ખજાનો શબ્દ સાંભળતાની સાથે જ ઘણાંનાં કાન ઉભા થઇ જાય છે કારણકે દરેકને ખજાનો શોધવાની તાલાવેલી હોય છે તમામને ઇચ્છા હોય છે કે તેમને કોઇ દટાયેલો કે છુપો ખજાનો હાથ લાગી જાય.ઓક આઇલેન્ડ અને નોવા સ્કોટિયા એવા સ્થળો છે જ્યાં આર્ક ઓફ કોવેનન્ટ અને હોલી ગ્રેલ છુપાયેલા હોવાની શક્યતાઓ દાયકાઓથી વ્યક્ત કરાય છે અને ઘણાં લોકોએ ત્યાં જઇને આ ખજાનાને શોધવામાં જીવનનો લાંબો સમય વ્યતિત કર્યો છે.કહેવાય છે કે આ ખજાનો નાઇટ્સ ટેમ્પલર દ્વારા ત્યાં દાટવામાં આવ્યો હતો.કેટલાક તો કહે છે કે આ સ્થળોએ ચાંચિયાઓ દ્વારા લુંટાયેલા ખજાનાને પણ દાટવામાં આવ્યો છે કેટલાકને એવી પણ માહિતી મળી હતી કે આ સ્થળે શેક્સપિયરની મુળ કૃત્તિઓની પ્રત પણ છુપાવવામાં આવી છે.જો કે આ ખજાનાઓ ઉપરાંત પણ કેટલાક એવા ખજાના છે જે દુનિયાની નજરોથી ઓઝલ થઇ ચુક્યા છે અને તે આજે પણ લોકો શોધી રહ્યાં છે.
ફ્લોરેન્ટાઇન ડાયમંડ એક સમયે ઓસ્ટ્રીયાના રાજઘરાનાનાં તાજનો હિસ્સો હતું આજના સમયે તેની કિંમત વીસ મિલિયન ડોલરની આસપાસ અંકાય છે જો કે એક સમયે તે માત્ર બે ફ્રાંકમાં એક સૈનિક દ્વારા વેચાયો હતો જે તેણે ૧૪૭૭માં મૃત ચાર્લ્સ બોલ્ડનાં શરીર પરથી ઉઠાવ્યો હતો.આ હીરા પર નવ કટ હતા જે આમ તો ભારતમાં તૈયાર કરાયો હતો જેને ફ્લેમિશ જવેલર લોડેવિક વાન બ્રેકને તૈયાર કર્યો હતો.સૈનિક દ્વારા તેને વેચાયા બાદ તે અનેક હાથોમાં ફર્યો હતો આખરે તેને વિયેનામાં ઓસ્ટ્રીયન તાજમાં પ્રદર્શિત કરાયો હતો.જો કે આ હીરો ઓક્ટોબર ૧૯૧૮માં ચોરાયો હતો ત્યારે તેની સાથે ક્વીન એલિઝાબેથના તાજનો હીરો, વીંટી,નેકલેશ અને અન્ય મોંઘા ઘરેણા પણ ચોરાયા હતા.૧૯૧૯માં લોયર બ્રુનો સ્ટીનેર તે હીરા સાથે ગાયબ થઇ ગયો હતો જેને ૧૯૨૩માં ઝડપવામાં આવ્યો હતો પણ તેણે પોતાની પાસે એ હીરો હોવાનો ઇન્કાર કર્યો હતો.તે ૧૯૩૦માં મોતને ભેટ્યો હતો પણ પેલો હીરો તેની પાસેથી મળ્યો ન હતો.કહેવાય છે કે આ હીરો સાઉથ અમેરિકા પહોંચી ગયો છે બીજી એવી કથા છે કે તેને કાપીને નાના ભાગોમાં તબ્દીલ કરાયો છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચી દેવાયો છે.આજે એ હીરો ક્યા છે તેની કોઇને જાણ નથી પણ અમેરિકામાં તેની તલાશ હજી જારી છે.કેટલાકને આશા છે કે એક દિવસ આ અનમોલ હીરો તેમને મળશે.
