અ - પૂર્ણતા - ભાગ 43 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 43

અશ્વિનભાઈનો બંગલો આજે જાત જાતની રોશનીથી ઝગમગી ઉઠયો હતો. બગીચાના દરેક ઝાડ પર રોશની કરેલી હતી. બંગલાની અંદર પણ માહોલ કઈક એવો જ હતો. આખો બંગલો બ્લૂ અને વ્હાઇટ કલરના ફુગ્ગા અને નાની નાની લાઇટ્સથી શણગારેલો હતો.

          અશ્વિનભાઈ અને અવન્તિકાબહેન તૈયાર થઈને મહેમાનોને આવકારવા માટે દરવાજા આગળ જ ઉભા હતાં. અશ્વિનભાઈ વ્હાઇટ કલરના સૂટમાં અને અવન્તિકાબહેન બ્લૂ એન્ડ વ્હાઇટ શેડની ડિઝાઇનર સાડીમાં શોભી રહ્યાં હતાં. હોલમાં એકબાજુ કોલ્ડ્રીક સર્વ થઈ રહ્યું હતું. જેમાં ફ્રેશ ફ્રૂટ જ્યૂસ, મોકટેલ, શરબત બધું જ હતું. હોલમાં બરોબર વચ્ચે એક સ્ટેન્ડ પર બગીચાના ખીલેલા ફૂલોને પાણી ભરેલા મોટા ફૂલદાનમાં રાખેલા હતા અને વચ્ચે વચ્ચે તરતી સુવાસિત કેન્ડલ મુકેલી હતી જેના લીધે આખા હોલમાં એક મસ્ત સુવાસ પ્રસરી રહી હતી. પાર્ટીમાં બધા જ પ્રકારના લોકો હતાં. સગા સંબંધી, બિઝનેસ અસોશિયેટ, ફ્રેન્ડઝ, પાડોશીઓ બધા જ હતાં. આજે મિશાનો બર્થડે હતો. મિશાના કોલેજ ફ્રેન્ડઝ પણ હતાં. પરમ, હેપ્પી અને રેના તો હોય જ.        બધા જ બર્થડે ગર્લ, એટલે કે મિશાની વાટ જોઈ રહ્યા હતાં. મિશા ઉપરથી નીચે આવી રહી હતી. તેણે આજે વ્હાઇટ કલરનું લોંગ વેસ્ટર્ન વન પીસ પહેર્યું હતું. જે ઓફ શોલ્ડર હતું. ગળામાં તેને મોતીનો ત્રણ સર વાળો સેટ અને એવા જ ઝૂમખાં પહેર્યા હતા કાનમાં. હાથમાં બ્રેસ્લેટ, સ્ટ્રેટ કરેલા ખુલ્લા વાળ, ચહેરા પર ડાર્ક મેકઅપ, પરવાળા જેવા હોઠો પર લાલ લિપસ્ટિક અને મારકણી આંખો કાજલથી શોભી રહી હતી. આજે તો જાણે કોઈ અપ્સરા હોય એટલી સુંદર લાગતી હતી તે. તેનું ઉપરથી નીચે ઉતરવું અને દરવાજેથી વિકી અને તેની ફેમિલીનું પ્રવેશવું. મિશાએ વિકીને જોયો એટલે તે તરત જ સામે તેને વેલકમ્ કરવા ગઈ.         મિશા તરત જ સામેથી વિકી પાસે ગઈ એ જોઈ હેપ્પીને થોડી નવાઈ લાગી. તે ધીમેકથી પરમના કાનમાં બોલી, "આ ચુંબકની જેમ કેમ ખેંચાઈને વિકી પાસે ગઈ?? બર્થડે વિકીનો છે કે મિશાનો?"         "ચૂપ કર ને હેપ્પી તું. વિકી દોસ્ત છે આપણો તો એને આવતાં જોઈને મિશા સામે ગઈ હોય. એમાં શું થઈ ગયું?" પરમ હેપ્પીને ખીજાતા બોલ્યો.          "દોસ્ત તો આપણે પણ છીએ. તો આપણી પાસે કેમ ન આવી?" હેપ્પી બોલી.          "શું ફેર પડે હેપ્પી. આપણે સામેથી વિશ કરશું ને." પરમ બોલ્યો.          