વાત ભીખાજી બલસારાની Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત ભીખાજી બલસારાની

ભારતભરમાં અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં સૌથી વધારે જોવા મળે છે. છેલ્લા એક વર્ષમાં એવા અનેક કિસ્સા સાંભળ્યા અને જોયા છે જેમાં ખોટી રીતે અમેરિકા જવાના પ્રયાસ કરનાર વ્યક્તિઓ કે પરિવારોને જીવ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહી ખોટી રીતે અમેરિકા પહોંચી તો ગયા પરંતુ ત્યાં જઈને હાલત કફોડી બની જાય છે. હાલમાં જ આવેલી ફિલ્મ ડંકી પણ આ કોન્સેપટ પર બેઇઝ હતી. ત્યારે આવાજ એક ગુજરાતીની વાત આજે અહીં રજૂ કરવાની છે. વાત લગભગ 115 વર્ષ પહેલાંની છે. ભીખાજી બલસારા નામના પારસીએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે બે-બે કોર્ટમાં કેસ લડી જીત્યા અને અંતે નાગરિકતા મેળવી હતી. ભીખાજીના આ કેસથી તે સમયે અમેરિકામાં વસવાટ કરવાની ઈચ્છા ધરાવતા ભારતીઓ માટે એક આશા જગાવી હતી. તે સમયે નાગરિકત્વના કેસોમાં ભીખાજીનો કેસ ટાંકવામાં આવ્યો હતો. તે સમયે આ કેસ એક માઈલસ્ટોન બની ગયો હતો.

વાત એ સમયની છે જયારે અમેરિકામાં માત્ર શ્વેત લોકોને જ નાગરિકતા મળતી હતી. એટલું જ નહીં ભારતમાં તે સમયે બ્રિટિશ રાજ હતું જેથી ભારતીયોને નાગરિકતા મળતી ન હતી. શ્વેત વંશીયની અમેરિકનોની વ્યાખ્યાન કારણે તે સમયમાં અમેરિકામાં નાગરિકત્વ મેળવવું ભારતીયો માટે લગભગ મુશ્કેલ જ નહીં નામુમકીન હતું. એ સમય દરમિયાન જ એક ભારતીય પારસી સદગૃહસ્થે અમેરિકામાં નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી. જે અરજીને તે સમયની સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

અમેરિકામાં નાગરિકત્વ મેળવવા માટે જંગે ચઢેલા ભીખાજી ફરામજી બલસારાનો જન્મ વર્ષ 1872 આસપાસ થયો હતો. તે સમયે ભારત પર બ્રિટિશ સાશન હોવાથી તેને બ્રિટિશ ભારત તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે ભીખાજી ટાટા ગ્રુપ માટે કપાસ ખરીદવાનું કામ કરતા હતા. જેના કારણે તેમને ઇમિગ્રન્ટ તરીકે તત્કાલીન મુંબઈથી અમેરિકા જવાનું થયું હતું. વર્ષ 1900માં નવેમ્બર મહિનામાં તેઓ અમેરિકા પહોંચ્યા હતા. જ્યાં તેમની મુલાકાત લુસી નામની મહિલા સાથે થઇ હતી. લુસીના માતા-પિતા ન્યુયોર્કમાં ફ્રેન્ચ બેકરી ચલાવતા હતા. જેમાં લીસીની માતા સ્વિસ-જર્મન હતા. જયારે તેના પિતા જૉન ડૅર ફ્રેન્ચ નાગરિક હતા. લુસી સાથેની મુલાકાત ભીખાજી માટે એક લાંબો સંબંધ બની ગઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને ભીખાજીએ લુસી સાથે લગ્ન પણ કર્યા.

