મનહરભાઈના ઘરે સોપો પડેલો હતો. બધાના કાનમાં ફક્ત રેનાના શબ્દો ગુજતા હતાં. રેવતી બહેને ફરી એકવાર રેનાને પૂછ્યું, "શું કહ્યું તે?"
રેના ફરી ચોધાર આંસુએ રડતાં બોલી, "હા મમ્મી, વિક્રાંતએ મારી સાથે બળજબરી કરવાની કોશિષ કરી હતી."
રેના આગળ હજુ કઈ બોલે એ પહેલા જ ફરી વૈભવના નંબર પર એક મેસેજ આવ્યો જે એક વીડિયો હતો. વૈભવે જેવો વિડિયો ઓપન કર્યો કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિડિયો જોઈને રેના પર રીતસરનો તેને કાળ ચડ્યો. તે રેના તરફ ધસ્યો અને ફરી જોરથી હાથ ઉપાડવા જ જતો હતો કે પાછળથી અવાજ આવ્યો, "મમ્મી..."
આ બધા અવાજ અને વૈભવના ઘાંટાથી પરી જાગી ગઈ હતી અને તે હોલમાં આવી તો તેણે જોયું કે વૈભવ તેની મમ્મીને મારવા જઈ રહ્યો છે એટલે તે ડરીને જોરથી રેનાને વળગી પડી અને રડવા લાગી. પરીને જોઈને વૈભવનો હાથ તો અટકી ગયો પરંતુ એનો ગુસ્સો શાંત ન થયો. આથી તે ગુસ્સામાં જ ઘરની બહાર નીકળી ગયો.
પરીને રડતી જોઈ રેનાએ તરત જ પોતાના આંસુ લૂછી નાખ્યાં.
"મમ્મી, પપ્પા કેમ તમારા પર ગુસ્સો કરે છે? તમે કેમ રડો છો?" પરી પણ રડતાં રડતાં જ બોલી.
"અરે નહિ બચ્ચા, પપ્પા ગુસ્સો નથી કરતાં. એ તો મમ્મીને આજે મજા નથી તો એ દવા ખાવાનું જ કહેતાં હતાં. તને ખબર છે ને દવા તો કડવી હોય તો મમ્મીને પણ ન ભાવે ને??"
પરીએ હકારમાં જ માથું ધુણાવ્યું. બાળક કેટલું નિર્દોષ હોય છે એટલે જ જે જોયું હોય તેમ છતાંય તમે જે સમજાવો એની સાથે જ એનું અનુસંધાન જોડી લેતું હોય છે.
"ચાલ, ફટાફટ તું બ્રશ કરી લે. મમ્મીએ તારી ફેવરિટ વેજીટેબલ ઈડલી બનાવી છે."
ઈડલીનું નામ સાંભળતા જ પરી ખુશીથી ઉછળી પડી. પોતાનું દુઃખ પરીના સ્મિત વચ્ચે દબાવી રેના ઊભી થઈ અને રસોડા તરફ ચાલી.
મનહરભાઈએ ગુસ્સામાં નીકળી ગયેલાં વૈભવને ફોન કર્યો પણ વૈભવ ફોન ઉપાડતો ન હતો.
"વૈભવ ગમે તે કહે, મને રેના પર પૂરો વિશ્વાસ છે. એ ક્યારેય કઈ ખોટું ન કરે. મે એને દીકરીની જેમ રાખી છે. એટલું તો હું ઓળખું જ છું એને." રેવતીબહેને ચિંતા સાથે સોફા પર બેસતાં કહ્યું.
"વિશ્વાસ તો મને પણ છે રેવતી, પણ વૈભવને કોણ સમજાવે? આપણી હાજરીમાં પણ તેણે આજ રેના પર હાથ ઉપાડ્યો છે. હું ઉપર રૂમમાં ગયો ત્યારે પણ ત્યાંનું વાતાવરણ બગડેલું જ હતું. રેનાના સૂજેલા ગાલ ઘણું બધું કહી ગયાં. જોઈએ હવે આગળ શું થાય છે." આમ કહી મનહરભાઈએ એક નિઃસાસો નાખ્યો.
આ બાજુ વૈભવ ગાડી લઈને ઘરેથી નીકળી તો ગયો પણ ગુસ્સામાં ક્યાં જવું એ ન સુજતા બાજુના ગાર્ડનમાં જઈને બેઠો. અત્યારે ગાર્ડનમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ હતાં. તે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ફરી એક વખત તેની નજર સામે એ મેસેજ અને વિડિયો આવી ગયાં. મનોમન જ તે વિચારી રહ્યો કે ક્યાં કમી રહી ગઈ હશે એના પ્રેમમાં?
અચાનક તે ઉભો થયો અને ગાડી વિક્રાંતના પેન્ટહાઉસ તરફ મારી મૂકી. વિક્રાંત સાથે તેને પણ ધંધાકીય સંબંધો હતાં જ. કદાચ ત્યાં જઈને કઈક જાણવા મળી જાય એ આશાએ જ તે પણ ત્યાં પહોંચ્યો.
જો કે ત્યાંની આશા તો ઉલ્ટાની ઠગારી નીવડી કેમકે દેવિકા એના પર જ વરસી પડી. વિક્રાંતની સ્મશાન યાત્રા નીકળી પણ વૈભવ તો ત્યાંથી જ પાછો વળી ગયો. આમ તેમ રખડ્યો પણ જીવને ક્યાંય ચેન ન પડ્યું એટલે આખરે તે ઘરે પહોચ્યો.