વિકીએ પણ મિશાને વિશ કર્યું. "હેપ્પી બર્થડે મિશા. તું ખૂબ જ સુંદર લાગી રહી છે."           "થેન્કસ વિકી."           વિકિના માતા પિતાએ પણ મિશાને વિશ કર્યું. મિશા તેમને પગે લાગી. પછી વિકીને લઈને તે પોતાના ફ્રેન્ડઝ પાસે આવી. પરમ, હેપ્પી અને રેનાએ પણ મિશાને વિશ કર્યું. ત્યારબાદ મિશા બીજા ગેસ્ટને મળવા જતી રહી અને વિકી પરમ પાસે ઊભો રહ્યો. વીણાબેન અને બળવંતભાઇ પણ અશ્વિનભાઈ અને અવંતિકાબેનને મળ્યા.         વિકી ઉભો તો બધા સાથે હતો પણ તેનું ધ્યાન આજે પોતાના મિત્રોની વાતોમાં ન હતું. આજે રેના તરફ પણ તેણે રોજ જેવી મીઠી નજર કરી નહિ. વિકીને વિચારોમાં ઊભેલો જોઈ હેપ્પી બોલી, "વિકી, તું તો એવી રીતે ઊભો છે જાણે વર્ષોથી જમવાનું ન મળ્યું હોય."        આ સાંભળી રેના હસી પડી. "હેપ્પી, તું ગમે ત્યાંથી જમવાનું કનેકશન તો શોધી જ લે કેમ?"       વિકી બોલ્યો, "હેપ્પી , તારે કોઈક રસોયા સાથે લગ્ન કરવાની જરૂર છે જે તને નવું નવું બનાવીને જમાડ્યા જ કરે."        આ સાંભળી હેપ્પી બોલી, "મને વિશ્વાસ છે મારા પ્રેમ પર કે પરમ મારા માટે ઘરમાં રસોયો પણ બની જશે."આમ કહી તેણે મોટો જબર જીભડો કાઢ્યો.          પરમ બોલ્યો, "હા, તું એ પણ કરાવી જ લે હવે." રેના આ બધાની વાતો સાંભળીને હસી રહી હતી. રેના બોલી, "પરમ, પ્રેમમાં માણસ બધું જ કરી છૂટે. તારે તો રસોયો જ બનવાનું છે."         ત્યાં જ અશ્વિનભાઇ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચાય એટલા મોટા અવાજે બોલ્યા, "લેડીઝ એન્ડ જેન્ટલમેન...મારી પ્રિન્સેસ મિશાની બર્થડે પાર્ટીમાં સૌનું સ્વાગત છે. સૌ પહેલા આપણે કેક કટ કરી લઈએ." આમ કહી તેમણે એક સર્વન્ટને કેક લાવવા માટે કહ્યું. સરવન્ટ એક ટ્રોલી પર મોટી જબર કેક લઈને હાજર થયો. ત્રણ લેયરની બનેલી ચોકલેટ કેક ખૂબ જ સુંદર હતી. જેના પર વ્હાઇટ ક્રીમથી હેપ્પી બર્થડે મિશા લખેલું હતું.         મિશાએ કેક કટ કરી. પાછળ મ્યુઝિક સીસ્ટમમાં ગીત વાગ્યું,         "બાર બાર દિન યે આયે...          "બાર બાર દિલ યે ગાયે...           "તુમ જિયો હજારો સાલ યે મેરી હે આરઝુ..            "હેપ્પી બર્થડે ટુ યુ..."         મિશાએ કેકનો ટુકડો કરી અશ્વિનભાઈ અને અવંતિકાબહેનને ખવડાવ્યો. બધાએ તાળીઓ વગાડી મિશાને વિશ કર્યું. મિશા બીજો કેકનો ટુકડો લઈ વિકી પાસે આવી અને તેણે પહેલા વિકીને, પછી પરમને, રેનાને અને હેપ્પીને કેક ખવડાવી. એ બધા એના ખાસ મિત્રો જો હતાં.        