લગ્ન બાદ 1906માં ભીખાજીએ અમેરિકાના નાગરિકત્વ માટે અરજી કરી. જોકે, તે સમયના અમેરિકાના સત્તાધીશો દ્વારા એવા કાયદા બનાવવામાં આવ્યા હતા કે અશ્વેત માટે ત્યાં નાગરિકત્વ મેળવું લગભગ નામુમકીન હતું. જેથી બધાની સાથે થતું તે જ ભીખાજી સાથે થયું અને તેમની અરજી રદ કરવામાં આવી. જે બાદ નાગરિકત્વ મેળવવા માટે તેમને કોર્ટના માર્ગે જવાનું નક્કી કર્યું. તે સમયે કોર્ટમાં કેસ કર્યો અને ભીખાજીએ પુરવાર કર્યું હતું કે, પોતાનો વાન સફેદ અને ચહેરાથી શ્યામ છે. તે સમયે બલસારા નાગરિકત્વનો કેસ ખુબ જ ચર્ચિત બન્યો હતો. આવું કહેવા પાછળનું કારણ એ છે કે તે સમયે આ કેસની વિગતો ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં પણ પ્રકાશિત થઇ હતી.

1906ની આસપાસ પણ અમેરિકામાં નાગરિકત્વ માટે કાયદા તો 1790ના જ લાગુ પડતા હતા. 1790ની વાત કરીએ તો તે સમયે ભારત તેમજ એશિયાના દેશો માટે અમેરિકામાં ઇમિગ્રેશન અસંભવ હતું. માઈકલ હ્યુગે નામના તત્વ ચિંતકના પુસ્તક ન્યુ ટ્રાઇબ્લિઝમાં તેમને ઉલ્લેખ્યું છે કે, ભારતીય મૂળના અનેક વ્યક્તિઓ અને પ્રતિનિધિ દ્વારા અમરિકામાં નાગરિકત્વ માટે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.

તે સમયે કેલિફોર્નિયાની સરકાર બ્રિટિશ રાજ હેતલ આવતા લોકોને પોતાના દેશમાં ખેતીલાયક જમીન આપવા તૈયાર નોહતી. તો બીજી તરફ બ્રિટિશ રાજ એવું માનતું હતું કે, જે દેશોમાં બ્રિટિશ સાશન છે, તે દેશમાં બ્રિટિશ સાશનનો વિરોધ કરનાર વ્યક્તિ તેમના દેશમાં આવીને વસે અને નાગરિકત્વ મેળવી પોતાના દેશમાં બ્રિટિશ સાશનનો વિરોધ કરે.

અન્ય એક તત્વ ચિંતક એચ. બ્રૅટ મૅલેન્ડીએ તેમના પુસ્તક એશિયન્સ ઇન અમેરિકામાં લખ્યું છે કે, તે સમયના તત્કાલીન એટર્ની જનરલ ચાર્લ્સ બોનાપાર્ટના મતે ભારતીય લોકો મુક્ત શ્વેત ન હોવાથી તેઓ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે હક્કદાર નથી.

જોકે, પારસી ગૃહસ્થ ભીખાજીએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો 1909માં 28 મેના રોજ આવ્યો અને ભીખાજીને અમેરિકાનું નાગરિકત્વ પણ મળ્યું. પરંતુ તે ચુકાદામાં ન્યુયોર્કના દક્ષિણ જિલ્લાના સર્કિટ જજ લેકોમ્બેએ લખ્યું હતું કે, ભીખાજી અસામાન્ય બુદ્ધિપ્રતિભા ધરાવતા ઉચ્ચ ચરિત્રવાળા સજ્જન જણાય છે. કેસની સુનવણી સમયે થયેલી દલીલોમાં એ વાત ઉપર ભાર મુક્યો હતો કે એ સમયે કોંગ્રેસ કદાચ ઇચ્છતી હતી કે, સ્થાપના સમયથી જેમણે રાષ્ટ્રનિર્માણ તથા તેના સમાજના ઉત્થાનમાં ફાળો આપ્યો હોય તેવા વ્યક્તિને જ અમેરિકાની નાગરિકતા મળવી જોઈએ.

તે સમયે અમેરિકાની સરકારને એવી આશંકા હતી કે,જો મુક્ત શ્વેત વ્યક્તિની વ્યાખ્યાને બૃહદ કરવામાં આવે તો, આર્યોમાં સૌથી શુદ્ધ પ્રજાતિ પારસી જ નહીં, પરંતુ હિંદુ, આરબ અને અફઘાનનો માટે પણ અમેરિકામાં નાગરિકત્વ મેળવવાના દ્વાર ખુલ્લી જશે. નૃવંશ શાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા અનુસાર આર્યો, ઇન્ડો-યુરોપિયન, અર્મેનિયા, અઝરબાઇઝાન, જ્યોર્જિયા અને દક્ષિણ રશિયાના લોકોનો પણ સમાવેશ થાય તેમ હતો.

