અ - પૂર્ણતા - ભાગ 26 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 26

સૌના આગ્રહથી વિકીએ ગીત ગાયું અને રેના શરમથી લાલ થઈ ગઈ. વિકી વારાફરતી બધા પર નજર ફેરવી લેતો જેથી કોઈને એમ ન થાય કે વિકી ફક્ત રેના સામે જોવે છે. જ્યારે પણ વિકીની નજર રેના પર ઠરતી ત્યારે ત્યારે રેના નીચું જોઈ જતી.
તેરી નજર જુકે તો શામ ઢલે
જો ઉઠે નજર તો સુબહ ચલે
તું હસે તો કલિયા ખીલ જાયે
તુજે દેખ કે નુર ભી શરમાએ
તેરી મીઠી મીઠી બાતે
જી ચાહે મેરા મેં
યુ હી કરતાં રહું તેરા દીદાર
કુદરતને બનાયા હોગા....
ગીત તો સરસ તેના લયમાં ચાલી રહ્યું હતું પણ રેના તો ક્યાં વિચારોમાં ખોવાઈ હતી એ એને પોતાને જ ખબર ન હતી. ગીત પૂરું થયું અને બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો ત્યારે રેના વિચારોમાંથી બહાર આવી.
વિકીને શું સૂઝ્યું કે એણે ફરી એક ગીત ઉપાડ્યું.
સાવલી સી એક લડકી...
ધડકન જેસે દિલ કી...
દેખે જિસકે વો સપને...
કહી વો મેં તો નહિ...
મિશા થોડી ઘઉંવર્ણી હતી એટલે એને એમ લાગ્યું કે વિકી આ ગીત તેને સંબોધી ને ગાઇ રહ્યો છે. તે તો ખુશ થઈ ગઈ. ઊભી થઈ અને વિકી પાસે આવી અને તેનો હાથ પકડી તેની સાથે કપલ ડાન્સ કરવા લાગી. વિકી પણ મિશાના આ વર્તાવથી થોડો અચંબિત થઈ ગયો પણ જો કે આવી રીતે ડાન્સ કરવો કોલેજમાં યુવાનો માટે ખૂબ સામાન્ય કહેવાય એટલે તેણે પણ મિશા સાથે ગીત ગાવાનું ચાલુ રાખી ડાન્સ કર્યો. મિશાનું જોઈ બાકી બધા પણ ડાન્સમાં જોડાયા. બસ રેના બેઠી રહી અને વિકીને ડાન્સ કરતો જોઇ રહી. હેપ્પી પરમ સાથે ડાન્સ કરી રહી હતી. જો કે તેની નજર તો વિકી તરફ જ હતી. મનોમન તેને ગુસ્સો આવતો હતો કે લાઈન રેનાને મારે અને ડાન્સ મિશા સાથે કરે.
અંતે ગીતો અને ડાન્સ બધું પૂરું થયું અને સૌ પોતપોતાના ટેન્ટમાં સુવા માટે ચાલ્યા. અમુકને બહાર જાગીને ધ્યાન રાખવાનું હતું કે કોઈ પશુ આવી ન જાય. એવા ત્રણ ચાર ગ્રુપ બનાવી બધાએ બે બે કલાક વારા ફરતી ચોકી કરવાની હતી અને તાપણું સતત સળગતું રાખવાનું હતું જેથી આગની બીકથી કોઈ પશુ ત્યાં સુધી આવે નહિ.
મિશા એવું માનીને ખુશ હતી કે વિકીના મનમાં ક્યાંક પોતાના માટે કુણી લાગણી છે અને રેના અવઢવમાં હતી કે પોતાને આ શું થઈ રહ્યું છે. સૌ પોતપોતાના ટેન્ટમાં સુવા જતાં રહ્યાં. રેના પણ વિચારો કરતાં કરતાં જ સૂઈ ગઈ. વહેલું પડે સવાર.
