મીનાક્ષી શેષાદ્રી - ધ બ્યુટી પેજન્ટ Khyati Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીનાક્ષી શેષાદ્રી - ધ બ્યુટી પેજન્ટ

માત્ર 17 વર્ષની વયે બ્યુટી પેજન્ટ અને 20 વર્ષની વયે ફિલ્મ કરિયર શરૂ કરનાર અભિનેત્રી મીનાક્ષી

મીનાક્ષી શેશાદ્રી અને કુમાર સાનુના 3 વર્ષ ચાલેલા અફેરના કારણે જ સાનુના ડિવોર્સ થયા હતા

ફિલ્મ દામિનીને દમદાર બનાવવા માટે મીનાક્ષીને અનેક મુશ્કેલોનો સામનો કરવો પડ્યો હતો



બોલીવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને લગ્ન બાદ પોતાના સ્ટારડમને અલવિદા કહ્યું છે. જોકે, સ્ટારડમને અલવિદા કહેવા પાછળ તેમની પાસે અનેક કારણો હતા. 90ના દાયકાની વાત કરીએ તો અભિનેત્રી માત્ર અભિનય નહીં પરંતુ નૃત્યાંગના, પ્રોડ્યુસર અને સારી સ્પીકર પણ હતી. તેમની એક અભિનેત્રીની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. જે પોતાની જાતને અભિનેત્રી કરતાં ડાન્સર વધુ માને છે. જે માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ એક મોડેલ, નૃત્યાંગના અને બ્યુટી ક્વિન પણ રહી ચુકી છે. 90ના દાયકાની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી માધુરી દીક્ષિત નહીં પરંતુ મીનાક્ષી શેશાદ્રી હતી.

મીનાક્ષીનો જન્મ 16 નવેમ્બર 1963ના રોજ બિહારમાં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારમાં તેનું નામ શશીકલા શેશાદ્રી રાખવામાં આવ્યું હતું. તેણે વેમપતિ ચીન્ના સત્યમ અને જય રામા રાવ પાસેથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડીસીની તાલીમ મેળવી હતી. 1981માં માત્ર 17 વર્ષની જ ઇવ્સ વીકલી મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને વિજેતા પણ બની હતી. જે બાદ તેને 1981માં જ જાપાનના ટોકીયોમાં યોજાયેલી મિસ ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મીનાક્ષીના બોલીવુડ કરિયરમાં 20થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી છે. 1983માં મનોજકુમાર નિર્મિત ફિલ્મ પેઇન્ટર બાબુથી મીનાક્ષીના બૉલીવુડ કેરિયરની શરૂઆત થઇ હતી. પેઇન્ટર બાબુમાં ભુલી ન શકાય તેવી શરૂઆત પછી, મીનાક્ષીએ 1983 માં જેકી શ્રોફ સાથે સુપર હિટ મુવી હીરોમાં મુખ્ય ભૂમિકા ભજવી. જે ફિલ્મ આજે પણ લોકોના માનસ પટલ પર અંકાયેલી છે. એટલું જ નહીં આ ફિલ્મે જ મીનાક્ષીને સુપર સ્તરનો દરજ્જો અપાવ્યો હતો.

પછી તો જોવાનું જ શું! મીનાક્ષીના બોલિવૂડના સુપરસ્ટાર સાથે કામ કરવાના સફરની શરૂઆત થઈ ગઈ. જેકી શ્રોફ, ઋષિ કપૂર, અમિતાભ બચ્ચન, સની દેઓલ, વિનોદ ખન્ના તો મીનાક્ષીની જોડીએ ચાહકોમાં ખુબ જ નામના મેળવી હતી. ચાહકોમાં મીનાક્ષીની લોકપ્રિયતાની તો તે સમયે મીડિયા દ્વારા પણ પ્રશંસા પણ કરવામાં આવતી હતી. તેની શ્રેષ્ઠ અને સૌથી પોપ્યુલર જોડી કે પછી બેસ્ટ ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જો કોઈની સાથે હોય તો તે અનિલ કપૂર સાથે હતી.

