નાયિકાદેવી - ભાગ 31 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 31

૩૧

માલવવિજેતા

ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગળ વધતા ગયા, તેમતેમ માલવવિજયનાં સ્પષ્ટ ચિહ્નો એમની નજરે પડવા માંડ્યાં. ઉત્સાહભરી વાતો કરતા સૈનિકો રસ્તામાં દેખાયા. પાટણ તરફથી આવતા જતા ઘોડેસવારો, કુમારદેવના વીજળિક વિજયની વાતો રસભરી રીતે કરી રહ્યા હતા. ગંગ ડાભીને એમાંથી જણાયું કે વિંધ્યવર્મા ભાગી ગયો હતો, પણ હજી તે ભાંગી ગયો ન હતો. ગમે તે પળે ઊભો થવાની શક્તિ ધરાવતો હતો. એ પાછો ઊભો થઇ ન જાય માટે કુમાર હજી આંહીં પડ્યો હતો. એનો પાકો બંદોબસ્ત કર્યા પછી જ એ આહીંથી ખસવા માગતો હતો. 

બીજી બાજુ વિંધ્યવર્મા એ વાતને સમજી ગયો હતો. એણે ગાઢ જંગલોમાં આશ્રય લીધો હતો. એને ખબર હતી કે તુરુક આવવાનો છે. એટલે તુરુક આવે ત્યારે પોતે ધાર્યું નિશાન પડી શકે તેમ હતો. એ વખતે એ ગોગસ્થાન પાછું મેળવી શકે. એમ કરવામાં ફતેહ મળે તો એ પાટણને વર્ષો સુધી હંફાવી શકે. સિદ્ધરાજ જયસિંહદેવ અને યશોવર્માંનો ઈતિહાસ એ ફરીને સરજી શકે. અને આ વખતે સામે સિદ્ધરાજ ન હતો, એટલે એ પ્રયત્નમાંથી વિજય મેળવીને બહાર આવે.

એનું ગોગસ્થાન એની પાસે હોય તો બધું થાય. અત્યારે તો એ ઝડપી કૂચ કરી કુમાર અચાનક આવી ચડ્યો હતો એને એ ખાલી કરીને ભાગવું પડ્યું. વિજ્જલ પર બહુ આધાર રાખવામાં ફાયદો ન હતો, એ એને અનુભવે સમજાયું. એને તો કુમારપાલ મહારાજનું વેર લેવાય એ એક હેતુ હોય તેમ જણાતું હતું.

કુમારે વિંધ્યવર્મા સાથે સંદેશા શરુ કર્યા હતા. એટલા માટે બિલ્હણને પણ પાટણથી બોલાવ્યો હતો. આંહીં એના આવવાની રાહ જોવાતી હતી. તુરુક આવે ત્યારે વિંધ્યવર્મા સામી છાવણીમાં હોય એ ઈચ્છવા જેવું ન હતું. 

ગંગ ડાભી જ્યારે સેનાપતિની છાવણીમાં આવ્યો, ત્યારે તેણે છાવણીમાં ઠેર-ઠેર લડાઈની તૈયારીઓ થતી જોઈ. ચારે તરફથી માણસો આવી રહ્યાં હતાં. લડાઈની જ વાતો હવામાં હતી. તેને તત્કાલ પોતાના આવવાના સમાચાર સેનાપતિને કહેવરાવ્યા. સેનાપતિને એમને વગર વિલંબે બોલાવ્યા.

ગંગ ડાભી ને સારંગદેવ સોઢો, સેનાપતિની પટ્ટકુટ્ટીમાં ગયા. ત્યાં કુમાર એકલો, એક ચોપાઈ ઉપર સાદા પાથરણામાં બેઠો હતો. સામે એક માણસ થોડા પાનિયાં આમતેમ ફેરવતો હતો. ડાભીએ તેની સામે જોયું. એનો ચહેરો એણે અપરિચિત લાગ્યો. પણ માણસ તેજસ્વી હતો. એણે કપાળમાં ત્રિપુંડ કર્યું હતું. રુદ્રાક્ષની માળાઓ ધારી હતી. એને શરીરે ભસ્મની રેખાઓ દેખાતી હતી, સેનાપતિની સામે બેસીને તે કાંઈક ગણતરી કરી રહ્યો હોય તેમ જણાયું. નવાઈ લાગી. સેનાપતિ જેવો બહાદુર સેનાપતિ, જેના શબ્દ ઉપર વિશ્વાસ મૂકે, એવો આ માણસ કોણ હશે એ જાણવાની એને જીજ્ઞાસા થઇ આવી.

પણે એટલામાં પેલાં માણસે પોતાની પોથીનાં પાનાં સંકેલ્યાં, વસ્ત્ર બરાબર બાંધ્યું. તે ઊભો થયો. સેનાપતિએ પ્રેમથી તેને બે હાથ જોડ્યા: ‘સોઢલજી! પછી આવજો ત્યારે!’ ગંગ ડાભીએ સોઢલજી સામે જોયું. મહાદૈવજ્ઞ સોઢલ કહેવાય છે એ આ હશે, એટલું અનુમાન ગંગ ડાભી કરી શક્યો. દૈવજ્ઞની આંખમાં એણે અનેરું તેજ જોયું. પણ એ તરત જ રજા લઈને ગયો.

એ બહાર નીકળ્યો એટલે સેનાપતિએ ડાભી સામે જોયું, ‘ડાભી ક્યાંથી આવો છો? શા સમાચાર છે ગર્જનકના? આવવાનો છે એમ સંભળાય છે એ સાચું છે?’

