બે ઘૂંટ પ્રેમના - 3 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 3


" પપ્પા હું જાઉં છું...." કારની ચાવીને ઉછાળતો હું ઘરની બહાર નીકળી ગયો. કારની અંદર બેસીને એક ઊંડો શ્વાસ લીધો અને ખુદને તૈયાર કર્યો. ખબર નહિ પણ કેમ આજ મનોમન હસવું આવી રહ્યું હતું. આમ તો મારો સ્વભાવ હંમેશા દુઃખી રહેવાનો છે પણ આજનો દિવસ કઈક અલગ લાગતો હતો. અર્પિતાને મળવાની તાલાવેલી કરતા પણ એ મિટિંગને જલ્દી ખતમ કરવામાં વધુ રસ હતો.

" વર્ષો થઈ ગયા પણ લગ્નના રીતિરિવાજોમાં કોઈ બદલાવ નથી આવ્યા...હવે એક મુલાકાતમાં કોઈ કઈ રીતે વ્યક્તિને જાણી શકે?...ખેર...લગ્ન કરવા કંપ્લસરી છે તો કરવા જ પડશે..."

લગ્ન વિશે ફરિયાદો કરતો કરતો હું કેફેની નજદીક પહોંચી ગયો. અને પહોંચતા જ મને યાદ આવ્યું કે..." અર્પિતાનો ફોટો તો મેં જોયો જ નથી!!" અચાનક બ્રેક મારીને મેં દિમાગ પર જોર લગાવ્યું. " પાંચ વર્ષ પહેલાં જોઈ હતી...કેવી લાગતી હતી?? ચહેરો ગોળ હતો...નહિ નહિ લંબગોળ ચહેરો...આંખો ઝીણી હતી કે મોટી....ઓહ... યાર...ક્યાં ફસાઈ ગયો હું..."

હું સ્ટીરિગ વિલ પર જ માથા પછાડવા લાગ્યો. પરંતુ કંઇ યાદ ન આવ્યું. કેફેની એકદમ નજદીક પહોંચી ગયો હતો અને એમ પણ આવવામાં લેટ થઈ ગયું હતું. એટલે ઘરે જવાનો તો કઈ સવાલ જ ન હતો. હવે કારમાં બેસીને સમય બગાડવા કરતાં અંદર જવું મને વધારે યોગ્ય લાગ્યું.

કારને સાઈડમાં પાર્ક કરીને મેં આત્મવિશ્વાસ સાથે કેફેમાં પ્રવેશ કર્યો. ચારોતરફ નજર કરીને મેં એ ભૂલેલા ચહેરાને યાદ કરવાની કોશિશ કરી અને અંતે મારી નજર એક સુંદર સુશીલ છોકરી પર જઈને અટકી.

પીળા રંગનો ડ્રેસ પહેરેલી એ છોકરીની નજર પણ મને જોઈને અટકી ગઈ. અનાયાસે મારા ચહેરા પર હળવી સ્માઈલ પ્રસરી ગઈ. દિલ ચાહે હજારો વખત તૂટ્યા હોય પરંતુ સુંદર છોકરી, એ પણ ભારતીય વેશમાં જોઈને કોઈ પણ છોકરાનો ચહેરો ફૂલની જેમ ખીલી જ જતો હોય છે.

પોતાની બતિશીને વધુ ન દેખાડીને હું આગળ વધ્યો અને એની સામેના ચેર પર બેસી ગયો.

" અર્પિતા??"

" હા...તમે જ કરન સોજીત્રા ને ?"

" જી....સોરી આવવામાં થોડું લેટ થઈ ગયું.. "

" ઇટ્સ ઓકે.."

એક મિનિટ સુધી અમે બંને બસ એકબીજાને બસ ઘુરતા રહ્યા. મારી નજર જ્યારે એમને મળતી તો એ આંખો ચોરીને આસપાસ જોયા કરતી અને સામે હું પણ શરમાઈને નીચું મોં કરી જતો. આવી કોઈ પરિસ્થિતિ મારી સામે આવી જાય તો હું હંમેશા ચા પીવાનો આગ્રહ રાખું છું અને આ સમયે તો ચા જ મને સંભાળી શકે એમ હતી.

