અ - પૂર્ણતા - ભાગ 16 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 16

હેપ્પી રેનાને ઘરે મૂકવા આવી બદલામાં તેણે તો વૈભવના કટાક્ષ જ સાંભળવા મળ્યા. છતાંય તે આજ એકદમ શાંત હતી. તે ધીમેથી વૈભવ પાસે ગઈ.
"એમાં એવું છે ને વૈભવજી કે જો હસબંડ તમારા જેવા હોય ને તો મદદ માટે મારા જેવી જાડીની જ જરૂર પડે. હું તો ફક્ત શરીરથી જાડી છું પણ તમે તો કઈ પ્રકારની જાડી ચામડી ધરાવો છો એ જ ખબર નથી." હેપ્પીના ધારદાર શબ્દો સાંભળી વૈભવ ઉકળી ગયો.
"હેપ્પી, મહેમાન બનીને આવી છે મહેમાન બનીને જ રે તો સારું છે. મારા બાપ બનવાની કોશિષ ન કરતી."
"અરે, તમને કોણે કહ્યું કે હું મહેમાન બનીને આવી છું? સાળી એટલી બધી વહાલી ક્યારથી થઈ ગઈ તમને કે તમે મહેમાનગતિ કરવા તત્પર થઈ ગયાં? કે પછી સાળી આધી ઘરવાળી એવો તો ઈરાદો નથી ને? હું તો પાછો ડબલ સંબંધ ધરાવું છું." એમ કહી હેપ્પીએ આંખ મિચકારી.
"હું તારી દોસ્ત જેવો નથી. તારી જીભને કાબુમાં જ રાખજે."
"અરે, તમારી ઓકાત પણ નથી મારી દોસ્ત જેવું બનવાની. એ તો હમેશાથી કોહિનૂર જ છે. હીરાની પરખ કબાડી શું જાણે." આમ કહી હેપ્પીએ મોઢું મચકોડ્યું.
રેનાને લાગ્યું કે આમ તો વાત વધી જશે એટલે તેણે તરત જ હેપ્પીને કહ્યું,"હેપ્પી, તું અત્યારે ઘરે જા આપણે કાલ વાત કરશું."
હેપ્પી પણ કેમ જાણે રેનાની વાતનો મર્મ સમજી ગઈ હોય એમ બોલી, "હા રેના, તું કાલ આવજે મારા ઘરે. આપણે શાંતિથી વાત કરીશું." આમ કહી તે જવા લાગી. અચાનક જ દરવાજે પહોંચીને તે ઊભી રહી અને પાછળ ફરીને વૈભવ તરફ જોઈ બોલી, "વૈભવજી, હું તો મારી જીભ કાબૂમાં રાખી લઈશ પણ તમે જો તમારો હાથ કાબૂમાં ન રાખ્યો તો ભગવાન કસમ આજે જેમ અડધો દિવસ રેનાએ જેલમાં કાઢ્યો છે ને એમ તમને તો હું કેટલાં દિવસ જેલની હવા ખવડાવિશ એ નક્કી નહિ."
"તું મને ધમકી આપે છે?"
"ચેતવણી આપી છે પણ તમે ધમકી સમજીને જ ચાલો તો વધુ સારું રહેશે." આમ કહી હેપ્પી સડસડાટ ત્યાંથી નીકળી ગઈ અને વૈભવ પણ ગુસ્સામાં જ બેડરૂમમાં જતો રહ્યો.
રેના પરી પાસે ગઈ. પરી એની ડ્રોઈંગબુકમાં ચિત્રો દોરી રહી હતી. રેનાને જોઈ પરી ખુશ થઈ ગઈ અને સીધી જ તેને વળગી ગઈ. "મીમી, તમે મને છોડીને ક્યાં જતાં રહ્યાં હતાં? મને જરાય ગમતું ન હતું તમારા વિના." પરી જ્યારે પણ ગુસ્સે હોય કે વધુ પ્રેમ કરે ત્યારે રેનાને મીમી જ કહેતી.
