૩
પાટણનો ખળભળાટ
કેલ્હણદેવે સોમનાથની જાત્રાની વાત કરી, પણ તે વાત ઉપર દેખીતી રીતે જ, ધારાવર્ષદેવને વિશ્વાસ બેઠો ન હતો. મહારાજ અજયપાલે પાટણમાં ધર્મ-અસહિષ્ણુતાની જે રાજનીતિ ચલાવી હતી, તેથી ખળભળાટ થયો હતો. મહારાજને વિશે બે શબ્દ કહેવા માટે એ પોતે આંહીં આવ્યો હતો. પણ કેલ્હણની અત્યારની હાજરીને એને શંકામાં નાખ્યો. કેલ્હણજીએ મહારાજ કુમારપાલની ખફગી એક વખત વહોરી લીધી હતી. એ વખત એમને ત્યાં દંડનાયક મુકાઈ ગયો હતો. એ દંડનાયક વિજ્જલદેવ હતો. આ ભાગ્યો તે વિજ્જલદેવ હોય, તો એ જ. એટલે કેલ્હણજી આંહીં અવી રહ્યા છે. એ સમાચારે જ વખતે એ ભાગ્યો હોય, ને તો-તો વખતે મહારાજ અજયપાલે જ એને બોલાવ્યો હોય!
ધારાવર્ષદેવને પોતાનું કામ મુશ્કેલ બનતું જણાયું. કેલ્હણજી એટલે કોઈને નમતું આપવાની ના. એણે મહારાજ કુમારપાળ જેવાનો કોપ વહોરી લીધો હતો, પણ નમતું ન આપ્યું તે ન જ આપ્યું. એટલે આંહીં અજયપાલ મહારાજે વખતે, પોતાની રાજનીતિના સમર્થનમાં પણ એને બોલાવ્યો હોય! તેણે કેલ્હણને માપવાનો પ્રયત્ન કર્યો.
એ ધીમી ગતિએ જઈ રહ્યા હતા. એમને ખાસ ઉતાવળ ન હતી. ને જાનવરોને આરામની જરૂર હતી.
‘કેલ્હણજી! આમ જાત્રાએ નીકળ્યા છો કે મહારાજનો કોઈ સંદેશો મળ્યો હતો?’
‘કોને, મને? ના ના. ભગવાન સોમનાથના દર્શન માટે જ જતો હતો. મારે નીમ છે, દર વરસે એક વખત જવાનો.’
‘સાથે કોઈ નથી એટલે મેં કીધું. વખતે મહારાજે બોલાવ્યા હોય. આંહીં કે’ છે મહારાજે આદરી છે બહુ. તો-તો દેશમાં ખળભળાટ થઇ જશે.’
‘થઇ જશે – એમ કેમ બોલ્યા, મોટા ભાઈ? ખળભળાટ થઇ ગયો છે એમ કહો ને. રામચંદ્ર કવિ જેવા વિદ્વાનને, પાટણમાં આપઘાત કરવો પડે, એ તો પછી પાટણ ઉપર કોપ ઊતર્યો ગણાય.’
‘પાટણમાં પહોંચીએ તો ખબર પડે કે શી વાત છે પ્રહલાદનજી! મહારાજને મિથ્યાવાદી ગણનારાઓનો ઉપાડો પણ હોય! મહારાજની અચળ સોમનાથ ભક્તિએ એમને ઊંચાનીચા કર્યા હોય. કુમારપાળ મહારાજે વધુ પડતા એમને માથે ચારે હાથ રાખ્યા હતા, એટલે હવે એમને વાતવાતમાં વાંકુ પડી જાય.’ કેલ્હણ બોલ્યો.
ધારાવર્ષદેવ સમજી ગયો. આ કેલ્હણ મહારાજનો બોલાવ્યો આવી રહ્યો હોય તો નવાઈ નહિ. મોં ઉપર ચિંતાની રેખા પ્રગટી. પાટણ પ્રત્યેની રાજભક્તિ એ તો હવે એના લોહીમાં બેઠેલ વસ્તુ બની ગઈ હતી.