ગંગ ડાભીએ હાથ જોડ્યા: ‘હા પ્રભુ! એ સાચું છે! પણ આ ગયા કોણ? દૈવજ્ઞ સોઢલ કહે છે, એ તો નહિ!’

‘તમે કેમ જાણ્યું?’

‘દૈવજ્ઞનું નામ ચારે દિશામાં જાણીતું છે.’ ડાભી બોલ્યો.

‘એ જ છે.  સોઢલ જોશી કહે છે તે. એની પાસે કરામત ગમે તે હો, પણ એની પાસે કોઈ કાલ ભૂત કે ભવિષ્યનું રૂપ ધારી શકતો નથી! હમણાં એમણે કહ્યું હતું કે મહાન લડાઈ થવાની છે ને એમાં ગર્જનક આવવાનો છે! ત્યાં તમે પણ એ જ કહ્યું. બોલો, તમારી વાત શી છે?’

ડાભીએ આખી વાત પહેલેથી માંડી. ગર્જનક તરફથી પોતે અજમેર થઈને આવ્યો હતો એ વાત પણ કહી. કુમારે ડાભીની વાત ધ્યાનપૂર્વક સાંભળી. પછી એ ધીમેથી બોલ્યો, ‘ડાભી! ગર્જનક પાટણ ઉપર જ આવશે એ હવે ચોક્કસ છે અને આપનો વિજય પણ ચોક્કસ છે. આપણે માત્ર આ જાણવું છે, એ કયે રસ્તે થઈને આવશે?’

‘પ્રભુ! એ ભૂલેચૂકે રણનો રસ્તો નહિ પકડે!’

‘ત્યારે?’

‘એ આપણને ભુલાવામાં નાખવા રણનો રસ્તો લેવાનો દેખાવ કરે તો ભલે, પણ આવશે તો આ રસ્તે જ.’

‘આ રસ્તે?’ કુમારપાલ વિચાર કરી રહ્યો: ‘મને પણ એમ જ લાગે છે. રણમાં એની વિટંબનાનો પાર ન રહે. એનું સૈન્ય કેટલું?’

‘એનું સૈન્ય અપરંપાર છે. એને સૈન્ય લેવા ક્યાં જવું પડે તેમ છે. કહેશે ચાલો સૌ, જેને જે લૂંટમાં મળે તે એનું અને એનું સૈન્ય હાલી મળે. પણ એણે આ વખતે એક  નવી જુક્તિ શોધી કાઢી છે.’

‘શું?’

‘પાટણનું બળ એની હાથીની સેનામાં છે. ગર્જનક એ બળ ભાંગવા માંગે છે. એણે પોતાની પાસે મિનજનીક રાખ્યા છે. અચૂક નિશાનેબાજો ભેગા કર્યા છે. એ આગના ગોળા વાપરવાનો છે.’

‘ડાભી! તમે ઘોડાના સોદાગરની વાત કહી, અજમેરમાં એક સોદાગર આવી ગયાનું કહ્યું. આંહીં અમે પણ, ઘોડાના સોદાગરો વારંવાર જોયા છે. એટલે આપણે આંહીં પડ્યા છીએ એ સમાચાર ગર્જનકને ચોક્કસ મળી જવાનાં. એટલે એમ ન બને કે એ આ રસ્તે આવે જ નહિ. ગમે તે બીજે માર્ગે પરબારો પાટણ ઉપર જાય... કે સોમનાથ જાય!’

‘સોમનાથ જાય!’ ડાભીનો અવાજ ફરી ગયો અને સીનો પણ જોવા જેવો થઇ ગયો: ‘સોમનાથ તો પ્રભુ! હવે એ જઈ રહ્યો. ને જાય તો પાછો ફરી રહ્યો.’

‘આ તો બધાં અનુમાન છે ડાભી!’ કુમારદેવે હસતાં-હસતાં કહ્યું, ‘આપણે આ વિંધ્યવર્માનું પહેલું પતાવી લેવું પડશે. એને ઊભા રહેવાનું ઠેકાણું હશે તો એ આપણને માર્યા વિના નહિ રહે. એ તો તમે તુરુક સાથે લડતા હોય, ત્યારે એ પણ પાટણ પર પહોંચે એ બૂટી છે અને પૃથ્વીરાજના મગજમાં કેટલી રાઈ છે એ તો તમે હમણાં જ કહ્યું. એટલે આપણે આ બધાથી સંભાળવાનું છે.’

‘પણ પ્રભુ! એક વાત મને સૂઝી છે.મારે તમને એ કહેવાની પણ છે.’ ડાભીએ બે હાથ જોડ્યા. એની નજર સમક્ષ પૃથ્વીરાજની વીરમૂર્તિ આવી ગઈ હતી.

‘શું?’

‘જો કોઈ રીતે પૃથ્વીરાજ ને ભીમદેવ મહારાજ ભેગા થાય.’ ડાભીનો ચહેરો વાત કરતાં જાણે એ વીરોને પ્રત્યક્ષ જોતો હોય તેમ પ્રકાશી ઊઠ્યો, ‘તો ભારતનું મોં ઊજળું થઇ જાય.’

