નાયિકાદેવી - ભાગ 27 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 27

૨૭

ગંગ ડાભી ને વિદ્યાધર

ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસો પાસેથી મેળવવાની તાલાવેલી હતી અને સાચી હકીકત મળવાનો સંભવ લાગ્યો હતો. પણ એને એક બીક હતી. એની પાછળ મીરાનની વહાર ચોક્કસ પડવાની! ‘રૂપમઢી’ ઉપર પોતાનો મદાર હતો. પણ આગળ પડેલાં રેતસાગરને ઓળંગવા માટેનું પાણી ખૂટ્યું હતું. એટલે રેતસાગરને એક તરફ મૂકીને એણે બીજો જ રસ્તો લીધો. 

પેલા ભાઈઓના સંદેશામાં ખરેખરું શું હતું અને શું ન હતું એની એને હજી પૂરી જાણ ન હતી. રૂઠીરાણી એટલે કોણ? એ ક્યાંની? એની શી વાત હતી? અજમેરના પૃથ્વીરાજને ભાઈઓ સાથે બન્યું ન હતું. એણે પોતાના જ મોટા ભાઈ અમરગાંગેયને હણીને રાજ પ્રાપ્ત કર્યું હતું. એ પૃથ્વી ભટ્ટની રાણીએ સોમેશ્વર વિરુદ્ધ કાંઈક ખટપટનો આધાર લીધો હોય એ પણ શક્ય હતું. ગંગ ડાભીનું ધારવું પણ એ હતું.

છતાં ગંગ ડાભીને પૂરેપૂરી ને આખી વાત સમજાતી ન હતી. એ તો અત્યારે ભાગ્યો હતો. એણે રેતસાગરના જોખમને ટાળવામાં સલામતી જોઈ. એટલે થોડે દૂર જઈને જ અજમેરનો પંથ પકડ્યો. સાંઢણી ઉપર પડેલા કેદીઓ મૂંગામૂંગા આ જોઈ રહ્યા.

‘અજમેરથી નીકળ્યા છો નાં?’ ડાભીએ પૂછ્યું.

ત્રણ જણા માંથી એકેયે જવાબ દીધો નહિ. ગંગ ડાભીને લાગ્યું હમણાં એમને સતાવવા નહિ.

બીજો આખો દિવસ એમણે સાંઢણીઓ હંકાર્યે જ રાખી, વખત છે, ને કોઈ આવી પહોંચે એ બીકે ક્યાંય મુકામ પણ કર્યો નહિ. ભૂખ્યા-તરસ્યા આગળ જ વધતા ગયા. સંધ્યા સમયે એક અવાવરું ખંડેર જેવું કાંઈક દેખાયું.

આ પૃથ્વીરાજ બીજો, પૃથ્વીરાજ ત્રીજો, સોમેશ્વરનો પુત્ર નહિ. આ પૃથ્વીરાજની રાણી સુહલદેવી. એને પ્રબંધોમાં રૂઠીરાણી કહેવાઈ છે. પણ એક સુહલદેવીએ સુરત્રાણને બોલાવ્યાની વાત છે. તે કાશીના ગોવિંદચંદ્રની ભગિની. આંહીં રૂઠીરાણી નામથી એની વાત કરી છે.

ત્યાં ત્રણ-ચાર ઝાડ હતાં. સંતાઈ જવાય એવી જગ્યા હતી. ડાભીએ ત્યાં મુકામ કરવાનો હુકમ કર્યો. 

આખા દિવસના થાકથી લોથપોથ થઇ ગયેલા માણસોને આ હુકમ રેતસાગરમાં જલસરોવર હોય તેવો મીઠો લાગ્યો. ટપોટપ સાંઢણી ઝોકરાઈ ગઈ. મુકામ ગોઠવાઈ ગયો. બે જણા થોડાક કરગઠિયાં લાકડાં ગોતી લાવ્યાં. એકાદ જણ પાણીની શોધમાં ગયો. પાછળ થોડાંક ખજૂર હતાં. એક વહેળા જેવું હતું. રસોઈપાણીની તૈયારી પણ ચાલી. પેલા કેદીઓ ભાગી છૂટે નહિ તેની નજર બરાબર રખાતી હતી.

