હેકર્સ ઇ-મેઇલ એકાઉન્ટ હેક કરી અંગત માહિતી અને નાણાકીય વિગતોની ચોરી કરે છે
ઇ-મેઇલ આઈડી હેક કરવા એઆઈનો ઉપયોગ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ઈ-મેઈલ આઈડી હેક કરવું આસાન
જેમ જેમ વિશ્વ ડિજિટલ ટેકનોલોજી તરફ વળી રહ્યું છે તેમ તેમ ડિજિટલ ફ્રોડની સંખ્યા પણ વધી રહી છે. જેમાં પણ હવે, ઇ-મેઇલ હેક કરવા માટે હેકર્સ દ્વારા ખાસ બોટ બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ જી-મેઇલ વિશ્વનું સૌથી લોકપ્રિય ઇ-મેઇલ પ્લેટફોર્મ છે. વિશ્વભરમાં ૧ લાખ કરોડથી વધારે ઇ-મેઇલ યુઝર છે. જેમાંથી ૧૮ ટકા હિસ્સો જી-મેઇલનો છે.
આજના યુગમાં દરેક સ્માર્ટફોનમાં જી-મેઇલ એકાઉન્ટ સાથે લિંક હોય છે. એટલું જ નહીં, ફોનમાં રહેલા યુઝર કોન્ટેક્ટ્સથી લઇ અનેક એપ્લિકેશનમાં લોગઈન પણ જી-મેઇલથી જ થતું હોય છે. એન્ડ્રોઇડ ફોન હોય કે ગૂગલ ફોન તમામ સીધા જ જી-મેઇલ સાથે લિંક હોય છે. જેથી પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય કે પછી કોઇ ફોર્મ ભરવાનું હોય બધામાં જ જી-મેઇલનો ઉપયોગ થાય છે. જેથી હેકર્સ હવે, યુઝરના જી-મેઇલને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાના કિસ્સા પણ બની રહ્યા છે. જે માટે હેકર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લઈ રહ્યા છે. ત્યારે જી-મેઇલની સુરક્ષા યુઝર્સ માટે ખુબ જ મહત્વની બની જાય છે.
ઈ-મેઇલ એકાઉન્ટ કેવી રીતે હેક થઈ શકે?
હેકર્સ કે પછી સાયબર માફિયાઓ ઈ-મેઇલ હેક કરવા માટે જુદી જુદી રીતો અપનાવે છે. જે માટે હેકર્સ મોટા ભાગે દરેક વખત નવી પેટર્ન ફોલો કરતાં હોય છે. જેમાં સૌથી વધુ ફિશિંગ મેલ્સ અથવા મેસેજ પેર્ટનનો ઉપયોગ થતો હોય છે. હેકર્સ ઈ-મેઇલ એકાઉન્ટ હેક કરવા માટે ફિશિંગ ઈ-મેઇલ અથવા મેસેજનો ઉપયોગ કરે છે. જે માટે હેકર્સ સરકારી એજન્સી અથવા બેંક જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી હોવાનો દાવો કરે છે. ફિશિંગનો હેતુ એકાઉન્ટની વિગતો અને પાસવર્ડ ચોરી કરવાનો હોય છે. આ સિવાય મેસેજમાં આપેલી લિંક ઓપન થતાં જ ડિવાઇસ પર માલવેર ડાઉનલોડ થઇ જાય છે. જે સ્કેમર્સને કોમ્પ્યુટર અથવા મોબાઇલને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. જેથી સ્કેમર્સ ઇ-મેઇલ એકાઉન્ટ અને પાસવર્ડ્સ જેવી સંવેદનશીલ માહિતીની ચોરી કરી શકે.
વીપીએન શું છે અને ઈ-મેઇલ એકાઉન્ટને કેવી રીતે હેકિંગથી બચાવી શકે છે?
વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક એટલે કે વીપીએન ઈન્ટરનેટ ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરે છે. જેના કારણે યુઝરના ઇ-મેઇલ એકાઉન્ટની માહિતી સુરક્ષિત રહે છે. વીપેએન ફિશિંગ અને માલવેર હુમલાઓ સામે રક્ષણ કરવામાં ઉપયોગી બને છે. આ સિવાય વીપીએન યુઝર્સનુ આઇપી એડ્રેસ છુપાવે છે. જેનાથી હેકર્સ યુઝરની લોકેશનને જાણી શકતા નથી.
