આ તરફ રમીલાનાં એમ. બી. એ. ના ભણતરને અને સમુ તથા મનુનાં શાળાકીય ભણતરનું એક-એક સેમેસ્ટર પૂરું થયું. રમીલા આખા દિવસની નોકરી સાથે પણ તેની કૉલેજમાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થઈ.
સમુ અને મનુ પણ ઠીકઠીક ગુણથી પાસ થયાં. તેમની ગ્રહણક્ષમતા જરૂર વધી હતી અને વિવિધ ભાષા ઉપર પણ પકડ મજબૂત થઈ રહી હતી. વચ્ચે વચ્ચે નિખિલ સાથે થતી મુલાકાતોમાં મનુનો ઈતિહાસ પ્રત્યેનો રસ વધી રહ્યો હતો. નિખિલ ક્યારેક પોતાની અંગત લાયબ્રેરીમાંથી તો ક્યારેક બુકસ્ટોરમાંથી ખરીદીને તેને ઈતિહાસનાં પુસ્તકો વાંચવા આપતો. પાછો ફોન ઉપર પણ તેની સાથે ઈતિહાસ વિષયક ચર્ચા કરતો રહેતો.
સમુનો પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન બની ગયો. તેને તેના ટ્યુશન ટીચર ભૌતિક વિજ્ઞાનનાં પુસ્તકો વાંચવા આપતાં. તેઓએ સમુનું નામ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પણ નોંધાવી દીધું હતું. ત્યાં દર શનિ-રવિ તે સાયકલ ઉપર નવાં નવાં પ્રયોગો જોવા, શીખવા અને જાતે પણ કરવા જતી. તેને ઘણો જ આનંદ આવતો. બાળકોની પ્રગતિ જોઈને માતા-પિતા ખૂબ ખુશ થતાં. સમુ અને મનુ નાનાં-મોટાં કામે જાતે જઈ શકે તે માટે બેય વચ્ચે એક સાયકલ પણ રમીલાએ લઈ લીધી હતી.
ભૌતિક વિજ્ઞાનની સાથે સાથે સમુનો એક બીજો શોખ ખીલી રહ્યો હતો. તેને કાર્ટૂન ચિત્રો બનાવવામાં ખૂબ આનંદ આવતો. હજી તો પાશેરામાં પહેલી પૂણી જ હતી. તે ટેલિવિઝન ઉપર આવતાં કાર્ટૂન કેરેક્ટર જ દોરતી હતી પણ તેમાં તેનું સાતત્ય વધી રહ્યું હતું. તેની શાળાનાં ચિત્રકામનાં શિક્ષકનાં ધ્યાનમાં પણ આ આવ્યું હતું. જ્યારે જાન્યુઆરી મહિનામાં શાળાનો વાર્ષિકોત્સવ થયો ત્યારે સમુ અને તેનાં જેવાં મિત્રોને શિક્ષકે પોતાની સાથે લઈ શાળાના આ ઉત્સવને ચાર ચાંદ લગાડે તેવાં સુંદર કાર્ટૂન તૈયાર કરી અનોખી થીમ પ્રસ્તુત કરી. આ વાત આચાર્ય અને સુપરવાઇઝરનાં ધ્યાને પણ આવી. મજૂર વસાહતમાંથી આ જ વર્ષે શાળામાં આવેલ સમુની આવડતથી સૌકોઈ ખુશ હતાં.
જીવનનો ઉત્તમ કાળ હોય, સામાન્ય હોય કે તકલીફોથી ભરેલ રસ્તો હોય, કપાતાં વાર લાગતી નથી. રમીલાને એમ. બી. એ. ના બીજા સેમેસ્ટરમાં અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડતું હતું. તેના આૅફિસનાં કલાકો સાથે અભ્યાસ ખૂબ અઘરો પડી રહ્યો હતો. એવું ન હતું કે તેની સમજણશક્તિ ઓછી પડી રહી હતી. તેને પુનરાવર્તન માટે સમયની જરૂર હતી. પ્રોજેક્ટ માટે પણ વધુ સમય જોઈતો હતો. પંદરેક દિવસ ખેંચ્યાં બાદ પણ સમયનું અનુકૂલન ન સધાતાં તેણે જેઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો એ પલાણસરને ઇ-મેઈલ કરી પોતાને બે માસ પૂરતાં કામનાં કલાકો થોડા ઓછાં કરી આપવા વિનંતી કરી. પલાણસરને પણ તેની વાત યોગ્ય લાગી. તેઓ કોઈ કાળે એવું ઈચ્છતા ન હતાં કે કામકાજનું ભારણ રમીલાનાં એમ. બી. એ. ના અભ્યાસમાં બાધક બને.
તેઓએ રમીલાને અઠવાડિયે નોકરીના પાંચના બદલે ચાર દિવસ કરી આપ્યાં. તેને બુધવારે ત્યાં સુધી રજા કરી આપી જ્યાં સુધી તેને અભ્યાસ માટે જરૂરી લાગે. ઉપરાંત સવારે તે દસ વાગ્યાના બદલે બાર વાગતા સુધી ગમે ત્યારે આવી શકે તેવી છૂટ કરી આપી. તે સામે તેના પગારમાં કોઈ જ ઘટાડો ન કર્યો. ઉપરથી મૈથિલી સાથે આગામી આૅફિસ મિટીંગ્સ ઓનલાઈન ગોઠવીને ઘરેથી પણ કામ થઈ શકે તેવી સુવિધા કરી આપી. સૂરજ સર સાથે મળી તેને પોતાનું કાર્ય પત્રક ગોઠવવા સલાહ આપી. રમીલા આ નવી ગોઠવણીથી ખૂબ જ ખુશ હતી. તેણે ઘરેથી નિયતસમયે એટલે કે નવ વાગ્યે જ નીકળી જવાનું ચાલુ રાખ્યું. પણ હવે તે આૅફિસના બદલે કૉલેજની લાયબ્રેરીમાં બેસી વાંચતી અને રજાઓમાં પોતાનું પ્રોજેક્ટ વર્ક આગળ ધપાવતી.
પહેલા વર્ષને અંતે તેણે માનવસંસાધન અને કંપની તથા કર્મચારીની પ્રગતિને આધારરૂપ લઈ પ્રોજેક્ટ સબમિટ કર્યો. આ પ્રોજેક્ટ કૉલેજના આચાર્યના ધ્યાને ચઢ્યો. તે પ્રોજેક્ટ આગળઉપર પલાણસર સુધી પહોંચ્યો જે તેમને ખૂબ જ આકર્ષી ગયો. રમીલા આ વર્ષે બાણું ટકા સાથે કૉલેજ પ્રથમ આવી. તેનો પ્રોજેક્ટ તેની જ આગેવાની હેઠળ તેની કંપનીમાં મૂર્તરુપે આકાર લઈ અમલમાં આવનાર હતો. એક સુંદર મજાનાં મગજને મળેલ સિંચન અને આધારે રમીલા જેવી નાજુક વેલને એક મજબૂત સહારો પૂરોપાડી શકે તેવા વૃક્ષમાં રૂપાંતરિત કરી દીધી હતી.
તેની પ્રગતિ માત્ર તેની પોતાની ન હતી. તેમાં મીરાંમાસી, જનકમાસા, મેઘનાબહેન, સમીરભાઈ અને પલાણસરનો સાગમટે ફાળો હતો. હવે રમીલા ફરીથી આૅફિસમાં પૂર્ણ સમય આપી પોતાનું કામકાજ આગળ ધપાવી રહી હતી.
ક્રમશઃ