ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 17
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ચાતુર્માસ
દેવશયની એકાદશી આવી,
લઈને ચાતુર્માસ પવિત્ર.
કહેવાય એવું પોઢી ગયા દેવ,
તોય આવતાં તહેવારો શ્રેષ્ઠ.
આવે જન્માષ્ટમી અને બળેવ,
આવે ગજાનન મહારાજ ઘરે!
પિતૃઓની શાંતિ કરાય,
મા અંબાનાં ગરબા રમાય!
શરદપૂર્ણિમાએ ઠંડક વર્તાય.
વાક્બારસ ને ધનતેરસ,
કાળીચૌદશે કકળાટ જાય,
ઝગમગ કરતી દીવાળી આવે,
બેસતું વર્ષ નવલું લાવે,
ભાઈનો દિવસ ભાઈબીજ આવે,
દેવદિવાળીની ઝાકઝમાળ લાવે.
આવે જ્યાં દેવઉઠી એકાદશી,
થાય સમાપ્ત ચાતુર્માસ,
ને શરૂઆત થાય વિવાહપ્રસંગોની!
વિશ્વાસ
મૂક્યો વિશ્વાસ પ્રકૃતિએ,
કેમ કરી તોડવો?
નહીં કરશે કોઈ નુકસાન એને,
કેમ કરી તોડવો એનો આ વિશ્વાસ?
આપે છાંયડો, આપે ફળ, કરે રક્ષા ઠંડકની,
કેમ કરી પહોંચાડીએ નુકસાન પ્રકૃતિને?
રહેઠાણ પશુ પંખીઓનું આ પ્રકૃતિ,
કાઢી નિકંદન વૃક્ષોનું બાંધવા પોતાનું ઘર,
કેમ તોડીએ વિશ્વાસ અબોલ જીવોનો?
છે વિશ્વાસ પ્રભુને હજુય માનવજાત પર,
કરી સત્કર્મો જીવનમાં જાળવીએ વિશ્વાસ પ્રભુનો!
π(પાઈ)
શું કહેવું તારા વિશે પાઈ?
તુ તો ગુણોત્તર વર્તુળમાં,
પરિઘ અને વ્યાસનો!
હોય પરિઘ કોઈ પણ,
ને હોય વર્તુળનો વ્યાસ ગમે એ,
રહે પાઈ તુ નિષ્પક્ષ સદાય!
ગુણોત્તર તારો કાયમ રહેતો એક જ,
એ ગુણોત્તર 22/7 જ હોય!
ઉજવે દુનિયા 22 જુલાઈને તારા માનમાં,
કહીને એને 'પાઈ અંદાજિત દિવસ'.
કિંમત ક્યાં ચોક્ક્સ છે તારી?
વિસ્તરેલ તુ તો અંનત સુધી.
જાણે દુનિયા તારું મૂલ્ય એટલું જ,
એ તો છે 3.141592.
પણ છે એ તો ઘણું વધારે,
ક્યાં રાખીએ યાદ આટલું બધું કોઈ?
છતાંય માનવું પડે તને,
ભૂમિતિ અધૂરી તારા વિના!
કલામ સર
પુણ્યાત્મા એ ભારતની,
પ્રખ્યાત દેશ વિદેશમાં!
જ્ઞાતિભેદ જેનાથી છેટા,
આપતાં સન્માન તમામને!
કહેવાતા એ 'મિસાઈલ મેન',
તોય સ્વભાવે મૃદુ ઘણાં!
સમર્પિત કર્યું જીવન વિજ્ઞાનને,
અંતરિક્ષ તો જાણે એમની દુનિયા!
જીવ એમનો સાચા શિક્ષકનો,
રહ્યા કર્મનિષ્ઠ જીવનભર!
દેહ છોડ્યો કર્મ કરતાં જ,
મળ્યું મૃત્યુ અચાનક!
કેટલી પુણ્યશાળી એ આત્મા,
ન ભોગવી યાતના મૃત્યુ ટાણે!
વંદન એ પુણ્યશાળી આત્માને,
વંદન શ્રી ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સરને🙏
વાઘ
મા જગદંબાની એ સવારી,
થતી આ લુપ્ત પ્રજાતિ!
પહેરી કાળા પીળા પટ્ટા શરીરે,
ધુજવે ધરાને ગર્જના કરીને!
બિલાડીનાં કુળનું પ્રાણી એ,
વાઘની માસી એ બિલાડી!
જોઈ પ્રજાતિ લુપ્ત થતી,
જાગી સરકાર દુનિયાની!
