કાંતા ધ ક્લીનર - 51 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 51

51.

કાંતાએ કહ્યું કે તેણે પોલીસમાં પણ કહેલું કે તે રૂમમાં એકલી ન હતી તેમ લાગેલું. પોતે બે વ્યક્તિઓ અને વિચિત્ર રીતે શાંત વાતાવરણ.. ગીતાબા સમજેલાં કે બે એટલે પોતે અને  સૂતેલા અગ્રવાલ અથવા સરિતા.

 તેને  કેમ  એવું લાગ્યું તે કોર્ટે પૂછ્યું. અરીસામાં જોતાં પાછળ  વચ્ચે લાઈટ હતી, તેની પાછળ કોઈ હોય એવું લાગેલું તેમ કાંતાએ કહ્યું. 

"મને પોતાને મારી પાછળ, ડ્રેસિંગ ટેબલની લાઇટને બીજે છેડે બાલ્કનીનાં ડોર પાસે એકદમ કોઈ હોય એવું લાગ્યું. હું એકદમ ગભરાઈ ગઈ." તેણે કહ્યું. 

"આ તો તેં મને પણ નથી કહ્યું. ઠીક, તે માણસ કેવો દેખાતો હતો? તેના હાથમાં કાઈં હતું?" ચારુએ પૂછ્યું.

"હા, યાદ આવ્યું. તે માણસના હાથમાં સફેદ વસ્તુ હતી. પ્રકાશ તેની ઉપરથી પરાવર્તિત થાય એટલે કહી શકું છું." કાંતાએ કહ્યું.

"એ માણસ અત્યારે કોર્ટમાં હાજર છે? તું ઓળખી શકે?" કોર્ટે પૂછ્યું.

"મી લોર્ડ, હું ખોટું નહીં બોલું. એ ખાલી પડછાયો ન હતો,  ચોક્કસપણે કોઈ વ્યક્તિ હતી. પણ એટલે દૂર કે ડ્રેસિંગ ટેબલની ડીમ લાઇટમાં ઓળખી શકું નહીં. હું એકદમ ચોંકીને ઊંધી ફરું ત્યાં મને ઠેસ વાગી અને પડી. ગભરાટમાં મારી આંખે થોડી વાર અંધારાં આવી ગયાં. થોડી ક્ષણો પછી પાછળ જોયું તો તે  આકૃતિ ગાયબ હતી. "

"હા. મારી ક્લાયન્ટ આઘાતમાં ક્ષણિક બેભાન થઈ જાય છે. તેને ચોકીમાં ઇન્સ્પેકટર જાડેજા અને તેને પકડવા  ઘરને દરવાજે પોલીસ જોઈ ત્યારે એમ થએલું." ચારુએ કહ્યું. ગીતાબાએ આવું બનેલું તેની સાક્ષી આપી.

“માનીલો,  એ વખતે રૂમમાં કોઈ છુપાયેલું હતું. તો પણ, કોઈ એમ કહી જ કેમ શકે કે તે મારો ક્લાયન્ટ રાઘવ હતો?" વકીલે કહ્યું.

"રૂમાલ પર ફિંગરપ્રિન્ટ, ઓશીકાંનું  તેની બાથરૂમમાંથી મળવું, કવર બાલ્કનીમાં ચેર નીચે, તે પડછાયો બાલ્કની તરફ જવો એ બધું  આ વાતનો પુરાવો છે." ગીતાબાએ કહ્યું.

"બધી બનાવટ છે.  મારા ખાનદાન ઘરના નબીરા એવા ક્લાયન્ટને ફસાવવાનો કારસો. તો કાંતા, તેં પોલીસસ્ટેશન પહેલી વાર લઈ ગયા ત્યારે કેમ આ ન કહ્યું? તને તારો જ પડછાયો જોઈ ભ્રમણા થયેલી? તું હજી કોઈને છાવરવા માંગે છે! તું રાઘવને ફસાવવા જૂઠું બોલે છે."  રાઘવના વકીલે મરણિયા બની પૂછ્યું.

