નાયિકાદેવી - ભાગ 18 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 18

૧૮

નાયિકાદેવીએ શું જોયું?

કુલચંદ્રે પાટણની કિલ્લાની એક બુરજ પર હુમલો કર્યો હતો અને તે બુરજ સૈકા પહેલાં ભાંગી હતી. પણ ત્યારથી લોકજીભે એ ભાંગેલી બુરજ ગણાઈ ગઈ હતી. હવે તો ત્યાં સુરક્ષિત કોટકિલ્લો ને ચોકીપહેરો હતાં. પણ તેનું નામ એનું એ રહી ગયું હતું! એ ભાંગેલી બુરજ જ કહેવાતી.

આ ભાંગેલી બુરજ પાસે મહારાણીબા આવી પહોંચ્યાં. કુમારદેવને થોડા વખત પહેલાં જ પોતે વિદાય આપી આવ્યાં હતાં. વિંધ્યવર્માને સૂતો પકડવાની વાત હતી. વિંધ્યવર્માનું બળ તૂટે, તો પછી વિજ્જલને નર્મદાના તટપ્રદેશમાંથી ફેરવી નાખી, એની યોજના ધૂળ મેળવવાની હતી. 

પણ વિંધ્યવર્માને સમાચાર મળી ગયા હોય કે એ જાગ્રત હોય, અથવા લડાઈ ધાર્યા કરતાં જુદી જ નીકળી પડે, તો શું થાય? રાજકુમારોની તરુણઅવસ્થા દેખી, બીજા મંડલેશ્વર સરદારોના કાન ન ચમકે? એ ન થવા દેવા માટે હમણાં જ મુખ્ય પુરુષો પાટણમાં આવ્યા હતા, તેમને પાટણમાં જ રોકવા, એમ નક્કી થયું હતું. એક મહાન યુદ્ધસભા ભરવાની છે એની વાત ચાલુ રાખવાની તાત્કાલિક યોજના મહારાણીબાએ રચવી. કુમારને એ બહુ જ સમયસરની જણાઈ હતી, કારણ કે પછી તો કોઈ માલવા પહોંચી ન જાય, તેનો જ જાપ્તો રાખવાનો રહેતો હશે, ઠેકાણે-ઠેકાણે એ પ્રમાણે ચોકીપહેરો ગોઠવાઈ ગયા હતા અને કોઈ પણ ઓઢી કે ઘોડેસવાર વગર તપાસે માલવા તરફ આગળ જઈ શકે તેમ રહ્યું ન હતું.

આ પ્રમાણે બંદોબસ્ત થયો. કુમારદેવને મહારાણીના આશિર્વાદ મળ્યા. તે અંધારામાં અદ્રશ્ય થઇ ગયો. મહારાણીબાએ જાણીજોઈને એને આ સભાની વાત જાણવા દીધી ન હતી – છેલ્લી પળે એનું મન દ્વિધામાં પડી જાય. પછી પોતે ત્વરાથી ભાંગેલી બુરજ આગળ આવી પહોંચ્યા. વિશ્વંભર એની પાછળ થોડે દૂર આવી રહ્યો હતો. 

રાત અંધારી હતી. કોઈ માણસની ત્યાં અત્યારે અવરજવર લાગતી ન હતી.

મહારાણીબા ને વિશ્વંભર ધીમે-ધીમે આગળ વધ્યાં. અર્ણોરાજ સાથેની વાતથી મહારાણીબાને એક નિરાંત થઇ ગઈ હતી: ‘આ સાહસવીરો પણ આંતરવિગ્રહને તો ટાળવા જ માગતા હતા. એમની નેમ, કોઈ ને કોઈ રીતે વિજ્જલદેવને ઉપાડી લેવાની હતી!’

મહારાણીબા અને વિશ્વંભર ત્યાં એક વિશાળ વટવૃક્ષ નીચે અંધારામાં ઊભા રહ્યા.