રસોઈપાણીથી પરવારીને જેવા સૌ રેતપથારીમાં પડ્યા કે તરત જ એમનાં ઘારણ વળી ગયાં. કોઈનામાં જાણે કાંઈ ચેતન જ ન હોય તેમ હાલ્યાચાલ્યા વિના લાંબા થઇ ગયા. પણ ગંગ ડાભીને ઊંઘ આવતી ન હતી. તે વારેવારે ઊઠીને પેલા કેદીઓને જોઈ આવતો હતો. આવીને પાછો સૂઈ જતો હતો. સોઢાજી પડ્યો પડ્યો ડાભીનો તાલ જોતો હતો. 

ડાભીને બે-ત્રણ વખત તો એમ જતો-આવતો સોઢાજીએ દીઠો. ચોથી વખત ડાભી આવ્યો ને લાંબો થઈને સૂવા જાય છે ત્યાં સોઢો હસી પડ્યો. ડાભી ચમકી ગયો: ‘સોઢાજી ફટકી ગયું કે શું?’

‘ડાભી, મફતમાં શું કામ ફીફાં ખાંડો છો? ઈ તલમાં કાંઈ તેલ નથી!’ સોઢો હસતો-હસતો બોલ્યો.

‘શેની વાત કરો છો, સોઢાજી?’

‘બીજી શેની? આ તમારા કેદીઓની! તમે ધાર્યું છે કે આ છએ રૂઠીરાણીનાં માણસો ને અજમેરની કાંઈક વાત ગર્જનકને પહોંચાડવા ગયા હશે એટલે હું ફાવી ગયો! વાત કેટલી બધી મળી જશે! પણ ઈ વાતમાં માલ શું છે ડાભી? આ તો પેલી ધોબણનાં માનસ છે, ધોબણનાં!’

‘ધોબણનાં? ડાભી કાંઈ સમજો નહીં, એ ડઘાઈ જ ગયો: ‘કઈ ધોબણના?’

‘ઈ ભલા માણસ! ધોબણ જ કહેવાય નાં? બીજું શું? કુમારપાલ મહારાજના વખતમાં કાશીનરેશ ગોવિંદચંદ્રનો એક પ્રધાન પાટણમાં આવ્યો હતો. એ વાત સાંભરે છે?’

ડાભીના મગજમાં અજવાળું થઇ ગયું. ગોવિંદચંદ્રનો એક પ્રધાન પદ્માકર પાટણમાં આવ્યો હતો ખરો અને એક રૂપવતી વિધવાને પાટણમાંથી ઉપાડીને સોમનાથમાં લાવ્યો હતો. ત્યાંથી સ્તંભતીર્થ જવા માટે નીકળેલી એની નૌકાને ડાભીએ જ વળાવા આપ્યા હતા. એનું નામ સુહવદેવી હતી. એ વારાણસી નગરીમાં રાણી થઇ પડી છે એમ સંભળાતું હતું.

ડાભીને સોમનાથનો આખો પ્રસંગ નજર સમક્ષ તરી આવ્યો. પણ સોઢો એને ધોબણ કેમ કહેતો હતો? એ તો બ્રાહ્મણી હતી?

‘પણ એ ધોબણ ક્યાં હતી?’

સોઢો હસતો-હસતો બેઠો થઇ ગયો. ‘અરે! ભૈ! આ તો અમારી દોહાવાળી વાતું છે. ઈ ધોબણ નહિ તો બીજું શું? તો એને ધોબણ મેં એમ કહી કે પદ્માકર પ્રધાન પાટણમાં આવ્યો, ત્યારે સરોવરકાંઠે ફરવા ગયો હતો. ત્યાં ધોબણે એક સાડી ધોઈને સૂકવેલી. જેમ કેતકી પર ભમરાનો ગુંજારવ કરે, તેમ આ સદી ઉપર ભમરાનો સમૂહ ગુંજારવ કરતો ઊડે. પદ્માકરને ભારે નવાઈ લાગી. તેણે ધોબણને પૂછ્યું કે આને પહેરનારી કોણ? એમાંથી એને સુહવદેવીની ભાળ લાગી. પછી પાટણમાંથી એને ઉપાડી. એ સોમનાથ આવ્યો., સ્તંભતીર્થમાર્ગે પાછો ગયો. એ બધું તો તમે જાણો છો. પણ એટલે કહું છું કે પ્રતાપ ધોબણનો નહિ? માટે મેં કહ્યું કે ભૈ! આ તો પેલી ધોબણના માણસ છે, ધોબણનાં  - સુહવદેવી – મોટી, કાશીરાજની ભગિની, પણ પાટણની તો એક મામૂલી જાત નાં? આ એનાં માણસ છે. એના દીકરાને રાજ મળ્યું નથી, એટલે પેટબળ્યો ગામ બાળે એવી વાત થઇ લાગે છે! ન માનતા હો તો કરો તપાસ. મેં એની ચેષ્ટા ઉપરથી ને છાની વાત ઉપરથી આ અટકળ બાંધી છે. અટકળનો ઘા છે!

ગંગ ડાભીના મનમાં ચટપટી થઇ. તે પેલા કેદીઓ પાસે ગયો, જઈને એમને જગાડ્યા. 

‘તમે અલ્યા ભાઈ! કોના માણસ છો?’ ગંગ ડાભીએ એ જાગ્યા કે તરત પૂછ્યું.

‘કેમ છે તમારે?’ તેમાંથી એક કડક હતો તે બોલ્યો, ‘અમે માણસ છીએ રૂઠીરાણીનાં!’

‘રૂઠીરાણીનાં? અજમેરવાળી રૂઠીરાણી?’

‘અજમેરને આંહીં ઓળખે છે કોણ? કાશીનગરીની વાત સાંભળી છે? અમે કાશીપતિની રાણીની વાત કરીએ છીએ.’

‘હા...’ ગંગ ડાભી ઘા ખાઈ ગયો. ત્યારે આ તો કાશીપતિની રૂઠીરાણી નીકળી પડી. સોઢાનો અટકળનો ઘા સાચો પડ્યો.

સોઢો પાછળ આવતો હતો, તે આ સાંભળીને મોટેથી હસી પડ્યો! 

‘તમે ક્યાં જઈ આવ્યા?’ ડાભીએ પેલાઓને સવાલ કર્યો. એને હવે આમની વાત જાણી લેવી હતી.

‘એ તો તમે સાંભળ્યું છે. પૂછીને શું કામ છે? અમે ગર્જનકને તેડવા ગયા હતા.’

‘ગર્જનકને?’

‘હા. ગર્જનકને!’

‘ગર્જનક ક્યાં છે?’

‘એ પડ્યો મુલતાનમાં.’

‘તમારી પાસે એનો સંદેશો છે?’

‘હોવે? કેમ ન હોય?’

‘તો લાવો, અમને જોવા આપો.’

‘સંદેશ તમને જોવા ન મળે, અમારાં મડદાં હોવા મળે!’

ગંગ ડાભી સડક થઇ ગયો. એક તો ભળતા નામની આ બીજી જ રૂઠીરાણી નીકળી પડી. એટલે એનો અરધો રસ તો માર્યો ગયો હતો. ત્યાં પાછા આ માથાના ફરેલ નીકળ્યાં.

‘તમને ખબર છે, આનું શું પરિણામ આવશે?’

‘હા,’ એક જણો મક્કમ નિર્ભયતાથી બોલ્યો, ‘અમારું મરણ થાશે.’

‘તો?’

‘તો શું? મરવા માટે જન્મ્યા ન હોય, એવો કોઈ માણસ અમે હજુ સુધી જોયો નથી.’