"મીમીને થોડું કામ હતું ને તો મીમી ઓફિસ ગઈ હતી." એમ કહી રેનાએ પરીને વહાલથી પોતાના ખોળામાં લઈ લીધી.
"સન્ડે ઓફિસ થોડું જવાય? બોસ અંકલને કહી દેજો કે મારી મીમીને સન્ડે ઓફિસ નહિ બોલાવવાની. તમને ખબર છે તમે ગયાં પછી પણ પપ્પા બધા પર ગુસ્સો જ કરતાં હતાં. મને જરાય ન ગમે. રોજની જેમ પપ્પાએ મને વાલી વાલી પણ ન કરી." પરીની ફરિયાદો બંધ થવાનું નામ લેતી ન હતી. રેનાએ પરીના મગજને બીજે વાળવા કહ્યું, "મારી પરીને શું જમવું છે અત્યારે?"
"આલુ પરાઠા."
"ઓકે, તો મીમી ફટાફટ આલુ પરાઠા બનાવી દે હો ને. ત્યાં સુધી તું દાદાજી સાથે રમજે હો." આમ કહી પરીને એક કિસી કરી રેના રસોડા તરફ ચાલી. રસોડાના જ બેઝીનમાં મોં ધોઈ એ ફ્રેશ થઈ ગઈ. બેડરૂમ સુધી જવાની તો તેની હિંમત જ ન હતી. ફટાફટ તેણે કુકરમાં બટેટા બાફવા મૂક્યાં અને લોટ બાંધવા લાગી.
રેવતીબહેન રસોડામાં આવી રેના પાસે ઊભી રહ્યાં. " રેના, મને માફ કરજે બેટા. હું તો આવતી જ હતી પોલીસ સ્ટેશન તને છોડાવવા માટે પણ વૈભવનો સ્વભાવ અને તેણે તારા પર ઉપાડેલ હાથ.....આ બધું જોતાં જ્યાં સુધી કઈ રસ્તો ન નીકળે ત્યાં સુધી...."
રેના રેવતીબહેન તરફ ફરી, "મમ્મી, તમારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી. જે પણ થયું એ મારા ખરાબ નસીબ જ હશે. હું એક વાત તમને કહેવા માંગુ છું મમ્મી કે મે કશું જ ખોટું નથી કર્યું. હા, હું વિક્રાંતના ઘરે ગઈ હતી પણ ઓફિસના કામથી જ ગઈ હતી. અમારી વચ્ચે ફક્ત મિત્રતાના જ સંબંધો છે. હું વૈભવને જ પ્રેમ કરું છું અને આજે પણ એટલી જ પવિત્ર છું." આમ કહેતાં રેનાની આંખમાં આંસુ આવી ગયાં.
"બેટા, તારે તારી પવિત્રતા સાબિત કરવાની કોઈ જરૂર નથી. મે ભલે તને જન્મ નથી આપ્યો પણ છેલ્લા દસ વર્ષથી આપણે એક જ ઘરમાં રહીએ છીએ. આટલી તો હું તને ઓળખું જ છું. બાકીની વાતો પછી કરશું પહેલા ફટાફટ રસોઈ બનાવી લઈએ. પછી તારે પણ આરામ થાય ને. આજ તો આખો દિવસ..." આમ કહી રેવતીબહેને વાક્ય અધૂરું જ મૂકીને તે પણ રેનાને મદદ કરવા લાગ્યાં.