"હું જૂઠું નથી બોલતી. પડછાયો મારો હોવા શક્યતા નથી. ડ્રેસિંગ ટેબલનો લેમ્પ સાઈડમાં હતો. મારો પડછાયો મારી આગળ પડે. અરીસામાં પાછળ ન દેખાય.   પહેલી વાર  મને પૂછપરછ માટે લઈ ગયા ત્યારે પણ મેં ઇન્સ્પેકટરને કહેલું કે રૂમમાં  મારા અને અગ્રવાલ સિવાય બીજું  કોઈ હતું એવું લાગેલું. મેં કહેલું  તેની વિડિયોગ્રાફી  પણ છે." કાંતાએ પૂરી સ્વસ્થતાથી કહ્યું.

"તો ઇન્સ્પેકટર જાડેજા, તમે આ વાતની નોંધ કેમ ન લીધી?" કોર્ટે પૂછ્યું.

"મને એમ લાગ્યું કે તે પોતાની અને અગ્રવાલની કે પોતાની અને સરિતાની વાત કરે છે."

"હં .. લાગ્યું.. એટલે ધારણાઓ. એની ઉપર કોઈને સજા ન થાય.  

તો કાંતા, તેં  આ વાત અત્યારે કોર્ટને કહી તે પહેલાં કોઈને કેમ કહી નહીં? તે કેવો દેખાતો હતો?"   રાઘવના વકીલ બરાબરના હવાતિયાં મારવા લાગેલા.

"જ્યાં સુધી મને  પાકી ખાતરી ન હોય કે મેં  જે જોયું તે સાચું જ હતું, તો હું કેવી રીતે કહું?  આ તો આ બધા આનુસંગિક પુરાવાઓ પરથી યાદ આવ્યું કે મેં ખરેખર કોઈને ત્યાં જોયેલું. અગાઉથી ત્યાં છુપાયેલું. કોઈને કહીશ તો  હંમેશ મારી મઝાક થાય છે એમ  લોકો હસશે એમ લાગેલું.  આમ શાંત રાત્રિએ રાતે 11 વાગે કોઈ હોટેલના સ્યુટમાં  શા માટે છુપાય? એ પણ, તેનો ત્યાં રહેતા ગેસ્ટને મારી નાખવા જેવો ઇરાદો હોય એમ કેમ બને? એટલે મેં કોઈને હજી સુધી કહેલું નહીં.“

"તો તું રૂમમાં એટલે ગઈ કે સરિતાનો તારી ઉપર ફોન આવ્યો?" ચારુએ પૂછ્યું.

"મારી પર નહીં. રિસેપ્શન પર. મને પણ નવું લાગેલું કે મને બોલાવીને તે નહાવા કેમ ગઈ અને હું આવી તો અંદરથી તેણે કાઈં કહ્યું કેમ નહીં?"

કોર્ટે રિસેપ્શનિસ્ટ અરોરાને બોલાવ્યા. તેણે કહ્યું "મને ફોન આવેલો. ઉચાટમાં જલ્દી બોલાવવા જેવો નહીં તો સાવ સામાન્ય ટોન પણ નહીં. કોઈ અર્જન્સી હોય તેવો. ફોનમાં અવાજ સ્ત્રીનો હતો. જો કે સરિતા મેડમનો અવાજ પાતળો અને થોડી અંગ્રેજી એકસેંટ  વાળો હોય છે. પણ એ સમયે બીજું એ સ્યુટમાંથી કોણ બોલાવે? એટલે મેં ઓન ડ્યુટી ક્લીનર કાંતાને કહ્યું કે સરિતા અગ્રવાલે તને સફાઈ માટે તાત્કાલિક બોલાવી છે."

"અવાજ રાઘવનો હોઈ શકે?" ખુદ ગીતબાએ પૂછ્યું.

"ઓબજેક્શન મી લોર્ડ.  ઇન્સ્પેકટર સજેસ્ટ કરી રહ્યાં છે. મારો ક્લાયન્ટ મિમિક્રીકાર નથી." વકીલે કહ્યું.

એ તબક્કે જીવણે કહ્યું કે પોતે તેને સરિતાની મિમિક્રી કરતો સાંભળેલો. ક્લીનર સુજાતાએ આ વાતની સાક્ષી પૂરી.

ગીતાબાએ ફરીથી સરિતા સાથે રેકોર્ડ કરેલી વાત મૂકી. પછી તે જે નંબર પરથી ફોન આવેલો તે કોર્ટમાં થી જ ડાયલ કર્યો.

રાઘવના ખિસ્સામાં રહેલા ફોનની રીંગ વાગી.

બસ,  હવે કાઈં પુરવાર કરવાનું બાકી રહેતું ન હતું.

ક્રમશ: