સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સામે સાચું બોલવું પ્રહલાદ ચાને ભારે પડ્યું હતું
પ્રહલાદ ચાની ગેંગ ઓફ વાસેપુરથી પંચાયત સુધીની સંઘર્ષભરી સફર
પરિવારથી છુપાઈને ફિલ્મો જોનાર આજે એક અભિનેતા તરીકે ઓળખાય છે
પ્રહલાદ ચા.... આજકાલ આ નામ ઘણું ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ નામ ઘણું પ્રખ્યાત થયું છે. પ્રહલાદ ચા કોણ? બીજું કોઈ નહીં પણ પંચાયત સિરીઝનો એક્ટર ફૈસલ મલિક. પ્રહલાદ ચાએ પંચાયતની ત્રીજી સિઝનમાં પોતાની અદાકારીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. બોલીવુડની ફિલ્મ ગેંગ ઓફ વાસેપુરમાં એક નાનકડી ભૂમિકા ભજવનાર ફૈસલ મલિકને આજે કોઈ ખાસ ઓળખાણની જરૂર નથી. પણ કહેવાય છેને કે, સફળતા એટલી સહેલાઈથી કોઈને પ્રાપ્ત થતી નથી. ફૈસલ મલિકના જીવની સફળતાની કહાની પણ કંઈક આવી જ છે.
ફૈસલ મલિકનો જન્મ 1980માં અલ્હાબાદમાં થયો હતો. બોલીવુડમાં અભિનેતા બનવા માટે પોતાનું શહેર છોડી મુંબઈ આવી કામ શરૂ કર્યું. તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર, પ્રોમો પ્રોડ્યુસર, શો પ્રોડ્યુસર અને લાઇન પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે. ફૈસલના બાળપણ પર નજર કરીએ તો બાકીના બાળકોની જેમ તેનું બાળપણ પણ સામાન્ય જ હતું, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતે એક્ટર બનશે. ફૈસલને ફિલ્મો જોવાનો ઘણો શોખ હતો. પરંતુ પરિવારને તેનો આ શોખ ગમતો નહીં હોવાથી તે છુપાઈને ફિલ્મો જોતો. ક્યારેક પકડાઈ જાય તો માર પણ ખાતો. પકડાઈ જવાની હોય કે મારની બીક પણ ફૈસલે ફિલો જોવાનું છોડ્યું નહીં.
ફૈસલને ગ્રેજ્યુએશન કરવા કરતા ફિલ્મ એક્ટર બનવામાં વધારે રસ હતો. પરંતુ પરિવાર તેના એક્ટર બનવાના નિર્ણયથી સહમત હતો નહીં. ઘણી ચર્ચા પછી મોટાભાઈની મદદથી ફૈસલને મુંબઈ જવાની મંજૂરી મળી. જોકે, તે બાદ ફૈસલને માતા પિતાએ પણ સંમતિ આપી દીધી અને ભાઈ પહોંચ્યા મુંબઈ. 22 વર્ષની ઉંમરે ફૈસલ મુંબઈ તો આવી ગયો પરંતુ સંઘર્ષ તો ઘણો જ હતો. સ્વપ્ન નગરી મુંબઈમાં આવતાની સાથે જ કંઈ અમિતાભ બચ્ચન થોડું થઈ જવાય છે? એ તો મુંબઈ જાવ તો જ ખબર પડે...
મુંબઈમાં તેણે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટયૂટમાં એક્ટિંગ કોર્સ ચાલુ કર્યો. માત્ર ત્રણ જ મહિનામાં ખબર પડી ગઈ કે એક્ટર બનવું કેટલું અઘરું છે. ઘરેથી ઘર ખર્ચ મંગાવો નહોતો એટલે તેણે કામ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ તેણે સહારા ઇન્ડિયામાં સૌથી નીચા સ્તરનું કામ ટેપ લોગીનથી શરૂઆત કરી. બે ત્રણ મહિનામાં મિત્ર પાસેથી એડિટિંગનું કામ શીખી લીધું અને પછી તેને પ્રોમો કટ કરવાનું કામ મળ્યું.
