ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ
એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભારત સહિત વિશ્વમાં ડેટા સેન્ટર્સની માગ વધી રહી છે
ડેટા સેન્ટર્સના સંચાલન માટે જરૂરી વીજળીના ઉત્પાદન માટે હવે, અબજાેનું રોકાણ કરી ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવાઇ રહ્યા છે
આજના યુગમાં સૌથી મોંઘી ચીજાેમાં વ્યક્તિનો ડેટા પણ આવે છે. તમને થશે કે મારા ડેટાનું શું કામ? પણ વ્યક્તિ ક્યાં જાય છે?, શું ખાય છે?, શું પહેરે છે? સહિતના તમામ ડેટા હવે, એકઠા થઇ રહ્યા છે. જેનો ઉપયોગ કંપનીઓ જુદી-જુદી માર્કેટિંગ સ્ટેટર્જી નક્કી કરવામાં કરે છે. ત્યારે હવે, વધારામાં એઆઇ આવ્યું. એઆઇ પણ સંપૂર્ણ પણે ડેટા પર જ કામ કરે છે. એઆઇને પુછવામાં આવતા તમામ પ્રશ્નોના જવાબ તે પોતાની પાસેને ડેટાને એનલાઇઝ કરીને જ આપતું હોય છે. માટે જ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી ટોચની ટેક કંપનીઓ ડેટા સેન્ટર્સ પાછળ હજારો કરોડો ડોલર ખર્ચ કરી રહી છે. એટલું જ નહીં ડેટા સેન્ટર્સના ઓપરેશન પાછળ વીજળીનો ખર્ચ ખુબ જ વધારે થતો હોય છે. જેથી ટેક કંપનીઓ તે વિજળીના ઉત્પાદન માટે હવે, ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવી રહી છે. જેથી તેમાથી જનરેટ થતી વીજળીનો ઉપયોગ ડેટા સેન્ટર્સના સંચાલનમાં કરી શકાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે કંપનીઓ હવે વધુ પ્રમાણમાં ડેટા સેન્ટર્સ શરૂ કરી રહી છે.
ભારતમાં પણ હવે, ડેટા સેન્ટર્સ એક નવા ઉદ્યોગ તરીકે ઉભરી રહ્યો છે. મોટી કંપનીના ડેટા સેન્ટર્સ બનાવવા માટે અને તેના સંચાલન માટે એનેક નાની કંપનીઓ હાલ ભારતીય માર્કેટમાં કામ કરી રહી છે. ત્યારે આજના આટિર્કલમાં ડેટા સેન્ટર્સ શું છે અને તેની જરૂરીયાત સહિતની માહિતી આપણે જાણીશું.
શું છે ડેટા સેન્ટર?
કોઈ પણ કંપનીના દુનિયાભરમાં કરોડો અને અબજાે યૂઝર્સ હોય છે. આ તમામ યૂઝર્સના ડેટા જ્યાં સ્ટોર કરાય છે તેને ડેટા સેન્ટર કહેવાય છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામ પર જે પણ યૂઝરની પ્રોફાઇલ છે, તેના ફોટા અને વીડિયો ડેટા સેન્ટરમાં સ્ટોર થાય છે. જેટલા વધારે યુઝર્સ તેટલા મોટા અને આધુનીક ડેટા સેન્ટર્સ હોય છે. ડેટા સેન્ટર્સ માટે મોટા સર્વરનો ઉપયોગ થાય છે. જે સતત ચાલુ રહે છે. ડેટા સેન્ટર્સ ખાતે વીજળીની સતત જરૂરીયાત હોય છે. તેમજ સર્વર સતત ચાલુ રહેતા તે ગરમ થઇ જતા હોય છે, જેથી તેને ઠંડા રાખવા માટે સેન્ટ્રલ એર કન્ડીશનર્સ પણ ચાલુ રહે છે, જે માટે પણ વીજળીની જરૂર પડે છે. જેથી ડેટા સેન્ટર્સના સંચાલનમાં સૌથી વધારે ખર્ચ વીજળી પાછળ જ થતો હોય છે.
