જોની લીવર - કિંગ ઓફ કોમેડી Khyati Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોની લીવર - કિંગ ઓફ કોમેડી

આંધ્રપ્રદેશથી મુંબઈ આવી રોજના રૂ. 5થી 6 કમાવવા પેન વેંચતા જોની લીવર પાસે આજે ૨૨૮ કરોડની સંપત્તિ

નાણાકીય ભીડમાં આવી ૧૩ વર્ષની ઉંમરે આત્મહત્યાનો પ્રયાસ કરનાર બન્યા કોમેડી કિંગ

તિરંગાના અપમાન કેસમાં સજા ભોગવી, પણ અજાણતામાં બનેલી ઘટનાનો આજે પણ રંજ છે




કહેવાય છે ને કે, દરેક હસતા ચહેરા પાછળની કહાની ખૂબ જ દર્દનાક હોય છે. આજે આપણે એવા જ એક બોલીવુડ કોમેડી કિંગની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે પોતાની શાનદાર કોમેડી એક્ટિંગથી દુનિયાને હસાવી છે. મીમીક્રી કરવાની આવડત અને કોમેડીથી પ્રખ્યાત અભિનેતાનું નામ ભારતીય શોબીઝના સૌથી લોકપ્રિય હાસ્ય કલાકારોમાં લેવાય છે. આ એ જ કોમેડી કિંગ જેણે લોકોના દિલમાં આજે પણ ખાસ સ્થાન બનાવી રાખ્યું છે. આપણે તેમને હંમેશા મસ્તી મજાકના મૂડમાં જ જોયા છે, પરંતુ તેમના જીવનના સંઘર્ષની વાત કરીએ તો આપણી આંખમાં પણ આંસુ આવી જાય.
બોલીવુડના પ્રખ્યાત કોમેડિયન જ્હોન પ્રકાશ રાવ જનુવાલા એટલે કે જોની લીવરનો જન્મ 14 ઓગસ્ટ 1957માં આંધ્ર પ્રદેશમાં થયો હતો. માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમને પંજાબી, ઉર્દુ, હિન્દી, અંગ્રેજી અને મરાઠી જેવી અનેક ભાષાઓ પર પણ સારી પકડ હતી. આંધ્ર એજ્યુકેશન સોસાયટીની શાળામાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કરી જોનીએ નાણાકીય અભાવના લીધે આગળ ભણવાનું છોડ્યું. અભ્યાસ દરમિયાન શાળાએથી પાછા આવી ક્યારેક દારૂની દુકાને પણ કામ કર્યું. તેમના પિતા આલ્કોહોલિક હોવાથી ઘરની જવાબદારી પણ જોનીના માથે જ આવી પડી એટલે તેમણે અંતે અભ્યાસ છોડ્યો અને નોકરી શરૂ કરી.
જોની બાળપણથી જ ક્રિએટિવ હતા. તેમની નાના મોટા બધાની નકલ કરવાની આવડત બધાને ખૂબ જ પસંદ આવતી. સ્કૂલમાં પણ બધા જ તેમની મીમીક્રીના દીવાના હતા. શાળા છોડવાના નિર્ણયથી તેમના એક શિક્ષકે મદદ કરવાનું કહ્યું પરંતુ કોઈની મદદ લઈ ભણવાનું મન નહોતું એટલે તેમણે શિક્ષકને ના પાડી દીધી. થોડાક જ સમયમાં જોની પરિવાર સાથે આંધ્રપ્રદેશ છોડી મુંબઈના ધારાવીમાં આવીને વસ્યા. શરૂઆતમાં દિવસના માત્ર રૂ. 5થી 6 માટે તેમણે પેન વેચી. તે સમયે અન્યોને મીમીક્રી કરતા જોઈ પ્રભાવિત થયા અને મીમીક્રીની શરૂઆત કરી. જે બાદ એમણે બોલીવુડના કેટલાક સુપરસ્ટારની મીમીક્રી કરીને પેન વેચીને રોજના રૂ. 500થી 600 કમાવવા લાગ્યા.