તત્વ ચિંતક માઇકલે તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે ન્યુયોર્કની અદાલતમાં બલસારાના કેસનો ચુકાદો આવ્યો, ત્યારે સરકારી વકીલ પાસેથી સાર્વજનિક ખાતરી લેવામાં આવી હતી. જેમાં કોને કાયદેસર નાગરિકત્વ મળી શકે અને કોને ન મળી શકે તે વાતનો ઉલ્લેખ કરાયો હતો. જેના સત્તાવાર અર્થઘટન અને સમર્થન માટે ઉચ્ચ અદાલતમાં પડકારવાની તૈયારી પણ કરવાની હતી. જોકે, સર્કિટ કૉર્ટ ઑફ અપીલમાં અદાલતે ઠેરવ્યું હતું કે, બારસો વર્ષ અગાઉ પર્શિયાથી હિજરત કરીને પારસીઓ ભારતમાં સ્થાયી થયા હતા. તેઓ સાધન સંપન્ન, વેપાર-ધંધા સાથે સંકળાયેલા અને હિંદુઓથી અલગ છે.

તે સમયે આવપમાં આવેલા ચુકાદામાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, જો મુક્ત શ્વેત લોકોની વ્યાખ્યાનું શબ્દશઃ અર્થઘટન કરવામાં આવે તો રશિયન, પોલેન્ડવાસી, ઇટાલિયન, ગ્રિક તથા અન્ય યુરોપિય દેશના નાગરિકો પણ તેમાંથી બાકાત રહે છે. જોકે, તે સમયની અમેરિકી કૉંગ્રેસે મુખ્યત્વે ગુલામ કે મુક્ત આફ્રિકનો તથા મૂળ અમેરિકન હોય તેવા ઇન્ડિયનને જ નાગરિકત્વમાંથી બાકાત રાખવા માગતી હતી. તે સમયની કોંગ્રેસ શ્વેત, અશ્વેત, રાત અને ઘઉંવર્ણા વિષે સંપૂર્ણ પણે વાકેફ હતા. કોર્ટનું એવું માનવું હતું કે, ચાઇનિઝ, જાપનીઝ, મલય તથા અમેરિકન ઇન્ડિયન શ્વેતવંશીય નથી. છતાં તેમનું માનવું હતું કે, પારસી શ્વેતવંશીય છે. એટલે સર્કિટ કોર્ટે બલસારાને નાગરિકત્વ આપીને યોગ્ય કર્યું છે.

અમેરિકામાં બલસારાએ ખુબ જ પ્રગતિ કરી હતી. તેનો અંદાજ લગાવવા માટે વાત 1940ની કરવી પડે. 1940માં સ્થાનિક સરકાર દ્વારા કરવામાં આવેલી વસતી ગણતરીની વિગતો અનુસાર ભીખાજીના ઘરની કિંમત તે સમયે 7000 ડોલર આંકવામાં આવી હતી.

ભીખાજીના કેસને આજે 115 વર્ષના વ્હાણા વીતી ગયા. આ સમય દરમિયાન અમેરિકામાં કાયદેસર નાગરિકત્વ મેળવવાના નિયમોમાં સતત ફેરફાર થઇ રહ્યા છે. જોકે, ભીખાજીની લડત અને તેના ચુકાદા બાદ ત્યાંની અદાલતોમાં મધ્યએશિયન અને ભારતમાં સવર્ણ હોવાથી શ્વેતવંશીય હોવાની માન્યતા સાથે વિરોધાભાસી કેસોનો ખડકલો થયો હતો.

માઈકલે પુસ્તકમાં ઉલ્લેખ્યું છે કે, 1917માં અમેરિકાન કોંગ્રેસે નવો કાયદો પસાર કર્યો. જેમાં ભારત જેવા પ્રતિબંધિત વિસ્તારોમાંથી શ્રમિકોના આગમન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, 1923માં અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ભારતીયની નાગરિકત્વની અરજી ઉપર સુનાવણી થઈ હતી. જે સુનવણીમાં સવર્ણ હિંદુ તથા મધ્ય એશિયન હોવાને આધાર બનાવાયો હતો. જેની સાથે બલસારાના કેસને પણ ટાંકવામાં આવ્યો હતો.

