અપહરણ - 7 Param Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપહરણ - 7

૭. બીજો હુમલો !

 

(પાછલાં પ્રકરણમાં આપણે જોયું કે, એલેક્સ ટીમ વારાઝ પહોંચે છે. ત્યાંથી તેઓ હથિયારો ખરીદે છે. ત્યાર બાદ જીપ દ્વારા વાસ્કરનની તળેટીએ પહોંચે છે. આ દરમિયાન એમને સ્ટીવ નામનો એક અમેરિકન યુવાન મળી જાય છે, જે પોતે પણ ફ્રેડી જોસેફનો ખજાનો શોધવા આવ્યો હોય છે. વાસ્કરનમાં ટ્રેકિંગ કરાવતી વિવિધ એજન્સીઓ વચ્ચે F અને J ના મૂળાક્ષરોવાળી એજન્સી જોવા મળે છે, જેના મૂળાક્ષરો ફ્રેડી જોસેફ તરફ ઈશારો કરે છે. કદાચ આગળની કડી મળી જાય એ માટે એલેક્સ ત્યાંથી ટિકિટ લેવાનું નક્કી કરે છે. હવે આગળ...)

 

‘ફન એન્ડ જોય’ના ટેન્ટ પાસે જઈને અમે ઊભા રહ્યા. આમ તો પેરુમાં સૌથી વધારે સ્પેનિશ ભાષા પ્રચલિત છે. પણ અહીં આ એકમાત્ર એજન્સીનું નામ અંગ્રેજી હતું. કદાચ અમેરિકા કે બ્રિટનથી અહીં ધંધો કરવા આવ્યા હોય.

મારું અંતરમન કહેતું હતું કે અમારે ‘ફન એન્ડ જોય’માંથી એડવેન્ચર પ્રવૃત્તિની ટિકિટ લેવી જોઈએ. ફ્રેડી જોસેફના નામના એ બંને શરૂઆતના અક્ષરો જાણે અમને ટિકિટ લેવા આહવાન કરી રહ્યા હતા.

શિયાળો હોવાને કારણે અત્યારે વાસ્કરન પહાડ પર ટ્રેકિંગ માટે ખાસ લોકો આવ્યા નહોતા. અમારી તો મજબૂરી હતી એટલે આવવું પડ્યું હતું. નહિતર આવી કડકડતી ઠંડીમાં કોને બરફ ખૂંદવો ગમે ?

‘ફન એન્ડ જોય’ના તંબૂમાં ત્રણ લોકો બેઠા હતા. એક જણ પૈસા લેતો હતો, બીજો ટિકિટ આપતો હતો અને ત્રીજો માણસ પર્વત પર શું-શું કરવાનું છે તે અંગે માહિતી આપતો હતો. સામાન્ય ટ્રેકિંગ માટે વ્યક્તિદીઠ 50 સોલ (પેરુનું ચલણ) ચૂકવવાના હતા. બીજી સાહસપ્રવૃત્તિઓ ઉમેરવી હોય તો 25 સોલ અલગ. અમે બધી પ્રવૃત્તિઓ માટે પાંચ લોકોના 75 સોલ લેખે 375 સોલ ચૂકવ્યા. ટિકિટ મેળવી. પેલા ત્રીજા માણસે અમને હાથમાં એક કાગળ આપ્યો. એમાં પર્વતારોહણની મુખ્ય પ્રવૃત્તિ સાથે રાત્રિરોકાણ, પક્ષીનિરીક્ષણ, શિકાર – એવી અન્ય પ્રવૃત્તિઓનો ઉલ્લેખ હતો. અમારે એની સાથે કોઈ લેવાદેવા નહોતા. બીજી કોઈ રોકટોક ન થાય એ માટે જ અમે તમામ પ્રવૃત્તિઓની રકમ ચૂકવી દીધી હતી.

‘હેલો, હેલો ! મારું નામ પિન્ટો છે. હું તમારો ગાઈડ છું. મારી સાથે આવો !’ પેલો ત્રીજો માણસ તંબૂની બહાર નીકળીને અમારી પાસે આવ્યો. નામ પ્રમાણે જ એ તદ્દન સ્પેનિશ હતો. એકવડિયો બાંધો હતો અને ચહેરા પર ઘેરી દાઢી હતી.

અમે એની પાછળ ચાલવા લાગ્યા. બીજી એજન્સીઓના એજન્ટો પણ પોતપોતાના પ્રવાસીઓને લઈને આગળ જતા હતા. એજન્સીઓ વચ્ચે હરીફાઈ બહુ હતી.

પિન્ટોએ અમને ઊભા રહેવા કહ્યું. પછી બાજુના સ્ટોરરૂમમાં ગયો. થોડી વારે બહાર આવ્યો ત્યારે એના હાથમાં બે બરફ કાપવાની ત્રીકમ, બરફ પર સંતુલન જમાવવા માટેની લાકડીઓ હતી.