હેપ્પી બોલી, "મિશા, કેક ખરેખર ટેસ્ટી છે. તું બધાને ઝડપથી કેક ખવડાવી લે બાકી હું કોઈ પાછળ કેક વધવા નહિ દઉં."        આ સાંભળી મિશા હસી પડી. "હેપ્પી, હું કહી દઈશ કે તારા માટે અલગથી વધુ કેક મૂકી રાખે. આ એક ટુકડાથી એમ પણ તારે શું થાય."         "ઓહ મિશા, તું કેટલી સારી છે યાર. બર્થડે તારો છે તો પણ તું મારું ધ્યાન રાખે છે." આમ કહી હેપ્પી મિશાને ભેટી પડી. બધાએ ભેગા થઈને મિશાને ગિફ્ટ પણ આપી. પરમે, રેનાએ અને હેપ્પીએ મળીને મિશા માટે એક ડ્રેસ અને  મેકઅપ કીટ ખરીદી. જેમાં તેમણે વિકીનું નામ પણ ઉમેરી દીધું હતું. એ પણ વિકી પાસેથી એક પણ રૂપિયો લીધા વિના.          હજુ વિકી કઈ બોલે એ પહેલા જ પરમે વિકીને આંખોથી જ ચૂપ રહેવા કહી દીધું. મિશા બીજા સંબંધીઓ પાસે ગઈ એટલે વિકી તરત જ બોલ્યો, "અરે, મને કહેવું તો હતું કે આ રીતે ગ્રુપમાં ગિફ્ટ લીધી છે એમ. હું મમ્મી પાસે બીજી ગિફ્ટ લેવડાવીને લાવ્યો. ચાલો, ગિફ્ટમાં જે કંઈ પૈસા મારે દેવાના હોય એ કહી દો એટલે હું આપી દઉં."          "વિકી, પછી ક્યારેક લઈ લેશું પૈસા. શું ફેર પડે તું આપે કે અમે આપીએ. દોસ્તીમાં એવું બધું થોડું વિચારવાનું હોય." રેના બોલી.         "હા પણ..આ હેપ્પીએ રૂલ બુક ખોલેલી યાદ છે ને?" વિકી બોલ્યો.         હેપ્પી તરત જ બોલી, "હા,પણ આ નિર્ણયમાં હું પણ હતી જ. તો આ વખતે રહેવા દે." વિકી તો આભો જ રહી ગયો કે આ હેપ્પી બોલે છે એમ.         અચાનક મિશા આવી અને વિકીનો હાથ પકડીને ખેંચીને લઈ ગઈ અને બરોબર હૉલની મધ્યમાં જઈને ઉભી રહી. વિકીએ ઇશારાથી જ પૂછ્યું કે શું છે એમ. એને હતું કે કદાચ મિશા કોઈ સોંગ ગવડાવવા માટે ખેંચી લાવી હશે.        મિશા તરત જ પોતાના ઘૂંટણ પર બેઠી. "વિકી, મને કોઈ પ્રપોઝ કરતાં નથી આવડતું. હું મારા દિલની લાગણી કોઈ પણ પ્રકારના દેખાડા વિના ચોખ્ખા શબ્દોમાં કહીશ. મે જ્યારે તને પહેલી વાર જોયો ત્યારથી જ હું તને પસંદ કરું છું. તારા દિલમાં શું છે મને નથી ખબર પણ સાચા દિલથી હું તને ચાહું છું. શું તું મારી સાથે તારી આખી જિંદગી વિતાવવાનું પસંદ કરીશ? જો તું હા પાડીશ તો આ મારી જિંદગીની સૌથી મોટી અને અણમોલ ગિફ્ટ હશે." આમ કહી મિશાએ પોતાનો હાથ લંબાવ્યો. વિકી સ્તબ્ધ હતો. આ એની કલ્પના બહારનું હતું.                              ( ક્રમશઃ)શું વિકી હા પાડશે?શું હશે રેના અને તેના ગ્રુપનું રીએકશન?જાણવા માટે ચોક્કસથી મળીએ આગળના ભાગમાં.