Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 107

દેવાંશે કવિશાનો હાથ પકડી લીધો અને તે બોલ્યો કે, "કવિ, તું મને સાથ આપજે..આ બધું મારાથી જલ્દી નહીં છૂટે પણ હું બધું જ છોડી દેવા માંગું છું. મોમ અને ડેડ પાછા ઈન્ડિયા આવે તે પહેલાં.."
"ડોન્ટ વરી આઈ એમ વીથ યુ.. હવે હું જાઉં?" કવિશાએ દેવાંશને ખાતરી આપી કે તે તેને સાથ આપશે જ અને દેવાંશની હિંમત વધી ગઈ.
"હા ચાલ હું પણ આવું જ છું." અને તેણે ફટાફટ બિલ ચૂકવ્યું અને કવિશાનો હાથ પકડી લીધો જાણે કવિશા તેની પોતાની હોય તેમ.. અને બંને દોસ્તો રેસ્ટોરન્ટની બહાર નીકળ્યાં.
કવિશાએ પોતાનું એક્ટિવા પોતાના ઘર તરફ ભગાવી મૂક્યું અને દેવાંશે પોતાનું બુલેટ પોતાના ઘર તરફ હંકારી મૂક્યું. ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો થોડી વારમાં કવિશા ઘરે પહોંચી ગઈ. પરીની ફાઈનલ એક્ઝામ હવે ચાલુ થઈ ગઈ હતી તેથી તે એક્ઝામ આપીને વહેલી જ ઘરે આવી ગઈ હતી. તેના પેપર્સ ખૂબજ સરસ જઈ રહ્યા હતા.
કવિશાએ ઘરમાં પગ મૂક્યો અને તે પોતાના રૂમમાં ગઈ અને નાનીમાને વળગી પડી પરી પોતાના આગળના પેપરની તૈયારી કરી રહી હતી તે જોઈ રહી હતી કે કવિશા આજે ખૂબ ખુશ દેખાઇ રહી છે.
નાનીમા પછી પરીનો વારો આવ્યો તે પરીની લગોલગ ગઈ અને તેની ચેરની પાછળથી તેને ચોંટી પડી.
પરી સમજી ગઈ હતી કે મામલો શું છે..!!
તેણે પોતાની છુટકીના બંને હાથ પ્રેમથી પકડી લીધા અને તેની સામે જોઈને નાનીમા સાંભળે નહીં તે રીતે ધીમેથી બોલી કે, "દેવાંશને મળીને આવી, માની ગયો તે તારી વાત??"
છુટકી થોડી વધારે તેની તરફ ઢળી અને તેના કાનમાં બોલી, "હા દી પછી તને બધી વાત કહું છું.."
છુટકી ઘરમાં આવી ગઈ છે તેની જાણ તેની ક્રીશા મોમને થતાં જ તેણે બૂમ પાડી, "છુટકી, આજે કેમ મોડું થયું બેટા?"
"મોમ, એ તો હવે એક્ઝામ આવી રહી છે એટલે બધા ફ્રેન્ડ્સ સાથે બેસીને થોડું ડિસ્કશન કરતાં હતાં."
"સારું ચાલ હવે ભૂખ લાગી હોય તો જમવાનું આપી દઉં પરી પણ ક્યારની તારી રાહ જોઈને બેઠી છે."
"આવી મોમ."
"દી, તારે પણ હજુ જમવાનું બાકી છે?"
"હા, તું જા હું આવી."
છુટકી કિચનમાં ગઈ અને પોતાની મોમને પાછળથી વળગી પડી અને કિસ કરવા લાગી અને કહેવા લાગી કે, "મોમ, તું જા આરામ કર હું અને દીદી જાતે લઈ લઈશું અને જમી લઈશું. તું ચિંતા ન કરીશ."
"આજે મારી દીકરી કંઈ બહુ ખુશમાં લાગે છે ને!"
ક્રીશાએ પણ છુટકીની હરકતો જોઈને નોટિસ કર્યું કે તે આજે કોઈ અલગ જ મૂડમાં છે."
"હા માં એમાં એવું છે ને કે, મેં જેટલા લેસન્સ તૈયાર કર્યા છે તેટલા જ કોર્સમાં છે એટલે હું ફાવી ગઈ છું."
"મોમ, આ છે ને એને ભણવું ન પડે ને એવું જ શોધતી હોય છે." પરીએ છુટકીની કમ્પલેઈન કરતાં કહ્યું.
"સાચી વાત છે બેટા તારી." ક્રીશા બોલી ઉઠી અને તે અને પરી બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા.
"એવું કંઈ નથી હોં, મારે બધું તૈયાર છે." છુટકી પોતાનો બચાવ કરતી હોય તેમ બોલી ઉઠી.