બલસારા કેસના ચુકાદામાં જજ હેન્ડે ઉલ્લેખ્યું હતું કે, મુક્ત શ્વેત લોકોની વ્યાખ્યાનું અર્થગટન કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય વ્યક્તિ પણ સરળ ભાષામાં તેને સમજી શકે તેને આધાર રાખવામાં આવ્યો હતો. અંદાજે 1200 વર્ષ પહેલા પર્શિયાથી પારસી આવ્યા હોવાનો તેમનો દાવો છે. એટલું જ નહીં તેમને વંશીય શુદ્ધતા જાળવી રાખી હોય તો પણ 1200 વર્ષથી હિંદુઓની સાથે રહેતા હોવાને કારણે સામાન્ય માણસ પારસીઓને અલગ ગણી ન શકે. બધાની ભાષાના મૂળ આર્યન છે, છતાં તેમને શ્વેત વ્યક્તિ ગણી શકાય નહીં.

બલસારાના કેસના 29 વર્ષ બાદ રૂસ્તમ વાડિયા નામના એક પારસી સજ્જન દ્વારા અમેરિકામાં નાગરિકતા માટે અરજી કરી હતી જે પણ નકારી કાઢવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી આવી જ સ્થિતિ રહી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સાશન હોવાને કારણે ભારતીઓને અનેક મોરચે યુદ્ધ લડવાની ફરજ પડી હતી. જેમાં ભારતીઓ બહાદુરીપૂર્વક લડ્યા પણ હતા. અમેરિકામાં 1943માં લ્યૂસ-સૅલર ઍક્ટ પસાર કરાયો હતો. જેમાં દરવર્ષે 100 ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ આપવાનો ઠરાવ કરી ખાસ ક્વૉટા નક્કી કરાયો હતો.

એ સમયે અમેરિકામાં લગભગ અઢીથી ત્રણ હજાર ભારતીય મૂળના લોકો રહેતા હતા. નવો કાયદો આવ્યા બાદ તેમને પણ નાગરિકત્વ મળ્યું હતું. જોકે, 1952માં વંશીય ઓળખનો ક્રાઇટેરિયા હઠાવી દેવાયો હતો. જેના કારણે ભારતીયો સહિત એશિયાઈ દેશોના લોકો માટે અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનો માર્ગ ખુલી ગયો હતો. 1965માં જન્મના દેશના આધારે ક્વૉટાની વ્યવસ્થાને પણ કાઢી નાખવામાં આવી હતી. જેના કારણે અમેરિકાની જનસંખ્યા અને તેના ઘટક હંમેશા માટે બદલાઈ ગયા હતા. અમેરિકામાં રહેતા મૂળભારતીયોના પરિવારજનો માટે ડૉલરિયા દેશના દરવાજા ખુલી ગયા હતા. આ સિવાય ઉચ્ચ અભ્યાસ અને શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ માટે પણ અમેરિકામાં રહેવા માટે અલગ-અલગ વિઝા વ્યવસ્થા ઊભી થઇ હતી.

જોકે, 9/11ની ઘટના પછી અમેરિકાએ ટુરિસ્ટ વિઝા, વર્ક વિઝા તથા અમેરિકી નાગરિકત્વને લગતા કાયદા કડક બનાવ્યા છે. આ સિવાય ત્યાં વસતા ગેરકાયદે વિદેશીઓ પર કાર્યવાહી પણ કરવાની શરૂઆત કરાઈ હતી. એ પછી પણ ડૉલરિયા દેશમાં પ્રવેશવા માટે કબૂતરબાજી, ડંકી રુટ અને ગ્રૂપ ચાર્ટર્ડ ફ્લાઇટ જેવા રસ્તા હાલ ભારતીઓ અને ખાસ કરી ગુજરાતીઓ અપનાવી રહ્યા છે. જેના ભયંકર પરિણામો પણ તેમને ભોગવવા પડી રહ્યા છે. જેમાં જીવ ગુમાવવાની પણ નોબત આવી રહી છે.