જંગલમાં સવારની પ્રસન્નતા જ અલગ હતી. ઘરે તો અલાર્મના અવાજથી ઊંઘ ખૂલે પણ અહી તો પક્ષીઓના કલબલાટથી જ ઊંઘ ખુલી ગઈ. સૂર્યનારાયણ પોતાના આગમનની છડી પોકારતા હાજર થાય એ પહેલા આકાશને ફરી એકદમ સોનેરી રંગોથી ભરવા માટે પોતાના કિરણો મોકલી સોનેરી રંગોને વિખેરી દીધા હતાં.
રેના ટેન્ટમાંથી બહાર નીકળી અને ઊંડો શ્વાસ લઈ તાજી હવાને ફેફસામાં ભરી અને પૂર્વ દિશા તરફ મોં રાખીને ઉગતા સૂર્યને જોઈ રહી. આંખો દિવસ તપતો સૂર્ય સવારે કેટલો સુંદર લાગે છે. ઠંડા પવનની લહેરખીઓ તન અને મન બંનેને તાજગી આપી રહી હતી. ત્યાં જ તેના કાને શ્લોક બોલવાનો અવાજ સંભળાયો. પાછળ ફરીને જોયું તો વિકી સૂર્ય સામે હાથ જોડી પ્રભાત વંદના કરી રહ્યો હતો. તેના ચહેરા પર પડતાં સૂર્યના કિરણો તેના મુખને વધુ તેજસ્વી બનાવી રહ્યાં હતાં.
પ્રાર્થના કરી તેણે આંખો ખોલી તો સામે જ રેના ઊભી હતી અને તેને અપલક નયને જોઈ રહી હતી. તે રેના પાસે આવ્યો,
"શું મેડમ, કોઈ છોકરો જોયો નથી આજ સુધી?"
"જોયો છે ને પણ....સવાર સવારમાં આવી રીતે સૂર્યદેવની પ્રાર્થના કરતો કોઈ નથી જોયો." રેના બોલી.
"તું વખાણ કરે છે કે કટાક્ષ કરે છે?"
"તને શું લાગ્યું?"
"કટાક્ષરૂપી વખાણ."
રેના ખિલખિલાટ હસી પડી. "વખાણ જ છે. આજના છોકરા આવું વહેલા જાગીને પૂજા અર્ચના કરતાં હોય એવું જોયું નથી મે. બસ, એટલે જ કહ્યું."
"ઓહ, એમ વાત છે. જો કે હું દરરોજ પૂજા કરું છું આ જ રીતે વહેલા જાગીને. ભગવાને આટલી સરસ જીંદગી આપી છે તો આભાર તો માનવો પડે ને."
રેનાએ એક નેણ ઉંચો કર્યો અને બોલી, "એટલે તું પૂજા કરીને ભગવાન પાસે કંઈ માંગતો નથી એમ? બસ આભાર જ પ્રગટ કરે છે?"
"અરે, માંગવા માટે થોડી પૂજા કરું છું. ભગવાને જે આપ્યું છે અને આગળ પણ જે આપશે બસ એનો જ આભાર માનું છું. માણસ છું, ભિખારી થોડો છું તો માંગ્યા કરું હાથ જોડીને. આમ પણ, જેમ માતા પિતા પાસેથી વિના માંગ્યે બધું જ મળી જાય છે એમજ ભગવાન પણ માંગ્યા વિના જ આપી દે છે. જો કઈ આપણી ઈચ્છા મુજબ ભગવાન ન આપે તો માનવાનું કે ભગવાને આપણી ઈચ્છા કરતાં કઈક વધુ સારું આપવાનું વિચારીને રાખ્યું હશે. બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ."
આજે રેનાને વિકીના વિચારોનુ એક નવું પાસુ જાણવા મળ્યું. એ કઈ બોલે એ પહેલા જ સાઇડમાંથી હેપ્પીનો અવાજ આવ્યો.