જેસ્સી જેમ્સ અને તેનો ભાઇ ફ્રાંક ૧૮૬૪માં થયેલા સેન્ટ્રેલિયા નરસંહારમાં ભાગ લેવા બદલ કુખ્યાત બન્યા હતા.જ્યારે સિવિલ વોર ખતમ થયો ત્યારે તેમને ગુનેગાર જાહેર કરાયા હતા. તેમના પર લુંટફાટનાં આરોપ લાગ્યા હતા.જો કે તે જીવતો હતો ત્યારે તેની પાસેથી તેની લુંટનો કોઇ સામાન મળ્યો ન હતો કહેવાય છે કે તેણે પોતાની એ લુંટનો સામાન ઓકલાહામાનાં વિચિતા માઉન્ટેનની કિચી હિલ્સ નામનાં સ્થળે દાટી દીધો હતો.સ્થાનિકો અને વિદેશીઓએ પણ આ વિસ્તારમાં ખાસ્સી શોધ કરી હતી.જો કે કોઇને જેસ્સી જેમ્સનો એ ખજાનો હાથ લાગ્યો નથી પણ ટ્રેજર હન્ટર્સે હજી આશા ગુમાવી નથી તેમને આશા છે કે એક દિવસ તેમનાં હાથમાં આ ખજાનો લાગશે.
૮ જુન ૧૫૫૨નાં દિવસે પોર્ટુગીઝ જહાજ સાઓ જોઆઓ સાઉથ આફ્રિકાનાં ઇસ્ટર્ન કેપ પ્રોવિન્સનાં સેન્ટ જહોન પોર્ટની ખાડીમાં ડુબી ગયાનું કહેવાય છે.આ જહાજ પર ત્યારે ૬૦૦ મુસાફરો હતા જે જળમગ્ન થઇ ગયા હતા.જે બચ્યા હતા તેમની સંખ્યા એકવીસની હતી જેમાંથી ૧૪ ગુલામ હતા.આ જહાજમાં ત્યારે લાખોનું સોનું લાદવામાં આવ્યું હતું.આ ઉપરાંત મરીમસાલા, કિંમતી રત્નો, કાર્પેટ અને અન્ય ઘણી કિંમતી વસ્તુઓ જહાજ પર હતી.કહેવાય છે કે આ જહાજ પર રહેલા કેટલાક ગુલામોએ આ ખજાનામાંથી ઘણી વસ્તુઓ પોતાની પાસે રાખી લીધી હતી.જે તેમની સાથે જ દરિયામાં સમાઇ ગઇ હતી અને ટ્રેજર્સ હન્ટર્સ તે ખજાનાને શોધી રહ્યાં છે.કેટલાકને અમુક વસ્તુઓ મળી છે પણ એ ખજાનો કોઇના હાથમાં આવ્યો નથી.
એચએમએસ હુસ્સાર એ ૨૮ ગન ધરાવતી બ્રિટીશ વોરશીપ હતી.જે ૧૭૮૦માં ઇસ્ટ રિવર થઇને રહોડ આઇલેન્ડ જવા નિકળી હતી.કહેવાય છે કે આ જહાજ પર ત્યારે ચાર મિલિયન ડોલરનું સોનું લાદવામાં આવ્યું હતું.જો કે આ જહાજ તોફાનને કારણે એસ્ટોરિયા અને વોર્ડ આઇલેન્ડ વચ્ચેનાં વિસ્તારમાં ડુબી જવા પામ્યું હતું.બ્રિટીશ સરકારે આ ખજાનાને શોધવા માટે ત્રણ જેટલા સ્થળે તપાસ ચલાવી હતી પણ તેમને તે ખજાનો હાથ લાગ્યો ન હતો.ત્યારબાદ ટ્રેજર હન્ટર્સ તે ખજાનાની શોધમાં લાગ્યા હતા.જો કે તેમનાં હાથમાં હજી સુધી એ સોનું આવ્યું નથી.
રશિયા એવો દેશ છે જ્યાં ગુમ થયેલા ખજાનાઓની સૌથી વધારે શોધ ચલાવાય છે.આ ખજાનાઓમાં ઇવાન ટેરિબલની લાયબ્રેરી, નેપોલિયનનું સોનુ, કોલચાકનું સોનું જેની કિંમત આજે ૨૮૦ મિલિયન ડોલરની અંકાય છે.સાત ઓક્ટોબર ૧૯૦૬નાં દિવસે કાર્ગો લાઇનર વાર્યાગિન ઉસ્સેરી બેનાં કાંઠે ડુબી ગયાનું મનાય છે.તેના માલિક એલેક્સી સિમોનોવીચ વાર્યાગિને સરકાર પાસે આ જહાજ ડુબી ગયા બાદ વળતર માંગ્યું હતું.તેણે ૬૦૦૦૦ રૂબલની માંગણી હતી જો કે ત્યારનાં ગવર્નરે તે આપવાનો ઇન્કાર કર્યો હતો.૧૯૧૩માં જહાજનાં પુર્વ કપ્તાને આ ખજાનાની શોધ માટે એક અભિયાન શરૂ કર્યુ હતું.જો કે તેને એમાં સફળતા હાથ લાગી ન હતી.આજે પણ આ ખજાનો શોધવા માટે લોકો તત્પર છે.