કરવાને સંરક્ષણ વાઘનું,
શરૂઆત કરી ઉજવણી,
29 જુલાઈ કહેવાશે,
'વિશ્વ વાઘ દિવસ' દુનિયામાં.
પુષ્પ
મળ્યું વરદાન પુષ્પને કેવું સુંદર!
ફેલાવે જીવનભર સુગંધ!
જાય કોઈ પણ નજીક એની,
ફેલાય સુવાસ આસપાસ એની!
જીવતું ફેલાવે સુગંધ આ પુષ્પ,
મર્યા પછી પણ ફેલાવતું સુગંધ,
બનીને અત્તર એનાં અર્કનું!
કેમ ન બની શકે માનવી,
આ પુષ્પ સમાન સુગંધિત?
ભલે ન આવે સુગંધ પુષ્પ જેવી,
સત્કર્મો થકી મહેકાવી શકે,
જીવન એ પોતાનું!!!
અંધકાર
છવાય અંધકાર ઘરમાં,
તો પ્રગટાવી દીવો, મીણબત્તી,
કરીએ ઉજાસ થોડો!
છવાય જ્યાં અંધકાર જીવનમાં,
મળતી જાય નિરાશા અને હતાશા,
મળે ઉજાસનાં ત્રણ જ સરનામા!!
મિત્રો, પુસ્તકો અને પ્રભુનો આશરો.
હોય જો વિશ્વાસ પ્રભુમાં,
આદત હોય સારા વાંચનની,
મળ્યા મિત્રો મજાનાં હોય,
જે ભુલાવી દે તમામ દુઃખો,
માની લેવું ત્યારથી જ,
થયો અંધકાર દૂર જીવનનો,
રહેશે ઉજાસ સકારાત્મકતાનો સદાય.
આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ
છે ખાસ વિશેષતા એમની,
લખતાં રહે છે જેઓ સતત.
શીખવે માતા પિતા,
શરૂઆતમાં કેમ લખાય!
આગ્રહ રાખે લખવાનો,
વાપરી જમણો હાથ!
આપ્યોડાબો હાથ પણ ભગવાને,
કેમ ન લખાય ડાબા હાથે?
છે ઘણી હસ્તીઓ એવી,
લખતી જે ડાબા હાથે!
કર્યા સફળતાનાં અનેક સોપાનો સર,
ક્યાં નડ્યો ડાબો હાથ એમનો?
દૂર કરવા માન્યતાઓ ડાબા હાથની,
ઉજવે દુનિયા 13 ઓગષ્ટ,
'આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ'.
જીવનનો રંગમંચ
કરાવે ભાતભાતના ખેલ,
ભજવા પડે જાતજાતનાં વેશ.
રંગમંચ છે આ જીવનનું,
ક્યારે આવશે કયો વેશ,
કહી ન શકે કોઈ ક્યારેય...
દીકરી, પત્ની, વહુ, માતા,
શિક્ષિકા, લેખિકા, માર્ગદર્શિકા,
ભજવું છું પાત્રો અનેક...
મુશ્કેલ છે ન્યાય આપવો બધાં પાત્રોને,
મુશ્કેલ છે ખુશ રાખવા બધાંય પાત્રોને...
અવગણી લીધાં હવે આ બધાં પાત્રો મેં,
કર્યું છે નક્કી હવેથી મેં,
રાખીશ ખુશ હું પોતાની જાતને,
ભજવી શ્રેષ્ઠ અભિનય જીવનનો,
સુશોભિત કરીશ આ જીવનનાં રંગમંચને,
મારી ખુશીઓરૂપી પુષ્પ અંજલિથી...
વિરહ...
નથી સહેવાતો હવે આ વિરહ ઠંડીનો,
ક્યારે થશે ઠંડક ને ક્યારે મળશે રાહત ગરમીથી?
તડબૂચ ખાધું ને ખાધી શક્કરટેટી,
પીધા કેટલાંય ગ્લાસ લીંબુ શરબતનાં.
ત્યાં ખૂણે ઊભી શેરડી રીસાણી,
તો પીધો એનો રસ પણ નીચોવી નીચોવી એને.
કહે લોકો 'વધુ વૃક્ષો વાવો',
થશે વાતાવરણ ઠંડું.
કેમ કરી સમજાવીએ આ લોકોને,
કહેવું સરળ છે, પોતે કરીને બતાવો,
તો અનુકરણ કરશે લોકો...
મુશ્કેલ છે હાલમાં તો જીરવવો,
આ વિરહ ઠંડીનો...
આભાર
સ્નેહલ જાની