કુમારદેવ ડાભીની વાત સાંભળી રહ્યો. એને એ વાત સાચી લાગી. બંને વીર હતા. બંને મહત્વાકાંક્ષી હતા. બંને ઘેલી મનોદશાના સંતાન હતા. પણ એ બંને મળે? એ કદાપિ શક્ય બને? અત્યારે તો સોમેશ્વરને લીધે શાંતિ હતી. બાકી કુમાર પૃથ્વીરાજ, એક પળ પણ પાટણનું ઉપરાણું નભાવવા માગતો ન હતો. એટલે આ કેમ બને? કુમારદેવ મનમાં જ વિચારી રહ્યો. એણે એ વાત અત્યારે તો મનમાં નોંધી લીધી. ‘ડાભી!’ તે મોટેથી બોલ્યો, ‘તમારી વાત સાચી છે. પણ અત્યારે આખા ભારતવર્ષની હવા જ મને જુદી જણાય છે. દરેકને મોટા થવું છે. ગર્જનકે ઘર-ઘરની ઘેલછા નીરખી લીધી છે. એના પ્રતાપે જ એ મુલતાનથી આંહીં સુધી દોડ્યો આવે છે. પણ આપણે આ મૈત્રી સાધવા આકાશપાતાળ એક કરીશું, બંનેનાં મથક મહારાજ સિદ્ધરાજ છે. એટલું એમને બંનેને યાદ રહે તો ઘણું! બોલો, બીજું તમારે કાંઈ કહેવાનું છે?’

ગંગ ડાભી જવાબ આપે તે પહેલાં એક પરિચારક આવીને ઊભો: ‘પ્રભુ! બિલ્હણ પંડિત આવ્યા છે.’

‘બિલ્હણ પંડિત? એમને આંહીં બોલવ. આંહીં બોલવ!’ કુમાર બેઠો થઇ ગયો. તેણે ડાભીને કહ્યું, ‘ડાભી! હવે તમે થોડીવાર ત્યાં થોભો.’ તેણે પાછળના ભાગ તરફ દ્રષ્ટિ કરી. ડાભી સમજી ગયો. સોઢા સાથે એ એમાં તરત અદ્રશ્ય થઇ ગયો.

એ બંને અંદર ગયા ન ગયા. કવિરાજ બિલ્હણ આવ્યો. પોતે પાટણમાં રહ્યો તે દરમિયાન વિંધ્યવર્માને ગોગસ્થાન છોડીને ભાગવું પડ્યું હતું તે સમાચાર પંડિતને ક્યારના મળી ગયા હતા, પણ જાણે કે એ મળ્યા જ ન હોય તેમ બે હાથ જોડીને એ આગળ આવ્યો: ‘પ્રભુ! મને અચાનક સંભાર્યો? આપણે તો પહેલેથી જ જાણતા હતા કે ગર્જનક આવવાનો છે. હવે શું કરવું છે? મોટા ઘેરા માટે ગોગસ્થાનને તૈયાર કરીએ! પછી ભલે ગર્જનક એ બાજુથી આવતો. કાં તો તમારી ને અમારી વચ્ચે એ સપડાય છે!’

કુમારદેવ તેની મીઠી વાણી સાંભળી રહ્યો. તેણે પણ એ જ રીતે પ્રત્યુત્તર વાળ્યો: ‘ગોગસ્થાન તૈયાર થશે બિલ્હણજી! પણ અત્યારે તમને બીજે કામે સંભાર્યા છે, શું છે જાણો છો?’

‘ના પ્રભુ! કાંઈ નવી વાત હોય તો તમારી પાસેથી જાણું ત્યારે!’ કુમારદેવને વખત ગુમાવવો ઠીક ન લાગ્યો. એને તો વિંધ્યવર્મા જો આજે જ સંપૂર્ણ શરણાગતી સ્વીકારી લેતો હોય તો કાલની રાહ જોવે પોસાય તેમ ન હતી. બિલ્હણ પાટણ ગયો હતો. તેનો મતલબ કુમારને ધ્યાનમાં જ હતી. પાટણમાં જો જરાક પણ આંતરવિગ્રહ થવાની શક્યતા હોય, કે થોડીક પણ તૈયાર ભૂમિકા મળી જાય, તો વિંધ્ય, વિજ્જલ ને સિંહ ત્રણેય સિંહ થઈને પાટણ ઉપર આવવાના હતા! પણ એ જ બન્યું. મહારાણી નાયિકાદેવીએ મહારાજ અજયપાલની વાતને કાંઈ મહત્વ જ ન આપતાં, રાજતંત્ર ઉપાડી લીધું. એટલે આંતરવિગ્રહનો અગ્નિ ત્યાં ને ત્યાં ઠરી ગયો. પછી તો બિલ્હણને પાટણમાં જ નજરકેદી જેવી અવસ્થામાં રાખીને, કુમારદેવ વિંધ્યવર્માના ગોગસ્થાન ઉપર અચાનક જ આવ્યો હતો. અને સપડાઈ ન જવાય એ ભયે વિંધ્યવર્મા ભાગી ગયો હતો. પણ હજી એ સહીસલામત હતો, ને ઘા કરી શકે તેમ હતો.

પાટણનું કેટલુંક સેન અત્યારે ગોગસ્થાનમાં હતું. આ સઘળું બિલ્હણના જાણવામાં આવેલું હોવું જોઈએ. પણ જાણે એ કાંઈ જાણતો ન હોય તેમ જ બોલી રહ્યો હતો. કુમારે તેને કહ્યું,

‘જુઓ, બિલ્હણજી! અત્યારે અમારે આ રણક્ષેત્રમાં તમામને ભેગા કરવા છે. તમામનો ખપ આંહીં છે!’

