10. બીજો ફટકો
સાવ તરંગી લાગતો સ્ટીવ આ રીતે છેતરી જશે એવી અમને કલ્પના પણ નહોતી. વિલિયમ્સ અને ક્રિક એની સામે હજી પણ અવિશ્વાસથી તાકી જ રહ્યા હતા.
‘સૉરી મિત્રો ! તમને આઘાત આપવા બદલ.’ સ્ટીવે વાત આગળ વધારી, ‘પણ તમે ફ્રેડી જોસેફની સંપત્તિથી દૂર રહો એવું અમે ઈચ્છીએ છીએ. એ બૂઢ્ઢાએ અખબારમાં જાહેરાત આપીને મોટી ભૂલ કરી છે. ઘરની વાત ઘરમાં જ પતાવી નાખવી જોઈએ. પણ એણે મોટો કાંડ કરી નાખ્યો છે. એટલે ન છૂટકે એમના ખજાના સુધી જતા લોકોને અમારે રોકવા પડે છે. આમ તો બહુ ઓછા લોકો ફ્રેડી જોસેફના સંકેતો ઉકેલીને અહીં સુધી આવી શક્યા છે. પણ તમે લોકો તો ઘડાયેલા સાહસિકો છો. તમે અહીં સુધી આવી ગયા અને અમારે તમને આવી રીતે ઉઠાવી લેવા પડ્યા.’
‘તેં અમારી સાથે આવી દગાબાજી કરી ? અમને અંદાજો જ ન આવ્યો કે અમને તારા જેવો બદમાશ ભેટી ગયો.’ વિલિયમ્સે છેવટે દાંત ભીંસીને કહ્યું.
‘મારું એ જ તો કામ હતું, દોસ્ત !’ સ્ટીવ હસ્યો, ‘હું તમારા લોકોમાં ભળી ગયો અને લાગ મળ્યે આ કામ પતાવ્યું. અહીં આ ગુફામાં જ તમને બધાને લઈ આવવાનો પ્લાન હતો. પણ પહેલા ઘામાં તમે બે જ સપડાયા. હું પોતે તમારી સાથે ગાયબ એટલા માટે થયો કે તમારા મિત્રોને મારે ફસાવવા હતા. મેં એમના માટે બીજો પ્લાન પણ વિચારી લીધો હતો. જો એકસાથે બધાને પકડી લેવાય તો ઠીક, નહીંતર એ બીજો પ્લાન પણ કામ લાગશે એવું મેં વિચારેલું. ટિકિટમાં મેં જે ચિતરામણ કર્યું છે એનો કોઈ જ અર્થ નથી નીકળતો ! એ લોકો કંઈનું કંઈ વિચારી લેશે ને વાસ્કરનના બર્ફિલા પહાડમાં રખડી પડશે.’
આ દરમિયાન વિલિયમ્સે પેલા બે પહેરેદારોને ધ્યાનથી જોયા. એકાએક એના મનમાં ઝબકારો થયો. એ બંને એ જ લોકો હતા જેઓ એમની બાજુના તંબૂમાં ગાઈડ પિન્ટો સાથે હતા. વિલિયમ્સે મનોમન ઘટનાઓ જોડી. આ બંનેએ તીરોનો મારો ચલાવીને એ લોકોનું અપહરણ કરી લીધું હતું. બાજુના તંબૂમાંથી એલેક્સ (એટલે કે મેં) અથવા થોમસે ગોળી છોડી હશે એવું એણે અનુમાન કર્યું. એ બરાડી ઊઠ્યોઃ ‘હરામખોર, અમે તારા પર વિશ્વાસ મૂક્યો અને તેં...’
‘મને ગાળો આપવાની જરૂર નથી, વિલિયમ્સ. મેં ફક્ત મારું કામ કર્યું છે.’
‘તું ખરેખર છે કોણ ? અમારો મિત્ર વોટ્સન ક્યાં છે ?’ વિલિયમ્સે આજીજીભર્યા સ્વરે પૂછ્યું. આ દરમિયાન ક્રિક એકદમ શાંત હતો. એ ગોઠણ મોઢા પાસે રહે એ રીતે બંને પગ વાળીને દીવાલને ટેકે બેઠો હતો.
