" શું થયું? કોઈ પ્રોબ્લેમ?" કરન મારો ફિક્કો પડેલો ચહેરો વાંચી ગયો.
" સોરી કરન...મારે અત્યારે જ ઘરે જવું પડશે..."
" ઓહકે એઝ યોર વિશ..."
મેં તુરંત પોતાનો ફોન લીધો અને એને પર્સમાં નાખી કેફેની બહાર નીકળી ગઈ. ઉતાવળા પગે રસ્તો પાર કરતી હું ઝડપથી ઘરે પહોંચી.
ભાભીને ઘરમાં જોઈને હું સીધી એને ભેટી પડી. " ભાભી...તમે! આવી ગયા!"
" ક્યાં રહી ગઈ તું? હેં? ક્યારના રાહ જોઈને બેઠા છીએ અમે..."
" ચાલો જલ્દી.. સાડા બાર થવા આવ્યા છે..મોડા પહોચશું તો તારા માસી મને જ ઠપકો આપશે..." પપ્પા એ અમારી વાતચીત પર ત્યાં જ પુર્ણવિરામ મૂકી દીધું.
" ભાભી પછી ઘરે આવીને વાત કરું ઠીક છે.."
માસીના ઘરે હું અને મારા મમ્મી પપ્પા ફીટ સાડા બાર વાગ્યે પહોંચી ગયા. અમે એકદમ જમવાના ટાઈમે જ ત્યાં પહોંચ્યા હતા એટલે સ્વાભાવિક હતું કે માસીના વેણ તો અમારે સાંભળવા જ પડશે. હસી મઝાક કરતા મારા પપ્પા એ મોડું આવવાનું કોઈ બીજું બહાનું મારા માસીને આપી દીધું. જ્યારે મારી અને કરનની મુલાકાત મારા મમ્મી પપ્પા એ માસીથી છૂપાવી રાખી હતી.
ઉનાળાનો સમય હોવાથી રસ પૂરીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એકસાથે બધા જમવા બેસી ગયા અને સૌ એ મનમૂકીને રસપૂરીનો આનંદ માણ્યો.
બપોરના ત્રણ વાગ્યા સુધી વડીલો એકબીજા સાથે વાતચીત કરવામાં મશગૂલ થઈ ગયા. બપોરનો સમય હોવાથી થોડીવારમાં ચા તૈયાર થઈને આવી ગઈ. ચા તો હું પીતી નથી એ મારા માસી સારી રીતે જાણતા હતા એટલે એણે મારા માટે અલગથી કોફી બનાવી રાખી હતી. કોફી પીતા પીતા મારું ધ્યાન પપ્પાના ચાના કપ તરફ ગયું અને અનાયાસે મને હસવું આવી ગયું. કરનની એક એક વાત મને યાદ આવવા લાગી. " ચાને ડિફેન્સ કરવા માટે એણે કેટકેટલીય તરકીબો નિકાળી હતી..!"
મારા કપની કોફી તો ક્યારની પૂરી થઈ ગઈ હતી પરંતુ એ કપ મેં હજુ પણ હાથમાં પકડી રાખ્યો હતો. મારું ધ્યાન તો કરન વચ્ચે થયેલી એ વાતચીતમાં જ ખોવાયેલું હતું. લગ્ન જેવી ગંભીર વાતો કરવા માટે મળ્યા હતા અને અમે ચા કોફીની વાતો કરીને પાછા આવી ગયા!
" તો ચાલો હવે અમે નીકળીએ..." મારા પપ્પા તુરંત પોતાની જગ્યાએથી ઉભા થયા અને હું પણ ફરી હોશમાં આવીને કોફીનો કપ હાથમાંથી છોડ્યો અને ઊભી થઈને માસીને મળવા જતી રહી.
ઘરે પહોંચીને પોતાના રૂમમાં જઈને હું એક કલાક ઊંઘી ગઈ.
" અર્પિતા...ચલ ઊભી થા...કેટલું સુઈશ હજુ? અત્યારે સૂતી રહીશ તો રાતે જાગીને પછી અમને જ પરેશાન કર્યા કરીશ..."
બગાસું ખાતી હું બેડ પરથી નીચે ઉતરી અને ફ્રેશ થઈને બાથરૂમમાંથી બહાર આવી.
" હવે બોલ...શું થયું કેફેમાં... છોકરો ગમ્યો કે નહિ?"
" હમમ...ખબર નહિ..."
" શું ખબર નહિ? તું છોકરો જોવા જ ગઈ હતી ને?"
" હા પણ હજુ મેં નક્કી નથી કર્યું કે હું એ છોકરા સાથે લગ્ન કરીશ કે નહિ?"
" નક્કી નથી કર્યું નો શું મતલબ છે? નીચે તારા મમ્મી પપ્પા એ મને એ જાણવા માટે જ અહીંયા મોકલી છે..અને તું કહે છે કે મને ખબર નથી..."
" ભાભી... મારી વાતનો જવાબ આપો કે કોઈ એક જ મુલાકાતમાં જીવનનો આટલો મોટો મહત્વનો નિર્ણય કઈ રીતે લઈ શકે?"
" કેમ એક જ મુલાકાતમાં પ્રેમ નથી થઈ જતો? મુલાકાત તો છોડ પહેલી નજરમાં જ આપણને કોઈ ગમવા લાગે છે અને પ્રેમ પણ થઈ જાય છે.....તને પણ રાહુલ સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો ને? જીવનભર સાથે રહેવાનો નિર્ણય પણ તે લઈ લીધો હતો?"
રાહુલનું નામ સાંભળી મારા દિમાગમાં ભુલાયેલી છબી ફરી જીવંત થઈ ગઈ. " હા સાચું કહ્યું રાહુલ સાથે મને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો પણ આગળ જતાં શું થયું ખબર છે ને? અને એ ભૂલ હવે હું ફરી નથી કરવા માંગતી..."
" સોરી અર્પિતા....મારો ઉદ્દેશ્ય તને દુઃખી કરવાનો ન હતો હું તો બસ એટલું કહેવા માંગતી હતી કે કરન છોકરો જો સારો હોય તો પછી એમને વધુ જાણવાની કોશિશ અત્યારે ન કરવી જોઈએ...એક વખત સગાઈ થઈ જાય પછી તમે આરામથી એકબીજાને ઓળખી જ શકો છો..."
" અને સગાઈ પછી જો મને એ ન ગમ્યો તો? તો શું કરીશું? સગાઈ તોડી નાખીશું?" મારા આ તીખા સવાલ સામે ભાભી થોડા સમય માટે શાંત બેસી ગયા.
શું હશે અર્પિતાનો અંતિમ નિર્ણય? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના
ક્રમશઃ