તેમના જીવનના અનેક કિસ્સા પૈકીના એક કિસ્સાની વાત કરીએ તો એકવાર તેમની મુલાકાત કિન્નરો સાથે થઈ. કિન્નરો પોતાના અંદાજમાં ગીતો ગાયને લોકોને ખુશ કરતા અને પૈસા માગતા હતા. એ જોઈ જોની પણ કિન્નરોની મીમીક્રી કરીને પૈસા માગવા લાગ્યા. આ જોઈ કિન્નર સમાજ ખૂબ જ ખુશ થયો અને પોતાની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું. પરંતુ જોનીએ ના પાડી અને કમાયેલા બધા જ પૈસા કિન્નરોને આપી ત્યાંથી રવાના થઈ ગયા.આંધ્રપ્રદેશથી મુંબઈ આવ્યા બાદ જોની હિન્દુસ્તાન યુનીલીવરમાં નોકરી કરતા હતા. જ્યાં એક વખત પ્રોગ્રામમાં સિનિયર ઓફિસરોની મીમીક્રી કરી હતી. ત્યારથી જહોન પ્રકાશ રાવ જનુવાલા જોની લીવરના નામથી ઓળખાયા. જે બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમને જોની લીવર નામ જ આગળ વધાર્યું.
ફિલ્મ જગતમાં તેમના કેરિયરની શરૂઆત થઇ તે પહેલા તેઓ શોમાં સ્ટેન્ડ અપ કોમેડી કરતા હતા. જે દરમિયાન એક મ્યુઝિકલ શોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે કલ્યાણજી-આનંદજીના ગ્રુપમાં જોડાયા. કહેવાય છે કે, જોની લીવર ભારતના પ્રથમ સ્ટેન્ડ અપ કોમેડિયન પૈકીના એક છે. જેમને ભારતને સ્ટેન્ડઅપ કોમેડીની ભેટ આપી. 1982માં અમિતાભ બચ્ચન સાથેની ટુરમાં સુનિલ દત્તે જોનીના ટેલેન્ટ અને આવડતથી પ્રભાવિત થઇ પોતાની જ પહેલી ફિલ્મમાં તક આપી. જોની લીવરને કોમિક રોલમાં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડમાં 13 એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું. 1984માં કારકિર્દીની શરૂઆત કરી તેમણે 300થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ઉપરાંત તેઓ તેમના અન્ય કેટલાક પ્રખ્યાત પાત્રોથી પણ લોકોના દિલમાં આજે પણ રાજ કરે છે.
ફિલ્મી દુનિયામાં ખ્યાતિ પામનાર જોની લીવર ટેલિવિઝન કરિયરમાં કંઈ ઓછા પ્રખ્યાત નથી. તેઓ ઝી ટીવી પર પોતાના જ શો 'જોની આલા રે' શરૂ કર્યો. 2007માં કોમેડી સર્કસમાં જજ તરીકે પણ ભૂમિકા ભજવી છે. તેઓ મીમીક્રી આર્ટિસ્ટ એસોસિએશન મુંબઈના પ્રેસિડેન્ટ છે અને વિશ્વમાં 1000 જેટલા લાઇવ શો કરી ચૂક્યા છે. 1999 માં રિલીઝ થયેલ ફિલ્મ બાદશાહના શૂટિંગ દરમિયાન જોનીના પિતાની તબિયત સારી રહેતી નહોતી પરંતુ પોતાના કામ પ્રત્યે વફાદાર રહી જોનીએ શૂટિંગ પૂરું કર્યું. તેમના જીવનના સંઘર્ષની વાત કરીએ તો એક સમયે જોનીએ નાણાકીય અગવડતા કારણે 13 વર્ષની ઉંમરે સુસાઇડ કરવાનો પણ વિચાર કર્યો હતો.
બોલીવુડ કોમેડી કિંગ હોય અને ચર્ચામાં ન રહ્યા હોય એવું બને જ નહીં. 1999માં એક શોમાં ભાગ લેવા ગયેલા જોની લીવર પર તિરંગાનું અપમાન કર્યાનો આરોપ લાગ્યો હતો. જે માટે તેમને સાત વર્ષની જેલવાસની સજા થઇ હતી. જોકે, માફી માંગતા તેમની સજા ઘડાડીને એક દિવસ કરવામાં આવી હતી. પરંતુ એ અજાણતાથી બનેલ ઘટનાની એમને આજે પણ અફસોસ છે.
બોલીવુડના આ કોમેડી સ્ટારનું બાળપણ ગરીબીમાં વીત્યું પરંતુ ઘણા સંઘર્ષ પછી આજે તે રૂ. 227 કરોડની સંપત્તિના માલિક છે. લોખંડવાલામાં એમના પરિવાર સાથે સુખેથી રહે છે. આજે તેમની દીકરી પણ પિતાના જ પગલે છે અને પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન મીમીક્રી આર્ટિસ્ટ છે.