હવાઇ એ રજાઓ ગાળવાનું સૌથી આદર્શ વિસ્તાર મનાય છે આ સ્થળે ઘણાં ખજાના છુપાયેલા હોવાની પણ દંતકથાઓ પ્રચલિત છે.કહેવાય છે કે અહી કિંગ કામેહામેહાની કબર છે જે ૧૮૧૯માં મોતને ભેટ્યા હતા જેમને ત્યારે ઘણાં કિંમતી પોષાક સાથે દફનાવાયા હતા.આ પોષાક આજે જે પક્ષીઓ નષ્ટ થઇ ગયા છે તેમનાં પીંછાઓ વડે તૈયાર કરાયા હતા આ ઉપરાંત તેમની કબરમાં ઘણાં કિમતી રત્નો પણ મુકાયા હતા.જો કે ટ્રેજર હન્ટર્સને એ કબર હજી સુધી મળી નથી.૧૭૯૦માં કેપાનિવાઇ યુદ્ધમાં કિંગ કામેહામેહાનાં લશ્કરે મોટાભાગનાં માઓઇ યોદ્ધાઓને મોતને ઘાટ ઉતારીને તેમનાં મૃતદેહો વેઇલુકુની આસપાસનાં વિસ્તારોમાં નાંખ્યા હતા કેટલાક માને છે કે એ યુદ્ધની સાથે સંકળાયેલા ઘણાં અવશેષો અહી મળી શકે તેમ છે.કેટલાક માને છે કે અંગ્રેજ ચાંચિયા કેપ્ટન કેવેન્ડીશનો પાંચ મિલિયન ડોલરનો સોનાનો ખજાનો પાલેમાનો પોઇન્ટ પર દાટવામાં આવ્યો છે.કેટલાક કહે છે કે કેપ્ટન જેમ્સ કુકને અહીનાં સ્થાનિકોએ ૧૭૭૮માં મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમનાં ખજાના અને હથિયારોને કાઉઆઇ પાસે દફનાવી દીધા હતા.
૧૭૩૯માં પર્સિયન સમુદાયનાં રાજા નાદિર શાહે દિલ્હી પર પચાસ હજારનાં લશ્કર સાથે આક્રમણ કર્યુ હતું.ત્યારે આ હુમલાખોરે ત્રીસ હજાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.ત્યારે તેમણે જે લુંટ મચાવી હતી તે અભૂતપુર્વ હતી તેમણે આ લુંટનો માલ જે પ્રાણીઓ પર લાદ્યો હતો તે ૧૫૦ માઇલ લંબાઇ સુધી ફેલાયેલા હતા.કહેવાય છે કે આ લુંટ બાદ ઘેર પાછા ફરતી વખતે જ નાદિર શાહની હત્યા કરાઇ હતી.તેની હત્યા અહમદશાહે કરી હોવાનું કહેવાય છે અને એ પણ ચર્ચા છે કે તેની પાસે જ નાદિર શાહનો લુંટાયેલો ખજાનો હતો.કહેવાય છે કે મરતા પહેલા અહમદશાહે તે ખજાનો હિંદુકુશની પર્વતમાળામાં ક્યાંક દફનાવી દીધો હતો.કહેવાય છે કે આ લુંટમાં કોહિનુર પણ હતો જે ત્યારબાદ બ્રિટીશ રાજઘરાણાનાં તાજનો હિસ્સો બન્યો હતો.જો કે બીજો ખજાનો હજી સુધી કોઇનાં હાથમાં લાગ્યો નથી.