‘તમે લોકો આ એક-એક લઈ લો.’ પિન્ટોએ કહ્યું. અમે સ્ટોરરૂમમાં જઈ અમારી રીતે સમાન લેવા માંડ્યા. એ જ વખતે મને ત્યાં દોરડાં પણ દેખાયાં. પિન્ટોએ તો અમને નહોતું કહ્યું, પણ મેં એમાંથી એક દોરડાનો વીંટો, ક્લિપ, ગરગડી ઉઠાવી લીધાં અને બહાર આવીને ગુપચુપ રીતે મારી બેગમાં નાખી દીધાં. પર્વતારોહણમાં અને ખાસ કરીને અમારા રહસ્યમય સાહસમાં દોરડાનો ઉપયોગ કરવાનો વખત ગમે ત્યારે આવી શકે એમ હતું. પિન્ટો મારા મિત્રોને વસ્તુઓ આપવામાં રોકાયેલો હતો એટલે એને મારી ચોરી વિશે ખબર ન પડી.

બધા જરૂરી સામાનથી સજ્જ થઈ ગયા એટલે અમે ખેડાણ શરૂ કર્યું. નીચલા સ્તરે હજી બરફ નહોતો. પથરાળ જમીન હતી એટલે ચડવામાં સહેલાઈ હતી. પેલો અમેરિકન યુવાન સ્ટીવ પણ અમારી સાથે જ હતો. એણે એનો બકવાસ ચાલુ કરી દીધો હતો.

પહાડનું ચઢાણ અત્યારે આકરું નહોતું. નીચે કરતાં આ જગ્યા પર જંગલ ખૂબ જ પાંખું હતું. આજુબાજુના પર્વતો પર વનરાજી હતી ખરી. કદાચ ટ્રેકિંગમાં સરળતા રહે એટલા માટે આ રસ્તા પર એજન્સીવાળાઓએ વૃક્ષો કાપી નાખ્યાં હોય એમ બને.

રસ્તામાં થોડી થોડી વારે ગાઈડ પિન્ટો અમને વાસ્કરનની વનસ્પતિઓ અંગે માહિતી આપતો જતો હતો. અહીં સમશીતોષ્ણ કટિબંધ પર ઉગે એવાં ઝાડવાં હતાં. કલાક પછી અમને એણે પેરુમાં જાણીતા લામા નામના ઘેંટા જેવાં પ્રાણીઓ ચરતાં બતાવ્યાં. પેરુના ઇન્ડિયન કહેવાતા નીચલી જાતિના લોકો લામાના પશુપાલનનો ધંધો કરતા હતા.

અમે એક હજાર ફૂટ ઊંચે આરોહણ કરીને 7,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા. અત્યાર સુધી ચાલવા માટે નાની-મોટી પગદંડીઓ જ હતી એટલે ચાલવું સરળ રહ્યું. ક્યારેક સીધું ચઢાણ આવતું તો ક્યારેક વળી પર્વતની બાજુએથી ચક્કર લઈને ત્રાંસમાં ઉપર ચડવાનું આવતું. એ વખતે પર્વતની બીજી બાજુનો હરિયાળો ખીણપ્રદેશ જોઈને મન રોમાંચ અને ઠંડકથી ભરાઈ જતું.

ઠંડી નીચે હતી એના કરતાં વધી ગઈ હતી. અમે ઠુંઠવાતા હતા એટલે બેગમાંથી વધારાનું જેકેટ કાઢીને પહેર્યું.

બીજી એજન્સીઓના પ્રવાસીઓ અહીં દેખાતા નહોતા. કદાચ દરેક એજન્સીના રૂટ જુદા જુદા હશે.

અમે થાક્યા હતા ત્યાં જ પહેલો પડાવ જોઈને હાશ થઈ. સામે જ છૂટાછવાયા તંબૂ ખોડેલા હતા. બરાબર રાત પણ ઢળવા આવી હતી. હવે પછીનું ટ્રેકિંગ સવારે શરૂ કરવાનું હતું. અહીં તંબૂમાં રાત રોકવાની સગવડ રખાઈ હતી.

અમે ત્રણ-ત્રણના જૂથમાં બે તંબૂમાં ગોઠવાયા. એકમાં હું, થોમસ અને જેમ્સ હતા. બીજામાં વિલિયમ્સ, ક્રિક અને પેલો સ્ટીવ. અંદર ત્રણ બેડ હતા. એક ટેબલ હતું. બાજુમાં બાથરૂમ. અમારો ગાઈડ બીજા તંબૂમાં હતો. એ તંબૂમાં બીજા બે પ્રવાસીઓ હતા.

***

રાતના કેટલા વાગ્યા હશે એ તો કોણ જાણે. અચાનક શોરબકોર થવાથી હું સફાળો ઊઠયો. એ જ ક્ષણે થોમસ અને જેમ્સ પણ બેઠા થઈ ગયા. બાજુના તંબૂમાંથી પહેલાં કંઈક પછડાવાનો અને પછી બૂમાબૂમનો અવાજ આવ્યો.

જેમ્સ જેવો તંબૂની બહાર નીકળવા ગયો કે સનનન કરતું એક તીર આવીને એના જમણા બાવડામાં ઘૂસી ગયું. એક રાડ સાથે એ પાછો તંબૂમાં ફસડાઈ પડયો. હું અને થોમસ એકબીજા સામે રઘવાયા થઈને જોઈ જ રહ્યા.