ગંગ ડાભીને થોડી વધુ વાત કઢાવ્યા પછી આને તાવવા એમ સૂઝ્યું. તેણે ધીમેથી પૂછ્યું.

‘ગર્જનકનું સેન કેટલું છે?’

‘અપરંપાર!’

‘ઘોડાં કેટલાં છે?’

‘કેટલાંય ઘોડાં છે, ઊંટ છે, બળદ છે, રેતસાગરને રસ્તે પાટણ ઉપર જવા માટે નીકળવાનો છે. અમે એને કહ્યું હતું કે તું કનોજ-કાશીમાં અમારાં મહારાણીને મદદ કરવા આવ. એક-એક મુકામે એક-એક લક્ષ્ય દ્રમ્મ અમારે તને આપવા. અમારાં રાણીના કુમારને ગાદી અપાવી જા.’

‘પછી?’

‘પણ એને પાટણના કોટિધ્વજો લૂંટવા છે. એ શેનો અમારે ત્યાં આવે? રણ ઓળંગે કે પાટણ! એવું સહેલું મારણ મૂકીને અમારે ત્યાં કોણ આવે? આ તો ઘરનો કજિયો એટલે વખતે એને ફાવે! નહિતર શેનો ફાવે? અમારે ત્યાં તો કાશીરાજનું અગણિત દળ સામું આવે!’

ડાભી ને સોઢો બંને વિચારમાં પડી ગયા. આ બધા જો છૂટા થઈને ઝટ કાશી ભેગા થાય, તો એ વાત ખરી રીતે એમના લાભમાં હતી. પેલાં કેદીઓ પણ એમણે કરેલી વાતની અસર થતી જોઇને મનમાં ને મનમાં કાખલી કૂટી રહ્યા હતા: ‘કાં લ્યો! મારા બેટા! અમને બાંધવા આવ્યા’તા તે!’ એમ મનમાં બોલી રહ્યા હતા. 

ગંગ ડાભી બોલ્યો, ‘ગર્જનક પાસે દારૂગોળાની કાંઈ કરામત છે?’

‘હોય પણ ખરી!’ એકે દ્વિઅર્થી જવબ આપ્યો.

‘તમે જોઈ હશે નાં?’

‘અમને દેખાડે એવો એ મૂરખ નથી! પણ હાથી તમામ, ગધેડાની જેટલી કિંમતમાં થઇ જાય. એવી કરામત મહમ્મદ સામ પાસે હોવી જોઈએ! તે વિના એ આવી હિંમત કરે નહિ. ને બીજું, એનું સેન તો અપરંપાર છે!’

સોઢો ને ડાભી બંને હવે ઉતાવળા થઇ ગયા. એમને લાગ્યું કે આ માણસ ગર્જનકના શેમાંથી આવે છે. એટલે એમને જ પાટણ તરફ ઉપાડ્યા હોય તો એ કામના છે.

‘તમારું નામ શું?’ એમાંથી જે નિર્ભય દ્રઢ જવાબ આપતો હતો તેને એણે પૂછ્યું. 

જવાબ આપ્યો: ‘મારું નામ વિદ્યાધર!’

‘વિદ્યાધરજી! તો તમારે પાટણ આવવું પડશે. અમે પાટણના છીએ. હું ગંગ ડાભી. આ સારંગદેવ સોઢા. અમારે ગર્જનકની માહિતી મેળવવાની હતી અને એટલા માટે નીકળ્યા હતા.’

વિદ્યાધરને લાગ્યું કે આ તો સપડાયા. પણ તેણે દ્રઢતાથી જવાબ વાળ્યો: ‘પણ એમાં અમારે શું? ગંગ ડાભી હોય કે સારંગદેવ સોઢો હોય!’

‘અમે તમને લઇ જઈશું.’

‘ભલે! તમને ઠીક પડે તે તમે કરી શકો છો. એ પ્રમાણે કરવું કે નહિ એ અમને સ્વાધીન વાત છે!’

