અ - પૂર્ણતા - ભાગ 34 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 34

કોલેજમાં ધીમે ધીમે સ્ટુડન્ટ બધા ભેગા થઈ રહ્યાં હતાં. પરમ અને વિકી બન્ને બેચેન થઈને વારે વારે દરવાજા તરફ નજર કરી રહ્યાં હતાં. પરમની ધ્યાન બહાર આ વાત ન રહી એટલે એણે પૂછ્યું,
"વિકી, હું તો મારી હેપ્પીની રાહ જોઈને ઊભો છું. તું કોની રાહ જોઈને આટલો બેચેન થાય છે?"
વિકીએ દરવાજા તરફ નજર કરતા કહ્યું, "રેનાની..." પછી લાગ્યું કે પોતે કઈક બાફી માર્યું છે એટલે તેણે તરત જ વાત વાળી લીધી.
"એટલે કે રેના , હેપ્પી અને મિશાની. ક્યાં રહી ગયા આ લોકો એમ."
પરમ મનમાં જ હસી પડ્યો. એટલામાં જ મિશા આવી. તે તરત જ વિકી પાસે પહોંચી ગઈ. તેને જોઈને વિકી પણ તરત જ બોલી પડ્યો, "શું વાત છે મિશા!!! આજે તો તુ હિરોઈન કરતાં પણ સુંદર લાગે છે."
વિકીના મોઢે પોતાના વખાણ સાંભળી મિશા શરમાઈ ગઈ અને સાથે ખુશ પણ થઈ ગઈ. હજુ એ કઈ બોલે એ પહેલા જ પરમ બોલ્યો, "લો, હેપ્પી અને રેના પણ આવી ગયાં."
આ સાંભળી વિકીએ પાછળ નજર કરી તો તેનું દિલ સાચે આજે એક ધબકારો ચૂકી ગયું. ચિકનબુટ્ટીની લાલ ફૂલની ડિઝાઇન વાળી વ્હાઇટ સાડી અને સાથે એવું જ લાલ કલર નું ફૂલ સ્લીવ નું બ્લાઉઝ, એક બાજુથી પિનઅપ કરીને ખુલ્લા લહેરાતા વાળની સાથે ખુલ્લો સાડીનો પાલવ, પગમાં હિલ વાળી સેન્ડલ, કાનમાં લાંબા મોતીના ઝૂમખાં, મારકણી આંખોમાં કરેલું કાજલ અને સુંદર પરવાળા જેવા હોઠ પર ચમકતી લાલ લિપસ્ટિક અને માથા પર ચમકતી લાલ બિંદી સાથે હળવો એવો મેકઅપ. કોઈ અપ્સરા આકાશમાંથી ઉતરી આવી હોય એવી રેના લાગી રહી હતી.
વિકી અપલક નયને તેને જોઈ રહ્યો. તે વિકીની નજીક આવી અને તેની આંખો સામે ચપટી વગાડી ત્યારે જ વિકિની તંદ્રા તૂટી.
"ક્યાં ખોવાઈ ગયો વિકી?"
"તને જોવામાં."
"હે??"
"તું આજે ખરેખર સુંદર લાગી રહી છે. હું તો શું, અહી હાજર દરેક છોકરો તારામાં ખોવાઈ જાય એમ છે."
આ સાંભળી રેના શરમાઈ ગઈ પણ હેપ્પી વચ્ચે જ તાડુકી.
"આ સાડી પહેરવાનો બક્વાસ આઇડિયા કોનો હતો?"
"કેમ શું થયું હેપ્પી?" હેપ્પીને આવતા વેંત ગુસ્સે થયેલી જોઈ પરમે પૂછ્યું.
"અરે, આ પાંચ મીટરની સાડી સાંભળવામાં હું બે વાર પડી. ખબર નહિ લોકો સાડી કેમ સાચવી લેતાં હશે. આ સાડીની શોધ જેણે પણ કરી છે ને એ જો મને મળી ગયું ને તો...."
"તો શું કરીશ તું?" રેના પૂછી બેઠી.