‘ચલો, તમે લોકો આટલી વિનંતી કરો છો તો થોડા સસ્પેન્સ પરથી પરદો હટાવી દઉં. હું એ તમારા કોઈ બદમાશની ગેંગનો સભ્ય નથી. બીજી વાત કે મને કોઈ વોટ્સન વિશે ખબર નથી. મને માત્ર ને માત્ર ફ્રેડી જોસેફની સંપત્તિ સાથે સંબંધ છે. એ માલમત્તા હું બીજા કોઈને નહીં લેવા દઉં.’
સ્ટીવના કહેવા પરથી તો વિલિયમ્સને લાગતું હતું કે એ સાચું બોલી રહ્યો છે. પણ હજી કેટલાક પ્રશ્નોના જવાબ નહોતા મળતા. અમને કોણે જાસાચિઠ્ઠી મોકલી હતી ? કોણે વોટ્સનનું અપહરણ કર્યું હતું ? વોટ્સનને ક્યાં રાખવામાં આવ્યો હશે ? આ બધા સવાલો સ્ટીવને પૂછવાનો કોઈ અર્થ નથી એવું એને લાગ્યું. તો પછી સ્ટીવની ટુકડી અને વોટ્સનનું અપહરણ કરનારની ટુકડી અલગ-અલગ હોવી જોઈએ એવું એણે માન્યું.
***
આ તરફ અમે ઊંચી કરાડ ચડવાની તૈયારી કરી લીધી હતી. મેં બેઝ પરથી લઈ શકાય એટલી વસ્તુઓ તો લીધી હતી, તો પણ વ્યવસ્થિત આરોહણ માટે ઘણી વસ્તુઓ ખૂટતી હતી. છતાં દોરડા અને પિટોન જેવા સાધનોથી કામ બની જાય એમ હતું. પિટોન એ નક્કર પહાડમાં ખોસવા માટેનો ખીલો કહી શકાય. સૌથી પહેલો ચડે એ માણસ એક-એક કરીને પિટોન પહાડમાં ઠોકતો જાય. એના કાણામાંથી દોરડું સરકાવતો જાય એટલે એની પાછળ આવનારા એ દોરડાના સહારે ઉપર ચડી શકે.
સૌથી આગળ પિન્ટો હતો. એના પછી થોમસ, જેમ્સ અને છેલ્લે હું. પિન્ટોએ હથોડીથી પહેલો પિટોન ખોડ્યો. એની મજબૂતાઈ જોઈ. એમાં દોરડું નાખી એના આધારે એ કરાડ પર પગ ટેકવતો થોડો ઉપર ચડ્યો. બાકીનું દોરડું નીચે હતું એને પકડીને થોમસ ચડ્યો. એ રીતે છેલ્લે મેં દોરડું પકડ્યું ત્યારે પિન્ટો લગભગ ટોચ પર પહોંચી ગયો હતો.
અહીં 8,500 ફૂટ ઊંચે જોરદાર હવાના સપાટા આવતા હતા. એમાં વળી પિટોન ગમે ત્યારે પર્વતની ફાંટમાંથી નીકળી જાય એવો ડર હતો. પિટોનને ખોડ્યા બાદ એની મજબૂતાઈની ખરાઈ કરવી જોઈએ. પિન્ટો ઉપર અમે વિશ્વાસ કર્યો હતો.
હું હજી આમ વિચારું છું ત્યાં જ ઉપર પહોંચી ગયેલા પિન્ટોએ કોણ જાણે શું કર્યું કે અચાનક દોરડું સાવ ઢીલું થઈ ગયું. એક પછી એક ત્રણેક પિટોન જોસભેર ખડકમાંથી નીકળી ગયા અને અમે ત્રણેય મિત્રો બે-ત્રણ સેકન્ડ હવામાં ઝૂલીને નીચે ફેંકાયા. નીચેના બે પિટોન સલામત હતા. હું દોરડું સંભાળવા જાઉં એ પહેલાં જ જેમ્સ અને થોમસ મારા પર પડ્યા. આ બધા વજનને એક પિટોન ન સંભાળી શકે એટલે અમે ત્રણેય સાવ નીચે પટકાયા.