નહિ આવો તો અમે તમને બાંધીને લઇ જઈશું. એના કરતાં હવે ચાલ્યા આવો. તમારે મહારાણીબા પાસે સંદેશો કાઢી દેવો પડશે. અમને જો આંહીં આપી દો, તો અમે તમને જવા દઈએ!’

‘અમારે જવાની ઉતાવળ નથી.’ વિદ્યાધરે કહ્યું. ‘સંદેશો તો બહુ રકઝક કરશો તો પેટમાં જશે, પછી એ ચિતામાં બળશે! અમે પણ રાજરાણીના માણસ છીએ. સંદેશ એમ રેઢા પડ્યા નથી હોતા.’

‘તમારી રાણી પાટણનાં છે, તે તમે ભૂલો છો?’

‘અમે ભૂલતાં કાંઈ નથી. એ પાટણનાં છે ને તમારા મનથી ધોબણ છે. ધોબણ થઈને પાટણમાં રહેવું કે રાજરાણી થઈને વારાણસી નગરીમાં રહેવું. એ એમને જોવાનું છે. અમારે શું? ચાલો, અમને પાછા બંધનમાં જકડી લ્યો. આમ છુટું ફરવું અમને પણ ગમતું નથી! અમને આજ ઠીક નથી એટલે આજ અમે એક તસું ભોં પણ કાપવાના નથી! કાલે ચાલશું!’

વિદ્યાધર સમજી ગયો હતો કે આ પાટણના છે. ને એમને હવે ભાગવું પડે તેમ છે. વખત કાઢવો એમને પોસાય તેમ નથી.

‘તો એમ કરો. બે જણા જાઓ અને તમે અમારી સાથે ચાલો!’ સારંગદેવ સોઢો બોલ્યો.

‘સાથે? મારું શું કામ છે?’

‘એ ન્યાય મહારાણીબા કરશે!’

વિદ્યાધરે જાણ્યું કે આમાં પરાણે સપડાયા જેવું થશે. આમાંથી કંઈક રસ્તો કાઢવો જોઈએ. ગંગ ડાભીને નિશાની કરી: ‘ગંગ ડાભી જરા આમ આવો તો?’

ગંગ ડાભી ઊઠ્યો, કાંઈ દગો ન થઇ જાય માટે એક હાથ એણે સોનેરી કટાર ઉપર જ રાખ્યો, તે અંધારામાં એક તરફ આગળ વધ્યો.

થોડે આઘે જઈને વિદ્યાધર અટકી ગયો. તેણે ગંગ ડાભીને ધીમેથી કાનમાં કહ્યું, ‘તમે મને ઓળખ્યો છે?’

ડાભી વિચારમાં પડી ગયો, હા કહે તો ખોટી હા થાય અને ના પાડે તો ઈજ્જત જાય છે.

‘પૂરી રીતે નહીં!’ તેણે જવાબ વાળ્યો.

‘ત્યારે હું તમને મારી પૂરી ઓળખાણ આપું, ને સાચી વાત કહું. પછી તમને ઠીક લાગે તે કરજો. હું કાશીપતિનો પ્રધાન વિદ્યાધર છું. આમની સાથે એમની જ  હિલચાલ જોવા માટે  ભળ્યો છું.’

‘હેં..! તમે કાશીપતિના પ્રધાન? ગંગ છક્ક થઇ ગયો.

‘હા. એ વાત લાંબી છે. અમારે ત્યાં ખટપટ છે. અત્યારે હું આમની સાથે ભળી ગયો છું. એ રાણીના માણસ છે. સુરત્રાણ ને આ ભોગિની રાણી વચ્ચેના સંદેશાની ખબર ન પડે, માટે હું કૃત્રિમ રીતે એમનો બન્યો છું. આ સાચી વાત તમને કહું છું. માનવું ન માનવું તમારી ઈચ્છા. સુરત્રાણ અમારે ત્યાં આવે એ મારે મન આપઘાત છે. પણ શું કરવું? રાજાને આ રાણીએ ઘેલો કરી મૂક્યો છે! હમણાં તો અમે જે સાંભળ્યું તે પ્રમાણે સુરત્રાણ તમારા પાટણ ઉપર આવી રહ્યો છે તે ચોક્કસ! ત્યાં મીરાન પડ્યો છે એ તમે જોયું છે. એની પાસે એક મૂલ્યવાન ઘોડો છે. એ ઘોડો એ પાટણમાં ને કાં અજમેરમાં ધાબડી દેવા માંગે છે.’