ચંદ્રાવતીના પરમાર જ પાટણના દ્વારપાલ છે, એ લોકોક્તિમાં એ ગૌરવ લેતો થયો હતો.
પોતાના નાના ભાઈ પ્રહલાદનને આજે એ એટલા માટે જ સાથે લાવ્યો હતો.
પણ પ્રહલાદનની વિદ્યાપ્રિયતાને, પાટણના રામચંદ્ર કવિ જેવાનાં મૃત્યુસમાચારે ભારે આઘાત આપ્યો હતો.
બંને ભાઈઓ મહારાજને મળવા આવ્યા હતા. જે ઘડીએ તુરકનાં ઘોડાં માથે ટાંપી રહ્યાં હતાં, તે ઘડીએ આવો આંતરવિગ્રહ તો દેશને હતો ન હતો કરી નાખે. એ સ્પષ્ટ ચેતવણી મહારાજને આપવાની હતી. એ સત્યના વેગમાં એ આવી રહ્યા હતા. વળી તુરક વિશેના છેલ્લા-છેલ્લા અત્યંત ભયજનક સમાચાર પણ એમની પાસે હતા. કેલ્હણ પણ ફરે તો આ માર્ગે જ ફરે. બાકી જેને કુમારપાળ જેવાને પોતાની સ્થાપિત ધર્મનીતિઓમાં મચક ન આપતાં, નડૂલનો ત્યાગ કરી દીધો હતો, તેની નસેનસમાં રાજતંત્ર વિશે જે ઘૃણા બેઠી હતી તે, બીજી કોઈ રીતે ફેરવી ન ફરે. મહારાજ અજયપાલને કેલ્હણજી પ્રત્યે જેવોતેવો વિશ્વાસ નહોતો. બંને સોમનાથભક્ત હતા. બંનેને કુમારપાલની રાજનીતિ ભયંકર લાગી હતી. બંને ઘણી વખત પડખોપડખ લડ્યા હતા. રાજકુમાર ભીમદેવનો તો સંબંધ પણ નડૂલમાં થવાની વાત ચાલતી હતી. એટલે ધારાવર્ષદેવને વાત બહુ સંભાળીને કરવા જેવી લાગી.
એણે પ્રહલાદનને ચેતવવા પાછળથી એના ખભા ઉપર જરાક સ્પર્શ કર્યો.
પ્રહલાદનદેવ સમજી ગયો. કેલ્હણજી સાથેની વાત એણે આગળ ચાલતી અટકાવી દેવા માટે એમના લોકપ્રિય સંબોધનથી કહ્યું, ‘જુઓ રાયકરણજી! તમે ને અમે સૌ, પાટણને સોળે કળાએ વિકસતું જોવા માગીએ છીએ. આપણો ખરો જંગ, તુરુક સાથેનો અને તે પણ જીવનમરણનો. ગમે તે પળે એ આપણા ઉપર આવી પડશે. એ વખતે પાટણ અખંડ હશે, તો આપણી પડખે એ દોડી આવશે.’
‘છે એવું કાંઈ ધારાવર્ષદેવજી? લાગે છે કાંઈ?’
‘તમારાથી ક્યાં અજાણ્યું છે રાયકરણજી? પણ એ વાત આપણે નિરાંતે છેડીશું. બોલો, તમે પાટણમાં ક્યાં જશો? કુમારદેવને ત્યાં કે આભડ શ્રેષ્ઠીજીને ત્યાં?’
‘મહાસેનાપતિ કુમારદેવને ત્યાં જવું હોય તો-તો આંહીં બહારથી...જ...’
‘ના ના, હું તો આભડ શ્રેષ્ઠીજીને ત્યાં જ જઈશ, તમે?’
‘અમે પહેલાં તો ઉદયન મહેતાનો વાડો નોંધમાં રાખ્યો હતો. હવે તો નરપતિ કવિને ત્યાં જાવું છે.’
