વરદાન કે અભિશાપ - ભાગ 37 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 37

વરદાન કે અભિશાપ (ભાગ-૩૭)

                (સુરેશ અને ભાનુ નવા પરણેલા વર-વધૂ અને તેના પરિવારજનો સાથે મંદિરે છેડા છોડાવવા જાય છે. બંનેને કાયમ એવી જ ટેવ હતી કે તેઓ ગાડીમાં બારીની સીટ પર જ બેસતા. સુરેશ ડ્રાયવરની બાજુની સીટમાં બેસી ગયો અને ભાનુ પોતે સુરેશની પાછળની સીટમાં બેસી ગઇ. બધા વાતો કરતાં-કરતાં અને માતાજીનું નામ લેતાં લેતાં રાજકોટ પાર આવી જાય છે. આશરે ચાર કલાક પછી તેઓ જયારે એક સૂમસામ રસ્તા પર પસાર થતા હોય છે. એ જ અરસામાં ગાડીની આગળ જ એક બંધ ટ્રક ઉભી હતી. ડ્રાયવરની નજર તો સામે જ હતી પણ તેને એક જોકું આવી જતાં ગાડી ડાબી બાજુમાં આવી ગઇ. સુરેશ તેને કંઇ કહે કે વિચારે એ પહેલા તો ગાડી સીધી બંધ ટ્રકમાં જ જતી રહી. ચારે બાજુ હોહાકાર થઇ ગયો. ચીંસોનો અવાજ થઇ ગયો. હવે આગળ..........)

            સુરેશ જે ગાડીમાં જઇ રહ્યા હતા તે ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો. ગાડીની અંદર રહેલ તમામ લોકો બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોવા ઉભેલા ટોળાને તો એ જ ખાતરી હતી કે આ ગાડીમાં બેસેલા લોકોમાંથી કોઇ બચ્યું નહિ હોય. ધીમે-ધીમે લોકોનું ટોળું ભેગું થતું ગયું અને લોકોનું ટોળું ગાડીમાંથી બધાને બહાર કાઢવા લાગ્યા. ડ્રાયવરની પાછળ બેઠેલા બધા લોકો સહી-સલામત હતા. સુરેશ જે મિત્ર સાથે તેના પુત્ર અને વહુના છેડા છોડાવવા ગયો તે બધા જ ગાડીમાંથી સહી-સલામત બહાર આવ્યા, પરંતુ આ શું ? ડ્રાયવરની બાજુની સીટમાં બેઠેલ સુરેશ, તેની પાછળ બેઠેલ તેમની પત્ની ભાનુ અને તેની પાછળ બેઠેલ સુરેશના મિત્રની મા. આ ત્રણેયનું ધડાકાભેર બંધ ટ્રકમાં ગાડી ઘૂસી જવાથી કમકાટીભર્યુ ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

            લોકો માટે આ દ્રશ્ય બહુ જ ભયાનક હતું. આટલો ગંભીર અકસ્માત અને તેમાં પણ ત્રણ વ્યક્તિના મોત. આંખે જોનારના તો રુંવાટા જ ઉભા થઇ ગયા હતા. તરત જ ત્યાંના સ્થાનિકે પોલીસ અને હોસ્પિટલમાં ફોન કરી જાણ કરી દીધી. થોડા સમયમાં તો પોલીસ અને હોસ્પિટલમાંથી ગાડીઓ આવી ગઇ. તેમાંથી ડોકટરની ટીમ ઉતરી. તેઓ ઇજાગ્રસ્તની સારવારમાં લાગી ગયા અને આ બાજુ સુરેશ અને ભાનુની તપાસ પણ કરવામાં આવી. ડોકટરે વારાફરતી ત્રણેયને ચેક કર્યા પછી પોલીસ સામે નકારમાં માથું હલાવતાં પોલીસને પણ આભાસ થઇ ગયો કે આ ત્રણેયમાં હવે પ્રાણ રહ્યા નથી. તેઓ પણ હતાશ થઇ ગયા તેઓને જોઇને આજુબાજુ ઉભેલા લાોકો પણ હતાશ થઇ ગયા.

            ઇજાગ્રસ્તની હાલત એટલી ગંભીર હતી કે તેઓ કંઇ બોલવા સક્ષમ જ ન હતા અને બેભાન અવસ્થામાં હતા. પોલીસ દ્વારા તેમની કાનૂની તપાસ કરવામાં આવી રહી હતી. આથી તેઓ દ્વારા જાતે બધાના નામ, સરનામા અને ઓળખની તપાસ પણ થઇ રહી હતી. સૌ પ્રથમ તો ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ સીફટ કરવામાં આવ્યા અને પછી મૃતકની ઓળખ માટે તેમને તપાસમાં આવ્યા. એવામાં સુરેશના પર્સમાંથી તેની ઓફિસનું કાર્ડ અને ખીસ્સામાંથી મોબાઇલ નીકળ્યો. પોલીસે તમામ વસ્તુઓ જપ્ત કરી અને તેના પરિવારજનો સાથે સંપર્કમાં લાગી ગઇ.

            પોલીસ દ્વારા સુરેશના પર્સમાંથી જે ઓફિસનું કાર્ડ મળ્યું તેમાં તેની અટક સાથે તેના મોબાઇલમાં એક છેલ્લો ફોન હતો અને તે નંબર હતો નરેશનો !!!!!! અટક સરખી હોવાથી પોલીસ અધિકારીઓને એમ જ લાગ્યું કે કદાચ આ મૃતકનો ભાઇ હશે. આથી તેઓ તે નંબર પર ફોન કરે છે. આ બાજુ એ દિવસે ગરમી બહુ હોવાથી નરેશ તેના પરિવાર સાથે ધાબા પર સૂઇ ગયો હતો અને અધૂરામાં તે પોતાનો મોબાઇલ નીચે રૂમમાં જ ભૂલી ગયો હતો. પોલીસ દ્વાારા તેના ફોન પર પાંચ થી છ વખત ફોન લગાડવવામાં આવ્યો. પણ કોઇ જવાબ મળતો ન હતો.  

 

(નરેશને કંઇક અઘટીત થવાનો અણસાર તો હતો જ ને આવા સમાચારથી તેના અને તેના પરિવાર પર શું અસર થશે ? એક સાથે બે વ્યક્તિના મૃત્યુથી પરિવારમાં કેવો આઘાથ લાગશે?)  

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૮ માં)

 

-   પાયલ ચાવડા પાલોદરા