અ - પૂર્ણતા - ભાગ 19 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 19

જોરદાર ગરબા પછી રેનાએ બધાને જમવા માટે પાછળ ગાર્ડનમાં જવા કહ્યું. વિકી તરત જ રેના પાસે પહોંચી ગયો. હજુ તો તે કઈ બોલે એ પહેલા જ રેના વિકીનો હાથ પકડી બોલી પડી, "તારો જેટલો પણ આભાર માનું ઓછો છે યાર, આજે તું ના હોત તો મારા ડાન્સનો તો ફિયાસ્કો જ થઈ જાય. બાય ધ વે, કહેવું પડે હો, તું તો કેટલું મસ્ત ગાઇ છે. અમને તો આવી ખબર જ ન પડત કોઈદી, જો આજે આ ગરબડ ન થઈ હોત તો."
વિકી તો રેનાએ એનો હાથ પકડ્યો એથી ઊંચા આસમાનમાં જ ઉડવા લાગ્યો જાણે. એમાંય રેનાનો મધુર ઘંટડી જેવો અવાજ, ગરબાના લીધે કપાળ પર મોતીની જેમ ચમકી રહેલા પ્રસ્વેદ બિંદુ રેનાના ચહેરાને વધુ નિખારી રહ્યાં હતાં. તે તો બસ રેનાને જોવામાં જ ખોવાઈ ગયો જાણે. રેનાએ એની આંખ પાસે ચપટી વગાડી, "ઓ આજની પાર્ટીના સ્ટાર, ક્યાં ખોવાઈ ગયો?"
વિકીની તંદ્રા તૂટી. "હે? હા...ક્યાંય નહિ...હું તો ...બસ...તને...એટલે કે.... તને શું કહેવું એ વિચારી રહ્યો હતો."
હેપ્પીએ પાછળથી આ સાંભળ્યું એટલે તે વાર્તાલાપમાં વચ્ચે કૂદી, "શું કહેવું એટલે? તારે કઈ રેનાને પ્રપોઝ કરવાનું છે તો વિચારવું પડે?"
આ સાંભળી રેનાએ આંખો કાઢી હેપ્પીને ચૂપ રહેવા કહ્યું.
"એટલે એમ કે....મારે પણ રેનાનો આભાર માનવો જોઈએ કે મે જેવું પણ ગાયું તોય એ આટલું સરસ નાચી અને મને પણ પ્રોત્સાહન આપ્યું."
પાછળથી પરમ અને મિશા પણ આવ્યા. પરમ તો આવીને રેનાને ભેટી જ પડ્યો, "ઓ મારી કોહિનૂર, તે તો આ પાર્ટીને યાદગાર બનાવી દીધી." એ પછી તે તરત જ વિકીને પણ ભેટી પડ્યો. "તે પણ જોરદાર ગાયું હો મારા કલાકાર."
મિશાએ પણ વિકીના વખાણ કરતાં કહ્યું, "હા વિકી, તે તો આજે ચાર ચાંદ લગાવી દીધા પાર્ટીમાં. રેના તો હમેશાની જેમ સુપર ડૂપર જ હોય પણ તારી તો અમને આજે જ ખબર પડી કે તું પણ કલાકાર છે."
"વિકી, નવરાત્રીમાં ક્યાંક છે ને ગરબા ગાવાનો કોન્ટ્રાક્ટ લઈ લેજે, અમને પણ ફાયદો થાય ને. ફ્રી માં નવરાત્રીના પાસ મળી જાય." આમ કહી હેપ્પી હીહીહી કરતી હસી પડી. આ વખતે હેપ્પીની વાત પર બધા હસી પડ્યાં.
"હું કપડાં ચેન્જ કરીને આવું છું તમે સૌ ગાર્ડનમાં પહોંચો." એમ કહી ફટાફટ રેના નીકળી ગઈ અને સૌ વાતો કરતાં કરતાં ગાર્ડનમાં પહોચી ગયા. બધા પોતપોતાની ડીશ લઈ પોતાના મિત્રો સાથે જમવાનો આનંદ લઇ રહ્યાં હતાં.