‘ધાબડી દેવા માંગે છે? એટલે?’ ડાભીના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. જે ઘોડા ઉપર એ મુગ્ધ બન્યો હતો તેની આ વાત હતી.

‘એ ઘોડો રૂપાળો છે એટલું જ, બાકી નાચણીયો છે. ગર્જનકનું સેન આવે ત્યારે એક ખંજરિયો ભેગો હશે. એ ખંજરી વગાડે એટલી વાર. આ ઘોડો નાચવા માંડે. લડાઈ-લડાઈને ઠેકાણે રહી જાય! ઘોડો એટલો રૂપાળો તેજસ્વી ને સુંદર છે કે એના ઉપર રાજા જ બેઠો હોય!’

‘હા...’ ડાભી તો આ સાંભળતાં જાણે ઠરી જ ગયો. એના મનથી લડાઈની કલ્પના જુદી હતી. એ તો તલવારના ઘા મારવા ને ઝીલવા એવી વાતમાં માનતો, એણે લડાઈ ગણતો. જ્યારે આંહીં તો નવી નવાઈની વાતો હતી!

‘પણ તમે ગંગ ડાભી!’ વિદ્યાધરે ગંભીરતાથી કહ્યું, ‘હવે આંહીં વખત કાઢો મા. ઝટ પાટણ ભેગા થઇ જાવ ને અજમેરના ગાંડિયા રાજકુમાર પૃથ્વીરાજ બહાદુરને પણ બને તો ચેતવતા જાવ! આ તો તુરુષ્ક છે. એવો ઘા મારશે કે એક ઘાએ ભોં ભેગા કરી નાખશે. અમારા સંદેશામાં તમારે ઉપયોગી આનાથી વિશેષ કાંઈ નથી. સુહવદેવીની માયામોહિનીમાં પડેલો રાજા આ જાણતો નથી. એટલે મને જાવા દ્યો. રાજ જો ચેતે તો છેલ્લો પ્રયત્ન કરું. તમે ઝટ પાટણ ભેગા થઇ જાવ. અજમેર વાળાને પણ ચેતવો! પળ-પળ કિંમતી છે ડાભી! તમારું કામ સહેલું છે, મારું કામ ભગવાન વિશ્વેશ્વર પાર પાડે ત્યારે!’

વિદ્યાધરના શબ્દોએ ડાભીને વિચાર કરતો કરી મૂક્યો. એની વાત સાચી હતી. એના શબ્દોમાં ચેતવણી હતી. કરુણતા હતી, પળેપળ કીમતી હતી. એણે અજમેર-પાટણને ચેતવવા માટે દોડવું જોઈએ. તેણે વિદ્યાધરની સચ્ચાઈ જોઈ લીધી. 

‘કેમ તમારું કામ વિશ્વેશ્વર પાર પાડે તો – એમ કેમ બોલ્યા? તમારું કામ તો સહેલું છે. છો ને ગર્જનક આવતો. તમે તૈયાર હશો! આ ખાતરી પછી પણ રાજા નહિ માને, એમ?’

‘એમ નથી. આ રાણીને તો એનો પોતાનો દીકરો ગાદીએ લાવવો છે. એટલા માટે એણે સુરત્રાણને બોલાવ્યો છે. એની રૂપમોહિનીમાં પડેલો રાજા, આવા સંદેશાની વાત માનતો નથી. મોહ એટલો છે કે સુરત્રાણ આવીને ઊભો રહેશે તો પણ કદાચ એ નહિ માને! એટલા માટે મેં જીવને જોખમે, રાણીનો પક્ષ લેવાનો આ નિશ્ચય કર્યો હતો. એ રીતે આ સંદેશો મેળવાય અને રાજાને મોહમાંથી જગાડાય! છતાં એ ન જાગે...’ વિદ્યાધરનો અવાજ રૂંધાઇ ગયેલો જણાયો.

