46.
"અને બીજી મહત્વની વાત, કાંતા, તને ખબર છે, સરિતા અત્યારે ક્યાં છે? અમે રાઘવને પકડ્યો અને તરત જ સરિતાને જે રૂમમાં રાખેલી તે રૂમમાં રાધાક્રિષ્નને બતાવ્યા મુજબ રેડ પાડી. તે ગાયબ થઈ ગઈ છે. મોનાએ તેને કપડાંની એક બેગ લઈ ઝડપથી જતી જોયેલી. તને ખ્યાલ હશે." ગીતાબાએ કાંતા સામે જોઈ પૂછ્યું.
"મને સાચે જ એ ક્યારે નાસી ગઈ એ ખબર નથી." કાંતાએ કહ્યું.
"એ હોટેલની સ્ટેશનરી પર એક નોટ મૂકી ગઈ હતી. તેમાં લખેલું ‘મેં આ ખૂન કર્યું નથી. કેટલીક વિગતો મારી ગાઢ મિત્ર કાંતા જે અહીં ક્લિનર છે તે કહેશે.’ "
"જતાં જતાં ફરી મારી પર થૂંકી છાંટા ઉડાડતી ગઈ. મને એ જ ખબર છે જે સહુને છે કે રાઘવ અને અગ્રવાલ આ ગોરખધંધાઓમાં ભાગીદાર હતા અને સરિતા તેનું પેમેન્ટ સંભાળતી હતી. પછી સરિતા અને રાઘવ વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થઈ ગયેલો અને તેઓ સાથે ભાગી જવાનું વિચારતાં હતાં." કાંતા હવે જાણતી હતી તે બોલી ગઈ.
"હં .. હવે સમજાયું. ઘણી કડી ઉકેલવા આ સ્ટેટમેન્ટ કામ લાગશે." ગીતાબાએ કહ્યું .
"અને તો ખાસ મહત્વની વાત." ગીતાબાએ સહુ સામે જોતાં કહ્યું.
"કાંતા, તું ખૂનના ગુનામાંથી બહાર હોઈ શકે જો એક વાત સાબિત થાય. જીવણને રાઘવ રોજ રાતે નવી નવી રૂમમાં પૂરી રાખતો ત્યાં એ શું કરતો? બીજું કોઈ એની સાથે રહેતું?"
અંદર રસોડામાંથી વાસણો અને ચમચી ખખડવાનો અવાજ આવ્યો.
"અંદર જીવણ છે ને? એને બહાર બોલાવીએ. અરે જીવણ, ચા માટેનો ગેસ બંધ કરી જરા બહાર આવ." ચારુએ મોટેથી કહ્યું.
જીવણ નીચી મૂંડીએ આવ્યો. તેના પગ ધ્રૂજે છે તેનો ખ્યાલ આવી જતો હતો.
"જીવણ, તારી સાથે એ રૂમમાં કોણ રહેતું? બોલી દે." ગીતાબા પોલીસની આગવી સ્ટાઈલમાં પૂછી રહ્યાં.
"એ તો.. એ તો.. રાઘવ એ બે ને લઈ આવતો. એ લોકો બહારથી ડ્રગ પાઉડર લઈ આવતા અને અમારે ત્રણેએ આખી રાત એ પેક કરવો પડતો. સવારે હું લોકો માટે મજૂરીનાં છૂટક કામો કરવા લાગતો. એ છોકરાઓ ખતરનાક હતા. મેં કોઈ કામ હવે આજે થાક્યો છું ને નહીં કરું એમ ભારપૂર્વક કહ્યું તો મને આ ડામ દીધા." જીવણે શર્ટ ઊંચો કરી પોતાના બાવડે ડાઘ બતાવ્યા.
"અને તારી તો વર્ક પરમીટ પૂરી થઈ ગઈ છે, ખરું? અમે હોટેલમાં અને બધે તપાસ કરી." ગીતાબા ધારદાર દૃષ્ટિએ જાણે તેને કાપી રહ્યાં.
જીવણ કાપો તો લોહી ન નીકળે તેવો થઈને ઊભો રહ્યો પછી રડી પડ્યો.