ભીમદેવના પ્રેમથી દોરાઈ રહ્યા હોય તેમ ઘણા યોદ્ધાઓને મહારાણીએ ત્યાં નીચે જતા જોયા.

થોડી વાર અવરજવર જરા ઓછી થઇ, એટલે મહારાણીબા અને વિશ્વંભર સંકેતસ્થાન ભણી આગળ વધ્યાં.

નીચે ભોંયરામાં જવા માટે ધીમે ધીમે પગથિયાં ઉતરી રહ્યાં. એક ઠેકાણે ખૂણો હતો ને ત્યાંથી પ્રવેશનો વળાંક બીજી દિશામાં વળતો હતો. એ વળાંક પાસે એક માણસ ઊભો હતો. અંદરથી જોઈએ તેટલો પ્રકાશ ત્યાં આવતો હતો. એટલે કોણ આવે છે એની બરાબર ઓળખ મેળવવી મુશ્કેલ હતી. મહારાણીબા ને વિશ્વંભર ત્યાં જરાક અંધારામાં સરી ગયાં. એક સ્તંભ આડે થોડી વાર ઊભા રહ્યાં, ને દ્વારપાલ જરાક બેધ્યાન બનતાં એની નજર ચુકાવી આગળ વધી ગયાં. મહારાણીબાએ કાળા અંધારપછેડામાં શરીરને લપેટ્યું હતું.

આ ખૂણો વટાવ્યો, એટલે સામે એક વિશાળ ખંડ એમની નજરે પડ્યો. પગથિયાં ઉતરે, એટલે પહેલાં એક નાનો ચોક આવતો હતો. ત્યાંથી થોડું ચાલવાનું હતું. આ ચોકમાં મહારાણીબા આવ્યાં. સામે આઘેના વિશાળ ખંડમાં જવા માટે રસ્તો ઓળંગવો પડે તેમ હતું. એમણે વિશ્વંભરને નિશાની આપી. ‘વિશ્વંભર! આપણે આંહીં જ થોભીએ. આંહીં કોઈ છે નહિ, અને આપણે આંહીં એક સ્તંભ આડે ઊભા રહીએ તો કોઈ દેખે તેમ નથી.’

વિશ્વંભર અને મહારાણીબા ત્યાં એક તરફ ઊભાં રહી ગયાં.

થોડી વારમાં સામેના વિશાળ ખંડને પ્રકાશથી ભરી દેતી દીપીકાઓ પ્રગટી.

મહારાણીબાએ ત્યાં જે દ્રશ્ય જોયું એ  જોઇને એનું હ્રદય ડોલી ગયું, આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ઉત્સાહની એક છોળ આવી ગઈ.

સેંકડો રજપૂતો ત્યાં બેઠા હતા. સૌની આંખ રાજકુમાર ભીમદેવ ઉપર હતી. દેવસભામાં ઇન્દ્ર શોભે એવો એ શોભી રહ્યો હતો. રણરંગી જોદ્ધાઓ જાણે યુદ્ધનો કસૂંબલ રંગ ધારીને આહીં જાનન્યોછાવરી માટે ભેગા થયા હોય એવી એક અલૌકિક શાંતિ સભામાં પથરાઈ હતી. ભીમદેવના આ રણપ્રિય રજપૂતોની શૂરપંક્તિને મહારાણીબા નિહાળી જ રહ્યાં!

તેમણે વિશ્વંભરના ખભા ઉપર હાથ મૂક્યો: ‘વિશ્વંભર, અર્ણોરાજ કેમ દેખાતો નથી?’