"તો એની જ બનાવેલી સાડીથી એનું ગળું દબાવી દઈશ." હેપ્પીએ એવી બે હાથે ગળું દબાવવાની એક્શન કરી કે બધા હસી પડ્યા.
"અરે, રિલેક્સ હેપ્પી, તું કેટલી મસ્ત લાગે છે આ સાડીમાં. મે આજે તને પહેલી વાર સાડી પહેરતાં જોઈ છે. હાય!!! ફરી પ્રેમ થઈ ગયો મને તારી સાથે." પોતાના દિલ પર હાથ મૂકી પરમ બોલ્યો.
"સાચ્ચે, હું સુંદર લાગી રહી છું?"
પરમ પેલા વિકી બોલ્યો, "સાડી આપણો ભારતીય પરિધાન છે હેપ્પી. કોઈ પણ સ્ત્રી એમાં સુંદર જ લાગે."
આજે પહેલી વાર હેપ્પીને વિકી પર ગુસ્સો ન આવ્યો. જો કે એ વારે વારે રેનાને જે રીતે જોઈ રહ્યો હતો એ જોઈ એને ગુસ્સો જરૂર આવ્યો.
પાર્ટીની શરૂઆત થઈ ગઈ હતી. ફર્સ્ટ અને સેકન્ડ યરના સ્ટુડન્ટ એક પછી એક કંઇકને કઈક પર્ફોર્મ કરી રહ્યાં હતાં. બધા ખૂબ જ મસ્તી કરતાં કરતાં પાર્ટી એન્જોય કરી રહ્યાં હતાં. મિશાએ વિચાર્યું કે જ્યારે જમવા જવાનું થશે ત્યારે તે વિકીને રોકીને અહી જ તેને પ્રપોઝ કરી દેશે.
બધાનું ધ્યાન સ્ટેજ પર હતું પણ વિકી ધીમેથી ત્યાંથી નીકળી ગયો. રેના તેને જતાં જોઈ ગઈ. આથી તે પણ તેની પાછળ જ બહાર નીકળી. હેપ્પી પરમ સાથે મસ્તીમાં તલ્લીન હતી એટલે રેના બહાર નીકળી એ તેને ખબર ન પડી. વિકી ઝડપથી દાદર ઉતરી ગયો પણ રેના એટલી ઝડપી તેને પહોંચી શકી નહિ. રેના નીચે ઉતરી તો તેને વિકી ક્યાંય દેખાયો નહિ આથી તેણે વિચાર કર્યો કે વિકી કદાચ ગાર્ડન તરફ ગયો હશે. તેણે પોતાના કદમ ગાર્ડન તરફ ઉપાડ્યા.
ફેરવેલ પાર્ટીના લીધે ગાર્ડન પણ નાની નાની રોશનીથી શણગારેલો હતો. હજુ તે ગાર્ડનમાં પગ મૂકવા જ જતી હતી કે ત્યાં સાઈડમાં એક કાર્ડ બોર્ડ પર કઈક લખેલું જોયું. તે નજીક ગઈ અને વાંચ્યું.
"તારા માટે એક સરપ્રાઈઝ છે રેના, સામે આપેલી પઝલ તારે ગોઠવીને પૂરી કરવાની છે."
- વિકી.
રેનાએ જોયું તો સામે ઘણા બધા ટુકડાઓ વિખરાયેલા પડ્યાં હતાં. તેણે મનોમન વિચાર્યું કે આ વિકી કરવા શું માંગે છે. જોઈએ તો ખરા કે શું પઝલ છે એમ. તેણે એક એક ટુકડા ભેગા કરીને ગોઠવવા માંડ્યા. જેમ જેમ ટુકડા ગોઠવતી ગઈ તેમ તેમ વિકીનો જ ફોટો બનતો ગયો. તેણે વિચાર્યું કે આ તો વિકીનો જ ફોટો બને છે એમાં મારા માટે શું સરપ્રાઈઝ હશે વળી. તો પણ તેણે ટુકડા ગોઠવવાનું ચાલુ રાખ્યું. ઘણી મહેનત પછી આખરે પઝલ સોલ્વ થવા આવી હતી. બસ, એક ટુકડો ગોઠવે અને પઝલ સોલ્વ. તેણે એ એક ટુકડા માટે આજુબાજુ નજર કરી. પરંતુ એ ટુકડો ક્યાંય મળી રહ્યો ન હતો.