મોર્ડન ડેટા સેન્ટર
ભારત સહિત વિશ્વની મોટા ભાગની ટેક કંપનીઓ ફિઝિકલ સર્વર્સને બદલે ક્લાઉડ સર્વર્સનો ઉપયોગ કરે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી કંપનીઓ દરેક દેશમાં ડેટા સેન્ટર નથી બનાવતી. તેઓ કેટલીક પસંદગીની જગ્યાએ જ ડેટા સેન્ટર્સ બનાવી રહી છે. ભારત, એક મોટું માર્કેટ હોવાથી, અહીં હવે ગૂગલ અને મેટા જેવી કંપની પોતાના ડેટા સેન્ટર્સ બનાવી રહી છે. જે દેશોમાં ડેટા સેન્ટર નથી, ત્યાં ક્લાઉડ સર્વરનો ઉપયોગ થાય છે, જેમાં પણ ખર્ચ વધારે જ થતો હોય છે. હાલના સમયમાં એઆઇ ડેટા સેન્ટર્સ તરફ વધતા જઇ રહ્યાં છે. જેની માટે વિશાળ સ્ટોરેજની જરૂર હોય છે. એઆઇ ચેટબોટ યૂઝર્સના દરેક સવાલના જવાબ આપે છે અને તે ડેટા સ્ટોર કરવા માટે ઘણી જગ્યાની જરૂર હોય છે. આથી, એઆઇ સાથે કંપેટિબલ સિક્યોર ડેટા સેન્ટર્સ બનાવવા માટે ટેક કંપનીઓ ઇનવેસ્ટ કરી રહી છે.
હજારો કરોડોમાં ઇનવેસ્ટમેન્ટ
ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ અને મેટા ડેટા સેન્ટર્સ પાછળ હજારો કરોડો ડોલરનો ખર્ચ કરી રહી છે. ગૂગલ પહેલેથી જ કહી ચૂક્યું છે કે, ૨૦૩૦ સુધીમાં તે તેના ડેટા સેન્ટર્સ માટે ન્યૂક્લિયર એનર્જીનો ઉપયોગ કરશે. માઇક્રોસોફ્ટે ન્યૂક્લિયર પ્લાન્ટને રિવાઇવ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. દરેક કંપનીઓ આ ક્ષેત્રે વિપુલ મૂડીરોકાણ કરી રહી છે. આવનારા સમયમાં એઆઇ ટેક્નોલોજીનો વધુ વિકાસ થશે અને તે મુજબ ઇનવેસ્ટમેન્ટમાં પણ વધારો થશે. આ એઆઇ માટેની સ્પર્ધામાં દરેક કંપનીઓ પોતાના પાવરફુલ એઆઇ સોલ્યુશન્સ વિકસાવવાની હોડમાં લાગી છે. જેમાં મૂડી રોકાણ પણ તેટલું જ વધારે હોય છે.
ડિજિટલ અર્થતંત્રમાં ડેટા સેન્ટરનું યોગદાન
એક તજજ્ઞએ જણાવ્યું હતું કે, ડેટા સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે ૨૦૨૫ સુધીમાં ભારતને ૧ ટ્રિલિયન ડોલર ડિજિટલ ઈકોનોમી બનાવવામાં મદદ કરશે. ભારતીય ડેટા સેન્ટર ઉદ્યોગ માટે કરોડરજ્જુ તરીકે કામ કરશે. જેથી ભારત એક વૈશ્વિક હબ તરીકે ઉભરી શકશે. તેમની ભૌગોલિક સ્થિતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે મુંબઈ અને ચેન્નાઈને ભારતમાં ડેટા સેન્ટર માર્કેટ તરીકે ઓળખાય છે.
૨૦૩૧ સુધીમાં ડેટા સેન્ટરની ક્ષમતા ૧ ગીગા વોટ થશે
ડેટા સેન્ટર્સ ઉભા કરવા અત્યંત આવશ્યક છે પરંતુ તેની સામે ડેટા સેન્ટરની ક્ષમતા વધારવું પણ એટલું જ જરૂરી છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ડેટા સેન્ટરની ક્ષમતા બમણી કરવા માટે મહેનત કરાઇ રહી છે. ૨૦૨૫ના અંત સુધીમાં ડેટા સેન્ટર્સની ક્ષમતા ૧૭૦૦ મેગા વોટે પહોંચશે અને વધુને વધુ ડેટા સંગ્રહિત કરાશે. આ ડેટા સેન્ટરો માટે સંગ્રહ શક્તિની સાથો સાથ ઊર્જાનું પણ એટલું જ મહત્વ છે, જાે યોગ્ય ઉર્જા ન મળે તો તે ડેટા સેન્ટરમાં ઘણી તકલીફો સર્જાય છે. ત્યારે ૨૦૩૧ સુધીમાં ડેટા સેન્ટરની ક્ષમતા ૧ ગીગા વોટ જેટલી કરવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. ડેટા સેન્ટરો માટે દર વર્ષે ક્ષમતા વધારવામાં આવી રહી છે ત્યારે ઊર્જાની વાત કરવામાં આવે તો ૨૦૧૯માં ૩૫૦ મેગા વોટ ઉર્જા અપાતી હતી જે ૨૦૨૨માં ૭૨૨ મેગા વોટે પહોંચી ગઇ હતી. જેમાં ૨૦૨૨માં સતત વધારો થઇ રહ્યો છે.