અદ્‌ભુત પણ વિચિત્ર રીતભાત ધરાવતા પક્ષીઓ Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદ્‌ભુત પણ વિચિત્ર રીતભાત ધરાવતા પક્ષીઓ

હાલની જિંદગી જો કે એટલી ફાસ્ટ અને દોડધામ ભરેલી બની જવા પામી છે જ્યાં માતાપિતા વીકએન્ડમાં જ પોતાનાં સંતાનો સાથે યોગ્ય રીતે વાત કરી શકતા હોય ત્યારે આસપાસના પક્ષીઓનું નિરીક્ષણ તો કઇ રીતે કરી શકે તેમ છતાં આપણને આપણી આસપાસ રહેતા પક્ષીઓ વિશે કેટલીક સામાન્ય માહિતી તો હોય જ છે અને તેમનાં વર્તન વિશે પણ આપણને જાણકારી હોય છે પણ એ હકીકત છેકે પક્ષીઓ ખુબ જ રહસ્યમય હોય છે તેઓ માનવી કરતા પણ વધારે જુના સમયથી ધરતી પર અસ્તિત્વ ધરાવે છે પણ તેમની જીવનચર્યા હજી પણ એ જ જુની ઘરેડની છે.તેમનું કેટલુંક વર્તન અને ક્ષમતાઓ માનવીને પણ ક્યારેક હેરતમાં નાંખી દેતું હોય છે. તેમાંય એ વાત જાણીને તો વધારે આશ્ચર્ય થાય છે કે પક્ષીઓનાં પુર્વજ ડાયનાસોર હતા.
યુરોપનાં મોટાભાગના વિસ્તારોમાં મળી આવતું ચિકાડી નામનું પક્ષી આમતો કદમાં ચકલી કરતા પણ નાનું હોય છે અને તે જ્યારે બગીચામાં હોય ત્યારે મધુર સ્વર રેલાવતું હોવાને કારણે તેને સોંગબર્ડ પણ કહેવાય છે પણ રખે તેના દેખાવ પર જતા કારણકે આ નાનકડુ પક્ષી ખતરનાક શિકારી પણ છે.તેનો શિકાર ચામાચિડીયા છે.તેનું નિરીક્ષણ કરનાર પક્ષીવિદોએ તેની શિકારની રીત અંગે જણાવ્યું છે કે તે મોટાભાગે ખોખલા થઇ ગયેલા વૃક્ષોમાં વસતા ચામાચિડીયાનો શિકાર કરે છે.તે આ વૃક્ષમાં પ્રવેશે છે અને ત્યારબાદ ચામાચીડિયાને બહાર ખેંચી કાઢીને તેની જ્યાફત ઉડાવે છે.તેને જોઇને લાગે નહી કે આ રંગીન, રમતિયાળ અને ગાતુ રહેતું પક્ષી આટલું ખતરનાક હોઇ શકે છે.
સમુદ્રની સપાટી પર આંટા મારતા સીગલ પક્ષીઓ તો આપણે જોયા છે અને એ પણ ખબર છે કે તેઓ માછલીઓ પર નભતા હોય છે પણ આર્જેન્ટિનાના કાંઠે વસતા સીગલ પ્રજાતિના જ ગલ પક્ષીઓ અલગ જ પ્રકારના છે તેમની શિકાર કરવાની પદ્ધતિ ક્રુર છે. તમે આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ બર્ડસ જોઇ હશે જેમાં એકસામટા પક્ષીઓના ઝુંડ માનવી પર કેવો હુમલો કરે છે તે દૃશ્ય પણ તમને યાદ હશે આ ગલ્સ પક્ષીઓ જ્યારે પચાસફુટ લાંબી વ્હેલ પર જ્યારે ત્રાટકે છે ત્યારે એ જ દૃશ્ય યાદ આવી જાય છે. તેઓ જ્યારે વહેલ સપાટી પર આવે છે ત્યારે એક સામટા તુટી પડે છે અને તેના શરીર પરથી જ્યાંથી માંસનો ટુકડો મળે તોડી લેતા હોય છે.
આમ તો ઘરમાં બાળક ક્યારેક તેને ભાવતું ભોજન ન મળે તો ઘરમાંથી નિકળી પડતું હોય છે અને જોઇએ તો જણાય કે તે પાડોશીના ઘેર જઇને ટેસથી તેને ભાવતી વસ્તુ આરોગતું હોય છે સ્પેનનાં વૈજ્ઞાનિકોએ જ્યારે સ્ટોર્ક પક્ષીઓનો અભ્યાસ કર્યો ત્યારે તેમને પણ જણાયું હતું કે સ્ટોર્કનાં બચ્ચા પણ જ્યારે તેમનાં માતાપિતા દ્વારા લવાયેલા ખોરાકથી સંતોષ પામતા નથી ત્યારે તેઓ નજીકના અન્ય સ્ટોર્કનાં માળામાં ચાલ્યા જતા હોય છે.
