કાંતા ધ ક્લીનર - 22 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 22

22.

બીજે દિવસે કાંતા વહેલી ઉઠી કામ પર કલાક વહેલી પહોંચી ગઈ. વ્રજકાકા હોટેલનાં સહુથી ઉંચા પગથીએ ઊભા હતા. યુનિફોર્મમાં 26 જાન્યુઆરીની પરેડમાંના સૈનિક જેવા શોભતા હતા. કાંતા હોટેલ ટુરિસ્ટ હેવનનાં પહોળાં પગથિયાં, ઊંચો ગેટ, બ્રાસમાં ચમકતાં અક્ષરોમાં નામ, અને અતિ ભવ્ય દેખાવ જોઈ રહી. તેને આ હોટેલમાં કામ કરવા બદલ ગર્વ થયો. વ્રજકાકાનું ધ્યાન તેની પર પડ્યું. તેમણે મીઠું સ્મિત આપી તેને આવકારી.

"કાલે રાત્રે પેલો રાઘવ ટેક્સી કરીને ચાલ્યો ગયો, તારે ચાલતા જવું પડ્યું. બહુ ખોટું કહેવાય. જે હોય તે, મેં તને ચેતવી છે કે એ માણસની બહુ નજીક ન જતી. તું સમજદાર છો." તેઓ કહે ત્યાં કોઈ ટુરિસ્ટ બસ આવીને ઊભી. વ્રજકાકા તેની તરફ દોડ્યા. કાંતા હોટેલનું ચકચકિત કાચનું રિવોલ્વિંગ ડોર ખોલી અંદર દાખલ થઈ.


હોટેલ અસામાન્ય રીતે ખૂબ વ્યસ્ત હતી. આવતા ટૂરિસ્ટોની ખૂબ ભીડ હતી. લોકો પેસેજમાં ઊભી પેંગ્વિન, ફુવારો વગેરે સાથે ફોટા પડાવતા હતા. અંદરોઅંદર હોટેલ વિશે વાતો થતી હતી. કાંતાને લાગ્યું કે વાતવાતમાં 'મર્ડર' શબ્દ કોઈ આઈસ્ક્રીમની નવી ફ્લેવરની વાત હોય એમ સંભળાયા કરતો હતો.

તે ભીડ વચ્ચેથી રસ્તો કરતી હાજરી પુરવા અને લોકર રૂમમાં ગઈ. આજથી મોના આવી ગઈ હતી. તેને કાંતાએ ગુડ મોર્નિંગ કહ્યું. તેણે મોં ચડાવી માંડ ડોક હલાવી. કાંતા પોતાનું લોકર ખોલે ત્યાં મોના પાછળ આવીને ઊભી રહી. લોકરમાં સરિતાએ તેને આપેલી સરસ ગોલ્ડન ટાઈમર, રેત શીશી દેખાતી હતી. તેની સામે મોના તાકી તાકીને જોઈ રહી.

"કોઈ ગેસ્ટે ભેટ આપી, કાં?" તે ઈર્ષ્યાથી પૂછી રહી.

"એ અંગત વાત છે. તમારો વિષય નથી. હમણાં ભલે રહી." કહેતાં કાંતાએ જલદીથી લોકર બંધ કરી દીધું. તે કામ પર જવા લાગી. મોના તેને ઊભી રાખી ડ્યુટી લીસ્ટ પકડાવતી કહે "આજથી તારી ટીપની આવક બંધ થશે, કેમ! મિસિસ અગ્રવાલની રૂમ તો આજથી સુનિતા કરશે. તને એ ફ્લોર જ નથી આપતાં."

"ભલે મેડમ." કાંતાએ ટુંકો જવાબ આપ્યો. તે જાણતી હતી કે સરિતામેડમ, રાધાક્રિષ્નન સાહેબને કહીને પણ તેને બોલાવશે જ.

"સાંભળ કાંતા, તને હવેથી ધનિક લોકો વાળા ફ્લોર 6, 7 ને બદલે નીચેના આપીએ છીએ. સ્યુટ 712 તને સાફ કરવાની તકલીફ નહીં લેવી પડે, એ હું મોના મેથ્યુ પોતે કરવાની છું. તું એ તરફ ફરકીશ તો હું એક્શન લઈશ."