રસોઈ બની જતાં સૌ સાથે જમી લીધાં. કોઈ કશું જ બોલ્યું નહિ બસ પરીની વાતો ચાલું રહી. ઘરમાં ગમે તેવું ટેન્શન હોય તો પણ બાળકના હોવાથી ઘડીભર માટે એ ટેન્શન ગાયબ થઈ જાય છે. રેનાએ પરી સાથે વાતો કરતાં કરતાં એને જમાડી. વૈભવએ એક પણ વાર આંખ ઊંચી કરી રેના સામે જોયું સુધ્ધા નહિ. જે રેનાના ધ્યાનમાં જ હતું. છતાંય તે ચુપચાપ પોતાનું કામ કરતી રહી. છેલ્લે રસોડું સમેટી પરીને સુવડાવી તે સુવા માટે ચાલી.
બેડરૂમના દરવાજે પહોંચી તે ઊભી રહી ગઈ. સવારે જે હાલત થઈ હતી એ જોઈને એને થયું કે તે પરી પાસે જઈને સૂઈ જાય. સાથે એવો પણ વિચાર આવ્યો કે અત્યારે કદાચ વૈભવ સાથે શાંતિથી વાત થઈ જાય. તે દરવાજો ખોલી અંદર ગઈ. વૈભવ પડખું ફરીને સૂતો હતો. તે જાગે છે કે ખરેખર સૂઈ ગયો છે એ નક્કી કરવું મુશ્કેલ હતું. રેના કબાટમાંથી કપડાં લઈ સીધી નહાવા જતી રહી. આખા દિવસના થાક પછી અત્યારે નાહીને સારું લાગ્યું તેને.
નાહીને હેરમ ટીશર્ટ પહેરી તે બહાર આવી અને પોતાની જગ્યા પર સુઈ ગઈ. આંખોમાં ઊંઘનું નામ નિશાન તો હતું જ નહિ. આજનો આખો દિવસ સત્ય હતો કે સપનું એ નક્કી કરવું એના માટે મુશ્કેલ થઈ ગયું. જો હેપ્પી ન આવી હોત તો? તો અત્યારે પોતે એ જેલના ખરબચડા ઓટલા પર મચ્છરોના ત્રાસ વચ્ચે સૂતી હોત. આ વિચારથી જ તેને કમકમા આવી ગઈ. જેલનો વિચાર જ ભયંકર છે જો સાચે ત્યાં રહેવાનું થયું હોત તો પોતાની હાલત કેટલી ખરાબ હોત. એક સામાન્ય માણસ માટે જેલ એ કોઈ નર્કની યાતનાથી ઓછી નથી હોતી.
વિચારો કરતાં કરતાં તે પડખું ફરી. એક નજર તેણે વૈભવ પર નાંખી. એ ગમે એટલો ગુસ્સાવાળો હતો પણ એ પોતાનો પતિ હતો. દસ વર્ષ કાઢ્યા છે એણે તેની સાથે. તેના સ્વભાવ , આદતો, મૂડ ખૂબ સારી રીતે જાણે છે તે. તેણે પોતાની આંખો બંધ કરી અને સૂવાની કોશિષ કરી. અચાનક તેના ગાલ પર તેને હળવો સ્પર્શ મહેસૂસ થયો. તેણે આંખો ખોલી. વૈભવ તેના ગાલ પર હાથ મૂકીને બોલ્યો, "થોડું વધારે જ વાગી ગયું ને તને? આઈ એમ સોરી રેના." આમ કહી તેણે પ્રેમથી રેનાના ગાલ પર હાથ ફેરવ્યો. સવારના વૈભવ અને અત્યારના વૈભવમાં કેટલો ફેર હતો. રેના વૈભવ સામે જોઈ વિચારી રહી. ખરેખર એ અત્યારે સાચે સોરી કહે છે કે પછી આ પણ વાવાઝોડા પહેલાની શાંતિ છે?
( ક્રમશઃ)
શું ખરેખર વૈભવ દિલથી સોરી કહી રહ્યો છે?
કે હજુ બાકી છે કોઈ યાતના ભોગવવાની રેનાને?
જાણવા માટે જરૂરથી મળીએ આગળના ભાગમાં.