બદલો PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો

બદલો લઘુ વાર્તા

એક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક્ટરી . એક બેટરી વાળી લાઈટ નો ઓછો પ્રકાશ આવે છે. રાતનો લગભગ 11 વાગ્યાનો સમય . ૨૦ વર્ષની નિશા ને એક જૂની લોખંડની ખુરશી ઉપર બાંધીને રાખી છે એના મોઢા ઉપર ટેપ લગાડેલી છે . મદદ માટે ચીસો પાડવા માંગે છે પણ પાડી શકતી નથી એના ચશ્મા નીચે પડેલા છે . ખુરશી થી છૂટવા ધમ પછાડા કરી રહી છે પણ કોઈ જ ઉપયોગ નથી આંખોથી પાણી વહી રહ્યું છે ખૂબ જ ડરેલી છે .

દુર અંધારામાંથી એક માણસ એની તરફ ચાલીને આવી રહ્યો છે . રંગે કાળો ને ભાયાનક લાલ આંખો , સફેદ દાઢી ધીરે ધીરે પ્રકાશમાં આવે છે નિશા એને જોઈને વધારે ડરે છે .માણસના એક હાથમાં મોટું ચાકુ છે અને બીજા હાથમાં મેકડોનાલ્ડ ની બેગ છે જેમાં બર્ગર અને ચીપ્સ છે એની સામે આવે છે અને સામે પડેલા જુના ટેબલ ઉપર એક તરફ ચાકુ અને બીજી તરફ બર્ગર અને ચિપ્સ મૂકે છે અને ઈશારા થી પૂછે છે શું જોઈએ છે જમવાનું કે મોત નિશા જમવાના સામે જોઈ હા મા માથુ હલાવે છે .

ગનુ એકદમ શાંત થી એની સાથે વાત કરે છે "જો હું તારી વાત માનીશ એટલે તારે પણ મારી વાત માનવી પડશે . હું તારા મોઢેથી ટેપ હટાવીશ ને તારા હાથ ખોલીશ પણ જો તે ચીસો પાડી તો આ બર્ગર ના બદલે આ ચાકુ તારા ગળામાં ઉતારી દઈશ અને હાથ ચલાવવાની કોશિશ કરીશ તો આંગળા કાપી નાખીશ . હું તને અહીં એક ખાસ કામ માટે લાવ્યો છું .એ કામ પતી જશે એટલે તું શાંતિથી તારા ઘરે જઈ શકીશ . મારી વાત તને સમજાય છે ? "

નિશા હા મા માથું હલાવે છે .ગનુ એના મોઢાથી ધીમેથી ટેપ કાઢે છે .નિશા કંઈક બોલવા જાય છે ગનુ એના મોઢા પર ચાકુ મૂકે છે અને ચુપ રહેવા ઈશારો કરે છે .

"હું ચીસ નથી પાડતી . મને ખબર છે હું ચીસ પાડીશ તો પણ કોઈ અહીં સાંભળવાવાળું નથી " નિશા ધીમા આવજે ડરતા ડરતા બોલી .

"સમજદાર છે " ગનુ હલકા સ્મિત સાથે બોલ્યો .

"જુઓ તમે કહેશો એટલા પૈસા મારા પપ્પા તમને આપશે તમે મને પ્લીઝ ઘરે જવા દો " નિશાએ આજીજી કરી .

"આઈડિયા સારો છે .એટલે હું તને છોડી દઉં પછી તું તારા ઘરે જઈશ તારા પપ્પા પાસેથી તિજોરીની ચાવી લઈશ અને એમાંથી બધા રૂપિયા અને દાગીના લઈને પાછી મારી પાસે આવીશ અને પછી આપણે બંને અહીં બેસીને આઈસ્ક્રીમ ખાશું અને હું રૂપિયા લઈને મારા ઘરે અને તું તારા ઘરે બહુ સરસ આઈડિયા છે " ગનુ જોરથી હસતા હસતા બોલ્યો .

" તમે મારો ફોન આપો તમને કેટલા પૈસા જોઈએ છે મને કહો હું પપ્પાને ફોન કરું છું " નિશા રડતા રડતા બોલી .