"વિકિસ્વામીની જય." આમ કહી તેણે હાથ જોડયા અને વિકીને પગે લાગવા નીચે નમી. આ જોઈ વિકી બે ડગલાં પાછળ ખસી ગયો અને બોલ્યો, "આ શું કરે છે તું સવાર સવારમાં હેપ્પી?"
"અરે સ્વામી જી, સવાર સવારમાં તમે જે આ પામર મનુષ્ય રેનાને જે આધ્યાત્મિક પ્રવચન સંભળાવીને ધન્ય કરી દીધી એના માટે તમારા ચરણ કમળ સ્પર્શ કરી તમારી જય તો બોલાવવી જ પડે ને!! જય હો વિકી સ્વામીની, જય હો." આમ કહી તેણે ફરી હાથ જોડ્યા.
આ જોઈ રેના હસી પડી, "વિકી સ્વામી....નામ મસ્ત લાગે હો વિકી. ભણી લીધા પછી જો નોકરી કરવાનો વિચાર ન હોય તો સ્વામી બની કથા કરજે, તારું પ્રવચન સાંભળવા ખૂબ લોકો આવશે અને તું પ્રખ્યાત થઈ જઈશ. અવાજ તો તારો મસ્ત છે જ."
"હા , હું તો એ પણ કરી લઉં પણ એક શરત.."
"શું?" રેના બોલી.
"તારે મારી સામે બેસવાનું."
"કેમ?"
"તો જ પ્રવચન સૂઝે ને મને. જેમ અત્યારે સૂઝ્યું." આમ કહી વિકી હસ્યો.
"એમ હે? હું તને ઘરડી ડોશી લાગી છું કે તારી કથા સાંભળું એમ?" આમ કહી રેનાએ પગમાંથી ચપ્પલ કાઢી અને વિકીને મારવા દોડી. આ જોઈ વિકી ભાગ્યો.
"અરે, અરે...પણ... સાંભળ તો ખરી....મે ક્યાં એવું કીધુ કે તું ડોશી છે એમ....કથા કઈ ડોશીઓ જ સાંભળે એવું ક્યાં લખ્યું છે...." પણ રેના કશું સાંભળવાના મૂડમાં ન હતી એ તો બસ અત્યારે વિકીને પકડવા માંગતી હતી. હેપ્પીની ગોળ ગોળ બન્ને જાણે કેમ ફુદરડી ફરતાં હોય એમ હેપ્પીની આજુબાજુ ભાગતાં હતાં. હેપ્પી તો વચ્ચે એવી ફસાઈ હતી. અચાનક જ રેનાના હાથમાં વિકીના ટીશર્ટનો કોલર આવી ગયો અને તે પકડીને તેણે વિકીને ખેંચ્યો. વિકીએ સંતુલન ગુમાવ્યું અને તે રેના તરફ ખેંચાયો. વિકીના ખેંચાવાથી રેનાએ પણ સંતુલન ગુમાવ્યું અને બન્ને ધબ કરતાં નીચે પડ્યાં. વિકી નીચે અને રેના તેની ઉપર પડી. રેનાના વાળ વિકીના ચહેરા પર ફેલાઈ ગયા. રેનાએ નજર ઉપાડીને જોયું તો તે વિકીની એટલી નજીક હતી કે તેના ધબકારા પણ તે સાંભળી શકતી હતી જે અત્યારે ફૂલ સ્પીડમાં ધબકી રહ્યા હતાં.
"તું જો રોજ આમ જ મારા પર પડવાની હોય તો હું તને રોજ ચીડવવા તૈયાર છું."
( ક્રમશઃ)
શું રેના પણ ચાલી નીકળી છે પ્રેમના પંથે?
મિશા જાણી શકશે કે વિકીના મનમાં રેના છે એમ?
જરૂરથી જાણીએ આગળના ભાગમાં.