જમવા માટે સેલ્ફ સર્વિસ હતી. કાઉન્ટર પર બધી જ વાનગી મુકેલી હતી. ઊંધિયું, પૂરી, દાળ, ભાત, ગુલાબ જાંબુ, એ સિવાય મીની પિત્ઝા, મંચુરિયન અને છેલ્લે આઈસક્રીમ. હેપ્પી તો સુગંધ લઈને જ સીધી ચાલવા લાગી. પરમે તેનો હાથ પકડીને ખેંચીને ઊભી રાખી.
"ઓયે, ક્યાં દોડવા લાગી?"
"અરે, જો ને કેટલી મસ્ત સુગંધ આવે છે યાર. મને તો પેટમાં ગણપતિ બાપા કૂદવા લાગ્યા છે. બિચારું મારું પેટ ક્યારનું નવરું બેઠું છે." આટલું કહેતાં તો હેપ્પીના મોઢામાં પાણી આવી ગયું.
"હા...અંદર નાના ગણપતિ કુદે અને અહી બહાર આ મોટા ગણપતિ કુદે." આમ કહી વિકીએ ફરી હેપ્પીની ફિરકી લીધી.
પરમે હેપ્પીનો હાથ પકડી રાખ્યો, "રેના ન આવે ત્યાં સુધી અહી જ ઊભી રે. ક્યાંય જવાનું નથી."
"અરે પણ, રેના આવે ત્યાં સુધી આપણે પિત્ઝા ને કેવું કટક બટક તો કરતાં થઈએ ને યાર...."
"ના એટલે ના..." પરમ એકદમ કડક થઈને બોલ્યો.
હેપ્પીએ એવું મોઢું લટકાવ્યું જાણે વર્ષોથી ભૂખી હોય, સામે જમવાનું હોય ને કોઈ એને જમવા ન દેતું હોય.
એટલામાં જ રેના આવી ગઈ. એને જોતાં જ હેપ્પી તો એટલી ખુશ થઈ ગઈ કે રેનાનો હાથ પકડીને સીધી ભાગી જ કાઉન્ટર તરફ. "હલ્લા બોલ." એમ કહેતી પ્લેટ લઈને જમવાનું લેવા લાગી. આ જોઈ બધા ખૂબ હસ્યા.
"ક્યાં જનમની ભુખ્ખડ છે તું હે?" આમ કહેતાં રેના હસી પડી.
હેપ્પીએ પોતાની પ્લેટ ઠાંસી ઠાંસીને ભરી. "એ રેના, ચાર પાંચ ગુલાબ જાંબુ મૂકી દે ને મારી પ્લેટમાં."
રેનાએ આંખો મોટી કરી, "હેપ્પી, જગ્યા જ ક્યાં છે આમાં?"
"અરે થઈ જશે સાઇડમાં. તું મુક તો ખરી."
"આ બે ગુલાબ જાંબુ તો તારા ગાલમાં ભરેલા દેખાય છે મને." મિશા બોલી.
"રેના, હું શું કહું છે કે નેકસ્ટ ટાઈમ, હેપ્પી પાસેથી આપણે ડબલ પૈસા લેવાના હો. આ ત્રણ લોકોનું એકલી જમી જાય છે." આમ કહી પરમ હસ્યો.
"ત્રણ નહિ ચાર..હું ચાર લોકોનું જમુ છું. મારું, તારું, રેનાનું ને મિશાનું. કેમકે તમે તો ચકલી ચણે એટલું માંડ જમતા હશો. તો પૈસા વસૂલ તો કરવાને." એમ કહી હેપ્પીએ જમવામાં ધ્યાન પરોવ્યું.
"વિકી, તારે કોઈ મ્યુઝિક શો ટ્રાય કરવો જોઇએ હો." મિશા બોલી.
"અરે, હું તો ફક્ત શોખથી ગાઉં છું અને એ પણ ફ્રેન્ડસ્ વચ્ચે જ."
"હા, બહાર ક્યાંય ગાતો પણ નહિ હો, નકામું કોક પૈસા દાન કરતું જશે." હેપ્પી જમતાં જમતાં જ બોલી.