‘એ તો બરાબર છે, પ્રભુ! ગર્જનકની સેના અપરંપાર હોવી જોઈએ, ને કહે છે, આ વખતે તો નવી નવાઈના ગોળા ફેંકે છે.’

‘એ તો ભલેને ફેંકે... પણ આ મોરચે એક અઠવાડિયામાં તમામને હાજર થવાની મહારાણીબાની આજ્ઞા થઇ છે. ધારાવર્ષદેવજી, રાયકરણજી, કિત્તુ ચૌહાણ, સોમેશ્વરજી, ચંડપ્રતિહાર, વિજ્જલજી સૌ ભેગા થવાના છે. પણ વિંધ્યવર્માજીને કોઈકે ઊંધું ભરાવ્યું ને એ ગોગસ્થાનથી ભાગ્ય છે!’

‘ભાગ્યા છે? ક્યાં ભાગ્યા છે?’

‘એ શોધવાનું તમારા ઉપર રાખ્યું છે. અત્યારે એ ગોગસ્થાનમાં નથી એ ચોક્કસ. તમને એટલા માટે જલદી બોલાવ્યા છે. તમે એમને શોધી લાવો. એક અઠવાડિયામાં પોતાનું સૈન્ય લઈને જે હાજર થશે તેને કામગીરી સોંપાઈ જશે. નહિ હાજર થાય તેનું શું કરવું, એ આજ્ઞા મહારાણીબા પોતે આપશે. મહારાણીબા પોતે પણ થોડા વખતમાં આંહીં આવી જવાનાં છે. પહેલાં જ્યાં હોય ત્યાંથી આંહીં આવી જવાનું વિંધ્યવર્માજીને તમે જઈને સમજાવો.’

‘અરે પ્રભુ! એ તો સાંજ પહેલાં આંહીં આવી જવાના. ગોગસ્થાનની એવી તૈયારી રાખે કે ગર્જનક એને ઘેરી જ શકે નહિ. ઘેરે તો લાંબો ઘેરો પડે. ને વખત જાય, ને ત્યાંથી એ આ બાજુ નીકળે તો તમે પાછળ પડ્યા જ છીએ! મહારાજકુમાર તો આવા રણક્ષેત્ર માટે ક્યારના તલસી રહ્યા છે એ હું જાણું છું.’

‘જુઓ બિલ્હણજી! અમારે બીજી લપનછપન અત્યારે પોસાય તેમ નથી. મેં તમને મહારાણીબાની આજ્ઞા સંભળાવી દીધી. તમામ સૈન્ય આંહીં જોઈએ. બધા મંડલેશ્વરો પણ આંહીં હોય. આ આજ્ઞા છે. હવે તમારે કેમ કરવું તે તમે જાણો.’

‘તો હું જાઉં પ્રભુ! ને મહારાજકુમારને વાત કરું.’ બિલ્હણે હીણો ઉત્તર વળ્યો. 

‘પણ ધારો કે મહારાજકુમારને તમારી વાત ગળે ન ઊતરી તો? તો શું?’

‘તો હું શું કરું, પ્રભુ? ધણીનો કોઈ ધણી છે?’

‘ત્યારે જુઓ, હું તમને એ વિશે પણ કહી દઉં. હું એક અઠવાડિયાની મુદત આપું. આજે વદ આઠમ છે. વદ અમાસની મધરાતની પછી જો તમે આવશો તો નકામું છે!’

‘કેમ?’

‘તે તમે જોશો તેમ. તમારે મહારાજકુમારને અમારા સ્થાયી મદદગાર બનાવી રાખવા હોય તો આ છેલ્લી તક છે. તમે વિદ્વાન છો, કવિ છો. વળી મહારાજકુમારના વિશ્વાસુ મંત્રી છો, માલવ અભ્યુદયમાં રાચનારા છો. એટલા માટે તમને હું મોકલું છું. તમારો જવાબ ક્યારે આવશે?’

‘એ તો હું કેમ કહી શકું?’

‘બિલ્હણજી!’ કુમારે કરડાકીથી કહ્યું, ‘તમને ખબર નથી, પણ તમે આગ સાથે રમત માંડી રહ્યા છો.’

‘કોણ, હું? પ્રભુ! તમારી ભૂલ થાય છે.’ બિલ્હણે શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, ‘મુશ્કેલીમાં પાટણ છે, માલવા નહિ, સમૃદ્ધિ પાટણની લૂંટવાની છે, માલવાની નહિ. અમારી સહાય તો પાટણને અત્યારે તારે તેમ છે. કોઈ ડાહ્યો મંત્રી આવે વખતે મહારાજકુમારને ઉગ્ર  બનાવે ખરો?’

‘મંત્રી હોય તે ન બનાવે, એ સાચું. પણ હું તો સેનાપતિ છું. લડવૈયો, મારું કામ મહારાણીબાની આજ્ઞા પાળવાનું, મહારાણીબાની આ આજ્ઞા છે!’

ત્યારે હું પણ કહી દઉં. મહારાજકુમાર નહિ જ આવે, એનો સ્વભાવ હું જાણું છું. બોલો, તો પછી શું કરવું છે?’

‘તો પછી? બિલ્હણજી!’ કુમારદેવનો અવાજ ગંભીર ઘેરો ભય પ્રેરે એવો થઇ ગયો, ‘તો પછી ત્યાં ગોગસ્થાન નહિ હોય, રાજમહાલય નહિ હોય, વિદ્યાસભા નહિ હોય, દુર્ગ-કોટ-કિલ્લો કાંઈ નહિ હોય! ખાલી મેદાન હશે!’

