમેરાથી કોઈપણ સ્થળના બધા ખૂણાઓનો વિડિઓ લઈ એક સાથે જોડી દેવામાં આવતા હતા અને VR હેડસેટમાં તમે તે સ્થળ માણી શકતા હતા.. ત્યારે ટેકનોલોજી મોંઘી હતી. પણ હવે જેમ પહેલા બધા પાસે સ્માર્ટફોન હતા તેમ VR હેડસેટ આવી ગયા છે. આપણા કંપનીના સેટેલાઈટ દ્વારા કનેક્ટેડ કેમેરાથી દરરોજ બધા સ્થળોની લાઈવ ફૂટેજ મળે છે. કોઈ સ્થળ પર થતા અનુભવના કારણે માણસના મગજમાં થતા ફેરફાર સમજી શકીએ તો યુઝરની પસંદગી અનુસાર પ્રવાસ સ્થળના પર્યાય આપી શકીએ... શું આ અદ્દભુત નથી? પ્રેક્ટિકલી વિચાર! આજે ૨૦૪૦ માં લોકો પાસે પૈસા છે પણ સમય નથી! ઘરેબેઠા બધાને દુનિયા જોવી છે, તો VR પ્રવાસના અનુભવ ને હજું વધારે વાસ્તવિક કેમ ન બનાવીએ?..."

હું ભાવનાત્મક થઈ બોલી ઉઠી, "આ દરિયાના પાણી ને જો, તે હંમેશા વહ્યા જ કરે છે. પણ સાથે-સાથે કિનારાને ભેટવાની તક તે છોડતું નથી. તો યાર, અમે પણ કહેવાતી વ્યસ્ત લાઈફમાંથી સમય કાઢી નિતાંત દરિયા કિનારે સમુદ્રમય થઈ જવા કેમ ન નીકળી શકીએ?! તું ફક્ત મગજ વાંચતા શીખ્યો છે, તું આ અનુભવ ક્યાં કરી શકે છે? શું તારી ટેકનોલોજી મારા મનમાં જે ચાલી રહ્યું છે એ સમજી શકે છે???"

વેદ: "થોડા વર્ષોમાં AI એટલું એડવાન્સ થઈ પણ જાય! હમણાં અમે કોમ્પ્યુટરસ તમારા માટે કામ કરીએ છીએ, શક્ય છે કે થોડા વર્ષો પછી તમે માનવીઓ અમારા માટે કામ કરતા હોવ!?"
આ વાત પર દલીલબાજી કરવાનો કોઈ અર્થ ન હતો. મેં વાયરલેસ ઇયરપીસ સ્વીચ ઓફ કર્યું અને હોટેલ તરફ આગળ વધતા મનમાં વિચાર્યું... 'આઈ હોપ, વેદ જે બોલ્યો એવું ક્યારેય ન થાય!!!'

આ વિચાર સાંભળી વેદે એક રહસ્યમય સ્મિત કર્યું...