તેને જોઈને રેવતી બહેનનાં જીવમાં જીવ આવ્યો. રેના બપોર માટે રસોઈ બનાવી રહી હતી. એના તરફ નજર કરી ન કરી ને વૈભવ બેડરૂમમાં જતો રહ્યો.
પોતે ફ્રેશ થઈને બેડને ટેકો દઈ આંખો બંધ કરીને બેઠો. ત્યાં તેના હાથ પર મુલાયમ નાજુક સ્પર્શ થયો. તેણે આંખો ખોલી તો પરી તેના નાજુક હાથ વડે વૈભવને જગાડી રહી હતી.
"પરી, તું અહી શું કરે છે? જા, દાદા દાદી પાસે રમ." વૈભવનો મૂડ ખરાબ હતો એટલે તે પરીને પણ થોડો ખિજાઈ ગયો.
"પપ્પા, તમે મમ્મી પર કેમ ગુસ્સો કરતાં હતાં? મમ્મી કેટલું રડતાં હતાં. મમ્મી રડે તો મને પણ રડવું આવે. દાદી હમેશા કેય છે કે ગુસ્સો કરીએ તો ભગવાનજી ખીજાય. હવે તમને પણ ભગવાનજી ખીજાશે તો મને તો એ પણ નહિ ગમે." પરીની નિર્દોષ વાતોની આજ જાણે કોઈ અસર ન થઈ હોય એમ વૈભવે રેવતી બહેનને બૂમ મારો અને પરીને અહીથી લઈ જવા કહ્યું.
પરી એટલે કે પારૂષી આઠ વર્ષની હતી. લગ્નના બે વર્ષ થયા ને પારુષી જન્મી હતી. વૈભવને તે ખૂબ જ વહાલી હતી. ક્યારેય પણ તે પરીને ખીજાયો ન હતો. આમ પણ બાપને દીકરી ખૂબ વહાલી હોય. કેમકે મા પછી એક દીકરી જ હોય જે બાપનું મા બનીને ધ્યાન રાખી શકે. હકથી ખિજાઈ શકે. અરે, એના હાથની તો કાચી રોટલી પણ બાપ હરખભેર ખાઈ લે. જો કે આજ વૈભવ માટે પરીના શબ્દો પણ જાણે પથ્થર પર પાણી જ હતાં.
આ બાજુ રેના રસોઈ બનાવતાં બનાવતાં પણ રડી રહી હતી. પોતાના નસીબ અને પોતાની જાત બેયને કોસી રહી હતી. પરીની હાજરીમાં તો વાત સચવાઈ ગઈ પણ આગળ?? એ વિચારે ફરી તે ધ્રુજી ગઈ. એને ખબર હતી કે જે શંકા વૈભવના મગજમાં ઘર કરી ગઈ છે તેના માટે જ્યાં સુધી તેને સંતોષ નહિ થાય એવું કંઈ પોતે નહિ બોલે ત્યાં સુધી એના હાથ ચાલ્યા જ કરશે.
આજ સુધી વૈભવનો ગુસ્સો તો રોજ સહન કરતી પણ માર તો ક્યાં સુધી સહન થશે? બીજી બાજુ પોલીસનો પણ ડર હતો. પોતે એવા વમળમાં ફસાઈ હતી કે તેમાંથી બહાર આવવા તે જેટલી કોશિષ કરતી એટલી તે ઊંડે ને ઊંડે જઈ રહી હતી.
શા માટે વિક્રાંત તેની જિંદગીમાં આવ્યો?? કાશ, આ બધું એક સ્વપ્ન સમાન હોય તો કેવું સારું. આંખ ખૂલે અને બધું પહેલા જેવું થઈ જાય. આમ વિચાર કરતાં કરતાં જ તેના હાથ ચાલી રહ્યાં હતાં. રસોઈ કરીને સૌથી પહેલા તેણે પરીને જમાડી દીધી. ત્યારબાદ બધું ડાયનીગ ટેબલ પર ગોઠવી તે રેવતી બહેન પાસે ગઈ.
"મમ્મી જમવાનું તૈયાર છે. તમે વૈભવને બોલાવી લો."
"રેના, તું જ જા અને બોલાવી લે તેને."
"નહિ મમ્મી, તમે તો એનો સ્વભાવ ઓળખો જ છો. હું જઈશ તો મને જોઈ એ વધુ ગુસ્સો કરશે." રેવતી બહેનને રેના પર દયા આવી ગઈ.
વૈભવને તે બોલાવી લાવ્યા અને સૌ જમવા માટે ગોઠવાયા. મૂડ તો કોઈનો હતો જ નહિ જમવાનો. કહેવાય છે ને કે પેટ્રોલ વિના તો ગાડી પણ ન ચાલે તો શરીરને પણ ભોજન તો આપવું જ પડેને, ઈચ્છા હોય કે ન હોય. હજુ તો જમવાનું ચાલુ જ કર્યું ત્યાં જ ફરી ડોરબેલ વાગી.
આ વખતે વૈભવે જ જઈને દરવાજો ખોલ્યો. સામે ફરી એકવાર એસીપી મીરા શેખાવત પોતાના બે લેડી કોન્ટેબલ સાથે ઊભી હતી. જેની વૈભવને આશંકા હતી આખરે એ જ થયું. મીરા શેખાવત આવી ઊભી હતી દરવાજે. એ શું કામ આવી હતી એનું અનુમાન કરવું ઘરમાંથી કોઈ માટે જરાય અઘરું ન હતું.
( ક્રમશઃ)
શું રેનાની ધરપકડ થઈ જશે?
રેના કબૂલી લેશે પોતાનો ગુનો?
જાણવા માટે વાંચત રહેજો મિત્રો.