કેલ્હણને આશ્ચર્ય થયું, ‘નરપતિ કવિને ત્યાં? ત્યાં કેમ?’
‘અમારે પ્રહલાદનભાને વિદ્યાવિનોદ વિના એક ઘડી પણ ન ચાલે. આવ્યા છીએ જ એટલા માટે.’
કેલ્હણજી નવાઈ પામતો બોલ્યો, ‘એમ છે? પ્રહલાદનભા પણ ખરા ત્યારે શમશેર ને સરસ્વતી બંને જાળવતા લાગે છે.’
‘ભગવાને જે આપ્યું છે. તો એને ચરણે ધરતા રહેવું.’
કેલ્હણજી જવાબ આપવા જતો હતો, પણ તે થોભી ગયો. ‘ભીલમજી! રાખો તો. આ શું સાંભળો છો?’
ત્રણે જણા થંભી ગયા. પાટણનો દરવાજો આહીંથી દેખાતો હતો. ભોભાંખળું થવા આવ્યું હતું. તેઓ એકબીજાની સામે જોઈ રહ્યા. દરવાજાની અંદરથી, કોઈ મહાન સમુદ્રનો ખળભળાટ નજીક આવતો હોય તેમ, લોકસમુદાયનો મોટો અવાજ આવી રહ્યો હોય તેમ લાગતું હતું.
‘શું હશે?’ એમને નવાઈ લાગી. પહેલાં તો એમને થયું કે ચોક્કસ બળવો ફાટી નીકળ્યો હોવો જોઈએ. વિજ્જલદેવ જેવો કોઈક ભાગ્યો હતો તે આટલા માટે ન હોય. પણ પાટણના આજ દિવસ સુધીના ઇતિહાસમાં એ વસ્તુ કોઈ દિવસ થઇ ન હતી. પણ ગમે તે હો. કાંઈક મોટી નવાજૂની અંદર ચાલી રહી હતી. લોકખળભળાટનો આવતો મહાન શોર એની જ આગાહી આપી રહ્યો હતો.
તેઓ ત્વરાથી દરવાજે પહોંચ્યા. અવાજ હવે મોટો લાગતો હતો. હજારો માણસો ભેગા થયા હોય એમ જણાતું હતું.
ધારાવર્ષદેવજીએ દરવાજાનું કડું જોરથી ઠોક્યું. બે-ત્રણ વાર ઉપરાઉપરી ઠોક્યું.
અંદરથી અવાજ આવ્યો, ‘કોણ છે? અત્યારે દરવાજો નહિ ખૂલે!’
‘તમારું નામ આપો, ધારાવર્ષદેવજી! દરવાજો બંધ રાખવાની વખતે આજ્ઞા હશે.’ કેલ્હણે કહ્યું.
ધારાવર્ષદેવે ફરીથી કડું ઠોક્યું.
ફરીને એ જ જવાબ આવ્યો, ‘જે હોય તે, બીજે દરવાજે જાય. આ દરવાજો ખૂલે તેમ નથી.’
‘કેમ, શું છે તે દરવાજો નહિ ખૂલે? રાજ તમારું ચાલતું લાગે છે, મહારાજ અજયપાલનું નહિ.’ ધારાવર્ષદેવે ઉતાવળે કહ્યું.
‘અત્યારે તો એમ જ છે.’ અંદરથી તુમાખીભર્યો અવાજ આવ્યો, ‘અજયપાલ મહારાજ આવે ત્યારે હવે!’
એ સાંભળતાં તો ધારાવર્ષદેવે દરવાજા ઉપર કડું વધારે જોરથી ઠોક્યું અને કરડાકીથી અવાજ આપ્યો, ‘કોણ છે અંદર? દરવાજો ખોલો, હું ચંદ્રાવતીથી આવું છું. હું ધારાવર્ષદેવ!’