"તારો ફોન ચાલુ કરીએ એટલે તારા પપ્પાને અને પોલીસને અહીંનું લોકેશન મળી જાય . પછી પૈસા આવે ના આવે પોલીસ તો આવશે જ મેડમ crime patrol હું પણ જોઉં છું . આ તારું મોઢું ખાવા માટે ખોલ્યું છે . આ ખા અને બોલવાનું બંધ કર નહીં તો જીભડો કાપી નાખીશ " ગનુંએ ગુસ્સાથી ધમકાવતા કહ્યું .

ગનુ નિશાના હાથ ખોલે છે નિશા કાંઈ બોલતી નથી પણ ખાતી પણ નથી એને વહેમ થાય છે ખાવામાં કંઈક ભેળવ્યુ હશે .

" જોયા શું કરે છે ? મોઢું ખાવા માટે ખોલ્યું છે ખા નહીં તો પાછી મોઢા પર ટેપ મારી દઈશ " ગનુને ગુસ્સો આવતો હતો .

" આમાં કંઈ નાખ્યું હશે તો ? "

" તને મારવા માટે મારી પાસે ચાકુ છે ઝેર પાછળ પૈસા શું કામ બગાડુ ? " 

" ઝેર નહીં પણ બીજું કંઈ ? મને બેભાન કરીને પછી મારી સાથે . . . " નિશા ડરતા બોલી .

" અરે . . . . મારી દીકરીની ઉંમરની છે તું - એવા ઈરાદાથી લાવ્યો હોત તો ક્યારની તને રેહસી નાખી હોત " નિશાની વાત સાંભળી ગનુ ને ગુસ્સો આવે છે અને ચાકુ લઈ એની તરફ આગળ વધે છે નિશા ડરી જાય છે અને એના મોઢામાંથી ચીસ નીકળી જાય છે . ગનુ પાછા એના હાથ બાંધવા લાગે છે નિશા રડે છે અને સોરી કહે છે .

"સોરી અંકલ પ્લીઝ મને બાંધો નહીં મને ભૂખ લાગી છે મારે ખાવું છે "

ગનુના હાથ રોકાઈ જાય છે અને પાછો હાથ ખોલી નાખે છે . નિશા ઉતાવળે ખાવા લાગે છે .

" તમે જેટલા કહેશો એટલા પૈસા તમને મળી જશે મારા પપ્પા પાસે ખૂબ રૂપિયા છે " 

" રૂપિયા તો મોં માંગ્યા મળશે જ શહેરના મોટામાં મોટો દાગીના નો શોરૂમ છે તારા બાપનો . એ શું લાગે છે તારો બાપ તારા માટે કેટલા રૂપિયા આપી શકે ? "

" તમે કહેશો એટલા આપશે મારા પપ્પા મને ખૂબ પ્રેમ કરે છે એ મારા માટે પોતાની જાત પણ વેચી નાખશે " 

" સાચી વાત છે બાપાને દીકરીઓ બહુ વહાલી હોય . પણ મને તો રૂપીયા જોઈતા જ નથી " ગુનુ એ હલકા સ્મિત સાથે કહ્યું .

આ વાત સાંભળી નિશાના ચહેરાનો રંગ ઊડી ગયો એ પાછી ગભરાવા લાગી એના હાથમાંથી ખાવા નુ નીચે પડી ગયુ .

" રૂપિયા નહીં તો પછી શું જોઈએ છે તમને ? તમે અહીં મને શું કામ લાવ્યા છો? મારી સાથે શું કરશો ? " નિશા નું મગજ વિચારોએ ચડી ગયુ .

"આટલા બધા સવાલ અને જવાબ માત્ર એક જ . બદલો " ગનુએ નિશાની આંખોમાં આંખ નાખી જવાબ આપ્યો .

" બદલો ? શા નો ? શા માટે ? મેં તમારું શું બગાડ્યું છે ? "નિશાનો ડર વધી ગયો .

" તે મારો ભવ બગાડ્યો છે " ગનુ એ હાથમાં ચાકુ લઈ કહ્યું .

"મેં તમારો ભાવ વગાડ્યો છે ? હું તો તમને ઓળખતી પણ નથી . " નિશાને કંઈ જ સમજાતું નહોતું .

" મગજ ઉપર જરા જોર આપ એટલે યાદ આવશે તે શું ખોટું કર્યું છે " ગનુ ખુરશીના ચક્કર મારતા બોલ્યો .