" હું ચા ઓર્ડર કરી લવ....ઠીક છે...,અંકલ બે ચા આપજો..." પાછળ ફરીને મેં અંકલને ઈશારામાં બે કડક ચાનો ઓર્ડર કરી દીધો. પરંતુ આ શું અર્પિતા થોડીક અનકમ્ફર્ટેબલ થઈ એવું લાગ્યું. મારી હાલત તો પહેલા જ ટાઇટ હતી એટલે મેં પૂછવાની હિંમત ન કરી. થોડીક ક્ષણોમાં જ બે ગરમા ગરમ કડક મીઠી ચા અમારી સમક્ષ આવી ગઈ.

ચાને જોતા જ મારા ચહેરા પરના હાવભાવ બદલાઈ જ ગયા! સાચું કહું તો જેટલી ખુશી મને અર્પિતાને જોઈને નથી થઈ એના કરતાં તો મને ચાને જોઈને વધારે ખુશી થઈ. અચાનક એક હાસ્યની રેખા મારા ચહેરા પર ફરી વળી.

બે કપ ચા ટેબલ પર મુકાઈ ગઈ હતી. એમાંથી એક કપ મેં અર્પિતા તરફ સરકાવ્યો. અને બીજો કપ મેં મારી તરફ મૂક્યો.

મેં કપ હાથમાં લઈને ધીમેથી ફૂંક મારી અને ચાનો એક ઘૂંટ પીવા જઈ જ રહ્યો હતો કે મારી નજર અર્પિતાના કપ પર ગઈ. અર્પિતા પોતાની એક આંગળી ચાના કપની ઉપરની ફરતે ફેરવી રહી હતી.

" શું થયું તમે ચા નથી પી રહ્યા?"

" સાચું કહું તો મને ચા બિલકુલ પસંદ નથી .."

" ઓહ આઈ એમ સોરી... મેં તમને પૂછ્યું પણ નહિ અને સીધો ચાનો ઓર્ડર કરી દીધો... આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી....ચા નહિ તો શું પિશો? કોફી..?"

" હા... એ ચાલશે..."

" અંકલ એક હોટ કોફી આપજો..."

કોફી તૈયાર થઈને આવે એ પહેલા તો હું મારી ચા સાથે ઇશ્ક તો ન લડાવી શકું...એટલે મેં ચાનો કપ નીચે મૂક્યો અને વાતની શરૂઆત કરવાનું વિચાર્યું. પરંતુ શું કરું? ચા સામે હોય અને એક ઘૂંટ પણ ન પીધો હોય તો મારું ધ્યાન વાતચીતમાં કઈ રીતે લાગે? એટલા માટે વિચાર્યું હવે અર્પિતાની કોફી આવી જાય પછી બન્ને સાથે ચા કોફીનો આનંદ માણતા વાતોની શરૂઆત કરીશું. થોડીકવાર હોટ કોફી બનીને તૈયાર થઈને અર્પિતા પાસે પહોંચી ગઈ. અર્પિતા પાસે પડેલો એ ચાનો કપ જાણે મને પોતાની પાસે ખેંચી રહ્યો હોય એવું મને લાગ્યું. કારણ કે અર્પિતા એ એ ચાનો કપ ઉઠાવ્યો અને અંકલના ખાલી પડેલા ટ્રે પર મૂકી દીધો. ચાની એવી દુર્દશા મારાથી ન જોવાઈ અને મેં તુરંત અંક્લને રોક્યા અને એના ટ્રે ઉપરથી એ ચાનો કપ ઉઠાવીને મેં મારી સમક્ષ રાખી દીધો.

કોફીની સામે બે કપ ચા... એક ચાનો શોખીન તો બીજી કોફીની દીવાની... બન્નેની મૂળ પસંદ જ અલગ છે...હવે આ ચા કોફીની લડતમાં શું બન્ને લગ્નના બંધનમાં બંધાવું પસંદ કરશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