બહુ અંતર નહોતું એટલે ખાસ ઈજા ન થઈ. પણ શરીરને જબરો માર પડયો. થોડી ક્ષણો પછી અમે ઊભા થઈને ઊંચે જોયું તો કરાડની ટોચ પર ઊભો ઊભો પિન્ટો હસી રહ્યો હતો. એનું હાસ્ય કહી જતું હતું કે અમે છેતરાયા છીએ. મેં બેગમાંથી ચોરેલો સમાન કાઢ્યો ત્યારે જ મને એના પર શંકા તો ગઈ જ હતી. કમનસીબે એ શંકા સાચી પડી.
‘પિન્ટો...! આ શું કર્યું ?’ થોમસે રાડ પાડી.
‘મારું કામ, દોસ્તો ! મેં મને સોંપવામાં આવેલું મારું કામ કર્યું !’ હાંફતા અવાજે એ બોલ્યો.
‘અમને દગો દેવાનું ? બરાબર ને ?’ મેં બૂમ પાડીને તિરસ્કારથી પૂછ્યું.
‘યસ ! કેટલાક ખાસ માણસો ઈચ્છે છે કે તમે લોકો ફ્રેડી સાહેબનો ખજાનો ન શોધો. એટલે હવે અહીંથી જ પાછા વળી જાઓ. આગળ વધવામાં કોઈ જ ભલાઈ નથી. અને હા, પેલી ટિકિટ પરનું બધું ચિતરામણ ફાલતુ છે. એ પ્લાન બી હતો. જો તમે તમારા અન્ય મિત્રો સાથે જ પકડાઈ ગયા હોત તો એની જરૂર નહોતી. પણ થોડી ગરબડ થઈ અને તમે ત્રણ અમારા હાથમાં ન આવ્યા એટલે એ ટિકિટનું તૂત ઊભું કરી તમને ગેરમાર્ગે દોરવાના હતા. પણ પછી મને થયું કે આવા નિર્જન પહાડ પર તમને કેમ એકલા ભૂખ્યા-તરસ્યા છોડી દેવા, એટલે દયા ખાઈને છેવટે હું પણ તમારી સાથે અહીં સુધી આવ્યો અને હવે તમને અહીંથી આગળ નહીં જવા દઉં. તમે અહીંથી પાછા બેઝ પર પહોંચી શકશો.’
‘પણ પિન્ટો, સાંભળ તો ખરો... પિન્ટો...!’ અમે બૂમો પાડતા રહ્યા પણ પિન્ટો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.
અમને એ નહોતું સમજાતું કે એક બાજુથી પેલો અજ્ઞાત શખ્સ અમને ફ્રેડી જોસેફની સંપત્તિ લાવવાનું ફરમાન કરે છે ત્યારે બીજી બાજુથી અમને રોકવામાં આવે છે ! આ વળી શું નવું ફૂટી નીકળ્યું એ સમજાતું નહોતું.
અમે ઉપર નજર કરી તો સમજાઈ ગયું. પિન્ટોએ ઉપર જઈને દોરી કાપી નાખી હતી. એણે પિટોન પણ કદાચ આડેધડ ખોસ્યા હતા. અમને પાડીને કોણ જાણે એ ક્યાં ચાલ્યો હતો. ધીમે ધીમે સાંજ ઢળી રહી હતી. મને પિન્ટોએ કહેલી જૂઠી વાતો યાદ આવવા લાગી. બધું જ ખોટું હતું. માત્ર અમે, રાતમાં તબદીલ થતી જતી સાંજ અને આ વાસ્કરન પહાડ જ સત્ય હતા.
(ક્રમશઃ)