ગંગ ડાભીને એની રાજભક્તિ સ્પર્શી ગઈ. એ સાંભળી રહ્યો. 

વિદ્યાધરે ગળું ખંખેર્યું. એ ભવિષ્યને જોઈ રહ્યો હોય તે હવે ધીમેથી બોલી રહ્યો:

‘છતાં એ ન જાગે, ગંગ ડાભી! ઘણી વખત વિધિ ક્રૂર હોય છે, એટલે જો રાજા ન જ જાગે, તો એનું કરણ મૃત્યુ મારાથી નહિ જોવાય. મેં એને નાનેથી મોટો કર્યો છે. માલવરાજનો મહામંત્રી રુદ્રાદિત્ય મને સાંભરે છે. એણે અગ્નિપ્રવેશ કર્યો હતો. એટલી તાકાત તો મારામાં નથી. મારે જલપ્રવેશ કરવો રહ્યો, બીજું શું થાય? ગંગા નદીના નીર મને બોલાવી રહ્યાં છે! ગંગ ડાભી! જાણે કે રાજાઓ ભારતવર્ષમાં હવે ભોળિયા, ઘેલી બહાદુરીની મોહિનીમાં પડેલાં, એવા આવવાના હોય તેમ લાગે છે! ભારત વર્ષનું ગૌરવ પૂરું થયું જણાય છે. આ અમારો રાજા મોહિનીમાં પડ્યો છે. અજમેર ઘેલી બહાદુરીમાં છે. તમારે ત્યાં પણ શું છે? અને ક્યાં એ નથી? રાજાઓ આવા આવી રહ્યા છે તે વખતે મંત્રીશ્વરોને આશ્રયના ત્રણ ઠેકાણાં હવે રહ્યાં છે. અગ્નિ, જલ ને કાં સન્યસ્ત! શરીરે ભભૂતિ! પણ પ્રજાદ્રોહ કરવા કરતાં ભારતવર્ષના મંત્રીશ્વરો આ રસ્તે જશે, ત્યાં સુધી હજી કાંઈક પણ આશાતંતુ છે! ભગવાન નીલકંઠેશ્વર હલાહલ વિષનું પાન કરવાની શક્તિ આપે ને આ અમાર્ગમાંથી બચાવે! બીજું શું?’

વિદ્યાધરના શબ્દોએ ગંગ ડાભીની આંખમાં આંસુ આણી દીધાં. એને લાગ્યું, ખરેખર, બધે જ સળગ્યું છે! એને વિદ્યાધરની સચ્ચાઈ સ્પર્શી ગઈ. તેણે બોલ્યા વગર જ વિદ્યાધરનો હાથ દબાવ્યો: ‘વિદ્યાધરજી બીજું કાંઈ અમારે જાણવા જેવું છે? હોય તો કહી નાખો.’

વિદ્યાધરે બોલ્યા વિના ડોકું ધુણાવ્યું.

‘ગર્જનક ક્યે રસ્તે આવશે? કાંઈ ખબર?’

વિદ્યાધરે કહ્યું: ‘એ ગર્જનક પોતે જ જાણે છે. એનો સેનાપતિ પણ નહિ!’

‘ત્યારે તમે હવે ઊપડો. અમને માફ કરજો. મારે હવે ભાગવું પડશે. અજમેર પંથક થઈને હું પાટણ ભેગો થાઉં?’

‘તમે ઊપડો. જય સોમનાથ!’

‘જય વિશ્વેશ્વરનાથ!’ વિદ્યાધરે બે હાથ જોડીને જવાબ વાળ્યો.