વળી એક તીર આવીને તંબૂના કાપડને ચીરીને બરાબર મારા પલંગ સાથે અથડાયું. ગભરાટમાં હું એક ખૂણામાં દોડી ગયો. શું બની રહ્યું હતું એ કાંઈ જ સમજાતું નહોતું. જેમ્સ સૂતો સૂતો ઊંહકારા કરતો હતો. થોમસે એના બાવડામાંથી ફટ દઈને તીર ખેંચી કાઢ્યું. જેમ્સના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

ફરી એક તીર તંબૂ ચીરતું આવ્યું અને ટેબલમાં ઘૂસ્યું. હવે મને બરાબરનો ગુસ્સો ચડ્યો. ચોથું તીર આવે એ પહેલાં જ મેં મારા સામાનમાંથી પિસ્તોલ કાઢી, એમાં મેગેઝિન લોડ કર્યું અને ઝડપથી તંબૂની બહાર ધસી ગયો.

‘ધડામ...’ મેં એક ગોળી હવામાં છોડી. આજુબાજુના પહાડોએ એનો પડઘો પાડ્યો. તીર છૂટવાના બંધ થઈ ગયાં. એકાએક બધું જ શાંત થઈ ગયું. બાજુના તંબૂમાંથી હવે અવાજ નહોતો આવતો. બીજી તરફના તંબૂમાંથી ગાઈડ પિન્ટો અને બે પ્રવાસીઓ બહાર નીકળી આવ્યા હતા.

પિસ્તોલ પકડીને હું વિલિયમ્સ, ક્રિકવાળા તંબૂમાં પ્રવેશ્યો. મારા અપાર આશ્ચર્ય વચ્ચે તંબૂ ખાલી હતો ! એમાં કોઈ જ નહોતું. ત્યાં પણ બે-ચાર તીરો આમતેમ ખૂંપી ગયાં હતાં.

‘વિલિયમ્સ... ક્રિક... પિન્ટો...’ મેં ત્રણેયને પોકાર કર્યો, પણ કોઈએ જવાબ ન આપ્યો. ત્યાં સુધીમાં જેમ્સ, થોમસ અને બાકીના લોકો ત્યાં આવી પહોંચ્યા.

‘આ લોકો ક્યાં ગયા ?’ મેં બેબાકળા થઈને પિન્ટોને પૂછ્યું.

‘સર, મને તો કાંઈ ખબર નથી. હું તો છેક ત્રીજા તંબૂમાં હતો.’ પિન્ટો પણ ડરેલો લાગતો હતો. આવી ઘટના એણે અગાઉ ક્યારેય જોઈ નહીં હોય. એણે પૂછ્યું, ‘બન્યું શું ?’

‘હુમલો થયો છે અમારા પર.’ થોમસ બોલ્યો.

‘ક્યાંકથી તીરનો મારો થયો અમારા પર.’ મેં ઉમેર્યું. પછી થોમસ સામે તાકીને બોલ્યો, ‘મેં કહ્યું હતું ને થોમસ, કે મારા પર એક હુમલો થયો છે તો બીજો પણ થશે. પણ આટલો જલદી થશે એની કલ્પના નહોતી.’

હું ફરી તંબૂમાં આવ્યો. અમારા તંબૂ જેવી જ વ્યવસ્થા તેમાં હતી. મેં જોયું તો ટેબલ પર ત્રણ ટિકિટો પડી હતી. ત્રણેય ટિકિટ પર કોઈએ કંઈક ચિતરામણ કરેલું હતું. નાસભાગને કારણે આજુબાજુની વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી. ક્રિક, વિલિયમ્સ અને પિન્ટોના થેલાઓ અહીં જ પડ્યા હતા. પણ એ ત્રણેય ભૂતની જેમ ગાયબ થઈ ગયા હતા.

મેં ક્રિકના થેલામાંથી ટોર્ચ કાઢીને સળગાવી અને તંબૂની બહાર આવીને ડાબી તરફ ટોર્ચનો શેરડો ફેંકીને ધારીધારીને જોયું. અંધારી રાત હતી એટલે હાલ તો કાંઈ જ દેખાઈ શકે તેવી શક્યતા નહોતી. વધારે આગળ જવામાં જોખમ હતું, કેમ કે એ બાજુ ખીણ હતી. બધાએ મને પાછો બોલાવી લીધો.

મારા મિત્રોના ચહેરા ઉતરેલા હતા. અમારી ટુકડી તૂટી ગઈ હતી.

બધા પોતપોતાના તંબૂમાં ગયા. હું, જેમ્સ અને થોમસ તો આખી જાત જાગતા જ બેસી રહ્યા અને ઘટનાને સમજવાની કોશિશ કરવા મથતા રહ્યા. આખરે અમારા મિત્રો અને સ્ટીવ ક્યાં ચાલ્યા ગયા હતા ?

(ક્રમશઃ)