ટુકડો શોધતાં શોધતાં અચાનક જ તે પાછળ ફરી તો વિકી ઊભો હતો.
"તું આ જ ટુકડો શોધે છે ને રેના?" આમ કહી તેણે પોતાના હાથમાં રહેલો એક ટુકડો બતાવ્યો. જે પેલી ખાલી જગ્યામાં ફીટ બેસે તેવો જ હતો.
"હા, તારું આ અપૂર્ણ ચિત્ર તો જ પૂરું થશે ને?"
"હમમ, એ પણ છે. તો લે આ ટુકડો અને કરી લે આ અપૂર્ણ ચિત્રને પૂર્ણ." આમ કહી વિકીએ ટુકડો રેના તરફ લાંબો કર્યો.
રેનાએ તે ટુકડો લીધો અને તે ચિત્રના ખાલી ભાગમાં ફીટ કરી દીધો અને વિકી પાસે આવી ઊભી રહી.
"વિકી, આ ટુકડો ફીટ ભલે થઈ ગયો આ ચિત્રમાં પણ હજુ આ ચિત્ર અપૂર્ણ હોય એવું લાગે છે મને. બીજા કરતા આ ટુકડો કઈક અલગ છે. તું મને એ કહે આમાં મારા માટે શું સરપ્રાઈઝ હતી? ચિત્ર તો તારું બન્યું. મારું થોડું બન્યું છે."
વિકીએ એક નાની સ્માઇલ કરી અને બોલ્યો, "એ ટુકડો એટલે અલગ છે કેમકે એ મારું હદય છે. તું ઇચ્છે છે કે આ ચિત્ર પૂર્ણ થઈ જાય?"
"હા..." રેના સહજતાથી બોલી.
વિકીએ પોતાના પોકેટમાંથી એક નાનકડું એવું બટન કાઢ્યું અને દબાવ્યું. આ સાથે જ ફીટ કરેલા એ ટુકડામાં લાઈટ થઈ.
"જો રેના, હવે ચિત્ર કેવું લાગે છે?"
રેનાએ ફરી ચિત્ર તરફ નજર કરી તો તે અચંબિત થઈ ગઈ. જે ટુકડામાં લાઈટ થઈ હતી એ દિલ આકારનો હિસ્સો હતો અને એમાં અત્યારે રેનાનો ફોટો ઝળકી રહ્યો હતો. તેણે વિકી તરફ નજર ફેરવી તો વિકી રેનાની સામે ઘૂંટણ પર બેઠો હતો.
"બોલ રેના, મારું જીવનચિત્ર તું પૂર્ણ કરીશને? હદય વિના માણસના શરીરનું કોઈ મહત્વ નથી અને મારા આ હદયમાં ફક્ત તું છે. તને પહેલી વાર જોઈ ત્યારથી આજ સુધી મારા દિલમાં ફક્ત અને ફક્ત તું જ રહી છે. મારું અપૂર્ણ હદય ફક્ત તારાથી જ પૂર્ણ થશે આ ચિત્રની જેમ. તું મારી અ-પૂર્ણતાને પૂર્ણ કરીશને?" એમ કહી વિકીએ હાથ લંબાવ્યો.
રેના અપલક નજરે ઘડીક ચિત્રને તો ઘડીક વિકીને જોઈ રહી હતી.
( ક્રમશઃ)
શું હશે રેનાનો જવાબ?
રેના અને વિકીનો સંબંધ આગળ વધશે ખરો? કે હજુ પણ કોઈ મુશ્કેલી રાહ જોઈને ઊભી છે?
જાણવા માટે વાંચતા રહો મિત્રો આગળનો ભાગ.