"હા..તો એમાંથી હું તારું મોઢું બંધ કરવા એક ફેવિક્વિક જ લઈ લઈશ." વિકીએ પણ રોકડું પરખાવ્યું.
"આ બન્ને કૂતરા બિલાડાની જ જોડી હશે નક્કી ગયા જનમમાં." પરમે હેપ્પીને ધબ્બો મારતાં કહ્યું.
"સારું નામ રાખ પરમડા...ટોમ એન્ડ જેરી..." આમ કહી હેપ્પી પોતે જ હસી પડી.
વિકીએ એક ગુલાબ જાંબુ મોઢામાં મૂકતા બોલ્યો, "હેપ્પી, તારી એક વાત ખૂબ સારી છે હો કે તું તારી પોતાની જાત પર પણ મજાક કરીને હસી શકે છે. એવા લોકો ખૂબ ઓછા હોય."
આ વખતે હેપ્પી કશું બોલી નહિ ફક્ત એક સ્મિત કરી દીધું.
"ચાલો, હવે જમવાનું પતિ ગયું છે તો ઘરે જઈએ. મને તો ડાન્સ ને ગરબા બન્ને કરીને ખૂબ થાક લાગ્યો છે." રેના બોલી.
"ના હો, જરાય નહિ. એમ થોડું જવાય." હેપ્પી એક મોટો ઓડકાર ખાઈને બોલી.
"રેના, આ હેપ્પીને એક ગાદલું અને ખાટલો અહી ગાર્ડનમાં જ નાંખી દઈએ તો કેમ રે? પછી ભલે મચ્છરો સાથે ગરબા કરતી." પરમે કહ્યું.
હેપ્પી પરમના માથે મારતાં બોલી, "અરે એમ નહિ ડફોળ, જમવાનું પત્યું ને હજુ તો. આઈસક્રીમ તો બાકી જ છે."
પરમે તો પોતાના બંને હાથ બેય ગાલ પર મુક્યા ને બોલ્યો, "ઓ માડી રે, આ છોકરીને તો પેટ છે કે પટારો? દસ ગુલાબ જાંબુ ખાઈને પણ હજુ આઈસક્રીમની જગ્યા બચી છે એમ?"
"હા તો...મે પાંચ ગુલાબ જાંબુ ઓછા ખાધાં. આઈસક્રીમ ખાવાનો હતો ને એટલે." આમ કહી હેપ્પીએ લાંબો જીભડો કાઢ્યો અને બધાને પરાણે ખેંચી આઈસક્રીમ કાઉન્ટર તરફ લઈ ગઈ.
અમેરિકન નટસ અને મેંગો ડોલી કેન્ડી બન્ને વિકલ્પ હતાં. હેપ્પીએ બન્ને બે બે લીધાં.
"બસ કર હેપ્પી... કાલ ઝાડા થઈ જશે." વિકી બોલ્યો.
"હા તો મારે ' જાવું ' ને, તારે થોડું ભેગુ આવવાનું છે."
"છી....આ છોકરી તો સાવ ગોબરી જ છે."
"શરૂઆત કોણે કરી? અને તું પણ તો રોજ સવારે હળવો થવા જતો જ હશે ને? તો એમાં શું હું ગોબરી થઈ હે?"
"હા, તો થોડુક સેન્સ જેવું તો રખાય કે નહિ કે ક્યાં ક્યારે શું બોલવું?"
"હવે તું મને સેન્સ શીખવીશ હે?" આમ કહી હેપ્પીએ મુક્કો ઉગામ્યો.
"મારે આ ગ્રુપ જ છોડી દેવું છે" રેના બોલી.
( ક્રમશઃ)
કેમ હેપ્પી વિકીને પસંદ નથી કરતી?
વિકીનો એકતરફી પ્રેમ બે તરફી થશે કે?
રેના કેમ ગ્રુપ છોડવાની વાત કરે છે?
જાણવા માટે જરૂરથી મળીએ આવતાં ભાગમાં.