Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 42 (છેલ્લો ભાગ)

૪૨

માતાની વેદના

જેને સ્વપ્ન ન હોય તેની પાસે સ્વપ્ન કહેવું, જીવનની એ એક કરુણ ક્રૂરતા છે. ભીમદેવનો રાજ્યાભિષેક થયો. ફરીને પાટણ થાળે પડ્યું. ફરીને જાણે નિત્ય જીવન શરુ થયું. પણ એ સઘળા વ્યવહારમાં મહારાણીબા નાયિકાદેવીને હવે જુદું જ દર્શન થવા માંડ્યું. વિધિની ક્રૂર રમતનું પોતે એક પ્યાદું હોય એ નિહાળીને હવે એના અંતરાત્માને અસહ્ય વેદના થતી હતી. 

કોઈ નહિ ને પોતે, સોલંકીના મહાતેજસ્વી વંશનું વિલોપન કરવામાં કારણભૂત થાશે? એ ભીમદેવને નિહાળી રહ્યાં. એના પરાક્રમનો કોઈ પાર ન હતો, એની પડખે ઊભી હતી, હોંકારા દેતી, સિંહસેનાને જોઇને મહારાણીબા એક પળભર વેદના ભૂલી જતાં હતાં. પણ આ બધી જ ગાંડી શૂરવીરતા, સ્વપ્નવિહોણાં માણસની કેવળ ધમાલ હતી. એ જાતને ક્યાંય દોરતી ન હતી, પાટણને ક્યાંય દોરતી ન હતી. દેશમાં ક્યાંય છાપ પડતી ન હતી.

અપ્તરંગી મનુષ્યો બંને રીતે દુનિયાને છક્ક કરી નાખે છે. એની વિજયમાળાને દુનિયા ફાટી આંખે નિહાળી રહે છે. તો એની પરાજયકથા પણ ફાટી આંખે જોવા જેવી નીવડે છે!

ભીમદેવને ઘડવા માટે મહારાણીબા નાયિકાદેવીએ દુનિયાભરનાં મહાન સ્વપ્નાં ભેગાં કર્યા. ઈતિહાસને પાને-પાનેથી શૂરવીરોની વાણી શોધી કાઢી, મહાકવિઓને મહાકાવ્યોની વાતો કહેવા નિમંત્ર્યા.

રુદ્રમાળ જેવો રુદ્રમાળ જે વંશમાં ઉદ્ભવ્યો, સહસ્ત્રલિંગ સરોવર જે વંશમાંથી જન્મ્યું, ત્રિપુરુષપ્રસાદ જે કુળમાંથી આવ્યો. સોમનાથનું ભવ્ય મંદિર જે રાજવંશે બંધાવ્યું. તે કુળમાં મહાપરાક્રમી અને છતાં અપ્તરંગી એવો રાજપુરુષ પોતાની કૂખે જન્મે, અને ઇતિહાસમાં પોતાનું નામ વિનિપાતને પહેલે પાને ચડાવે, મહારાણીબાથી એ જોયું જાતું ન હતું! ઇતિહાસમાં ભીમદેવ ગ્રથિલ-ઘેલડ ગણાવાની ઘડીઓ ગણાતી હતી અને પોતે ગ્રથિલની માતા હોવાનું જાણે કે નિર્માણ હતું!