અંદર એકદમ ગભરામણ થતી જણાઈ. થોડી વાર કાંઈ અંદર-અંદર ગુસપુસ અવાજ થયા. પળ બે પળમાં ડોકાબારી ઊઘડી. ‘મહારાજ ધારાવર્ષદેવ હોય કે ગમે તે હોય, મહાસેનાપતિની કડક આજ્ઞા છે. દરવાજો નહિ ખૂલે.’ દ્વારપાળે અંદરથી જ જવાબ દીધો.
‘કેમ? એવું શું છે?’
‘રાજમહાલયમાં કાંઈક મોટી ગરબડ થઇ ગઈ છે.’
‘પણ એ ગરબડ માટે જ અમે આવ્યા છીએ.’ કેલ્હણજીએ સાંઢણી ઉપરથી સમયસૂચક જવાબ વાળ્યો, ‘તું મહાસેનાપતિને અમારાં નામથી પૂછી આવ. ધારાવર્ષદેવજી આવ્યા છે. એના ભાઈ સાથે છે, અને કહેજે નડૂલથી ચૌહાણ કેલ્હણ આવેલ છે.’
દરવાન છોભીલો પડી ગયો જણાયો. તેણે એકદમ દરવાજો ખોલી નાખ્યો. ત્રણે જણાએ જનાવરને અંદર લીધાં.
પણ અંદરનું દ્રશ્ય જોતાં જ ત્રણે જણા આશ્ચર્યમાં સ્તબ્ધ બની ગયા.
હજારો માણસો ભેગાં થયાં હતા. લોકો રાજમહાલય તરફ જબરદસ્ત ધસારો કરી રહ્યા હોય એવું લાગતું હતું.
‘શું હશે? શું છે?’ તેમણે દરવાનને પૂછ્યું.
‘પ્રભુ! માલુમ નથી! આંહીં તો મહાસેનાપતિનો માણસ આવીને કહી ગયો કે, કોઈને બહારથી અંદર આવવા દેવા નહિ. અંદરથી બહાર જવા દેવા નહીં. રાજભવનમાં કાંઈ મોટી ગરબડ થઇ લાગે છે.’
ધારાવર્ષદેવ દરવાન તરફ જોઈ રહ્યો. તેનો ચહેરો જરા ગભરાયેલો હતો. ધારાવર્ષદેવને લાગ્યું કે ચોક્કસ, પેલો ભાગ્યો તે વિજ્જલદેવ જ હોવો જોઈએ અથવા બીજો ગમે તે હોય, પણ આ ગરબડ સાથે એણે સંબંધ હોવો જોઈએ. દરવાનની મુખમુદ્રા પડી ગઈ હતી. આ દરવાન એમાં કાંઈ જાણતો હોવો જોઈએ પણ તેણે અત્યારે વાત ન છેડવામાં ડહાપણ જોયું.
આંહીં ઊભવાનો કોઈ અર્થ ન હતો. માનવમહેરામણમાં ઘોડા અને ઊંટ સાથે આગળ વધાય એ અશક્ય હતું. એમને આંહીં જ રાખવા એ ઠીક હતું. તેમણે દરવાનને કહ્યું, ‘આમને તું થોડી વાર સંભાળજે. અમે પાછા આંહીં જ આવવાના.’
તેઓ રાજમહાલય તરફ જવા માટે આગળ વધ્યા. દરવાને એમને હાથ જોડ્યા: ‘જોજો પ્રભુ! મારું ગરીબનું ખીચડું ટળી જાય નહિ હોં! મહાસેનાપતિની આજ્ઞા ઘણી કડક છે.’
‘કાંઈ વાંધો નહિ. તું તારે નિશ્ચિંત રહેજે. અમારાં નામ દેજે ને!’
ત્રણે જણા ઝડપથી રાજમહાલય તરફ ઊપડ્યા, આવી રહેલા મોટા અવાજોની દિશા નોંધીને ઉતાવળે એ તરફ ધસ્યા.