નાયિકાદેવી - ભાગ 12 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 12

૧૨

મહારાણી કર્પૂરદેવી

નાયિકાદેવી ઝરૂખામાંથી રાજમહાલયના ખંડમાં આવી. હત્યારો પણ મરાયો છે એવી વાતે, હજારો લોકોમાં કાંઈક શાંતિ ફેલાવી દીધી હોય તેમ જણાયું. લોકટોળાં ધીમે-ધીમે વીખરાવા માંડ્યાં હતાં. તેમ જ મહારાજની સ્મશાનયાત્રાનો હવે એકદમ જ બંદોબસ્ત કરવાનો હતો. નાયિકાદેવીએ પંડિત સર્વદેવને ખોળ્યો. હજી એ આવ્યો જણાતો ન હતો. 

એટલામાં એની દ્રષ્ટિ રાજમહાલયના ખંડમાં ફરી વળી.

ચારેતરફ મહારાજ અજયપાલનાં સંસ્મરણો ત્યાં હતાં. એમની શમશેર, એમની ઢાલ, એમનું બખ્તર, એમની પાઘ. નાયિકાદેવીની આંખ એ જોતાં ભીની થઇ ગઈ. એણે ભીમદેવ અને મૂલરાજ સામે જોયું. ભીમ પણ હવે નરમ પડી ગયો હતો. બંનેના હ્રદયમાં અપાર શોક બેઠો હતો. પણ પોતાની જરા જેટલી નબળાઈ અત્યારે ભારે પડી જશે, રાજ ધર્મનું એ તીવ્ર ભાન, નાયિકાદેવીને એકદમ આવી ગયું. તે સ્થિર, શાંત, દ્રઢ બનીને આગળ વધી. રાજમંડળી એની પાછળ હતી. આગળના એક સ્તંભ ઉપર એની નજર પડતાં તે ચોંકી ગઈ.

એક ક્ષણમાં એણે વાત જાણી લીધી. ત્યાં કર્પૂરદેવીને ઊભેલી એણે જોઈ. નાયિકાદેવી વાતનો મર્મ સમજી ગઈ. કર્પૂરદેવી સતી થવા માગતી હતી. તેણે મહારાજની પ્રીતિ જાણી હતી. 

મહારાજ અજયદેવના રણઘેલા જીવનને રંગીન છાયાનો આધાર ઘણી વખત લેવો પડતો. 

પ્રતાપી અને તેજસ્વી નાયિકાદેવીનો પડછાયો એ વખતે એમને અધૂરો જણાતો. નાજુક ફૂલની કળી સમી કર્પૂરદેવીએ એમના હ્રદયમાં અનોખું સ્થાન લીધું હતું. 

એના સાંનિધ્યમાં મહારાજ અજયદેવ પોતાની બધી રંગીન સૃષ્ટિનો આરામ મેળવતા. એટલા દિવસ એ દુનિયાને ભૂલી જતા, દુનિયા એને ભૂલી જતી. દુનિયાની તમામ વાસ્તવિકતાઓને ભુલાવનારી, આ કાવ્યપંક્તિ સમી, નાજુક, સુંદર, રૂપભરી કર્પૂરદેવીના શબ્દેશબ્દમાં જાણે રસનું એક ઝરણું વહેતું હતું. એ શબ્દ બોલે ને એ શબ્દનો જાણે રસ થઇ જતો. અજયદેવ મહારાજના હ્રદયમાં આ રાણી બેઠી હતી. નાયિકાદેવીના સાંનિધ્યમાં એ ગૌરવ અનુભવતા, રાજવંશી બની જતા. રાજકુલનો મહિમા જાણનારા ક્ષત્રિય થઇ રહેતા. પરાક્રમની એમની ભૂમિકાને જલસિંચન ત્યાં થતું. નાયિકાદેવી પાસે ઊભેલા અજયપાલને સોલંકીવંશમાં અસલ રૂપનું પ્રતિબિંબ પ્રગટાવતા. પણ એમનું હ્રદય તો આ કાવ્યપંક્તિ સમી નારી પાસે જ ખીલી ઊઠતું. કર્પૂરદેવી મહારાજની પ્રિયતમા રાણી હતી. નાયિકાદેવી સિંહાસનને પડખે બેઠેલી એમની રાજરાણી હતી. 

નાયિકાદેવીની નજર કર્પૂરદેવી ઉપર પડી. એક પળભર એને સમજણ પડી નહિ કે એને અત્યારે આહીંથી શી રીતે વિદાય દેવી. 

એ બે ડગલાં આગળ ગઈ પણ એને જોતાં તરત જ થંભી ગઈ.

કર્પૂરદેવી આખે શરીરે ધ્રુજતી હતી. એનું મોં ફિક્કું પડી ગયું હતું. જે શોક એના મોં ઉપર હતો એનો કોઈ પ્રકાર જ ન હતો. એની આંખો લાલઘૂમ થઇ ગઈ હતી. એની દ્રષ્ટિમાં સઘળી કરુણ અનાથતા આવીને વસી હતી. મહારાણી નાયિકાદેવીએ એને જોઈ કે તરત તે આગળ આવી. 