‘સેનાપતિજી! ત્યારે તમે પણ નોંધી લ્યો, કે વિંધ્યવર્માજી એમ વાળ્યા નહિ વળે, એ લોઢું જ જુદું છે. એ તો કાં પાટણ લેશે ને કાં માળવા ખોશે! ત્રીજો કોઈ માર્ગ પરમારવંશ માટે નથી. હું મહેનત કરું એટલું જ ઠીક, ત્યારે...’

કુમાર કાંઈ જવાબ વાળે તે પહેલાં કવિ બિલ્હણ બહાર નીકળી ગયો હતો.

કોઈ એણે કાંઈ કહે કે અટકાવે તે પહેલાં તો એ ઘોડાની પીઠ ઉપર સવાર થઇ ગયો હતો.   

‘બિલ્હણજી!’ કુમારદેવે મોટેથી કહ્યું.

પણ પવનવેગે દોડ્યા જતા ઘોડેસવારે પાછળથી હાથ લંબાવતાં-લંબાવતાં જ ‘જાય મહાકાલ’ કરી દીધા!

બિલ્હણ ઊપડી ગયો. પણ એ વિંધ્યવર્માને સમજાવવા ગયો કે વિંધ્યવર્મા સાથે બહારવટે ગયો તે કહેવું મુશ્કેલ હતું.

કુમારદેવે એક તાળી પાડી. એક સૈનિક હાજર થયો.

એક ઓઢીને મોકલો, અર્ણોરાજજી માટે સંદેશો લઇ જવો છે.’

થોડી વારમાં અર્ણોરાજને ગોગસ્થાન પ્રત્યે સૈન્ય લઇ જવાનો સંદેશો આપવા માટે એક ઓઢી ઊપડ્યો.

ગંગ ડાભીને અને સોઢાને બહાર આવવા માટે કુમારદેવ બોલાવવાનું કરવા જતો હતો. ત્યાં એક સૈનિક દેખાયો.

‘પ્રભુ!’

‘કોણ છે?’ કુમારદેવે ઉતાવળે પૂછ્યું. 

‘મહાચંડપ્રતિહાર આવવાની રજા માગે છે!’

‘કોણ વિજ્જલ દેવ?’

‘હા પ્રભુ!’

કુમારદેવે વિજ્જલને બોલાવરાવ્યો હતો. ગર્જનક આવે ત્યારે કોઈ વિરોધી તત્વ બહાર રહેવું ન જોઈએ કે ગર્જનક પહોંચે એટલામાં રહેવું ન જોઈએ. વિજ્જલનું માપ કાઢવા માટે એને પણ બોલાવ્યો હતો. એ આટલો ત્વરિત આવી પહોંચશે એવી કલ્પના પણ ન હતી. કદાચ એ વિંધ્યવર્મા સાથે આટલામાં રહીને જ સંદેશા પણ ચલાવતો હોય. તે વિના આટલી ઝડપથી શી રીતે આવે? બિલ્હણ સાથે એનો કોઈ સંકેત તો નહિ હોય?

‘ક્યારે, હમણાં આવેલ છે? સાથે કોણ છે? બિલ્હણજીને જતા એમણે જોયા?’ કુમારદેવે પૂછ્યું.

‘ના પ્રભુ! એકલા જ આવ્યા છે. માત્ર સાંઢણી હાંકનારો છે.’

‘ઠીક જા, એને મોકલ, અને જો... એ પાછો ફરે ત્યાં સુધી એની સાંઢણીથી આઘો ખસીશ મા. પાછો નીકળે ત્યારે ધ્યાન રાખવાનું છે, સમજ્યો કે?’

સૈનિક નમીને ગયો.

એ ગયો કે તરત જ કુમારદેવે ડાભીને અવાજ આપ્યો: ‘ડાભી! સાંભળો છો કે? જો તાળી પાડું તો તરત નીકળી આવજો. વિજ્જલદેવ આવેલ છે.’

‘વિજ્જલદેવ?’ ડાભી નવાઈ પામતો બોલ્યો, પણ એટલામાં તો વિજ્જલ આવતો દેખાયો. કુમારે ડાભીને ચેતવી દીધો. 

ગંગ ડાભીએ જરાક બહાર જોવા માટે દ્રષ્ટિ કરી. એની નજર વિજ્જલ ઉપર પડી. પણ એને જોતાં એ ચોંકી ગયો!

કરડો ચહેરો, ભયંકર ભરપટ ઊંચાઈ, કાદાવર શરીર, લાલઘૂમ આંખો, જાડા બરછટ વાળ અને શસ્ત્રઅસ્ત્રથી નખશિખ સજેલું એનું શરીર, કોઈ તીખા આગ જેવા બહારવટિયાની યાદ આપતું ત્યાં આવી રહ્યું હતું. ગંગ ડાભીએ સોઢાનું ધ્યાન ખેંચ્યું: ‘સોઢાજી! આ તો જાણે કાલભૈરવ! અરધી રાતે એકલો સામે મળ્યો હોય તો છળાવી નાખે! જુઓ તો, પૂરો પાંચ હાથ છે!’

સોઢાએ પણ જોયું ને એને પણ વિજ્જલની આંખમાં સેંકડો તલવારો દેખાણી. આવી આંખ એણે કદી જોઈ જ ન હતી. બંને સાવધ થઇ ગયા. તૈયાર થઈને જ અંદરના ખંડમાં ઊભા રહ્યા.