ઇ-મેઇલ એકાઉન્ટ હેક થાય તો શું કરવંુ?
ઈ-મેઇલ એકાઉન્ટ હેક થયા પછી સૌ પ્રથમ યુઝરે તેને રિકવર કરવાનો પ્રયાસ કરવો જાેઈએ. જે માટે
સ્ટેપ ૧- સૌ પ્રથમ ઈ-મેઇલ એકાઉન્ટ રિકવરી પેજ ઓપન કરો
સ્ટેપ ૨- જ્યાં યુઝર આઇડી અને પાસવર્ડ એન્ટર કરો
સ્ટેપ ૩ - પાસવર્ડ યાદ ન હોય તો તેને રીસેટ કરવાની પ્રક્રિયા કરો, જેમાં આઇડી બનાવતા સમયે પાસવર્ડ રીસેટ માટે યુઝર દ્વારા આપવામાં આવેલા પ્રશ્નના જવાબ આપો. જે સાથે પાસવર્ડ રીસેટ કરવાની લિંક આવશે જેના પરથી પાસવર્ડ રીસેટ કરી શકાશે.
સ્ટેપ ૪ - આ સિવાય યુઝર રિકવરી ઈ-મેઇલ અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પણ રિકવરી કરી શકે છે. જે સમયે જી-મેઇલ દ્વારા રિકવરી માટેનો કોડ રિક્વરી ઇ-મેઇલ અથવા મોબાઇલ નંબર પર મોકલવામાં આવતો હોય છે.
સ્ટેપ ૫ - સિક્યોરિટી કોડ એન્ટર કર્યા બાદ યુઝર પોતાનો પાસવર્ડ રિસેટ કરી શકે છે.
સ્ટેપ ૬ - આ પછી યુઝરને નવા પાસવર્ડ સાથે એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની મંજૂરી મળશે. જે બાદ પુનઃ એકાઉન્ટની સિક્યોરિટી ચેક કરી પાસવર્ડ રિસેટ કરીવો.
એકાઉન્ટ હેક થવાના સાત ઝોખમ
- યુઝરની ઓળખ ચોરી થઇ શકે છે.
- યુઝરની અંગત માહિતીની ચોરી થઇ શકે છે.
- યુઝરની નાણાકીય વિગતોની ચોરી થઇ શકે છે.
- યુઝરના એકાઉન્ટમાંથી ફિશિંગ ઇ-મેઇલ મોકલી શકાય છે.
- ગૂગલ ડ્રાઇવમાંથી વ્યક્તિગત ડેટાની ચોરી થઇ શકે છે.
- પાસવર્ડ બદલી યુઝર પાસેથી એક્સેસ લઇ શકે છે.
- યુઝરના સોશિયલ મીડિયા એકઉટનું એક્સેસ મેળવી શકે છે.
ઇ-મેઇલ હેક થયાનું કેવીરીતે ખબર પડશે?
- ઇ-મેઇલ એકાઉન્ટમાં લોગીન નથી થઇ શકતું.
- ઇ-મેઇલમાં અજાણી લિંક અને મેસેજ દેખાવા.
- સતત પાસવર્ડ રીસેટના મેસેજ આવવા.
- લોગીન લોગમાં જુદા જુદા આઇપી એડ્રસ દેખાવા.
- સોશિયલ મીડિયા એકઉન્ટ પર અજાણી પોસ્ટ થવી.
- મિત્રો-પરિજનોને ફિશિંગ લિંક્સ કે મેસેજ મળવા.
- ડિવાઇઝ ધીમું થઇ જવું.
એકાઉન્ટને સુરક્ષિત કેવી રીતે રાખવું?
- પાસવર્ડ મજબૂત રાખવો.
- ટૂ ફેક્ટર આઇડેંટિટી એક્ટિવ રાખવી.
- શંકાસ્પદ લિંક પર ક્લીક ન કરવું.
- કોમ્પયુટર તેમજ ફોન પર વીપીએનનો ઉપયોગ કરવો.
- કોઇ પણ અજાણી લિંક પર ઇ-મેઇલ આઇડી કે પાસવર્ડ ન નાંખવા.
- સર્વાજનિક વાઇ-ફાઇનો ઉપયોગ બને એટલો ટાળો.