મીનાક્ષી એક અભિનેત્રી અને નૃત્યાંગના સાથે સાથે એક સુંદર ગાયક પણ હતી. તેણે જેપી દત્તાની ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ રચિત કાવ્યાત્મક નોટ્સને પોતાનો સ્વર પણ આપ્યો છે. તેણે ચંકી પાંડે અને નાના પાટેકર સાથે અન્ય એક રિલીઝના થયેલ ફિલ્મ તડપમાં એક ગીત પણ ગયું હતું. એટલું જ નહીં તેણે અમિતકુમાર અને સુરેશ વાડેકર સાથે આરડી બર્મન રચિત ગીતને પણ સ્વરબંધ કર્યું હતું.

કોઈ અભિનેત્રી બેસ્ટ નૃત્યાંગના, ગાયક અને ખૂબ જ લોકપ્રિય હોય તો તે બોલીવુડ જગતમાં ચર્ચામાં ન હોય તેવું બને જ નહીં. મીનાક્ષીનું નામ પણ એ લિસ્ટમાંથી બાકાત રહ્યું નથી. અનિલ કપૂર સાથે બેસ્ટ કેમેસ્ટ્રી નિભાવતી મીનાક્ષી ક્યાંક ને ક્યાંક કુમાર સાનુ સાથે ઘણી ચર્ચામાં હતી. મહેશ ભટ્ટની જૂર્મ ફિલ્મના પ્રીમિયર શોમાં મીનાક્ષી અને કુમાર સાનુ પ્રથમ વાર મળ્યા અને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. કુમાર સાનુ અને પત્ની રીટાના ડિવોર્સનું કારણ પણ મીનાક્ષી સાથેનું અફેર જ રહ્યું હતું.

મીનાક્ષીની દમદાર ફિલ્મ દામિનીમાં તો તેની તારીફ કરવાથી મીડિયા, કલા જગત અને ફિલ્મ ક્રિટીક્સ થાકતા ન હતા. દામિનીને દમદાર બનાવવામાં મીનાક્ષીને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. દામિનીના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીનું દિલ મીનાક્ષી પર આવી ગયું હતું. તેમણે મીનાક્ષીને પ્રપોઝ પણ કર્યું પરંતુ મીનાક્ષી એ તેને નકારી કાઢ્યું હતું. જેના કારણે તેને ફિલ્મ છોડવાની પણ નોબત આવી ગઈ હતી. જેથી ફિલ્મમાં દામિનીના કિરદાર માટે માધુરીનો એપ્રોચ કરવામાં આવ્યો હતો. પરંતુ માધુરીએ તે ઓફર સ્વીકારી નહીં. મીનાક્ષીએ તેની કારકિર્દીની અંતિમ ફિલ્મ ઘાતક કરી જે બાદ તેને બોલીવુડને અલવિદા કહી દીધું હતું.

1995માં મીનાક્ષી એ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસુર સાથે સિવિલ વેડિંગ કરી ન્યુયોર્કમાં રજીસ્ટર્ડ લગ્ન કર્યા. તેણે ટેક્સાસમાં ભરતનાટ્યમ કથક અને ઓડીસીનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલાને મીનાક્ષીએ વિદેશીની ભૂમિ પર પ્રોત્સાહિત કરવા અને તેને આગળ વધારવાની મીનાક્ષીની ઇચ્છાએ જ તેને ચેરિશ ડાન્સ સ્કુલની શરૂઆત કરી કરવા પ્રેરી હતી.

2006માં માર્ગરેટ સ્ટીફન્સે મીનાક્ષીના જીવન પર ડાયરેક્ટર મિનાક્ષી એક્સેપ્ટ હર વિંગ્સ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. બે કલાકની મ્યુઝિકલ ડોક્યુમેન્ટરીમાં મીનાક્ષીની જીવનશૈલીમાં નૃત્યાંગના અને અભિનેત્રીમાંથી ગૃહિણી તરીકેના બદલાવનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટરીમાં મીનાક્ષીના બૉલીવુડ છોડ્યા બાદ તેના સરળ લગ્ન પછીના જીવનની ઊંડી સમજ અપાઈ હતી. બોલીવુડને અલવિદા કહી મીનાક્ષી આજે અમેરિકામાં પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. તેની સાથે સાથે જ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલાને આગળ વધારી રહી છે.