આંતરિક વિગ્રહને ટાળવા માટે એમણે જે આકાશપાતાળ એક કર્યાં હતાં. અંતરનો અગ્નિ અંતરમાં રાખી, વિજ્જલની ઉપેક્ષા કરી, હવે એ વિજ્જલ પણ સ્થિર શાંત એવો રાજસ્તંભ બનવાની આગાહી કુમારદેવે આપી. મતભેદ ટાળવા માટે પોતે જ સેનાની બની રણક્ષેત્રમાં સૈન્ય દોરી ગયેલ હતાં. વિજય મળ્યો હતો. પાટણ સ્થિર હતું. મંડલેશ્વરો છાના રહેવામાં ડહાપણ માની રહ્યા હતા. અર્બુદપતિ ધારાવર્ષ દેવ જેવો સમર્થ પુરુષ રાજભક્તિના રંગથી રંગાઈ ગયો. સઘળે ઠેકાણે પાટણની મહાન સત્તાને સ્થિર કરવાની તક હતી. તો અત્યારે તો આ રાજગાદી ઉપર મહાન સ્વ્પદ્રષ્ટિને સ્થાને મહાન લડાઈઓમાં અને તે પણ નિષ્ફળ લડાઈઓમાં લડાઈઓની ખાતર રચનારો, ભીમદેવ આવ્યો હતો!

મહારાણીબા આ જોઈ રહ્યાં અને લોહીના ગુણનો અજબ જેવો સત્તાવાહી સ્વર સાંભળી રહ્યાં.

હંમેશાં કાંઈ ને કાંઈ વાત આવતી. કોઈ દિવસ ભીમદેવે સેંકડો અશ્વોમાંથી એક અદભૂત અશ્વ ખરીદ્યો હોય, કોઈ દિવસ દૂર-દૂરનો લડવૈયો આવ્યો હોય. કોઈ વખત મહારાજ ભીમદેવે ક્યાંય આહ્વાન મોકલ્યું હોય, કોઈ પળે આહ્વાન ઉપાડ્યું હોય, કોઈને કહ્યું હોય કે આવજો, કોઈને કહેવરાવ્યું હોય કે આવીએ છીએ. એક દિવસ પણ ભીમદેવને આરામ નથી. એકે દિવસ એને સ્વપ્ન આવતું નથી! મહારાણીબા પોતાનાં સ્વપ્નાં પોતે સાચવીને બેઠાં છે. કોઈ દિવસ ભીમદેવ શાંતિથી એ સાંભળવા આવે તો!

સાંભળવામાં આવે તો એને કહેવું કે ઘેલડ! તું ને પૃથ્વીરાજ એક બનો. મુલતાનમાંથી ગર્જનકને હાંકી કાઢો. એ ત્યાં બેઠો છે. તે તમને મારશે. તમે કાશીપતિને ચેતવો, તમે કનોજને બચાવો, તમે દિલ્હીપતિને સંભળાવો, તમે વિદ્યાધરને બચાવો... પણ... પણ... ભીમદેવ... ભીમદેવને વખત ક્યાં છે? અને બીજા કોઈને પણ વખત ક્યાં છે? ભારતવર્ષમાં બધે જ એ વખતે ભીમ્દેવો આવી ગયા હતા! અને ભીમદેવ પણ શું કરે? ભીમદેવના લોહીના કણેકણમાંથી જાણે નિષ્ફળ લડાઈઓ લડી લેવાનાં સ્વપ્નાં ઊઠતાં હતાં! એને આખું ભારતવર્ષ ખૂંદી વળવું હતું. પણ તે કોઈ પણ હેતુ વિનાની કોઈક લડાઈ જાગે ત્યારે!

એને ચક્રવર્તી વિજયની પડી નથી, એને તો કોઈ રણઘેલા એકલવીરની – પછી ભલે ને સેંકડો જોજનના રેતરણમાં પરાજિત રહીને સાંઢણી ઉપર ભાગતા એકલવીરની, પણ એવી એકલવીરની છાયામૂર્તિ મનમાં રમી રહી છે!

એ ઘણી વખત એકલો, અશાંત, પ્રસાદની ચંદ્રશાળામાં ફરતો હોય, રાજમાતા નાયિકાદેવી ત્યાં બેઠાં હોય, નમતી સંધ્યાનો પવન આવતો હોય ત્યારે દૂર-દૂરની ક્ષિતિજની ઝાંખી થતી ટેકરીઓમાં, સૂરજને નમતો એ જુએ, અને એ ઝાંખા ઉજાસમાં કોઈ ઘોડેસવારને જાણે જીવ લઈને ભાગતો દેખે, અને એ બોલી ઊઠે, ‘મા! મા! મને પણ આ બધું છોડીને આવી રીતે જ ભાગી જવાનું મન થાય છે! એ... ત્યાં ક્ષિતિજમાં કોઈ પરાજિત મહાજોદ્ધો ભાગે!’