"અરે તમારી કોઈ ગેરસમજ થઈ રહી છે .મેં કંઈ જ ખોટું નથી કર્યું. મારું નામ નિશા છે હું તો કોલેજમાં ભણું છું .મેં તમને ક્યારેય જોયા નથી . મેં તમારું કંઈ જ બગાડ્યું નથી " નિશાને કંઈ જ સમજાતું નહોતું આ બધું કેમ થઈ રહ્યું છે .

" હા સાચી વાત છે તે નથી બગાડ્યું .તારા બાપના રૂપિયાએ બગાડ્યું છે તારા બાપના રૂપિયા એ તને માત્ર અહંકાર આપ્યો છે . આ રુપીયા તને સંસ્કાર ના આપી શક્યા .આ રૂપિયા તમને ગરીબો પર હસવા નો અને એમની મજાક ઉડાવવાનો હક આપે છે .એમની ભાવનાઓ સાથે રમવાની તમને મજા આવે છે .તમારા મનોરંજન માટે કોઈ ગરીબ પર શું વીતી હશે તમને એનો અંદાજો નથી આવતો " ગનુ ની આંખોમાં પાણી અને ગુસ્સો હતો .

નિશા આ વાત સાંભળી વિચારમાં પડી ગઈ " તમે નંદીની ના પપ્પા છો ? "

" યાદ આવી ગયું ? ગરીબ નંદીની નો ગરીબ બાપ ગનુ . ભૂલ મારી જ હતી. મેં એના માટે મોટા સપના જોયા . ભણવામાં ખૂબ હોશિયાર હતી મારી દીકરી . મારી ઓકાત નહોતી પણ તો એ મેં એને આટલી મોટી કોલેજમાં ભણવા મોકલી . એ ના પાડતી હતી "પપ્પા મારે નથી જવું આવી કોલેજમાં ખૂબ ખર્ચો થશે આપણે તો સરકારી કોલેજ ચાલશે " મારી ખુબ ચિંતા કરતી . ૧૨ વર્ષની હતી ત્યારે મા વગરની થઈ ગઈ હતી .ઘર પણ સંભાળતી ને ખુબ ભણતી . નસીબ જ ફૂટેલા હતા બિચારી ના . મારી જીદે એ મોટી કોલેજમાં જવા તૈયાર થઈ . તમને બધાને એના ગુણ ન દેખાયા , એના સંસ્કાર ન દેખાયા, એની આવડત ન દેખાઈ , દેખાઈ તો ફક્ત તેની ગરીબી , એના જુના કપડા ,એના સાંધેલા ચપ્પલ ,એણે બાંધેલી ચોટીઓ , મજાક બનાવી દીધો તમે એનો ન એ તમને કંઈ કહી શકી કે ન મને કંઈ જણાવ્યું . ગૂંગળાઈ ગઈ હતી. એક નાની ચિઠ્ઠી લખી ઝેર પી લીધું . ગરીબ પાસે એની મૂડીમાં માત્ર એની ઈજ્જત હોય છે અને તમે તમારા મજાક અને મનોરંજન માટે એ છોકરીની ગરીબીની મજાક ઉડાવી મારી નાખી . મારો તો જીવવા નો એક જ આસરો હતો અને એ તમે છીનવી લીધો . નંદિની સાથે મારી પણ જીવવાની ઈચ્છા મરી ગઈ છે . પણ ભવિષ્યમાં બીજી કોઈ નંદીની જોડે આવું ન થાય એટલે તને અહીં લઈ આવ્યો છું " ગનુ ધૃસ્કે ધૃસ્કે રડતા બધુ બોલી ગયો .

નિશાની આંખમાં પછતાવાના આંસુ હતા એને ખબર ન હતી કે એની આ મસ્તી કોઈનો જીવ પણ લઈ શકે છે એને એની ભૂલ સમજાઈ ગઈ હતી . નંદીની એ આત્મહત્યા કરી એ એને ખબર હતી પણ એનું કારણ એ હતી એ આજે સમજી . નિશા પાસે પોતાની સફાઈ આપવા માટે કોઈ શબ્દો ન હતા .

ગનુ એ રડતા રડતા નિશાના હાથ પગ ખોલી દીધા "તારો જીવ લેવાથી જો મારી દીકરી જીવતી થતી હોત તો ચોક્કસ તને મારી નાખત પણ એ શક્ય નથી . જા . .જા . .તારા પપ્પા પાસે એ કેટલી ચિંતામાં હશે એ હું સમજી શકું છું . "

લેખક પંકજ ભરત ભટ્ટ .