વર્ષ ૧૯૬૨ ગુજરાતનું એક નાનકડુ ગામ છીટાદરા. ગામની વચ્ચે એક કાચ્ચા મકાનમાં રહેતી ૪૦ વર્ષની જવાન ઉંમરે વિધવા થયેલી જમના અને એની બે દીકરી વિદ્યા અને ગીતા.ગુજરાન ચલાવા માટે એક નાનકડું ખેતર અને એક ગાય એનું નામ ગોમતી. જમના સવારે રોટલા કરી ખેતરે કામ પર જતી પોતાના ખેતરની સાથે આજુબાજુના ખેતરોમાં કામ હોય તો કરી ઘર ચલાવવા પૂરતા રુપીયા કમાઈ લે .મોટી દીકરી વિદ્યા ૧૮ વર્ષની થઈ ગઈ હતી એની સગાઈ તો બે વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી હવે લગ્ન કરવાની તારીખ નજીક આવી રહી હતી. વિદ્યા પણ સવારે જમના સાથે ખેતરે મજૂરી કરવા જતી નાની દીકરી ગીતા સવારે શાળામાં જતી અને બપોરે ઘરે આવી રોટલા ખાઈ એ પણ ખેતરે મદદ કરાવવા જતી .
લગ્નની તારીખ નજીક આવી રહી હતી અને જમના પાસે જોઈતા રુપીયા ભેગા થયા ન હતા એટલે એ ખૂબ ચિંતામાં રેહતી .રોજ સાંજે ખેતરેથી આવી ગોમતીને ઘાસ નાખતી અને એને દોહતી વખતે પોતાના મનના દુઃખ એને જણાવતી .ગોમતી ગાય જમના ની બધી વાતો જાણે સમજતી અને એ પણ દુઃખી થતી. ગીતા ગાયના વાછરડા સાથે રમી પોતાનો થાક ઉતારતી .સાંજની રસોઈ ની જવાબદારી દીકરીઓ ઉપાડતી .ગામમાં વીજળી નહોતી એક જ દીવા પર ઘરના બધા કામ રાત્રે પૂરા કરતા .ઘણીવાર તો દીવાના તેલ માટે પૈસા ના હોય તો ચુલાના અજવાળે કામ કરતા. આખા દિવસ ની મહેનત બાદ ત્રણે થાકી જતા . ગીતા શાળાની વાતો કરતી જે સાંભળી ત્રણેય મલકાતા . વિદ્યાને હજી આગળ ભણવું હતું પણ પરિસ્થિતિ નહોતી . ગીતાનું પણ ભણવાનું આ છેલ્લું વર્ષ હતુ દસમા પછી આગળ ભણવા ગામની બહાર જવું પડતું એટલે ગામની મોટાભાગની દીકરીઓ દસમા ધોરણ સુધી જ ભણી શકતી. પોતાની ગરીબીનો સ્વીકાર કરી મન ને મારી , સપના ઓને સંતાળી ત્રણે સુઈ જતા અને બીજા દિવસે પાછા એ જ કામ પર લાગી જતા.
એક વહેલી સવારે જ્યારે જમના રોટલા ઘડી રહી હતી ત્યારે વિદ્યાના થવા વાળા સસરા ઘરે આવ્યા અને જણાવ્યું કે એમના દીકરાને મુંબઈની મીલમાં નોકરી લાગી ગઈ છે અને આવતા મહિને એને મુંબઈ જવું પડશે અને એ બે વર્ષ સુધી પાછો નહીં આવી શકે એટલે લગ્ન આજ મહિને લેવા પડશે . જમના ને આનંદ હતો કે દીકરી હવે મુંબઈ જશે પણ સાથે ચિંતા પણ હતી કે આટલી જલ્દી એ લગ્ન માટે રુપીયા નો બંદોબસ્ત કેવી રીતે કરશે? ના કહેવાની એની હિંમત ન હતી એટલે એણે આ મહિનાના અંતમાં લગ્ન લેવા માટે હા પાડી દીધી .