નાયિકાદેવી તેની સામે જોઈ રહે, ‘ભીમદેવ! ભીમ! તું શું આ ઘેલાં કાઢે છે? પાટણનું આવડું મોટું રાજ છોડીને, એકલા પરાજિત જોદ્ધાની રણવાટમાં, બેટા! તને એવું મોટું શું આકર્ષણ લાગ્યું છે?’

એવે વખતે ભીમદેવ જવાબ આપતો નથી. પણ એના ગયા પછી માદીકરાનો સંવાદ સાંભળી રહેલો, ભીમદેવના પડછાયા જેવો, મહાલડવૈયો રાજભક્ત અર્ણોરાજ છાને પગલે ત્યાં આવે, ને બોલે, ‘મહારાણીબા! મારી રંકની એક વાત સાંભળો, લોહીના કણકણમાં જે ભળ્યું છે તે બદલાવતાં પૂરાં એક હજાર વર્ષ જાશે, મા! મહારાજ ભીમદેવ તલવારની ધાર ઉપર જ રાજ કરશે, રાજ સાચવશે...’

‘અને રાજ ખોશે!’ નાયિકાદેવી જવાબ વાળે છે.

‘ના,મા! આ પરાક્રમની મૂર્તિ ખુએ? એ અશક્ય! પણ એ જીવનભર લડશે-લડતા રહેશે!’

અર્ણોરાજની આવી વાણી એમણે એક વખત સાંભળી. મહારાણી નાયિકાદેવીમાં રહેલું છાનું માતૃત્વ જાગ્યું. ભવિષ્યમાં પણ ભીમદેવની રક્ષા થઇ રહે એવી અદમ્ય ઈચ્છા એમને દમી રહી. તે સ્વપ્નની વાણી બોલતાં હોય તેમ બોલી ઊઠ્યાં:

‘અર્ણોરાજ! આજ હું તને મનની એક વાત કરું, આ ચંદ્રની સાક્ષીએ, કોઈ વખતે એવો સમય આવે. કોઈ વખત આ પાટણ નગરી ઉજ્જડ બને. કોઈ વખત આ મારો ભીમ એકલો ભાગે...’

‘અરે! મા! મા! મહારાણીબા...’ અર્ણોરાજ ચોકી ઊઠ્યો. પણ મહારાણીબાની નજર એના તરફ હતી નહિ. એ તો ક્ષિતિજની પાર ડૂબતા સૂર્યને દેખી રહી હતી. એ જ સ્થિતિમાં તેણે હાથ લાંબો કરીને અર્ણોરાજને આગળ બોલતો અટકાવી દીધો: ‘કોઈ વખત આ મારો મહાતેજસ્વી ભીમદેવ ભાગે, તો ચોખૂટ ધરતીમાંથી જ્યારે એને કોઈ આશ્રય ન આપે ત્યારે તું ભગવાન સોમનાથના નામે જલ મૂકીને મને કહે કે તું અર્ણોરાજ? તું એને આશ્રય આપશે, એણે સાચવશે, એને બચાવશે.’

મહારાણીબાના શબ્દો સાંભળતાં અર્ણોરાજ સ્તબ્ધ જેવો થઇ ગયો.