કાંતાને મનમાં ચાટી ગઈ છતાં ચૂપ રહી. ડ્યુટી લીસ્ટ લઈ ટ્રોલી લેવા નીચે ઉતરી.

રાધાક્રિષ્નન સર કાઉન્ટર પર જ હતા. તેને જોતાં જ એક ખૂણે બોલાવી. ધીમા અવાજમાં કહેવા લાગ્યા, "હોટલ મિ.અગ્રવાલના મૃત્યુના બનાવ પછી કલ્પના બહાર ફૂલ થવા લાગી છે. ચેનલોએ ગેટ, પેસેજ, સ્યૂટની અંદર, વેઇટિંગ લાઉન્જ એમ બધે ફોટા પાડ્યા એને કારણે કે કોઈ બીજાં, લોકો આ હોટેલ કોઈ જોવાલાયક સ્થળ હોય એમ આવવા લાગ્યા છે. તેઓ બધા શેરલોક હોમ્સ હોય એમ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરવા આવે છે. એમાં ઉલટું ખોટી રીતે એકસપોઝ થવાનું જોખમ પણ છે."

"સર, હું પૂરું ધ્યાન રાખીશ પણ આમાં આપણને તો સારો એવો આર્થિક ફાયદો છે. "

"ઠીક, આ ત્રણ ચાર દિવસ બહારની સફાઈના ચાર્જમાં તું હતી એટલે સારું હતું. ચેનલો પર આપણે સારા દેખાયા. હવે પછીનો આખો મહિનો બધા જ રૂમ ફૂલ છે. કોન્ફરન્સ રૂમો પણ વિવિધ કાર્યક્રમો માટે પેક થઈ ગયા છે.

અગ્રવાલનું મૃત્યુ હોટેલને ફળ્યું."

સરે પૂરું કર્યું.

કાંતાએ ખાલી સ્મિત આપી હકારનો સુર પુરાવ્યો.

"હા. એ સ્યૂટ હમણાં કોઈને માટે બુક કરતા નથી. તારે ખૂબ બારીકાઈથી એ સાફ કરવો પડશે. ખૂબ મહેનતનું કામ છે. કરી શકીશ?" તેમણે પૂછ્યું.

"એવું સરસ કે કોઈને ખબર પણ ન પડે કે તે રૂમમાંથી લાશ મળી હતી." તે સામાન્ય મોટેથી બોલી ગઇ. પસાર થતા લોકોનું તેમની તરફ ધ્યાન ગયું.

રાધાક્રિષ્નને તેને ધીમેથી બોલવા કહ્યું. ભૂલ સુધારવા તેણે મૂળ અવાજે "સર, બધા જ રૂમો એકદમ વ્યવસ્થિત, હોટેલની શાન જેવા થઈ જશે" એમ કહ્યું.

"જો, સ્યુટ 712 પોલીસે થરો ઇન્વેસ્ટીગેશન કરીને ખાલી કરી નાખ્યો છે. પૂરો મેસ છે. તું જ સરખો સાફ કરી નાખજે." રાધાક્રિષ્નને સૂચના આપી.

"સર, મને મોનાએ કહ્યું કે એ તો પોતે જ કરશે. મારે એ તરફ ફરકવાનું પણ નથી."

રાધાક્રિષ્નન એ સુટ મોના કરવાની છે એ જાણીને ચોંકી ગયા. "આમ તો તું ઓવર બર્ડન થઈશ પણ આ હું તને જ સોંપું છું. તું કરી શકીશ ને?" તેમણે કહ્યું.

" સર, થોડું વધુ કામ તો સારું રહેશે. હોટેલ માટે તો હું સમર્પિત છું. bee in hive ની તમે વાત કરેલી. આખા મધપૂડામાં દરેક મધમાખીનો કોઈ રોલ હોય છે."

સર ખુશ થઈ ગયા. એને 712 પણ કાયમ માટે સોંપી દીધો.

"મોનાના મોં ના ભાવો સર મને બોલાવવા કહેશે ત્યારે જોવા જેવા હશે." તે મનમાં કહી રહી.

ક્રમશ: