કાંતા ધ ક્લીનર - 37 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 37

37.

ચારુએ આખો પ્લાન સમજાવ્યો. જ્યાં જરૂર હતી ત્યાં વ્રજલાલે ઉમેરો કર્યો કે સુધારો કર્યો. તેઓ જાણે કોઈ નાટક ભજવવાનાં હોય તેમ આખી સ્ક્રિપ્ટ કાંતાને સમજાવી રહ્યાં.

પહેલાં તો કાંતાની આંખો પહોળી થઇ ગઈ અને જીભ બહાર નીકળી ગઈ. "ઓ બાપ રે.. મારાથી આવું નહીં થઈ શકે." તેણે કહ્યું.

"તારે જેલમાં જવું છે કે ફ્રી રહેવું છે?" ચારુએ વેધક દૃષ્ટિએ જોતાં કહ્યું .

"ના બાપા ના. જેલમાં તો શું, એ રસ્તે પણ બીજી વાર ન જાઉં."

"તો તને બતાવીએ એ બરાબર સમજી લે." કહી હવે વ્રજલાલે તેને હળવે હળવે આખી યોજના સમજાવી.

"મેં સાસોં બચન નીભાઉંગી તુમ દેખતે રહીઓ.." ઘણે વખતે કાંતા હળવા ટોનમાં બોબી ફિલ્મનાં ગીતની આ કડી બોલી.

દરેકે તેની સામેનો પાઠ ભજવ્યો. વ્રજલાલ અને જીવણ. બેય જણે ખરાબમાં ખરાબ માણસો હોય એ રીતે તેમની સાથે કાંતાએ  તેને શીખવેલું વર્તન કરવાનું હતું.

તેમણે રિહર્સલ ઉપર રિહર્સલ કર્યાં, સુધારાઓ કર્યા, મહત્વની લાઈનો અને વાતાવરણની શક્ય બાબતો કાંતાને વારંવાર યાદ કરાવી.

"તું આ પરફેક્ટ રીતે કરી શકીશ. ભલે જિંદગીમાં ક્યારેય તને સ્ટેજ પર ચડવા ન મળ્યું હોય." ચારુએ તેને આખરે કહ્યું.

"આમ તો મને આવું કરવું ફાવે નહીં પણ જિંદગીમાં આગળ કઇંક સારું થાય એ માટે એક વખત ખરાબ કરવું પડે એ હું સમજી છું." કાંતાએ કહ્યું.

તેઓએ સંકટ સમયે શું કરવું એ શક્યતાઓ પણ વિચારી લીધી.

"તસ્માત ઉત્તિષ્ઠ કાંતેય, યુદ્ધાય કૃત નિશ્ચય.."  આમ તો ડોરકીપરની નોકરી કરતા વ્રજલાલે ગીતાનો શ્લોક મરડીને કહ્યો. 

"કાંતા, તું એક વાર તારું મન કોઈ વાતમાં જોડી દે પછી કોઈ પણ કામ સંપૂર્ણ કરે એવી છે." કાંતાને તેની મમ્મી કહેતી તે યાદ આવ્યું .

"તો દેર કાહે કી? ચાલો, લો મોબાઈલ, થાઓ શરૂ."  જીવણ બોલ્યો અને કાંતા પાસે  આવીને ઊભી ગયો.

કાંતાએ ટાઇપ કરવું શરૂ કર્યું. "રાઘવ, ડિયર, હું ખૂબ ચિંતામાં છું. અત્યારે .." કાંતા અટકી.

"અરે લખ આગળ." ચારુએ કહ્યું. 

કાંતા અચકાઈ. ચારુએ જ ફોન લઈ ટાઇપ કરવું શરૂ કર્યું.

ત્યાં તો મેસેજ ફ્લેશ થયો, "શું થયું મારી વહાલુડી કાંતાને? મને કહી દે."

ચારુએ ટાઇપ કર્યું -

"રાઘવ, આપણે હમણાં ને હમણાં મળવું પડશે. અગ્રવાલ સરનું અપમૃત્યુ નહીં, ખૂન થયું છે અને.. શું કહું? પોલીસે મને ત્રાસ આપી, મારી મારીને કહી દેવરાવ્યું. એ બધું જેનો તને તો ખ્યાલ છે જ.  very sorry."

તરત જ, કાંતાને એમ કે ફોન આવશે, 

પહેલાં ત્રણ ઈમોજી આવ્યાં. પહોળાં મોં સાથે આશ્ચર્ય અને અણગમાનો ભાવ.

કાંતાએ સહુ સામે જોયું અને ટાઇપ કર્યું, "શું કરું? પરાણે ઓકાવી દીધું. હવે તને તો જે થયું એ તરત કહેવું જ પડે ને?"

 તરત મેસેજ આવ્યો - "અરે, પણ એમ કેમ કર્યું? ઠીક છે. મળીએ OR માં. જલ્દી આવ."

"આ OR શું છે?" ચારુએ પૂછ્યું.

ઓલિવ રેસ્ટોરન્ટ. જ્યાં મને રાઘવ ડીનર પર લઈ ગયેલો અને ટ્રેપમાં ફસાવેલી." કાંતાએ કહ્યું.

"લખ કે જલ્દી મળ. આવું છું." ચારુએ કહ્યું.

"ના. પોતાના પ્રેમીને બોલાવતી હોય એમ લખ." જીવણે કહ્યું. "આ વકીલ બ્રીફ કરતાં હોય એવું લાગે છે."

"અરે જે સંજોગોમાં ભેગાં થઈએ છીએ એ મઝાના નથી પણ જગ્યા સારી છે. તને મળીશ એટલે બધું બરાબર થઈ જશે. હું આ આવી. થોડી સજું ધજું તો ખરી? મારા રાઘવને મળવું છે અને  એ પણ આપણાં માનીતાં રેસ્ટોરન્ટમાં."

"જલદી કર. કેટલી વારમાં આવે છે?"  ઉચાટમાં હોય એવો રાઘવનો મેસેજ.

"તું ચલ.. મેં આઈ.. બસ. વીસ મિનિટમાં આવી પહોંચું છું." કાંતાએ સહુને બતાવીને મેસેજ મોકલ્યો.

કાંતા ઊભી થઈ  તેનાં મોં સામે જોઈ ચારુએ કહ્યું " આ શું હવા નીકળી ગઈ છે? તું કરી તો શકીશ ને? કરવું જ પડશે, તારે જ."

કાંતા એની મમ્મીનું વાક્ય રટી રહી, "તું એ  ચોક્કસ કરી શકીશ જેમાં તારું મન જોડી દઈશ."

આ બધાંએ મારી પર વિશ્વાસ મૂક્યો છે. હવે તો હું એ કરી શકીશ જ." મનમાં બોલી કાંતા સરસ તૈયાર થઈને નીકળી. 

તેણે એક ક્ષણ અરીસામાં જોયું, થોડી ઠીકઠાક થઈ, એક બે ઊંડા શ્વાસ લીધા અને સહુ સામે એક નજર ફેંકીને નીકળી પડી.

ત્રણેએ થમ્સ અપની સાઈન કરી શુભેચ્છા પાઠવી.

કાંતાની ચાલમાં જ વિશ્વાસ છલકતો હતો.

ક્રમશ: