બે ઘૂંટ પ્રેમના - 1 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 1



" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?"

અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી.

" લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...."

રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી. દરરોજ સાંજના છ વાગીને પાંચ મિનિટે હું રંગીલા કેફેમાં પહોંચી જતો પરંતુ આજ રિયાની યાદોમાંથી પરત ફરતા મને દસ મિનિટ વધુ લાગી ગઈ.

કેફની અંદર પહોંચતા જ માલિક બોલ્યા. " ચા કે કોફી??"

" શું અંકલ તમે પણ? તમને ખબર છે ને હું હંમેશા ચા જ પીવાનો આગ્રહ રાખું છું છતાં પણ તમે પૂછો છો?"

" અરે દીકરા એટલા માટે પૂછું છું કે કદાચ કોઈ કારણસર ચા પીવા ન મળી તો એના બદલે કોફી પી શકાય ને?"

મેં ચા સાથેની દોસ્તી યથાવત રાખતા કહ્યું. " તમારી ઈચ્છા મને કોફી પીવડાવાની છે ને, એક દિવસ એ ઈચ્છા જરૂર પૂરી થશે બસ મને અત્યારે મારી ચા આપી દો..."

" આ લે તારી ચા એ પણ અડધો કપ..."

અંકલના હાથમાંથી ચાનો કપ લેતા મેં થેંક્યું કહ્યું.

" પણ દીકરા મને એક વાત સમજ નહિ પડતી કે તું હંમેશા અડધો જ ચાનો કપ કેમ ઓર્ડર કરે છે?"

" અધુરાશની મઝા જ કંઇક અલગ હોય છે અંકલ... તમે નહિ સમજો..."

" આજની જનરેશનની વાતો તો મારા સમજની બહાર છે..."

અંકલ ફરી પોતાના કામે લાગ્યા અને હું ચાની ચૂસકી લેતો ખુદને જુઠ્ઠા હાસ્યમાં પરોવવા લાગ્યો.

ચાર ઘૂંટમાં જ મેં ચાનો કપ જલ્દીથી ખતમ કર્યો અને અંકલને બીલ ચૂકવીને હું ઘરે જવા રવાના થયો.

" અરે કરન દીકરા તું આવી ગયો..." મને જોઈને તરત મારા પપ્પા બોલ્યા.

" ગરમીનો બિચારો થાકી ગયો હશે... લાવ દીકરા તારી બેગ લાવ અને અહીંયા સોફા પર શાંતિથી બેસ અને આ લે આ લીંબુ શરબત.. "

મારી મમ્મી એ પરાણે થમાવેલા આ લીંબુ શરબતના ગ્લાસને હું એકીશ્વાસે પી ગયો અને બોલ્યો. " મમ્મી.....હું મારા રૂમમાં જાવ છું રસોઈ બની જાય એટલે મને બોલાવી લેજો..." મેં તુરંત મમ્મીના હાથમાંથી બેગ ખેંચ્યું અને સીધો પોતાના રૂમમાં જવા નીકળી ગયો.

" પણ કરન દીકરા એક મિનિટ બેસ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે .."

મમ્મીની વાતને અવગણીને હું રૂમની અંદર પ્રવેશ્યો અને તુરંત પથારીમાં આડો પડ્યો.

" રિયા...એવું તે શું થઈ ગયું કે તારે મારી સાથે બ્રેકઅપ કરવું છે?? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? કોઈ ખામી રહી ગઈ? અને આ અચાનક બ્રેક અપ?? રિયા તું મને કહીશ નહિ કે શું પ્રોબ્લેમ થઈ છે તો આપણે એનું સોલ્યુશન કેવી રીતે લાવીશું?"

" સોલ્યુશન એક જ છે અને એ છે બ્રેકઅપ....અને પ્લીઝ તું મને આ બાબતે કોઈ પ્રકારનો ફોર્સ ન કરીશ..."

" રિયા હું તને કારણ જણાવ્યા વિના નહિ જવા દઉં..."

" કરન પ્રેમમાં પાગલ ન બન, મેં કહ્યું ને ખતમ મતલબ ખતમ!..."

" કરન!...ચલ જમવાનું તૈયાર છે..." મમ્મીના સાદ સાથે મારી નીંદર ઉડી અને હું ફટાક દઈને ઊભો થયો. ઊંડો શ્વાસ લઈને ખુદને સપનામાંથી આઝાદ કરીને હું મોં ધોવા બાથરૂમ તરફ ચાલ્યો ગયો.

કિચન પર પહોંચતા જ મારી મહેમાન નવાજી શરૂ થઈ ગઈ. અને હું તુરંત સમજી ગયો કે મારા મમ્મી મારી પાસેથી કંઇક જરૂરી વાત મનાવવા માંગે છે.

" દીકરા ફીકી ખીચડી કેમ ખા છો? જરા કઢી નાખ..." મારી મમ્મીની તીક્ષ્ણ નજર મારી થાળી પર પડી.

હું કંઈક બોલું એ પહેલા જ મમ્મી પોતાના સ્થાનેથી ઊભી થઈ અને તુરંત મારી થાળીમાં કઢી રેડી દીધી.

બે મિનિટની પરમ શાંતિ બાદ આખરે મારા પપ્પા એ પોતાનું મૌન વ્રત તોડ્યું અને બોલ્યા. " કરન બેટા...તને તો ખબર જ છે બે મહિના પહેલા તારા માસીના દીકરાનું વહેવાળ થઈ ગયું..."

" અને પેલા રામુ કાકાની દીકરી એનું પણ નક્કી થઈ ગયું છે ને!"

" લો બોલો એ તો હજુ વીસ વરહની છે અને ત્યાં એનું ગોઠવી નાખ્યું....તો બેટા... હું શું કહેતો હતો કે હવે તારી ઉંમર પણ પરણવાને લાયક થઈ ગઈ છે તો તારું પણ સારી છોકરી જોઈને ગોઠવી નાખીએ..."

" શું તમે પણ ગોળ ગોળ ફેરવીને વાત કરો છો સાફ સાફ બોલો ને?"

" કરન તું પેલા રમેશ અંકલને ઓળખતો જ હશે એની દીકરી અર્પિતા, એની સાથે તારું ગોઠવવાનું વિચાર્યું છે.... મેં રમેશ સાથે વાત કરી લીધી છે એ તો આ સંબંધથી રાજી છે બસ તું અને અર્પિતા એકબીજાને મળી લે અને પસંદ કરી લે બસ એની રાહ છે...તો તું કાલ અર્પિતાને મળીશને??"

મારી સામે ચાર આંખો એકીટસે જોઈ રહી હતી. બે મમ્મીની અને બે પપ્પાની. થાળીમાં પડેલી ખીચડી પર ધ્યાન હટાવવાનું મારું જરા પણ મન ન હતું પરંતુ આ ચાર આંખોના બોજ સામે મારે આંખો ઊંચી કરીને જવાબ આપવો જ પડ્યો.

શું હશે કરનનો જવાબ? ચા સાથેની લતની પાછળ રિયા કેટલી છે જવાબદાર ? શું હતું રિયાનું કારણ કે એણે કરનને છોડ્યો?જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના....

ક્રમશઃ