લાંબી ચાંચ ધરાવતું હોર્નબિલ ભારતમાં સામાન્ય રીતે સહેલાઇથી જોવા મળતું પક્ષી છે.જે લક્કડખોદ અને સ્ટોર્ક સાથે ખાસ્સુ સામ્ય ધરાવે છે.મોટાભાગે માદા જ માળો બનાવવાનું કામ કરે છે નર તો માત્ર આરામ જ કરે છે.જ્યારે માળો તૈયાર થઇ જાય ત્યારે નર માદાને તે માળામાં સીલ કીચડ અને અન્ય પદાર્થોથી સીલ કરી દે છે માળામાં એટલું કાણુ રાખે છે જેના વાટે નર તેને અને બચ્ચાઓને ખોરાક લાવીને આપી શકે.આ કેદ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બચ્ચાઓ ઉડવાલાયક થઇ જતા નથી.નિષ્ણાંતો તેને શિકારીઓથી રક્ષણની રીત ગણાવે છે.તો આ દ્વારા નર માદાને અન્ય નર સાથે સંસર્ગમાં આવતા પણ અટકાવે છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુગિનીના વરસાદી જંગલોમાં મળી આવતા વિશાળ રંગીન પોપટની માદાઓને આકર્ષવાની રીત અલગ જ પ્રકારની છે.તેની સ્ટાઇલ કોઇ ડ્રમર જેવી હોય છે.જ્યારે નર પોપટને માદાની જરૂરિયાત હોય ત્યારે તે પોતાની વિશાળ તીક્ષ્ણ ચાંચ વડે ઝાડની એક ડાળખી તોડે છે અને ત્યારબાદ તે આ લાકડી લઇને યોગ્ય વૃક્ષની શોધમાં નિકળી પડે છે. એ વૃક્ષ મળ્યે તેને લાગે કે આસપાસમાં કોઇ માદા હશે તો તે પોતાના પગ વડે પેલી ડાળખીને ઝાડની પોલી ડાળખી પર તાલબદ્ધ રીતે પછાડવાનું શરૂ કરે છે અને તેને ગમતી કોઇ ધુન જાણે તે વગાડતું હોય તેવું દૃશ્ય ત્યારે સર્જાય છે અને પાસે રહેેેલી માદાને જો તેનું સંગીત ગમે તો તે તેની પાસે તરત જ આવી જાય છે.
જાતિંગા ભારતનું એક શહેર છે અને આ શહેર તેની રમણીયતાને કારણે નહી પણ અહી બનતી કેટલીક રહસ્યમય ઘટનાઓને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે આ શહેરમાં વર્ષના અમુક સમયગાળામાં પક્ષીઓનાં ઝુંડ આવે છે અને જાણે કે જીવનથી નિરાશ થઇ ગયા હોય તેમ અહી આવીને તેઓ સામુહિક આત્મહત્યા કરતા હોય છે.પ્રખ્યાત પક્ષીવિદ સાલીમ અલીએ પણ આ ઘટનાનો ઉલ્લેખ પોતાનાં પુસ્તકમાં કર્યો છે હજી સુધી આ પક્ષીઓ અહી જ આવીને કેમ પડતું મુકે છે તે કોઇને સમજાયું નથી. તેમાંય કોઇ એક જ પ્રજાતિના પક્ષીઓ આ સામુહિક આત્મહત્યામાં સામેલ હોય છે તેવું નથી અનેક જુદી જુદી જાતિના પક્ષીઓ આ કૃત્ય કરતા હોય છે.