"એ તો રિઝલ્ટ આવશે એટલે ખબર પડી જશે." પરીએ ફરીથી છુટકીની ખેંચી.
ક્રીશા બંને દીકરીઓની સામે જોઈને બોલી કે, "સારું હવે બંને જણાં શાંતિથી જમી લો."અને તે પોતાના રૂમમાં આરામ ફરમાવવા માટે ચાલી ગઈ.

છુટકીને પોતાની દી સાથે એકાંતમાં દેવાંશની વાત કરવી હતી એટલે તે સ્પેશ શોધી રહી હતી હવે મોમ ગઈ એટલે તેણે વાત કરવાની શરૂઆત કરી, "દી આજે તો ખરું થયું!"
"કેમ શું થયું?"
"અરે મેં દેવાંશને ભાવ ન આપ્યો તો તે મારા માટે કોફી લઈને કેન્ટિનમાં આવી પહોંચ્યો અને મારી સામે બેસી ગયો."
"મતલબ કે તે તારી સાથે ફ્રેન્ડશીપ તોડવા નથી ઈચ્છતો..."
"હા, સાંભળ ને.. તો પણ મેં તેને નિગ્લેક્ટ કર્યો અને તેની સાથે વાત ન કરી તો તે રિસાઈને ચાલ્યો ગયો.."
"અંહ.. પછી "
"પછી કોલેજ છૂટી એટલે હું તો ઘરે આવવા માટે નીકળી ગઈ તો રસ્તામાં સાહેબ મારો રસ્તો રોકીને ઉભા રહી ગયા હતા અને મેં બહુ જીદ કરી પણ મને ત્યાંથી તેણે છટકવા ન દીધી બસ તેણે એક જ જીદ પકડી રાખી કે આજે તો તારે મારી સાથે વાત કરવી જ પડશે અને અમે બંને ત્યાં કોર્નર માં પેલી રેસ્ટોરન્ટ નથી? તેમાં બેઠાં..બહુ વાતો કરી..બહુ વાતો કરી એના મોમ અને ડેડ યુ એસ ગયેલા છે તેણે કબૂલ્યું કે તે બધું જ ખોટું કરી રહ્યો છે પણ તે આ બધું જ છોડી દેશે પણ તેણે મારો સાથ માંગ્યો છે.. હવે હું શું કરું? તેની મને ખબર નથી પડતી..?"
"એ જો સુધરવા માંગતો હોય તો તારે એની હેલ્પ કરવી જોઈએ નહીં તો એની જિંદગી બરબાદ થઈ જશે..અને મને એવું લાગે છે કે તને તેના માટે લાગણી છે એ ખૂબ સારા ઘરનો છોકરો છે તું એને થોડી હેલ્પ કરીશ તો એની લાઈફ બની જશે...
માણસની આવી પરિસ્થિતિમાં તેને કોઈના પ્રેમ, હૂંફ અને સહારાની જરૂર પડે છે તેની આવી નાજુક પરિસ્થિતિમાં જો તમે સતત તેનો તિરસ્કાર કર્યા કરો તો તે વ્યસનોનો વધારે પડતો આદિ બની જતો હોય છે અને છેવટે તે ખલાસ થઈ જાય છે અને રોગનો ભોગ બની જાય છે અથવા ગુનેગાર બની જાય છે. સારા સારા ઘરના છોકરાઓને મેં આ રીતે રખડી પડતાં જોયા છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.
માટે તને ઈશ્વરે એક જિંદગી બચાવવાનો ચાન્સ આપ્યો છે તો તેની હેલ્પ કર અને તેને સાચો રસ્તો બતાવ અને એણે આપણને જે મદદ કરી હતી તેનો બદલો ચૂકવી આપ..."
"ઓકે, દી હવે મારા માઈન્ડમાં બધું ક્લિયર થયું.. હું કન્ફ્યુઝનમાં હતી કે શું કરવું?
હવે હું એની હેલ્પ કરીશ..." છુટકી બહુ મક્કમતાથી બોલી.
ગપસપ કરતાં કરતાં બંને બહેનોનું જમવાનું પૂરું થયું એટલે બંને પાછી પોત પોતાના રૂમમાં આવીને પોતાની બુક્સ હાથમાં લઈને એક્ઝામની તૈયારીઓ કરવા લાગી.
પરીએ પોતાનો મોબાઈલ સાઈલેન્ટ મોડ ઉપર રાખેલો હતો પણ ક્યારનો તેમાં કંઈક મેસેજ આવી રહ્યો હતો...
કોનો મેસેજ હશે?
અને શું મેસેજ હશે?
જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
25/5/24