થોડીવારમાં ત્રણ બરફના ગોલા અમારી સમક્ષ આવી ગયા.
" અમમમ.... ગોલો મસ્ત છે નહિ?" અર્પિતા એ કહ્યું.
" અહીંયાના ગોલા મસ્ત જ હોય છે....હું ને તારો ભાઈ નીતીશ અહીંયા જ તો ગોલા ખાવા આવીએ છીએ..." એના ભાભીએ તુરંત જવાબ આપતા કહ્યું.
એ બન્ને વચ્ચેની વાતચીતમાં મેં મારું ધ્યાન ગોલા પર ટકાવ્યું. થોડીવારમાં ગોલો પૂર્ણ થયો અને ત્યાં જ અર્પિતાના ભાભીના ફોનમાં કોલ આવ્યો. ફોન પર ચાલુ વાતમાં જ એ બોલી ઉઠી. " અર્પિતા....નીતીશનો ફોન હતો... આપણને જલ્દી ઘરે જવાનું કીધું છે...."
" કેમ અચાનક શું થયું?"
" એ તો મને પણ નથી ખબર...ઘરે જશું પછી ખબર પડશે..."
બન્ને પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા.
" અર્પિતા શું થયું?" મેં ચિંતાના સ્વરમાં પૂછ્યું.
" એ તો ભાઈએ પણ ફોન પર કંઇ નહી કહ્યું.. હું કહીશ તમને પછી....અત્યારે તો અમારે જવું પડશે..."
" ઓકે....બાય....એન્ડ ટેક કેર..."
એ બન્ને ત્યાંથી ઘરે જવા નીકળી ગયા અને હું બિલ ચૂકવી ત્યાંથી જતો રહ્યો.
રાતના અગિયાર વાગી ગયા પણ મારી નીંદર ઉડી ગઈ હતી. શું થયું હશે અર્પિતાના ઘરે? બસ આ જ ખ્યાલ મારા મનમાં ઘૂમી રહ્યો હતો. અને ત્યાં જ અર્પિતાનો સામેથી કોલ આવ્યો.
" હેલો અર્પિતા...શું થયું? એવરીથીંગ ઓકે?" મેં એકીશ્વાસે પૂછી નાખ્યું.
" હા...ચિંતા કરવા જેવું કંઈ નથી...મારા પપ્પાની તબિયત બગડી ગઈ હતી... દવા લઈ લીધી છે એટલે સારું છે હવે..."
" થૅન્ક ગોડ....એક સમય માટે તો હું ડરી જ ગયો હતો..."
" કરન....સોરી....મેં તમારા મેસેજનો રિપ્લાય ન આપ્યો...સાચું કહું ને તો મને મેસેજમાં વાત કરવી નથી ગમતી...અને હું કોલ પર પણ ઓછી જ વાત કરું છું...અને તમારો જ્યારે મેસેજ આવ્યો ત્યારે હું ઓફીસે પહોંચી ગઈ હતી એટલે પછી જવાબ આપવાનો પણ ટાઇમ ન મળ્યો..."
" થેંક્યું તમે મને જણાવી દીધું...નહિતર મને એમ લાગ્યું કે તમે મારાથી નારાજ થઈ ગયા કે શું?"
" નારાજ તમારાથી? હજુ તો એવું કંઈ થયું નથી....કદાચ આગળ જતા એવું બની શકે......અને હું કદાચ તમારાથી નારાજ થઈ ગઈ તો મને મનાવા આવશો?"
" હક મળશે તો મનાવી પણ લઈશ....એમાં શું મોટી વાત છે..."
" વાહ...મતલબ તમારે હક જોઈએ છે એવું ને?"
" અરે ના મારો કહેવાનો એવો મતલબ નહતો..."
" હા હા હું સારી રીતે જાણું છું તમે શું કહેવા માંગો છો..."
એક કલાક સુધી ફોન પર ગપ્પા મારતા મેં પોતાની દિનચર્યા તોડી નાખી અને એના લીધે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું.
" મમ્મી..... મારે લેટ થાય છે, હું જાવ છું..."
" અરે પણ નાસ્તો તો કરતો જા...."
" હું ઓફીસે કરી લઈશ..."
ઓફિસના કામથી ફુરસત મળતા અમે ફોન પર વાતચીત કરી લેતા. દિવસો જેમ જેમ વીતતાં ગયા, એમ અમે એકબીજાની વધુ નજદીક આવવા લાગ્યા. હવે તો છ ને દસ મિનિટે કેફે પર મળવાનું ફિક્સ થઈ ગયું હતું. અવારનવાર વાતો કરીને આખા દિવસનો થાક અમે દૂર કરી નાખતા. પરંતુ ચા અને કૉફીની બાબતમાં અમે અમારી પસંદ કયારેય ન બદલી. એણે કૉફી સાથે મહોબ્બત નિભાવી તો મારે ચા સાથે ચાહત.
એક મહિના સુધી નિરંતર મળ્યા બાદ અમે મનોમન સમજી ગયા હતા કે અમારી વચ્ચેનો સબંધ દોસ્તીથી પણ કઈક વિશેષ થઈ ગયો છે. હવે આ દોસ્તી પ્રેમનું સ્વરૂપ લે એ પહેલા આ દોસ્તીને એક સંબધમાં બાંધી લેવો આવશ્યક છે અને એટલે અમે એક દિવસ વાત કરતા નક્કી કર્યું કે...
" અર્પિતા....તને મળ્યાના આજ એક મહિનો થઈ ગયો છે....આ એક મહિનો કેવી રીતે પસાર થઈ ગયો કંઈ ખબર જ ન રહી..."
" હા કરન....આપણું આમ દરરોજ એકબીજાને મળવું હવે જાણે એક આદત બની ગઈ છે..."
" રાઈટ...અર્પિતા...અને એટલે હું એવું વિચારતો હતો કે આપણે આપણો નિર્ણય આપણા પપ્પાને હવે કહી દેવો જોઈએ...વારંવાર એ પણ આપણે પૂછ્યા કરે છે તો મને એ હવે નથી ગમતું.... આપણે એકબીજાને સમજવા માટે એક મહિનો તો લઈ લીધો છે અને આઈ થિન્ક એટલો સમય તો કાફી છે...."
" તમારો એવો જ વિચાર હોય તો હું કાલે મારા પપ્પાને ફાઇનલ જવાબ આપી દઈશ....પણ એ પહેલા હું એ જાણવા માંગુ છું કે તમારો શું જવાબ છે?"
" એક કામ કરીએ કાલ તો સેટરડે છે અને હું કાલ બિઝી પણ છું તો સન્ડે આપણે આ કેફે પર મળીએ અને જે જવાબ હશે એ આપણે એકબીજાને કહી દઈશું....સિમ્પલ..."
" ઓકે....તો સન્ડે જવાબ મળ્યા બાદ જ હું મારો જવાબ મારા પપ્પાને કહીશ..."
" હા એ પણ બરોબર છે..."
હવે આ દોસ્તી કોઈ સબંધમાં ફેરવાશે? કે પછી દોસ્તી માત્ર દોસ્તી થઈને રહી જશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના
ક્રમશઃ