શરૂઆતમાં મહિનાના રૂ. 700થી શરૂ થયેલો પગાર ધીરે ધીરે રૂ. 3200 સુધી પહોંચ્યો. આમ તેણે સહારા ઇન્ડિયાથી કામ શરૂ કરી ઝી સિનેમા અને સ્ટાર વનમાં પણ કામ કર્યું હતું.
ફૈસલ હંમેશા કામ કરવા તત્પર રહેતો હતો અને આજે પણ છે. પાંચ છ દિવસ સળંગ કામ કરી શકે તેવું જનુન તેનામાં છે. ક્યારેક તો અસોસીએટ પ્રોડ્યુસર તરીકે 20-20 કલાક પણ કામ કરતા થાકતા નહોતા. એક દિવસ કામ કરતા કરતા 20 ફૂટની ઊંચાઈએ એક સીન જોવા જતા ખબર જ ના પડી અને અચાનક નીચે પડી ગયો, પગમાં પ્લાસ્ટર હતું તોય પોતાનું કામ બંધ કર્યું નહીં.
સંઘર્ષની વાત કરીએ તો, ફૈસલને પણ ઘણી તકલીફો વેઠવી પડી હતી. ક્યારેક ખાવામાં મરચું વધુ નાખતા જેથી પાણી વધુ પીવાતું અને પેટ ભરી સૂઈ જતા તો ક્યારેક ખાધા પીધા વગર જ દિવસો કાઢવા પડતા. ભાઈના મિત્રને ઘરે વધુ સમય ન રોકાતા ત્યારે રસ્તા પર સ્ટેશન પર સૂઈ દિવસો કાઢ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે, એક દસકો ખરાબ આવે તો પછીનો દસકો સારો આવે જ છે. તેમ ફૈસલનો આ સંઘર્ષ સારા દિવસોની નિશાની હતી.
ફૈસલની પ્રથમ ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર પછી તેને માત્ર પોલીસ ઓફિસરના જ રોલ મળવા લાગ્યા હતા. તેણે 'સ્મોક', 'રિવોલ્વર રાની' અને 'મેં ઔર ચાર્લ્સ' જેવી વેબ-સિરીઝનું સહ-નિર્માણ પણ કર્યું છે.
ફૈસલે અમિતાભ બચ્ચન સાથેનો પોતાના અનુભવ વિષે કહ્યું છે કે, એકવાર હું અનુરાગ કશ્યપ સાથેના એક શોના સંબંધમાં અમિતાભ બચ્ચનને તેમના ઘરે મળવા ગયો હતો. ત્યારે મેં તેમને 120 પાનાની સ્ક્રિપ્ટ આપી જે તેમને યાદ હતી. તેમણે મને પૂછ્યું, આપણે તેને ક્યારે શૂટ કરી શકીએ? મેં ઈમાનદારીથી જવાબ આપ્યો, સર, આપણે હમણાં નહીં પણ છ મહિના પછી શૂટ કરીશું. આ પછી જ્યારે અમારી મીટિંગ પૂરી થઈ અને અમે તેમના ઘરના પહેલા માળેથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે મને કહેવામાં આવ્યું કે, તમે આ પ્રોજેક્ટ પર કામ કરશો નહીં, તમે તેને છોડી દો. આ રીતે સત્ય બોલવા માટે મારે આ કિંમત ચૂકવવી પડી.
પંચાયત સીરીઝમાં પ્રહલાદ ચાના નામથી પ્રખ્યાત ફૈસલના ત્રીજી સિઝીનના અભિનયે કંઈક અલગ જ છાપ છોડી છે. પહેલી બે સીઝનમાં મસ્તી મજાકનો અભિનય કરતા પ્રહલાદ ચાનો અભિનય આ સિઝનમાં લોકોની આંખમાં આંસુ લાવી દે તેવો છે. ફૈસલના ઘણા સંઘર્ષ પછી અને પંચાયતની સફળતા બાદ બે-ત્રણ નવી ફિલ્મ અને ચાર-પાંચ વેબ સિરીઝમાં અભિનય કરતા જોવા મળશે.