"મેડમ, સાચી વાત છે પણ શું કરું? નેપાળમાં અમારું ગામ ખૂબ ગરીબ છે. મારે મારાં કુટુંબનું પેટ ભરવા અહીં આવવું પડ્યું છે. મને રાઘવે જ થોડો વખત હું પેઇંગ ગેસ્ટમાં રહેતો હતો ત્યાં તે રહેતો હોઈ હોટેલમાં ટેમ્પરરી કામે રખાવ્યો હતો. હું તેને રસોડામાં મદદ કરતો. બીજાં, કિચનમાં ગુણીઓ ઊંચકી લાવવા જેવાં કામ પણ કરતો. મારો પાસપોર્ટ પૂરો થવા આવ્યો ત્યારે રીન્યુ કરવા અને નવા વર્ક વિઝા માટે મારે કોઈ સારા એજન્ટની જરૂર હતી. એણે મને સાવ ઓછા પૈસામાં એનો મિત્ર મદદ કરશે અને આ કામ કરી આપશે તેમ કહી મારો પાસપોર્ટ અને વર્ક કાર્ડ બેય લઈ લીધાં. ઉપરથી તે એજન્ટને આપવા પૈસા પણ સારા એવા લઈ લીધા. હું એની પાછળ પાછળ ફરવા લાગ્યો. પૈસા વગર અને વર્ક વિઝા વગર મારે કામ શું કરવું એ પ્રશ્ન હતો એટલે એ રાખે ત્યાં રહ્યા વગર છૂટકો ન હતો. મારા પૈસા પણ ગયા અને પાસપોર્ટ પણ. હું એના અને એના ખતરનાક મિત્રોનો ગુલામ જેવો બની રહ્યો." કહેતો જીવણ ફરીથી રડી પડ્યો. કાંતા પોતે ડરેલી હતી છતાં તેણે ઊભી થઈ જીવણને હિંમત આપી.
"તું સાચું બોલી દે, તારી કે મારી ઉપર ખુનનો આરોપ નહીં આવે. બીજી ચિંતા ન કર." તેણે કહ્યું.
"આ સંજોગોમાં હું પણ તારી સાથે રહીશ." ચારુએ તેને સધિયારો આપ્યો.
" એ બે છોકરાઓ પહોળા બાંધા ના હતા? એમને બાવડે ટેટૂ ચીતરેલાં?" ગીતાબાએ પૂછ્યું.
"હા મેડમ. એકના હાથે લાકડી પર વીંટળાયેલા સાપનું ટેટૂ અને બીજાના હાથ પર બે ખંજર એક ઢાલમાંથી પસાર થતા હોય તેવું." જીવણે કહ્યું.
"હા. એ બે તો અમે પોલીસોએ તે સ્યુટમાં રેડ પાડી ત્યારે ભાગવા ગયેલા અને છુપાવાની કોશિશ કરેલી. રાઘવે પિસ્તોલ તાકી ત્યારે એક તો સ્લાઇડિંગ ડોર ખોલી સામેથી બાલ્કનીમાંથી કૂદી પડી ભાગવા પણ જતો હતો. એ બધા પાસે કોકેઇન અને બેંઝોડોપાઈનનો મોટો જથ્થો હતો.
એમ બન્યું હોય કે તેમણે કોઈએ ખૂન કર્યું હોય? અને પોતે તો ખાલી પૈસા ન મળે એટલા માટે એમ ન કરે, શું સરિતાએ તેમની પાસે ખૂન કરાવવાનો ઇરાદો રાખ્યો હશે? આ બધું હવે અમે ગુનાશોધક તરીકે વિચારીએ છીએ." કહી ગીતાબાએ સહુની સામે જોયું.
રૂમમાં સોપો પડી ગયો.
ત્યાં ગીતાબાનો મોબાઈલ રણક્યો.
"એકસક્યુઝ મી" કહેતાં તેઓ જીવણને બહાર બોલાવી કિચનમાં ગયાં, પછી તરત જ બેડરૂમમાં જઈ તે અંદરથી બંધ કરી દીધો.
ક્રમશ: