નાના બાળકના મનોભૂમિ પર રચાતા વમળોને વાચા આપતી કથા....
આ વાત છે એક એવા છોકરાની કે જે પોતાાનું બાળપણ અનેરી મસ્તીમાં અને તોફાની મિજાજમાં જીવી રહ્યો છે.
મહેશભાઈ અને ધારાબેનનો લાડકવાયો એકનો એક દીકરો નામ છે એનું આર્યન. દાદા - દાદીનું આખનું રતન. મહેશભાઈનુ કુટુંબ આનંદ અને સુખની છોળમાં જીવન માણે છે .કોઈ જ વાતની ખોટ નથી. આર્યનના ઉછેરમાં કંઈ કચાસ રાખતા નથી.અતિશય લાડકોડથી આર્યન વધારે જિદ્દી અને તોફાની બને એ સ્વાભાવિક જ છે.
મહેશભાઈ સરકારી વકીલ અને ધારાબેેેન શિક્ષિકા છે બંને જોબ કરે એટલે આર્યન માટે વધુ સમય કાઢી શકે નહીં. આર્યનને તેના દાદા બહુ વહાલાં લાગે . આર્યન હંમેશાં દાદા સાથે ખેલકૂદ કરે ,દાદાને પણ તેની સાથે ગમે .એના બાળપણમાં દાદા
પોતાનું ઘડપણ વિસરી ગયા છે.બંને વચ્ચે લાગણીનું અતૂટ બંધન બંધાઈ ગયું છે.
સ્કૂલ જાય ત્યારે દાદાને પણ એના વિના ગમે નહિ.અને આર્યનને સ્કૂલમાં ભણવા કરતા અવળચંડાઇમાં વધુ રસ પડે.હજી તો બીજા ધોરણમાં હતો પણ તેને સ્કૂલમાં એકેએક વિદ્યાર્થી નામજોગ ઓળખે. શિક્ષકો પણ એને બરાબર ઓળખી ગયા હતાં.આર્યન સ્કૂલના બ્લેકલિસ્ટમાં સ્થાન ધરાવતો. સ્કૂલમાં કઈ પણ અઘટિત થાય પહેલી શંકા આર્યન પર જાય ને એ શંકા લગભગ સાચી નીકળે પણ ખરી.આમ પણ શાળાઓમાં બહુ હોશિયાર વિદ્યાર્થીઓને અને બહુ તોફાની વિદ્યાર્થીઓને જ બધાં સારી રીતે ઓળખતા હોય .આર્યન ભણવામાં મધ્યમ કહી શકાય એવો વિદ્યાર્થી હતો.એને લીધે તેના મમ્મી-પપ્પાનો ગુસ્સો એના પર તૂટી પડતો.
આર્યન ભણવામાં ધ્યાન ના આપે એટલે ધારાબેનનો ગુસ્સો સાતમાં આસમાને જાય , મહેશભાઈ પણ તેના પર કડક વલણ રાખતા પણ આર્યનની ઢાલ બનીને દાદા વારે ચડતા.આર્યન રોજ રાતે સૂતા પહેલાં દાદા પાસે વાત સાંભળતો,મનમાં ઉદભવેલા પ્રશ્નો એક પછી એક દાદાને પૂછતો.દાદાજી તેને શાંતિથી સાંભળી ધીરજથી જવાબ આપતા.ત્યાર બાદ બંને એક જ રૂમમાં ઊંઘી જાય. સવારે આર્યનની બેગ પેક કરવી ,નાસ્તો ભરવો,પાણીની બોટલ ભરવી વગેરે કામ ઝીણવટપૂર્વક કરતા અને સ્કૂલ બસમાં મૂકવા લેવા જવું આ એમનો રોજનો ક્રમ.
સોસાયટીમાં રહેતાં આર્યનના બધા મિત્રો સાથે મળીને રમતા ,ક્યારેક આર્યન તેમની સાથે ઝઘડતો ,ફરિયાદ ઘરે આવતી આર્યનની ક્લાસ લેવાઈ જતી. ઘરમાં તોડફોડ કરવામાં પણ કોઈ કચાસ રાખે નહિ,નવું રમકડું તેના માટે બીજી ઘડીએ જૂનું બની જાય.