પણ મહારાણીબા હવે તેની સામે જોઈ રહ્યાં હતાં: ‘તું, ધારાવર્ષદેવ, કુમારદેવ, ચોથો કોણ? ચોથો કોઈ નહિ, પણ તમે ત્રણ મારા ભીમદેવને જીવાન્તે પણ નહિ છોડો એટલું કહો... અર્ણોરાજ! એટલું કહો. આ મારી માગણી પાટણની મહારાણીની નથી, રાજમાતાની નથી, પણ એક માતાની છે. આ ઘેલડના જીવનમાર્ગને જોનારની છે. બોલ અર્ણોરાજ! બોલ, તું કહે છે કે તું એની પડખે જ રહેશે, ગમે તે થાય!’

નીચેથી મહારાણીબાને મળવા માટે ધારાવર્ષદેવ, કુમારદેવ, અર્ણોરાજનો નાનકડો પુત્ર લવણપ્રસાદ એ સૌ આવી રહ્યા હતા. પણ મહારાણીબાના પહેલા શબ્દો સાંભળતાં જ, એ ત્યાં થંભી ગયા. હવે એ આગળ વધ્યા. મહારાણીબાના આ અચાનકના શબ્દથી અર્ણોરાજ જરાક ક્ષોભ પામી ગયો હતો. પણ ધારાવર્ષદેવ વાત પામી ગયો હતો. તે પોતાની તલવાર શમશેર લઈને જ આગળ આવ્યો: ‘મહારાણીબા!’ તેણે પોતાની તલવાર મહારાણીબાને ચરણે ધરી દીધી: ‘ધારપરમારની આ પ્રતિજ્ઞા છે, કે ગમે તે થાય, સૂરજ પશ્ચિમમાં ઊગે, મહારાજ ભીમદેવનું પડખું આબુ કોઈ દિવસ ન તજે, અને મહારાજની પડખે અમારું ખોળિયું ન પડે તો એ ખોળિયું રૌરવ નરકમાં પડે. એને કાગડા, કૂતરાં, શિયાળિયાં, ગીધડાં ભલે ચૂંથે! જ્યાં મહારાજ ભીમદેવ, ત્યાં અમે!’

મહારાણીબાના ચહેરા ઉપર હજી જે વેદના રમી રહી હતી તે કુમારદેવ જોઈ રહ્યો હતો. તે પણ આગળ આવ્યો, ‘મહારાણીબા! હું કુમારદેવ ભગવાન સોમનાથના નામે શપથ લઉં છું કે, ભીમદેવ મહારાજની પડખે જ મારી કાયા ખપી જશે, ન અન્યથા!’

અર્ણોરાજ ઊઠીને તરત મહારાણીબાને પગે પડ્યો: ‘મહારાણીબા! હું, આ મારો લવણપ્રસાદ, અને મારો વંશવેલો જીવતા હઈશું, ત્યાં સુધી મહારાજ ભીમદેવને પડછાયે-પડછાયે રહીશું, મરી ગયે, મહારાજના જાપ જપીશું, ફરી જન્મે મહારાજની પડખે આવીશું. બાકી જ્યાં મહારાજ ભીમદેવ, ત્યાં જ અર્ણોરાજ, રાત અને દિવસ આ મારી પ્રતિજ્ઞા છે, મારી મા! એ જો હું તોડું તો રૌરવ નરકમાં પડું!’

મહારાણીબાની વેદના કાંઈક ઓછી થઇ. અંતરમાં એક જ છાનો સંતોષ આવી ગયો. એણે માતા તરીકે કરવાનું છેલ્લું કામ કરી લીધું હતું. હવે ભલે જે ઘટના બનવી હોય તે બને. થોડી વાર પછી ચંદ્રમાનો આછો ઉજાસ આવ્યો અને એ ઉજાસે ફરીને હ્રદયમાં આનંદ પ્રગટાવ્યો. જોગનાથની ટેકરીના પેલા જુદ્ધનાં સંસ્મરણોને સંભારતાં મોડી રાત સુધી બધાં ત્યાં બેઠાં રહ્યાં.

 

***********

(આગલો ભાગ ‘રાય કરણ ‘ઘેલો’)