ઉત્તર અમેરિકામાં મળી આવતું માત્ર ચાર ઇંચનું હાઉસરેન્સ પક્ષી આમ તો દેખાવે સામાન્ય છે જે મોટાભાગે તો જીવડા અને જીવાત પર જ નભતું હોય છે તે પોતાના માળાની રક્ષા માટે આક્રમક પણ બની જતું હોય છે અને ક્યારેક તો અન્ય પક્ષીઓના માળાનો નાશ પણ કરે છે. પણ જ્યારે માળો બનાવવાની અને સંવનનની ઋતુ આવે ત્યારે આ ટચુકડુ પક્ષી શેતાન જેવું બનીજાય છે ત્યારે તે માત્ર બીજા પક્ષીઓને ભગાડવા તેમનો પીછો જ કરતું નથી પણ તેમના માળા પણ રફેદફે કરી નાંખે છે અને ઇંડાઓ પણ ફોડી નાંખે છે.આ સમયે તેની અડફેટમાં કોઇપણ પક્ષીનો માળો આવે તે એને તહેસનહેસ કરી નાંખે છે.દરેક પક્ષીની સંવનનની રીત અલગ પ્રકારની હોય છે કોઇ માળામાં સંવનન કરે છે તો કોઇ અન્યત્ર કરે છે પણ સ્વીફ્ટ પક્ષીઓની રીત અન્ય કરતા અલગ જ છે આ પક્ષી ઉડ્ડયનમાં માસ્ટર છે અને આ ગાળા દરમિયાન તે પોતાની માશુકા સાથે અદ્ધર ને અદ્ધર ઉડે છે અને છેક ૨૦૦૦ ફુટની ઉંચાઇએ જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેમની ઉડવાની સ્પીડ કોઇ નાના એરક્રાફ્ટ કરતા ઓછી હોતી નથી ત્યાં તેઓ આ સ્પીડે સંવનન કરતા હોય છે.જે એક અજબ રીત મનાય છે.
પેસેફિકનાં વરસાદી જંગલો અને કેનેડાનાં બોરેલનાં જંગલોમાં મળી આવતું લાલ છાતી વાળું નટચેસ પક્ષી ખુબ જ વિચિત્ર લાક્ષણિકતા ધરાવે છે. જે મોટાભાગે મોઢુ નીચે રાખીને જ આહાર શોધે છે તેનું માથુ એટલું તો નીચું હોય છે કે જોનારને એમ જ લાગે કે તે તેના પગ નહી મ્હો વડે ચાલે છે. તે જ્યારે માળો બનાવે છે ત્યારે અન્ય કોઇ ઝેરી કે શિકારી પક્ષી તેના માળાની આસપાસ ન આવે તે માટે તે પોતાનાં માળાની આસપાસ તે ખુબ જ ઝેરી પદાર્થ લગાવતું હોય છે અને તે એટલું ઝેરી હોય છે કે તેના સંપર્કમાં આવનારના તરત જ રામ રમી જાય છે ત્યારે પોતે આ ઝેરથી બચવા જોરદાર ટ્રીક અજમાવે છે તે વિમાનની જેમ વિના રોકાયે કે માળાની આસપાસ લગાવેલા ઝેરના સંપર્કમાં આવ્યા વિના બખોલમાં પેસી જાય છે.
મોટાભાગનાં પક્ષીઓ પોતાનું પેટ ભરવા માટે દિવસ ભર આમથી તેમ ઉડે છે અને ભોજન મેળવે છે પણ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં રહેતું ફ્રોગમાઉથ નામનું ઘુવડ જેવું પક્ષી જે મોટાભાગે તો યુકેલિપ્ટસનાં વૃક્ષો પર મળી આવે છે તેની શિકાર કરવાની પદ્ધતિ તદ્દન અલગ જ છે ખરેખર તો તે શિકાર કરવાની જહેમત પણ ઉઠાવતું નથી તે માત્ર એવા વૃક્ષની ડાળ પસંદ કરે છે જ્યાં કોઇ ગરોળી, કાચંડો કે નાના પક્ષીઓ બેસતા હોય તે એવા વૃક્ષની ડાળ પર એવી રીતે ગોઠવાઇ જાય છે કે તે નજરે ચડતું નથી તે આ દરમિયાન પોતાની વિશાળ ચાંચને ખુલ્લી રાખે છે અને ક્યારેક પક્ષીઓ કે ગરોળીને તે આહાર જેવું લાગે છે અને તે આ દાનવનાં મુખમાં જ પ્રવેશી જતા હોય છે જેમાં ઘણીવાર તો નાના પક્ષીઓ પણ તેની જાળમાં ફસાઇ જતા હોય છે બસ તેનાં મોઢામાં આવતાની સાથે જ તે તેની આ ચાંચ જોરથી બંધ કરે છે જ્યારે તે ચાંચ બંધ કરે છે ત્યારે જે અવાજ આવે છે તે સો મીટર દુર સુધી સંભળાય તેવો પડછંદ હોય છે. શિકાર કરવાની તેની આ ખતરનાક રીતને કારણે તે પક્ષી જગતમાં સૌથી ખતરનાક અને વિચિત્ર પક્ષી મનાય છે.