પાછળ આવનારા સૌ જોતાં થંભી ગયા. 

‘બા! કર્પૂરદેવીનો શોકઘેરો અવાજ આવ્યો. એ અવાજમાં આટલો શોક હતો. છતાં જાણે મીઠાશ પ્રગટતી હતી. ‘બા! મને મહારાજ બોલાવે છે! મારે જવું છે!’

નાયિકાદેવી અવાજને સ્વચ્છ રાખવા વ્યર્થ પ્રયત્ન કરી રહી અને કર્પૂરદેવીનો નિઃસીમ શોક સ્પર્શી ગયો. એ ગદગદ થઇ રહી.

‘બેન! આને પછી કોણ જાળવશે?’ તેણે પોતાની આગળ ઊભેલા ભીમદેવના માથા ઉપર હાથ મૂક્યો. ‘તમારા વિના એ એક પળ પણ રહી શકશે? મહારાજ તમને બોલાવે છે, અને શું મને નહિ બોલાવતા હોય? પણ આને જાળવવાના છે તેનું શું?’

‘બેન! મારે જાવું છે. મારે અંતર પડવા નથી દેવું. મને બધેથી મહારાજના શબ્દભણકારા સંભળાય છે! જુઓ આ બોલ્યા પોતે... આ હા હા હા... હિ હિ હિ આ...’ કર્પૂરદેવી ઉન્મત્તની માફક હસી પડી. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં!

કેલ્હણજી, ધારાવર્ષ સૌને એ દ્રશ્યે પીગળાવી દીધા.

મહારાણી નાયિકાદેવી દ્રઢતાથી વધુ આગળ વધી. તેણે પોતાના બાહુમાં કર્પૂરદેવીને લઇ લીધી. તેનું હીબકાં ભરી રહેલું મોં, પોતાના ખભા ઉપર ઢાળી દીધું. એક હાથે એના માથાને પ્રેમથી પંપાળવા માંડ્યું.

‘બેન! મહારાજ આપણને પાટણ સોંપતા ગયા છે. કુમારો સોંપતા ગયા છે. હિંમત રાખો, તમે હિંમત ખોશો, પછી આને કોણ સાચવશે બેન?’ નાયિકાદેવીએ ભીમદેવને બતાવ્યો.

કર્પૂરદેવીએ શોકભરેલા અવાજે કહ્યું, ‘બા! મને કોઈ વાત  હવે ગમતી નથી. મને તમે જવા દો. બોલવું એ પણ મને આકરું લાગે છે. મને થાય છે કે હું અગ્નિજ્વાલાનું વસ્ત્ર ઓઢીને શાંત થઇ જાઉં.’

‘તો તમારી સાથે હું આવું!’

‘તમે રાજને સાચવો, કુમારોને સાચવો. તમારામાં શક્તિ છે. હું તો મહારાજનો પડછાયો છું. મહારાજ ગયા હવે એની છાયા આંહીં કેમ રહી શકે? મને બા! અત્યારે જ જવા દો!’

‘અત્યારે તો હું ન જ જવા દઉં, બેન!’

નાયિકાદેવી આ અગાધ શોકમાં પણ કર્પૂરદેવીના સહગમનથી થનારી લોકમાનસની ઉશ્કેરણીનો વિચાર કરી રહી હતી.

કર્પૂરદેવીએ શોકભર્યો ઉત્તર આપ્યો:

‘પણ તમે હવે મને બાંધી રાખીને શું કરશો, બેન? હું ક્યાં આંહીંની રહી છું? મને આંહીં કાંઈ ગમતું નથી.’ કર્પૂરદેવીએ જરાક શરીર છુટું કરીને ઊંચે જોયું. એની આંખમાં એટલી વેદના હતી, કે નાયિકાદેવી પણ એ જોતાં, એક-બે પગલાં પાછળ હઠી ગઈ. કર્પૂરદેવી માણસ રહી ન હતી, પારાવાર શોકે એને દેવી જેવી બનાવી દીધી હતી. અપાર શોક માણસને ગાંડું કરે. ચિત્તભ્રમિત બનાવે અથવા તો આકાશી હવા આપે! નાયિકાદેવી બોલી, ‘બેન! આ તમારો કુમાર તમારા વિના એક પળ પણ રહી શકશે? એને સાચવશે કોણ? મૂલરાજદેવ મારો છે, પણ ભીમદેવને તો તમે તમારો કર્યો છે, એ કેમ ભૂલી જાઓ છો? બેન! લોકોને સમજાવીને આપણે રાજને સંભારીએ. ભીમદેવ, આંહીં આવ, બેટા! આ તારી માને તું જ સમજાવ.’