કુમારદેવ ત્યાં બેઠો હતો. સામે વિજ્જલ આવીને ઊભો રહ્યો. તેણે સેનાપતિને બે હાથ જોડીને માથું નમાવ્યું. પછી એણે માથું ઊંચું કરતાં જ, ચારે તરફ એક ત્વરિત દ્રષ્ટિ ફેરવી લીધી. તેને નવાઈ લાગી. આંહીં બીજું કોઈ હતું નહિ, એ શું? કુમારદેવ એની દરેકેદરેક હિલચાલ નીરખી રહ્યો હતો. તે તેનો વિચાર પામી ગયો હતો. તેણે દ્રઢ અવાજે કહ્યું.

‘વિજ્જલજી! ત્યાં બેસો. તમને મારો સંદેશો ક્યારે મળ્યો?’

‘સવારે જ પ્રભુ!’ વિજ્જાલે સામે બેઠક લીધી.

‘તરત નીકળ્યા હશો?’

‘હા પ્રભુ! તરત.’

‘શું છે તમારા નર્મદાકાંઠાના સમાચાર? જાદવ ભિલ્લમનું કેમ લાગે છે?’

‘કોઈ ફરકે તેમ નથી પ્રભુ! બધે આપણા પ્રતાપની જાણ થઇ ગઈ છે. ગર્જનક આવે છે, એ હિસાબે જાપ્તો રાખવો ઠીક, એટલું જ!’ 

‘તમને મેં શા માટે બોલાવ્યા છે એ જાણો છો?’ કુમારે અચાનક જ કહ્યું. એ આને તત્કાલ જ માપી લેવા માગતો હતો.

‘શા માટે?’

‘તમારે અર્ણોરાજ સાથે ગોગસ્થાન જવાનું છે.’

‘મારે ગોગસ્થાન જવાનું છે. અર્ણોરાજ સાથે! અરે! પ્રભુ! ક્યાં ગોગસ્થાન ને ક્યાં નર્મદાકિનારો! આવે વખતે રેઢો મૂકતાં તો પ્રભુ! બકરું કાઢતાં ઊંટ પેસી જાય. ગોગસ્થાનમાં શું છે?’

‘વિંધ્યવર્માને આડોડાઈ કરવી છે. આપણે એને સીધો રાહ દેખાડવો છે. તમને મોકલવાનું એ કારણ એ છે કે તમારા જેવા રાજસ્તંભ ઉપર શંકાનું કોઈ વાદળ રહેવું ન જોઈએ – અત્યારે તો ખાસ કરીને તમે વિંધ્યવર્માના મિત્ર છો એ પાટણમાં સૌ કોઈ જાણે છે પણ એ મૈત્રી, તમારી રાજભક્તિ આડે નથી એ મેં કહ્યું છે. એ બતાવવાનો આ મોકો છે. બોલો, તમે તૈયાર છો?

વિજ્જલ માટે પ્રશ્ન ઘણો જ અચાનક હોય તેમ જણાયું. તે એકદમ જવાબ આપી શક્યો નહિ.

કુમારદેવે તેને વિચારવાનો વખત ન આપ્યો, ‘બોલો વિજ્જલદેવ! શું છે? તૈયાર છો? જશો?’

‘ક્યારે જવાનું છે પ્રભુ?’

‘આ પળે જ! અત્યારે!’

‘આ પળે? પણ મારું સેન ક્યાં પડ્યું છે? હું ક્યાં છું?’

‘વિજ્જલદેવ! એ બધું હવે મહારાણીબા પોતે જોવાનાં છે. એક અઠવાડિયામાં તમામ સૈનિકો ને સેનાપતિઓ આંહીં આવી જવાના છે. મહારાણીબાની આજ્ઞા છે. નવી જ વ્યવસ્થા આવી રહી છે. એમાં તમારે માટે ગોગસ્થાન ઉપર જવાનું થયું છે!’

‘પણ ત્યાં જઈને મારે કરવું શું?’

‘એ તમને અર્ણોરાજજી કહેશે.’

વિજ્જલના મનમાં અગ્નિ ધૂંધવાતો જણાયો. તે આંહીં કુમારદેવને મળવા એકલો દોડ્યો આવ્યો, એમાં એનો હેતુ હતો કે, એના ઉપરનું શંકાનું વાદળું હમણાં તો ખસી જાય. કુમારે મેળવેલો વિજય જોતાં હમણાં શાંત રહેવું ઠીક હતું એમ લાગ્યું હતું. પણ આમ પરબારું જવાનું હશે, એ એની કલ્પનામાં પણ ન હતું. એને માટે એ તૈયાર પણ ન હતો. પહેલો વિચાર એને ભાગી જવાનો આવ્યો, પણ એ ખાતરી હતી કે એની સાંઢણી જાપ્તામાં હશે.

પણ હવે ગલ્લાંતલ્લાં કરવા જતાં વધારે સપડાઈ જવાનો ભય લાગ્યો, એટલે એણે સીધી જ વાત શરુ કરી:

‘પ્રભુ! અત્યારે કોઈ ઠેકાણે પડ રેઢું મૂકવા જેવું નથી. એમાં મારું પડ તો રેઢું ન મુકાય!’

‘એ જોવાનું હવે મહારાણીબાએ એમને માથે લીધું છે, એટલે આ વિચાર કર્યો જ  હશે નાં? આપણે તો આજ્ઞા ઉઠાવવાની. વિજ્જલજી! બોલો, તમે તૈયાર હો તો  હું સાથે મોકલું!’