ગામનો મુખી પૈસાવાળો અને લોભી હતો .ગામમાં કોઈપણ ગરીબને જ્યારે આવી રીતે પૈસાની જરૂર પડે ત્યારે ઊંચા વ્યાજે બધા મુખી પાસે પૈસા લેવા જતા .જમના પાસે પણ બીજો કોઈ ઉપાય ન હતો એણે મૂખી ને પૈસા માટે વિનંતી કરી . મુખી જાણતો હતો કે જમનાની પરિસ્થિતિ નથી કે એ વ્યાજ આપી શકે કે મૂડી પાછી આપી શકે . આખા ગામમાં જમનાની ગાય સૌથી વધુ તંદુરસ્ત હતી. ઘણા સમયથી મુખીની નજર એ ગાય પર હતી.મુખીએ જમનાને જણાવ્યું કે જો એ એની ગાય એને વેચે તો એ રૂપિયા આપશે . જમના ને ગાય ખૂબ વહાલી હતી. એ એને એના પ્રભુ કૃષ્ણ ભગવાનાં આશીર્વાદ માનતી એની જરા પણ ઈચ્છા નહોતી પણ જમના પાસે બીજો કોઈ ઉપાય હતો નહીં . જમના મન પર પથ્થર મૂકી ગાય વેચવા તૈયાર થઈ પણ એણે મુખી પાસે વચન માગ્યું કે એ આ ગાયને કોઈ કસાઈને નહીં વેચે અને ગાયની પુરી સંભાળ રાખશે. મુખીએ જણાવ્યું કે એ આ ગાયને પોતાની દીકરીના સાસરે મોકલી આપશે જે થોડા દિવસોમા માં બનવાની છે એટલે એ આ ગાય પોતાની દીકરીને ભેટ આપવા માંગે છે . ગાયનું વાછરડું મોટું થઈ ગયું હતું અને ગોમતી મોટા ઘરમાં જશે જ્યાં એની વધારે સંભાળ રાખવામાં આવશે એવા વિચાર સાથે દીકરી ની વિદાય કરવા જમના ગાયને વિદાય આપવા તૈયાર થઈ ગઈ .
જમના ઘરે આવી ખૂબ રડી દીકરીઓને પણ એણે ગોમતીને વેચવાની વાત જણાવી . દીકરીઓ પણ ખુબ રડી . ગોમતીને તિલક કરી એની સાથે છેલ્લી વાતો કરી અને પોતાની મજબૂરી સમજાવવાનો પ્રયત્ન કર્યો . મંદિરમાં કાન્હા ને દીવો કર્યો અને એને ગોમતી નું ધ્યાન રાખવા પ્રાર્થના કરી . ગાયને લઈને મુખી ના ઘરે ગઈ . ગાય આપી પૈસા લઈ દુઃખી મને જમના ઘરે પાછી આવી. એ સાંજે કોઈના મોમાં એક કોળિયો પણ ગયો નહીં .
રાત્રે ખાટલો પાથરી ત્રણેય સુવાની તૈયારીમાં હતા ત્યાં જ ગામના વડીલ શંકરભાઈ જમનાને મળવા આવ્યા. શંકરભાઈએ ગાય વિશે પૂછ્યું જમનાએ જણાવ્યું કે દીકરીના લગ્ન માટે રૂપિયાની જરૂર હતી એટલે મૂખીને વેચી દીધી . મુખી એને એની દીકરી ના ઘરે મોકલશે . શંકરભાઈએ જણાવ્યું મુખી એ ગાયને કસાઈને વેચી નાખી છે અને અત્યારે કસાઈ ખટારો લઈ એના ઘરે આવ્યો છે . આ વાત સાંભળતા જમનાને આઘાત લાગ્યો અને એ ઉઘાડા પગે મુખીના ઘર તરફ દોડી .જમના મૂખી ના ઘરે પહોંચી ત્યારે ખટારો ત્યાંથી જઈ રહ્યો હતો. જમના એ ગોમતી ને જોઈ અને ખટારા પાછળ દોડી ગોમતી પણ જમનાને પુકારતી રહી પણ કસાઈ પૂરી ઝડપે ખટારો દોડાવી જઈ રહ્યો હતો .જમના પોતાનું બધું જોર લગાવી ખટારા પાછળ દોડી ઘણી બુમો મારી પણ ખટારો રોકાયો નહીં અને જમના થાકીને રોતી રોતી નીચે પડી ગઈ .
