ફરે તે ફરફરે - ૧૬
અંતે ધાર્યુ ધણીયાણીનુ થાય આ કહેવત તમે બધ્ધા જીંદગીમા જો યાદ રાખશો
તો દુખી નહી થાવ...(જમાનો અને કહેવત નવા છે ) મે ઘણી આનાકાની કરી
જોખમ બતાડ્યા પણ મારા માટેનો એ લોકોનો આત્મવિશ્વાસ એટલો
બધો ઉંચો હતો કે હું ખુદ ગદગદીત થઇ ગયો .."શું હું ખરેખર અટલો બધો
મહાન છુ ?બળવાન છું ?" અંતે મારી અવઢવ કંઇ કામમા ન આવી ને મને
લાઇફ જેકેટ પહેરાવવામા આવ્યુ ..આમતો મને આવા કટોકટીના પ્રસંગે
હનુમાનજી યાદ આવે તેને બદલે ગીત યાદ આવ્યુ "હમકો મનકી શક્તિ
દેના મન વિજય કરે , " હુ "ડગમગતો પગ રાખ તું સ્થીર મુજ દુર નજર
છો ન જાય ..." આ બે પ્રાર્થના ગીતો એક સાથે આવ્યા ..! હરિ હરિ તું કરે ઇ
ખરી...મે છેલ્લે ત્રીજો વિકલ્પ પસંદ કર્યો "નૈયા જુકાવી મેં તો જોજે ડુબી
જાયે ના "કરતો નાવને ધીમે ડગલે છોડી રહ્યો હતો ત્યાં પાછળથી
ઘરવાળીએ જોજે જુવાન રંગ જાય ના કહ્યુ ને મારા રોમ રોમમા આગ પ્રગટી
બાપા ધાગધાગા થઇ નાવ છોડવામા ઉતાવળા થઇ ગયા . એક પગથીયુ
ચુક્યા અને સાનભાન ઠેકાણે આવી ગઇ...માંડ માંડ ઉંધી રકાબી જેવી
ટ્યુબ પર ચત્તા પડ્યા પછી હાલમડોલમ થતા બઠ્ઠા થઇ આગળના બે હેંડલ
પકડી પાછળ ખાંચા પટ્ટીમા પગ ભરાવ્યા .હાથથી સીગ્નલ આપી દીધુ.
બોટ ધીરે ધીરે ગતિ પકડવા માંડી ..લેક હેમિલ્ટનનુ પાણી નુ ટેસ્ટીંગ
થવા માંડ્યુ..."સાવ ભાંભરુ પાણી છે "હજી વિચારતો હતો ત્યાંતો બોટની
સ્પીડ વધારવામા આવી ,મને ફંગોળવાનો પ્રોગ્રામ ચાલુ થયો.ગઝલો ગીતો
હાસ્યરસ અલોપ થઇ ગયો અને વિષ્ણુ સહસ્ત્રનામ વચ્ચે વચ્ચે હનુમાન
ચાલીસા ચાલુ થઇ ગયા ..બાપાએ સિગ્નલ આપ્યુ હવે બસ કરો ..સ્ટોપ...
અડધા કિલોમીટરપછી બોટ ઉભી રહી...બાપાને "ચાર જણ"દ્વારા ખેંચવામા
આવ્યા..."અલ્યા જીવતો છુ ખેંચો જોરથી ..બોટ નજીક રકાબી પહોંચી એટલે
અભિયાન સમાપ્તિની ઘોષણા સાથે ચીચીયારી પાડતા કુટુબીજનો એ જેમ
તેમ પગથીયે ચડાવ્યો તો બાપાનો પગ લપસ્યો જુની તરવાની કળાને લીધે
દસેક ફુટ નીચે તળીયા દર્શન કરી ઉપર આવ્યો ત્યારે બધ્ધાની આંખોમા
ઝળઝળીયા હતા ....બાપા ઉપર બોટમા પાછા ફર્યા ત્યારે સ્વર્ગના દેવતાઓ
એ પુષ્પવૃષ્ટિ કરી...બાપાથી થરથરતા દેવો ખુશખુશાલ હતા ..."હાશ
ઉપાધી ટળી ..." મારા દિકરાનો પ્રશ્ન હતો લાઇફ જેકેટ પહેર્યુ હતુ છતા
નીચે ડુબકુ કેવી રીતે ખાધુ ? મારાથી માંડ જવાબ દેવાયો "આ લોકો એ
લાઇફ જેકેટનુ ટેસ્ટીગ પચાસ કીલોનુ કર્યુ હશે...આમા યે મારો વાંક ?
૮૪ કીલો વજનને લીધે જ જાણે લખ ચોર્યાસીના ફેરા ફરતો હોવુ એવુ
આજે લાગ્યુ..
થોડી વારે સ્વસ્થ થયો તો બૈરીની આંખમા ઝળઝળીયા...મને ભેટી પડી..
મેં ધીરેથી લલકાર્યુ"તારી આંખનો અફીણી ,તારા બોલનો બંધાણી તારા
રૂપની પુનમનો પાગલ એકલો "વાતાવરણ રોમાંટીક થઇ ગયુ.....