જવાબમાં કુમારદેવે એક તાળી પાડી. તરત અંદરથી ગંગ ડાભી ને સારંગદેવ સોઢો બહાર નીકળી આવ્યા. વિજ્જલ આ બે રણયોદ્ધાને આંહીં જોઇને નવાઈ પામી ગયો. વિજ્જલને હવે લાગ્યું કે આંહીં આવવામાં ભૂલ થઇ ગઈ હતી. ગર્જનક થોડા વખતમાં આવી જાત તે  દરમિયાન એ આંહી તહીં આંટાફેરા કરતો રહ્યો હોય, તો તે વખતે પોતાની જમાવટ થઇ જાત. ને ગર્જનક સાથે જુદ્ધ થવાથી નબળા પડેલાં પાટણને, પોતે વિંધ્યવર્મા સાથે રહીને હંફાવી દેત. પાટણ પોતાનું થઇ જાત. શંકા નિર્મળ કરવા જતાં અત્યારે તો પોતે આંહીં સપડાયો હતો. આ બે આવ્યા એનો અર્થ એ કે જાણે એ હવે નજરકેદમાં પડવાનો છે!

તેને એક નવી જ રીતે છટકી જવાની તરકીબ માંડી: ‘પ્રભુ! તમે કહેશો તો હું જઈશ, પણ મને આ રુચતું નથી!’

‘રુચતું તો મને પણ નથી, વિજ્જલજી! આપણે બંને મહારાણીબાની ઈચ્છાને આધીન છીએ. આ ગંગ ડાભી ને સારંગદેવ સોઢો તમને છેક અર્ણોરાજજીને ત્યાં પહોંચાડી દેશે. ત્યાં તમારે હમણાં રહેવું પડશે. ત્યાં મહારાણીબાની બીજી આજ્ઞા મળશે!’

વિજ્જલને લાગ્યું કે પોતે સપડાયો જ છે. એક ત્વરિત ઘા કરીને ભાગશે નહિ તો થઇ રહ્યું. તેણે એકાદ ઊગ્ર સંવાદમાં સૌને ખેંચી લેવામાં લાભ જોયો. તે હવે રહી શક્યો નહીં. તે ઊભા જેવો થઇ ગયો. ડાભી ને સોઢો બંને તૈયાર જ હતા. એક ડગલું પણ જો વિજ્જલ આગળ વધે તો એના ઉપર તૂટી પડે તેમ હતા. 

વિજ્જલ પોતાની સ્થિતિ વરતી ગયો. તે તરત નીચે બેસી ગયો. પણ તેનાથી અગ્નિ ધૂંધવાતો હોય તેવાં શબ્દો નીકળી ગયા: ‘મહારાણીબાના મનમાંથી કોઈ દિવસ શંકા જવાની જ નથી, એ હું જાણતો હતો!’

‘મહારાણીબાના મનમાં શંકા? શાની શંકા, વિજ્જલદેવ?’

‘મહારાજના ઘાતની!’

‘મહારાજના ઘાતની?’

‘મહારાજ અજયપાલના ઘાતની વાત નથી. મહારાજ અજયપાલે કુમારપાલદેવનો ઘાત કર્યો હતો એ હું જાણું છું. હું એ જાણું છું, એ મહારાણીબા જાણે છે. આ બધું કૌભાંડ એટલા માટે છે. મને તમારે સત્તાવિહોણો કરવો છે. પણ કુમારદેવ! ગર્જનક આવે છે. આ વાત તમને પોતાને અત્યારે ભારે પડી જશે!’

‘કઈ વાત? કઈ વાત છે વિજ્જ્લદેવજી? તમે ભાંગબાંગ પીને તો નથી આવ્યા નાં?’

‘મેં તો ભાંગ પીધી નથી, પણ તમે...’ વિજ્જલે ઝડપથી છૂટી ક્તારીનો ઘા કુમારદેવ ઉપર કર્યો. પણ કુમારદેવ ઝડપથી ખસી ગયો હતો. કટારી ત્યાં ભીંતમાં ચોંટી ગઈ.

કુમારદેવે એક પગલું આગળ લીધું. પણ એ પહેલાં તો વિજ્જલને ગંગ ડાભી ને સોઢાના હાથમાં સહીસલામત ભીંસાઈ ગયેલો દીઠો. તે છૂટવા મથી રહ્યો હતો.

‘ડાભી!; કુમારદેવે શાંતિથી કહ્યું, ‘વિજ્જલદેવ ગાંડા થઇ ગયા છે. ત્યાં અંદર નીચે ભોંયરું છે. હમણાં એને એમાં પૂરી દ્યો. ડાહ્યા થશે, ત્યારે બહાર આવશે!’

ડાભીને સોઢો એને અર્ત અંદર ખેંચી ગયા.

એક જ પળમાં વિજ્જ્લને નીચે ભોંયરામાં પૂરી દેવામાં આવ્યો.

ગંગ ડાભી ને સોઢો બહાર આવ્યા. જાણે કોઈ આવ્યું ન હોય ને કાંઈ થયું ન હોય તેમ કુમારદેવ ત્યાં શાંતિથી બેઠો હતો. 

‘ડાભી! આ કટારી તમે ખેંચી લઈને તમારી પાસે રાખો અને હવે તમે ઝડપથી ઊપડો. પાટણમાં જઈને મહારાણીબાને એક સંદેશો આપવાનો છે.’