બધી તાકાત ભેગી કરી જમના ઊભી થઈ અને ગામ તરફ દોડી રસ્તામાં આવતા બધા ઘર માં એને બૂમ પાડી ને પોતાની ગોમતીને બચાવી લેવા બધાને વિનંતી કરી . જણાવ્યું કે મૂખીએ એની સાથે દગો કર્યો છે અને પોતાના વચનથી ફરી ગયો અને ગાય એક કસાઈને વેચી છે . ગામના બધા લોકો મૂખી ના ઘરે પહોંચ્યા પણ મૂખી સામે બોલવાની કોઈની હિંમત નહોતી . જમનાએ જ્યારે મુખીએ આપેલા વચનની વાત કરી તો મુખી ફરી ગયો એણે કહ્યું મેં ગાય રૂપિયા આપી ખરીદી છે હવે એ ગાય મારી હતી અને મારે એનું જે કરવું હોય એ કરું . તમે બધા ઘર ભેગા થાઓ અને સુઈ જાવ . ગામના બધા લોકો જાણતા હતા કે મુખી લોભિયો અને ખોટો છે .બધાની ઈચ્છા હોવા છતાં કોઈ જમનાની મદદે આવી ના શક્યું .
મૂખી ના તો એક જ દિવસમાં રૂપિયા બમણા થઈ ગયા હતા એટલે એ રાજી રાજી થઈ સુઈ ગયો .જમના અને એની દીકરીઓ સુઈ ના શકી આખી રાત કાન્હાના મંદિર સામે બેસી રોતી રહી અને ગોમતીને બચાવી લેવા આજીજી કરતી રહી આ બધા માટે જમના પોતાને જવાબદાર માની રહી હતી. રોતા રોતા ક્યાં આંખ લાગી ગઈ ખબર ન પડી સવારે રમંદિર પાસે માથું મૂકી સુઈ હતી ત્યાં જ ગોમતીનો અવાજ સંભળાયો ગોમતી બૂમો પાડતી દોડીને ઘર તરફ આવી રહી હતી . ગામના બધા જ લોકો આ દ્રશ્ય જોઈ ચોકી ગયા . ગોમતીના અવાજે જમનાને જગાડી એ પણ ઘરની બહાર દોડી અને સામે પોતાની ગોમતીને હેમખેમ જોઈએ ખુશીના આંસુએ રડી એને ભેટી એની માફી માગવા લાગી . વિદ્યા અને ગીતા વાછરડાને લઈ દોડીને આવ્યા ગોમતીને જોઈ એ પણ રાજી થયા પાંચે જણા ના આ પરિવાર ને ગ્રામજનો ભીની આંખે જોઈ રહ્યા .આ ચમત્કાર કેવી રીતે થયો એ જાણવા બધા ઉત્સુક હતા .
જમાના એ ઘરે જઈ મંદિરમાં દીવો કર્યો અને કાન્હાનો આભાર માન્યો અને પછી રૂપિયા પાછા આપવા મૂખી ના ઘરે ગઈ . મુખી આ વાત સાંભળી ચોંકી ગયો કે આવું કેવી રીતે બની શકે અને જો ગાય પાછી ભાગીને આવી ગઈ છે તો કસાઈ પાછળ લેવા આવતો હશે. એટલે રૂપિયા લેવાની ના પાડી રહ્યો હતો અને ગાય પાછી માંગી રહ્યો હતો ત્યાં જ એક માણસ સમાચાર લઈને આવ્યો .
" મૂખી સાહેબ તમારી દીકરી શેહરથી સુવાવડ કરવા અહીં આવી રહી હતી એની ગાડીને રસ્તામાં એક ખટારા સાથે અકસ્માત થયો છે તમારી દીકરી તો બચી ગઈ પણ એનું બાળક બચી ના શક્યુ અને સામે ટ્રક વાળા નું પણ મૃત્યુ થયું છે ." મુખીની આંખો ફાટી ગઈ. એ સમજી ગયો કે એણે કરેલા કરમની એને સજા મળી છે . ઉપરવાળાએ મારેલા તમાચામાં અવાજ ન હતો .
આ ચમત્કાર જોઈ વિદ્યાના લગ્નની જવાબદારી ગામવાળા ઓએ ઉપાડી લીધી અને ધૂમધામથી લગ્ન કરી એની વિદાય કરી.
લેખક - પંકજ ભરત ભટ્ટ