ભીમદેવ આગળ આવ્યો. પણ તે કર્પૂરદેવીની પડખે કેવળ આંસુ સારતો ઊભો રહ્યો. તે કાંઈ બોલી શક્યો નહિ. કોઈ કાંઈ બોલી શક્યું નહિ.

વાતાવરણ એવું ગમગીન બની ગયું હતું. અત્યારે શોકની હવાએ જાણે બધાંનાં હ્રદય વીંધી નાખ્યાં હતાં.

એ ગમગીનીને ભેદતો નાયિકાદેવીનો અવાજ ફરીને સંભળાયો. ‘કુમારદેવ ગયેલ છે, ધારાવર્ષદેવજી! તમે અને કેલ્હણજી જાઓ. હું મારી બેનને લઈને હમણાં આવું છું. બેન! હું તમને કોઈ હિસાબે અત્યારે મહારાજ સાથે જવા નહિ દઉં! તમારાથી અમને છોડીને નહિ જવાય. છતાં જશો, તો હું પણ તમારી સાથે આવીશ. આ તમારા બંને કુમારો રખડી પડશે, અને રાજ પણ રોળાઈ જશે!’

‘મહારાણીબા! ધારાવર્ષદેવે કહ્યું, ‘અમે મહારાજની સ્મશાનયાત્રાની તૈયારી કરાવીએ છીએ. હવે આ બાબત ધીરજ ધરવાની છે. મહારાણીબાને સમજાવો!’

‘ધારાવર્ષદેવજી! તમે મહારાજને ક્યાં જાણતાં નથી?’ કર્પૂરદેવી બોલી, ‘મેં એમનું પડખું સેવ્યું છે. એમનું પડખું સેવનાર પછી રહી શકે ખરું? મને હવે કોઈ જગ્યા રસ...’ કર્પૂરદેવી વધારે બોલી શકી નહિ. એક દિશા તરફ એ જોઈ રહી હતી. એનું જોવું જુદા પ્રકારનું જ હતું. એમ લાગતું હતું કે જાણે દિશામાં હમણાં અગ્નિ પ્રગટશે!

‘સતીમા!’ નાયિકાદેવીએ હાથ જોડ્યા. ધારાવર્ષદેવ અને કેલ્હણજી જતા હતા, તે પણ શબ્દ સાંભળતાં થંભી ગયા.

સૌ બે હાથ જોડી રહ્યા હતા: ‘સતીમા! હું તમને એક વિનંતી કરું છું મા! બીજા કશાની ખાતર નહીં તો આ રાજ્યની ખાતર દસ-બાર દિવસનો પૃથ્વીનિવાસ રાખો, મા! અત્યારે તમારું જલન રાજના અનેક તત્વોને ફરીને હચમચાવી મૂકશે. મહારાજની પાઘ છે. એમની વિધિને તેરમે દિવસે અમને સૌને આશિર્વાદ આપીને તમે જજો, મા! અત્યારે નહિ!’

‘અત્યારે નહિ?’ કર્પૂરદેવી એકનજરે નાયિકાદેવી સામે જોઈ રહી.

‘ના મા! અત્યારે નહિ!’

‘પણ પછી ના નહિ પાડો ને?’

‘ના, મા! પછી તમારા રસ્તામાં અમે આડે નહિ આવીએ!’

કર્પૂરદેવીએ ધીમેથી ભીમદેવના માથા ઉપર હાથ મૂક્યો: ‘આ મારો દીકરો, એટલા દી હું મારી પાસે જ રાખીશ. એને એક પળ પણ અળગો નહિ મૂકું, ભીમદેવ!’ તેણે ભીમદેવનો હાથ હાથમાં લીધો.

કર્પૂરદેવીનો અવાજ, શબ્દ, રણકો, આંખ બધાં જાણે ધીમે-ધીમે સામાન્ય રંગ પકડી રહ્યાં હતાં. 

બધાને નવાઈ લાગી.

નાયિકાદેવીએ છુટકારાનો શ્વાસ ખેંચ્યો. એને મોટામાં મોટો ભય હતો ‘અત્યારે કર્પૂરદેવી સહગમન કરે તો વળી લોકલાગણી ઉશ્કેરાય અને ઉશ્કેરાયેલી લાગણી શું નું શું કરી બેસે.

કર્પૂરદેવીએ તેર દિવસ પછી સહગમનની વાત મંજૂર રાખી. એ એને એક મહાન આશિર્વાદ લાગ્યો. 

પણ કર્પૂરદેવીના પ્રેમસાગરની અગાધ છોળના દ્રશ્યે એને હલાવી દીધી હતી. પોતાની પાસે એ હ્રદય ન હતું. એ વાતે એને મનમાં પોતાની લઘુતા સમજાઈ ગઈ. ઝાંખી પણ પાડી દીધી. 

તેણે બે હાથ જોડીને કર્પૂરદેવીને ભક્તિથી નમન કર્યું અને મહારાજની સ્મશાનયાત્રા માટેની તૈયારી કરવા એ ત્યાંથી નીચેના ખંડમાં જવા નીકળી.