વરદાન કે અભિશાપ (ભાગ-૩)
(વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો હતા. તેમાંથી ધનરાજ અને દેવરાજ નામે બે ભાઇઓ અને ચંદ્રિકા નામે એક દીકરી હતી. વિશ્વરાજે તેમના રૂઆબ પ્રમાણે બંને દીકરાઓના લગ્ન ધામધૂમથી કર્યા. બંને દીકરાઓની પત્નીઓ પણ સંદર, સુશીલ અને સંસ્કારોથી સુસજજ હતી. બંને દીકરા અને તેમની વહુઓ તેમજ તેમનો વારસો બધા જ સંપીને એક છત નીચે રહેતા હતા. આ જોઇને વિશ્વરાજના મનને પરમ શાંતિ હોય છે. અચાનક જ મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. વિશ્વરાજે તેને શહરેમાં જવાની પરવાનગી તો આપી પણ સાથે-સાથે એક વચનમાં બંધાવાની વાત કરી. વચન ફકત એટલું હતું કે, જયારે વિશ્વરાજની હયાતી ના હોય ત્યારે બંને ભાઇઓએ મળીને દેવીશક્તિની ગાદી અને વારસો સંભાળવો પડશે. દેવરાજ અને ધનરાજ બંનેએ સંપીને દેવીશક્તિની પૂજા-પાઠ કરવાનું વચન આપ્યું. સવારે વહેલા ધનરાજ તેના પરિવાર સાથે માતા-પિતાના આર્શીવાદ લઇને શહેરમાં જવા નીકળે છે. વિશ્વરાજ તેમને જતા જોઇ જ રહે છે. વિચારે છે કે મારા ગયા પછી આગળ શું થશે. હવે આગળ................)
ધનરાજ હવે શહેરમાં સ્થાયી થઇ જાય છે. તે તેના પરિવાર સાથે ઘણો ખુશ હોય છે. આ બાજુ કેસરબેનને ધનરાજની બહુ યાદ આવતી હતી. દિવસમાં એક વાર તો તેઓ ધનરાજને યાદ કરીને રડી પડતાં. તેમની આવી હાલત જોઇને વિશ્વરાજનો જીવ બળી જતો. એટલે તેમણે એક વાર સામેથી કેસરબેનને ધનરાજના ઘરે જવા માટે કહ્યું. કેસરબેન તો બહુ જ ખુશ થઇ ગયા. એ જમાનામાં મોબાઇલ ફોનનો ઉપયોગ બહુ ઓછો. એટલે વિશ્વરાજ અને કેસરબેન બે-ત્રણ દિવસનો સામાન લઇને શહેર જવા રવાના થયા.
વિશ્વરાનજ બસ-સ્ટેશન પહોંચે છે એટલે ત્યાં ધનરાજના બાળકોને રમતા જોવે છે. ધનરાજનું ઘર બસ-સ્ટેશનથી ઘણું નજીક હતું. તેઓ બંને બાળકોને જોઇને બહુ જ ખુશ થઇ જાય છે. ધનરાજને ચાર પુત્રો અને એક દીકરી હોય છે. એ પાંચેય જણ દાદા અને દાદીને હરખાતા-હરખાતા ઘરે લઇ જાય છે. ઘરે આવતા જ વિશ્વરાજ અને કેસરબેન મકાનો જોઇને અચંબામાં પડી જાય છે. કેમ કે, તેમને ત્યાં છુટા-છવાયા મકાનો હતા અને અહી શહેરમાં એક ઉપર એક મકાન હતા. ધનરાજ અને તેની પત્ની મણીબા તેમને જોઇને બહુ જ ખુશ થઇ જાય છે. બધા તેમની આગતા-સ્વાગતામાં લાગી જાય છે.
વિશ્વરાજ અને કેસરબેન : તમે બધા અહી ખુશ છો ને ?
ધનરાજ અને મણીબા : હા અમે અહી બહુ ખુશ છીએ. પણ તમારી યાદ આવે છે અમને. (બંનેની આંખો નમ થઇ જાય છે.)
વિશ્વરાજ : બેટા, અમે પણ તમને બહુ જ યાદ કરીએ છીએ અને હા ઘર તો બહુ જ સારું છે. બાળકોને ભણવામાં તકલીફ તો નથી પડતી ને?
ધનરાજ : ના પિતાજી., આ પાંચેયની સ્કૂલ અહી નજીકમાં જ છે. એટલે બહુ ચિંતા નહી.
વિશ્વરાજ : એ તો બહુ જ સારું કહેવાય.
(કેસરબેન અને મણિબા રસોડા બાજુ જતા રહે છે અને ત્યાં વાતો કરે છે. એ જમાનામાં સસરાની અને સાસુની લાજ કાઢવાની હોય છે.)
બાળકો તો હવે આખો દિવસ ઘરમાં જ પૂરાઇ રહે છે. તેઓ દાદા-દાદી સાથે રમવામાં જ મશગૂલ થઇ જાય છે. બાળકોને જલસા એટલા માટે પણ હતા કે તેમને હવે પિતાજીની માર ખાવી નહોતી પડતી. કેમ કે, તેઓ જયારે બહુ જ મસ્તી કરતા ત્યારે પિતાજી તેમને જોરદાર મેથીપાક આપતાં. મેથીપાકથી તો તેઓ દાદા અને દાદી આવ્યા ત્યારથી જ બચી ગયા હતા. પણ મસ્તી વધે તો પિતાજી તેમને ઠપકો તો આપતા પણ પછી તરત જ વિશ્વરાજ ઉંચેથી બોલતાં કે,‘‘એ ધનરાજ, બાળકોને મારવાના નહિ અને બીવડાવવાના પણ નહીં.’’ પછી તો શું!!!! ધનરાજ બેસી જતા એક બાજુ. બાળકોને તો મજા આવી જતી કે દાદા છે એટલે પિતાજી એક શબ્દ પણ નહી બોલે. એક વાત પાકકી હતી કે, દાદા તેઓના માટે સલામત જગ્યા હતી. આમ ને આમ દિવસો વીતતા ગયા. ને દાદા-દાદી હવે થોડા સમયમાં ઘરે જવાના હતા. આ વાતથી ધનરાજનો બીજા નંબરનો પુત્ર નરેશ બહુ જ દુ:ખી હતો અને તેને જોઇએ વિશ્વરાજ પણ વધારે દુ:ખી હતા. કેમ કે, તેમને નરેશની ચિંતા વધારે હતી.
(વિશ્વરાજને નરેશની ચિંતા કેમ હતી? શું વિશ્વરાજ નરેશને પોતાની સાથે તેમના ઘરે લઇ જશે ? કે અહી જ તેની જીંદગી બનાવવા દેશે ?
- પાયલ ચાવડા પાલોદરા