" કરન ક્યાં ધ્યાન છે? તારી ચા ઠંડી પડી જશે બેટા..." વહેલી સવારમાં મને ચાની સાથે ફોનનું પણ વળગણ લાગ્યું હતું. અને લાગે પણ કેમ નહિ, અર્પિતાનો મેસેજ જો આવ્યો હતો. આજ પ્રથમ વખત એવું બન્યું હતું કે મેં ચાના કપને સાઈડમાં કરીને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે....
" ચલો મમ્મી...મારે ઓલરેડી લેટ થાય છે...હું જાવ છું...બાય..." કારની ચાવી લઈને હું તુરંત ઘરની બહાર નીકળી ગયો. કાર પોતાના રસ્તે રાબેતામુજબ ચાલતી જતી હતી પણ મારું ધ્યાન તો બસ ફોનમાં જ ખોવાયેલું હતું. " મેસેજ સીન થઈ ગયો પણ કોઈ જવાબ નહિ.... ક્યાં ગઈ હશે??" અનેકો સવાલે મારા મનની શાંતિ ભંગ કરી દીધી. એક બે પાંચ દસ મિનિટ વિતી ગઈ હોવા છતાં પણ સામેથી કોઈ ઉત્તર ન આવ્યો. મેં આખી ચેટ ફરી રીડ કરી નાખી. કદાચ મારાથી કોઈ લખવામાં ભૂલ થઈ ગઈ હોય પણ મને એવું એક પણ જગ્યાએ ન લાગ્યું કે જેનાથી અર્પિતા નારાજ થઈ શકે.
અર્પિતાના રિપ્લાય ન દેવાના લીધે મારામાં એક ગભરાહટ પેદા થઈ ગઈ. જેના લીધે મારો આખો દિવસ ટેન્શનમાં વીત્યો. કામની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ ગયો પણ જેમ તેમ કરીને મેં સંભાળી લીધું.
" શું થયું કરન...તું જમી નથી રહ્યો? આજ પણ મમ્મી એ કરેલાનું શાક બનાવ્યું છે કે શું?"
" ના યાર એવું કંઈ નથી...."
" તો જમતો કેમ નથી...?"
" મને ભૂખ નથી....તમારે કોઈને મારું ટિફિન ખાવું હોય તો ખાઇ લેજો હું બહાર એક ચક્કર લગાવીને આવું છું .."
ઓફિસના ગેટ પાસે ઊભા રહીને મેં તુરંત અર્પિતાને કોલ કર્યો. રીંગ આખી વાગી ગઈ પણ જવાબ તો પણ ન આવ્યો. " આ હું શું કરું છું? બે દિવસની મુલાકાતમાં હું વાત કરવા માટે આટલો એક્સાઇટેડ! ના ના...કન્ટ્રોલ કરન કંટ્રોલ..." આખરે હું હોશમાં આવ્યો અને ફોનને એક બાજુ મૂકીને બઘું ધ્યાન મેં કામ પર લગાવ્યું.
" ચલ કરન બાય...."
" બાય...રોહિત...." રોહિતને એના ઘરે છોડીને હું પોતાનાં ઘરે જવા નીકળી ગયો. જેના લીધે હું બીજા રસ્તેથી મારા ઘરે પહોંચ્યો.
" શું બનાવ્યું છે મમ્મી?"
" તારી મનપસંદ પાવ ભાજી છે...."
" સાચે! થેંક્યું મમ્મી...."
પેટ ભરીને પાવ ભાજી ખાઈને મેં ઓડકાર ખાધો અને વિચાર્યું.." આજ બરફના ગોલા ખાવા જવા જ પડશે...મમ્મી તારે આવું છે?"
" ના તમે બન્ને જતા આવો..." મમ્મી એ રસોડામાંથી રાડ નાખી.
" અમે બન્ને કોન? અરે પપ્પા તો એના મિત્ર મંડળ સાથે ગોલા ખાઈને આવી પણ ગયા..."
ત્યાં મારા પપ્પા બોલ્યા. " જા જા તું જતો આવ, મોડો જઇશ તો લાંબી ભીડ થઈ જશે..."
" ઓકે પપ્પા..."
રજવાડી મલાઈ ગોલા પર આવીને મેં મેનુ ચેક કર્યું. "..આજકાલ વેરાયટી એટલી આવી ગઈ છે કે શું પસંદ કરવું એ જ નહી સમજ પડતી. "
" તમે કહ્યું નહિ તમને દરરોજ ગોલા ખાવાની પણ ટેવ છે?" પાછળથી જાણીતો અવાજ મારા કાને પડ્યો.
" અરે તમે અહીંયા!..." અર્પિતા પોતાની ભાભી સાથે આવી હતી.
" તો આ છે તારો ન્યુ ફ્રેન્ડ?"
" જી ભાભી...કરન આ મારા કાજલ ભાભી..."
" નમસ્તે..."
" નમસ્તે.... આવો બેસો બેસો..." મેં તુરંત બે ખાલી ખુરશીનું બંદોબસ્ત કરી નાખ્યું.
" તો કંઇ નક્કી કર્યું તમે?" અર્પિતા એ કહ્યું.
" જી..." હું હજુ પણ એ કૅફેની વાત પર અટકી ગયેલો પણ એણે મારી એ ધારણા તોડતા કહ્યું. " મતલબ ક્યો ગોલો ખાશો એ નકકી કર્યું એમ પૂછું છું?"
" શું ઓર્ડર કરું એ જ તો નહિ સમજ પડતી...વેરાયટી એટલી આવી ગઈ છે...અને એમાં પણ નામ તો એવા એવા છે, ખબર નહિ પડતી કે આ ગોલાની ડીશ છે કે પછી કોઈ વિદેશી ડીશ!"
" જરા હું મેનુ જોઈ લવ..."
મેં તુરંત મેનુ એના હાથમાં થમાવ્યું. અર્પિતા એ મેનુ વાંચીને કહ્યું. " કેસર પિસ્તા ઓર્ડર કરીએ..?"
કાજલ ભાભી બોલ્યા. " હા ચાલશે..."
" અને તમને કેસર પિસ્તા ચાલશે?"
" હા હા...બરફના ગોલામાં મારી કોઈ સ્પેશિયલ પસંદ નથી..."
અમે તુરંત ત્રણ કેસર પિસ્તા ગોલા ઓર્ડર કરી દીધા. અર્પિતા એના ભાભી સાથે વાતચીત કરવામાં મશગૂલ હતી. જેના લીધે હું એકલું ફીલ કરતો હતો." શું કરું મેસેજનો રિપ્લાય કેમ ન આપ્યો પૂછી લવ? એ એવું તો નહિ સમજે ને કે હું એની પાછળ જ પડી ગયો છું...શું યાર આ ઓનલાઈન વાળી દુનિયા જ બેકાર છે...આ મોબાઇલ જ ન હોત તો સારું હતું...આવી કોઈ જંઝટ જ ન થાત!..
ક્રમશઃ