આર્યન ક્યારેક દાદા સાથે બગીચામાં ફરવા જાય,તો ક્યારેક તેના દાદા નજીકના મેદાનમાં તેને રમવા લઈ જાય.આર્યનને ક્રિકેટ રમવાની ખૂબ ગમે એટલે દર રવિવારે તેને દાદા રમવા માટે લઈ જાય.ક્યારેક મેળામાં ફરવા લઈ જાય,ચકડોળની મજા લે અને બહુ આનંદ માણે.બંને એકબીજામાં ઓતપ્રોત બની ગયેલા.દાદાને હંમેશાં લાગતું કે બાળક ને બાળક જ રેહવા દેવું,તેને રમવા દેવું, ફરવા દેવું , તોફાન ધમાલ કરે તો કરવા દેવી, તેનું બાળપણ છીનવાઈ નહિ.તેથી હંમેશા આર્યનને તે ક્યારેય રોકતા નહિ ,તેને જે ગમે તે કરવા દે.તેથી જ આર્યન માટે તેના દાદા સંસારની સૌથી પ્રિય વ્યક્તિ હતા.
સમય ક્યારે કરવટ બદલે એની કોને ખબર ? ટૂંકી માંદગી બાદ દાદા અનંતયાત્રા પર ચાલ્યા ગયા.દાદાજીના અવસાનથી ઘરમાં બધા ખૂબ દુઃખી હતાં.સૌને તેમની ખોટ સાલતી પણ આર્યનને એના દાદા મૃત્યુ પામ્યા છે એ વાત કેવી રીતે સમજાવવી ?
આર્યન ઘરમાં બધે આમતેમ ભટકે છે , તેમના રૂમમાં શોધે છે પણ દાદા ક્યાંય મળતા નથી. થોડી થોડી વારે મમ્મીને પૂછે છે , "દાદા ક્યાં છે..?કેમ મારી સાથે રમતા નથી ..?" આવા પ્રશ્નોના જવાબ કોઈ પાસે નથી.સાત - આઠ વર્ષના બાળકને મૃત્યુ વિશે સમજાવવું કઈ રીતે ..?
દાદાજીના અવસાનની કૂમળા મન પર ઊંડી અસર થઇ છે.હવે તેના તોફાન - મસ્તી બિલકુલ બંધ છે, રમવું - હસવું ભૂલી ગયો છે જાણે ઘરમાં કોઈ બાળક જ ના હોય !!!હંમેશા હસતો ખેલતો આર્યન ચૂપચાપ રહે છે.કોઈની સાથે બોલવાનુ પણ બંધ કરી દીધું છે.હવે પ્રશ્ન પૂછવાનું પણ છોડી દીધું છે..રાતે વાર્તા કહેનારું હવે નથી,રોજ રમવા કે ફરવા લઈ જનાર નથી, કોઈ વઢે તો ઉપરાણું લેનાર નથી. આર્યનના સ્વભાવમાં અચાનક બહુ મોટો બદલાવ આવ્યો હતો.
મહેશભાઈ અને ધારાબેન આર્યનના આવા બદલાવથી ખૂબજ ચિંતિત હતા. દિવસે દિવસે આર્યનની તબિયત બગડતી જતી હતી.એક મહિનામાં તો આર્યન સાવ સુકાઈ ગયો હતો.ધારાબેન રોજ તેની સાથે રમવા સમય કાઢે , રોજ તેને બહાર ફરવા લઈ જાય પણ આર્યનની ઉદાસી જાય નહિ.મહેશભાઈ પણ આર્યનને રોજ સાંજે વાર્તા કહે તેને નવાં નવાં રમકડા
લાવી દે પણ રમકડા સામે જુવે પણ નહિ.હવે , આર્યન કેવી રીતે આ પીડામાંથી બહાર આવે એ ચિંતાનો વિષય હતો.
થોડા દિવસ સુધી આવું ચાલ્યું પછી મહેશભાઈના કોઈ મિત્રએ સલાહ આપી કે આર્યનને કોઈ સારા મનોચિકિત્સક પાસે લઈ જાય.મિત્રની સલાહ મુજબ શહેરના જાણીતા મનોચિકિત્સક પાસે આર્યનને લઈ ગયા.એક વર્ષ સુધી આર્યનની સારવાર ચાલી.હવે આર્યન કંઇક સાજો થયો,થોડું બોલતો - રમતો થયો.
હજી પણ ક્યારેક રાતે ઊંઘમાં જાગી જાય ને સફાળો બેઠો થઈ , " દાદા... દાદા..." એવી બૂમ પાડે. સબંધો અને લાગણીના બંધોનોએ નાના બાળકને હચમચાવી મૂક્યો હતો. લગભગ દોઢેક વર્ષ પછી આર્યન સંપૂર્ણ સાજો થયો અને એ દુઃખમાંથી બહાર આવી શક્યો.દાદા અને પૌત્ર વચ્ચેનો આવો અનેરો પ્રેમ હતો.
લેખક - કનુ ભરવાડ ( શિક્ષક )
ગામ - મહિયારી
તા.- તારાપુર,
જિ.- આણંદ.