વરદાન Kanu Bharwad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન

મોસૂઝણું થયું હતું..... કૂકડાઓનો કૂકડે કૂક....અવાજ આવતો હતો.....માલધારીઓના નેસમાંથી ગાયોને દોહ્યાની દૂધ ધારનો મીઠો રણકાર સંભળાતો હતો....સૂરજ આળસ મરડી પોતાનું તેજ પાથરવા તૈયારી કરી રહ્યો હતો...


વહેલી પરોઢમાં આપા લાખા પોતાના ડેલી બંધ ઘરના આંગણામાં ઢોલિયા પર પિત્તળિયો હોકો ગગડાવતા બેઠા હતા..આપા લાખાનું ખોરડું ગામમાં મોટું ગણાય.પંથકમાં તેમની આબરૂ, પ્રતિષ્ઠા અનેે મોભો પંકાયેલો હતો, સુખ, સમૃદ્ધિ અપાર હતી.જમીન જાગીરના ધણી લાખા આપાને કોઈ જ વાતની ખોટ ન હતી.લાખા આપાનેે સંતાનમાં ચાર દીકરા છે,ચારેેય દીકરાઓના ઘર બંધાઈ ગયા છે.સૌથી મોટા દીકરાનું નામ હરજી છે,બીજાનુ નામ સવજી, ત્રીજાનુું ધરજી અને સૌથી નાાના દીકરાનું નામ લવજી . ચારેેય દીકરા બહુ સમજુ અને હોશિયાર છે.આપા લાખા કોઈ ઊંડા વિચારમાં હતા.તે ખુબ જ ચિંતિત દેખાતા હતા.


વાત જાણે એમ હતી.સમય સમયની વાત છે, સતત ત્રણ વરસથી વરસાદ થયો નથી.ગામના લોકો માઠા વરસોથી ત્રાહીમામ્ પોકારી ઉઠ્યાં છે.ઘરમાં અનાજનાં કોઠારો ખાલી થઈ ગયા છે.ખાવા દાણો નથી.આવા સમયે હવે ભગવાન પર શ્રદ્ધા રાખવા સિવાય કોઈ ઉપાય નથી..ગામના પશુ માટે ચારો ખૂટી ગયો છે..ગામ માટે મોટી આફત છે.કોઈ ભામાશા કે જગડુશા આવી ગામને મદદ કરે એવી આશા લોકો સેવી રહ્યાં છે.


નવાં વર્ષના ઉજળા પર્વ પર લાખા આપાના ખોરડે ગામ આખાનો ડાયરો ભેગો થયો છે.નવા વર્ષનો ઉલ્લાસ લોકોના ચહેરા પર દેખાતો નથી. બધાનાં ચેહરા ઉદાસ છે. ભાટ - ચારણના દુહા છંદ ગવાય છે,કાવા કસુંબા થાય છે.આપા લાખા કોઈક વિચારમાં મગ્ન છે.અચાનક લાખા આપા બોલ્યો," મારી વાત સાંભળો."ડાયરો શાંત થઈ ગયો,બધાની નજર અને કાન આપા લાખા સામે મંડાઇ ગયા.

લાખા આપાએ ડાયરા સામે પોતાની વાત નાખી.તેમણે કહ્યું, " આજના ઉજળા દહાડે સૌ ભેગા થયા છો ત્યારે મારે બધાને એક વાત કહેવી છે.હું જાણું છું કે આપણે બધા દુષ્કાળના માઠા વર્ષોથી ગુજરી રહ્યાં છીએ.આ ગામ મારું છે,આ ગામના લોકોની મદદ કરવી એ મારી ફરજ છે.મારા બે કોઠારોમાં થોડું અનાજ છે જો આપ બધાને કાઈ વાંધો ના હોય તો હું એ અનાજ ગામને અર્પણ કરું છું."ડાયરો થોડી વાર અવાક્ થઈ ગયો.બધાને થયું આવા વર્ષોમાં પોતાનું અનાજ કોઈ દાનમાં આપી દે એ કેટલા ઉદાર માણસ કહેવાય ! થોડી વાર પછી ગામના મુખી બોલ્યાં," ધન્ય છે આપ જેવા ગામના વડીલને જે કપરા સમયમાં ગામની ચિંતા કરે છે.મારી પાસે પણ થોડું અનાજ છે તે પણ આ ગામનું જ છે."ગામ લોકોના ઉદાસ ચહેરા પર હાસ્યની રેખાઓ તરવરવા લાગી.એમના માટે આ વાત વરદાનથી ઓછી ન હતી.

વાત હતી પહેલ કરવાની જે લાખા આપાએ કરી દીધી.પછી તો ગામના બધાં મોટા ખોરડાં અને સુખી માણસોએ પોતાની શક્તિ મુજબ અનાજ આપવાની વાત કરી.બસ,હવે તો ગામ આખાને એક વર્ષ ચાલે એટલું અનાજ મળી ગયું હતું.ડાયરો આખો ખુશખુશાલ બની ગયો.દુહા છંદોની રમઝટ જામી, કાવા કસુંબા થવા લાગ્યાં.આખો ડાયરો આપા લાખા આગળ નતમસ્તક બની ગયો. લોકો જય જયકાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, 'આપ જેવા વડીલ,ઉદાર અને પરોપકારી સજ્જનોને કારણે જ આ ગામડાઓ જીવે છે..ધન્ય છે આપની ઉદારતાને,ધન્ય છે આપની જનેતાને !' ત્યાર બાદ ડાયરો વિખેરાય છે.બધા આનંદથી નવું વર્ષ ઊજવે છે.

નક્કી થયા મુજબ બધું અનાજ ગામના બધા ખોરડાંમાં વહેંચાય છે.એક વર્ષ વીતે છે.ચોમાસાનો આરંભ થાય છે અને મેહુલિયો મન મૂકીને વરસે છે.વરસાદ સારો થાય છે.ગામમાં આનંદનો માહોલ છે.બધા ધરતીના ધણીને વધાવે છે.બધા ખેતીના કામમાં લાગી જાય છે.ઉપરવાળો મહેરબાન થયો છે ખૂબ જ અનાજ પાકે છે.સમૃદ્ધિની છોળોમાં ગામ લહેરાય છે અને સારાંવાનાં થયા છે.બધું જ પહેલાની જેમ સારું થઈ ગયું..

વર્ષો પછી પણ જ્યારે નવા વર્ષે ગામનો ડાયરો ભરાય ત્યારે આ કપરા સમયની વાત થાય,ગામની એકતાની વાત થાય અને ખાસ કરીને ગામને જીવનદાનનું  વરદાન આપનાર આપા લાખાની વાત થાય. આપા લાખા સ્વર્ગે સિધાવ્યા પણ ગામ તેમના ઉપકારને ભૂલી શકે તેમ નથી.આવા મહાન દાનવીરને લોકો આદરથી યાદ કરે છે.તેમના દાખલા દેવાય છે.આજે પણ એમનું ખોરડું અને તેમના ચારેય દીકરા સુખી છે અને બાપના સંસ્કાર એમનામાં ઉતરી આવ્યા છે.ગામ આજે પણ સંપ અને એકતાથી સુખી જીવન જીવે છે.

લેખક - કનુ ભરવાડ
મો. 9624283433