દક્ષિણ આફ્રિકાનાં યુદ્ધનાં સમયે પોલ ક્રુગરને ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા.તેઓએ ૨૯ મે ૧૯૦૦નાં દિવસે પ્રીટોરિયા છોડ્યુ હતું.તેમણે ચોથી જુનનાં દિવસે મોઝામ્બિકની સરહદ પાર કરી હતી અને યુરોપ જવા માટે જહાજ પકડ્યું હતું.તેઓ શરણાગતની અવસ્થામાં જ જિનેવામાં મોતને ભેટ્યા હતા.કહેવાય છે કે તેમણે પાંચસો મિલિયન ડોલરની કિંમતનાં સિક્કા અને સોનાની પાટો બ્લુ રિવર વિસ્તારમાં સંતાડ્યા હતા.આ અફવાઓ ત્યારે પ્રસરી જ્યારે બ્રિટીશ ગવર્નર લોર્ડ આલ્ફ્રેડ મિલ્નરે સાઉથ આફ્રિકાની મિન્ટ એન્ડ નેશનલ બેન્કમાંથી સોનું લેવાયાન જાહેરાત કરી હતી.જ્યારે ક્રુગર માચાડોડોર્પમાં ટ્રેનમાં હતા ત્યારે જ તેમાં આ સિક્કા અને પાટો પણ લદાયેલા હતા જે મોઝામ્બિક લઇ જવાયા હતા.જો કે આ ખજાનો ત્યાં પહોચ્યો ન હતો અને તે રસ્તામાં જ ક્યાંક ગુમ થઇ ગયો હતો.આજે પણ ક્રુગરનો આ ખજાનો ટ્રેજર હન્ટર્સ માટે એક પડકાર બની રહ્યો છે.
સ્કોટલેન્ડ એ ખુબસુરત વિસ્તાર છે જ્યાં કુદરતી સૌંદર્યની સાથોસાથ ટ્રેજર્સ હન્ટર્સ માટે પણ ઘણાં પડકાર છે જેમાંનો એક પડકાર છે જેકબનો સોનાનો ખજાનો.૧૭૪૫માં સ્કોટલેન્ડમાં જેકબાઇટનાં ઉદ્ગમ સમયે સ્પેને તેમને આર્થિક મદદ મોકલી હતી જેમા સોનાનાં સિક્કાનો સમાવેશ થતો હતો.ત્યારે સ્પેને ક્રાંતિને ચાલુ રાખવા માટે ચાર લાખ લિવર્સની મદદ દર મહિને મોકલી હતી.તેનો પહેલો જથ્થો ૧૭૪૫માં મોકલાયો હતો.ત્યારબાદ બીજા વર્ષે અઁક કરોડ બે લાખ લિવર્સ મોકલાયા હતા.જો કે ત્યારે ક્રાંતિ સમાપ્ત થઇ ગઇ હતી.તેથી જે સાત સંદુકો હતી તેમાંથી છ સંદુકોને લોક આર્કિંગ લાવીને દફનાવાઇ હતી.ત્યારે આ ખજાનો મેકફર્સનની પાસે હતો જેણે અન્ય એક ક્રાંતિનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જો કે તે સોનાનો ખજાનો ત્યારબાદ કોઇનાં હાથમાં આવ્યો ન હતો.
૭૬ વર્ષ પહેલા એસ.એસ.ઓફિસર જેનું ઉપનામ મિચેલિસ હતું તેણે જર્નલમાં સતત એક વાત લખી હતી જેમાં તેણે નાજી કમાંડર હેન્રીક હિમ્લર દ્વારા યુરોપમાંથી લુંટાયેલ ખજાનાને છુપાવવાની વાત લખી હતી.આ ડાયરીની વાત ત્યારે છુપાવવામાં આવી હતી.આ ડાયરી મેસોનિક લોજ પાસે હતી.લોજે ૨૦૧૯માં આ ડાયરી પોલિશ ફાઉન્ડેશન સિલેસ્યિન બ્રીઝને ભેટમાં આપી હતી.આ ફાઉન્ડેશને એ વાત કબૂલ કરી હતી કે તેમને બીજા વિશ્વયુદ્ધ બદલ માફી માંગતું જર્નલ મળ્યું હતું.જો કે એ જર્નલ ઓથેન્ટીક હતું કે નહી તે વાત ખાતરીપુર્વક કહી શકાય તેમ નથી પણ તેમાં રહેલો નક્શો એ રોમાંચકારી હતો.આ નકશામાં હોકબર્ગ પેલેસ ગ્રાઉન્ડનો વિસ્તાર અંકિત છે જ્યા નાજીઓએ તેમનો ખજાનો છુપાવ્યાની કથાઓ પ્રચલિત છે.આ ખજાનામાં ૬૩૦૦૦ કલાકૃત્તિઓ પણ સામેલ છે જે પોલીશ યહુદીઓ પાસેથી આંચકી લેવાઇ હતી.આ ડાયરીમાં અન્ય દસ વિસ્તારો અંકિત છે જ્યાં નાજીઓએ સોનું, રત્નો, કલાકૃત્તિઓ અને ધાર્મિક કલાકૃત્તિઓ દફનાવી હોવાનું કહેવાય છે.કહેવાય છે કે આ ખજાનાની કિંમત લગભગ એક બિલિયન ડોલરની આસપાસની છે જે હજી કોઇનાં હાથમાં લાગી નથી.