‘શું?’

‘બસ એટલો જ કે આ મોરચે જ આપણે જુદ્ધ આપવું છે. ગર્જનક બીજે મોરચે જાય તે વાત જ અશક્ય બનાવી દેવી છે. વિશ્વંભર આવે એટલે તરત એને મરુભૂમિના રેતરણને મોરચે જવાનું છે. ગર્જનકને આ રસ્તે જ આપણે હાંકી લાવવો છે.

‘પણ આ રસ્તે એ નહિ ઢળે તો?’

‘ઢળશે ડાભી! એ આ જ રસ્તે ઢળશે. આને આપણે હમણાં પૂર્યો, પેલો બીજો હમણાં ગયો. એ બધા ગર્જનકને આ રસ્તે આવવાનાં આકર્ષણો છે. રેતરસ્તે આ કિત્તુ ચૌહાણ દસ જોજનથી પડકારે તેવો ત્યાં બેઠો છે! વચ્ચે વિશ્વંભર ઘૂમતો રહેશે. એટલે એ આ બાજુ જ ઢળશે. આ બાજુ આપણી ને વિંધ્યવર્માની દુશ્મનાવટ એને આકર્ષે, પૃથ્વીરાજનું આપણી સાથેનું મનદુઃખ એ જાણતો હોય, સિંહ ચૌહાણની વાત પણ અજાણી ન હોય. યાદવ ભિલ્લમ પણ એને દોસ્ત જેવો મળ્યો લાગે. એના સોદાગરોએ આ બધા સમાચાર એને આપ્યા જ હોવા જોઈએ. એ રજેરજની માહિતી મેળવીને જ આવે તેવો છે. તમે ઊપડો. મહારાણીબાને વાતું કરો. સૌ તત્કાલ આંહીં આવી જાય.’

‘વિશ્વંભર પોતાનું સેન લઈને સૌથી પહેલો આવી મળે, એને કામગીરી પર જવાનું છે. તમે ડાભી! વાગડ પંથ સાચવશો?’ 

‘અમે? તમે કહેતા હો તો સાચવીએ, પ્રભુ! પણ અમે તો ભા! ભીમદેવ મહારાજની પડખે રણમાં ઘૂમવા માટે ત્યાંથી આવ્યા છીએ. ચોકીદારીમાં શું કરવું’તું? કાંઈક મરણલેખ જેમાં નક્કી હોય, એવું કામ સોંપો ભા! કહો તો વિશ્વંભરજી સાથે પાછા રણમાં રખડવા ઉપડીએ.’

‘ઠીક ચાલો, એ થઇ રહેશે. આ વસ્ત્રલેખ. મહારાણીબાને આપવાનો સંદેશો એમાં છે. અને જુઓ, આંહીં તો જાણે કાંઈ થયું જ નથી હોં!’

‘અરે બાપ! એમાં કાંઈ અમને કેવાનું હોય? આ કોઠામાં તો એવી કૈક વાતું પડી હોય. ઈમાં આ એક વધારે! આમાં તો છે શું ભા? આનાથી વધુ ભાંગ પીવાવાળા અમે જોયા છે. એ ગરવાના પેટમાં બેઠા મજા કરે! આ તો શી વાત છે? વાતું તો ભૈરવખડકની છે, ગરનારી ખડકની! માણસ ઊભો હોય, કંઈ ગયો ને ક્યાં ગયો, ઉપરવાળો જાણે. આ ઈનું નામ વાતું! આમાં તો શું છે? ઠીક ત્યારે, જય સોમનાથ!’ ડાભી ને સોઢો ઊપડી ગયા.

કુમારદેવ મોડે સુધી ત્યાં એકલો આંટા મારતો ફર્યો કર્યો. એણે વિજ્જલને બિનનુકસાનકારી બનાવી દીધો હતો. પણ હજી વિંધ્યવર્મા છૂટો હતો.

એના કાનમાં લડાઈના ભણકારા વાગી રહ્યા હતા અને એમાં એક નવી નવાઈનો અનુભવ એને થતો હતો.

વીર પુરુષોની વીરતામાં એ પરાજયનાં બીજ જોઈ રહ્યો હતો!

એને નવાઈ લાગી: વીરતા આજે નિરાશા પ્રેરી રહી હતી!

અને પેલા સોઢલ જોશીનો આગાહી ભાખતો ગંભીર અવાજ એના કાનમાં હજી અથડાતો હતો:

‘ભાવિમાં આશા છે, પણ રસ્તે નિરાશાનો પાર નથી! કારણકે પાટણમાં તો જોઈએ તે કરતાં વધુ વીરત્વ આવી રહ્યું છે! અને વધુ પડતું વીરત્વ એ વીરત્વ નથી, ઈમારતને જમીનદોસ્ત કરનારો ગડગડાટ નીવડે છે, સેનાપતિજી!’

સોઢલ જોશીના શબ્દોના આ ભણકારા સંભળાતા હતા.

પૃથ્વીરાજ અને ભીમદેવ! કુમારદેવ જાણે બે વીર કિશોરોની તેજસ્વી મૂર્તિઓને આકાશમાં જોઈ રહ્યો હતો. 

પણ એમનામાંથી પ્રગટતો અંધકાર નીરખીને એ છળી ગયો!

એટલામાં એને આ દિવાસ્વપ્નમાંથી જગાડનાર શંખનાદ સૈન્યમાંથી આવતો સંભળાયો.