વિશ્વભરે રાજકુમાર ભીમદેવની સમક્ષ સિંહમુદ્રામાં બેઠેલા અર્ણોરાજને બતાવ્યો. એની પાસે લાંબી તલવાર પડી હતી. જાણે ભીમદેવની સાથે જ પોતે રહેવા માટે નિર્માણ થયો હોય એવી અજબ રાજભક્તિનો રંગ તેના ચહેરા ઉપર હતો. રાણીને એની સાથે થયેલી વાત સાંભરતી હતી. વિજ્જલને મારવા તૈયાર થયેલા, હિંસક શૂરવીરોને અર્ણોરાજ શી રીતે કાબૂમાં લેશે એ રાણીને મન એક મોટો કોયડો હતો. આંહીં બધા જ યુદ્ધના આગ્રહી હતા. યુદ્ધ થાય તો પછી બીજી વાતનું ગમે તે થાય એવો વિચાર ધરાવનારા હતા. એ એના તરફ જોઈ રહી.

એટલામાં ભીમદેવની પાછળ ઊભેલા બે પ્રચંડ, ઉત્તુંગ, વજ્જરદેહી જોદ્ધાઓ ઉપર રાણીની નજર પડી, ને એ ચમકી ગઈ, ‘અરે! આ પણ આવ્યા છે. વિશ્વંભર! ગંગ ડાભી ને સારંગદેવ સોઢો લાગે છે.’

વિશ્વંભરે ત્યાં જોયું. બંને ત્યાં ઊભા હતા. એમના હાથમાં માથા ઉપરવટ ચાલ્યાં જતાં ભાલાંઓ હતાં. તેમની કેડે પગ સુધી લટકતી મોટી તલવારો હતી. તેમણે સોરઠી પાઘ પહેરી હતી. એમના કાનમાં સોનાનાં કુંડળ લટકતાં હતાં. ડોકમાં મોટાં મોતીની માળાઓ હતી. હાથમાં સોનેરી કડાં હતાં. એમની આંખની ખુમારી પથ્થરને પણ નરમ બનાવી દે એટલી ભયંકર, વેધક અને તીવ્ર હતી. રાજકુમાર ભીમદેવના બે મહાન રક્ષક દ્વારપાલ હોય એવી અડગ શ્રદ્ધાથી એ ત્યાં ઊભા હતા. એમનું એમ ઊભવું એ જ એક જુદ્ધ સમાન હતું. મહારાણીએ પાટણનું આવું અપૂર્વ વિરલ દ્રશ્ય આજે પહેલી વાર જ જોયું. નગરીમાં અનેક વીરપુત્રો હતા અને એમાંનો દરેક ભીમદેવના નામે જાનન્યોછાવરી કરવામાં માનતો હતો, રાણીની છાતી આ દ્રશ્યે ઉત્સાહથી ધડકી રહી. એને પોતાનો કુમાર ઇન્દ્રવૈભવી દેવકુમાર જેવો લાગ્યો. ઘડીભર તો એ પણ ભૂલી ગઈ કે આ દ્રશ્ય વિરલ હતું. પણ એનું વિવેકહીન સંચાલન ભયંકર પરિણામ લાવનારું હતું!

જે દરેક આંહીં બેઠો હતો, એ જાણે  મૃત્યુને વરેલો જોદ્ધો બની ગયો હતો. આમાંથી એ ચારપાંચ વિજ્જલને હણવા જનાર હતા. એમના તો રાઈ રાઈ જેવડાં કકડા થઇ જવાનો સંભવ હતો અને છતાં દરેક એ કામ પોતાને માથે લેવા તલસી રહ્યો હતો. મૃત્યુ પ્રત્યેની આ બેપરવાઈ દિલ ડોલાવે તેવી હતી.

રાજપૂતી છટાના આ રણમહોત્સવી રંગે મહારાણી નાયિકાદેવીની આંખમાં આંસુ આણ્યાં!

આ નગરી! આ વીરત્વ! અને આ છટા!

પળભર જાણે પોતે વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેય કાલની અધિષ્ઠાત્રી દેવી હોય તેમ નીમીલિત નયને જાણે કંઈક જોઈ રહી હતી.

એટલામાં કોઈક બોલતું જણાયું.

મહારાણીબા જાગી ગયાં.