ખજાનો - 43 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 43

આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાની યોજના બનાવે છે, પણ સાપોથી છુટકારો મેળવતાં તેઓએ દીપડાનો સામનો કરવો પડ્યો. રાજાની સૂઝબૂઝથી પાંચેય ગુપ્ત સુરંગ સુધી પહોંચી જાય છે. અને સુશ્રુતને ભોજન મળતાં તેનાં જીવને રાહત મળે છે. હવે આગળ....)

" મારી મદદ...? મારી શુ મદદ જોઈતી હતી..? તમે લોકોએ મને કોટડીમાંથી બહાર કાઢ્યો છે. હું તમારો ઋણી છું. હું વચન આપું છું કે કોઈપણ ભોગે હું તમને મદદ કરીશ. પણ એ પહેલાં મારે કંઈ પણ કરીને મારી રાજ ગાદી પરથી નુમ્બાસાને હટાવવો પડશે." રાજાએ રૂઆબથી કહ્યું.

"આપની મદદ વિના અમે મારા ડેડને આદિવાસીઓની કેદમાંથી છોડાવી શકશું નહીં. આપ મહેરબાની કરીને અમને મદદ કરજો." લિઝાએ કહ્યું.

"મેં વચન આપ્યું છે. હું રાજા છું અને હું વચન આપીને ક્યારેય ફરી જઈશ નહીં. પણ હું તમને મદદ ત્યારે જ કરી શકીશ જ્યારે મને મારું રાજ્ય પાછું મળશે. તો તમને મદદ કરતા પહેલા મારે મારું રાજ્ય...મારી રાજ ગાદી... પાછી મેળવવી પડશે. આથી હું એ વિચારમાં છું કે નુમ્બાસાને માત કેવીરીતે આપું ? " રાજાએ કહ્યું.

" શું તમે નુમ્બાસાને પહેલેથી જ ઓળખો છો ? કે પછી પહેલીવાર જ તમારી સાથે આક્રમણ કરીને તેણે તમારી રાજગાદી છીનવી લીધી ?" જૉનીએ પૂછ્યું.

" આમ તો આ કુખ્યાતનો ત્રાસ આખા આફ્રિકાના દરિયા કિનારે છે. તેના કેટલાક કુકર્મોની જાણ છે મને. આથી મેં મારા રાજ્યની સરહદ પર કેટલીક સિસ્ટમ પણ સેટ કરી છે. પણ આ ચાલાકે મારી સિસ્ટમમાં છેડખાની કરી અંદર ઘૂસી ગયો. સાંભળ્યું છે તે પોતાની જાતને લૂંટારાઓનો બાપ માને છે. બસ આટલું જાણું છું. પણ તે જે હોય તે કોઈ પણ ભોગે હું તેને મારી રાજગાદી પરથી હાંકી કાઢીશ." રાજાએ કહ્યું.

" બીજાની વસ્તુ લૂંટીને તેને શું આનંદ આવતો હશે ? રાજાજી..! અમારી બધી વસ્તુઓ તેણે છેનવી લીધી. બિચારી લિઝાએ અહીંના બજારમાંથી જવેલરી લીધી હતી તે પણ લઈ લીધી હરામીએ...! લિઝા...તું ફિકર ના કર આપણે ફરી લઈ લઈશું જવેલરી..તારા માટે..!" ભોળા સુશ્રુતે કહ્યું.

"એ બધું તો ઠીક છે પણ મને ડર છે કે દરિયા કિનારે આપણું જહાજ છે. નુમ્બાસાએ આપણું જહાજ તો...!" ચિંતાતુર લિઝાએ કહ્યું.

" મને નથી લાગતું કે નુમ્બાસાએ આપણા જહાજને આપણા માટે ત્યાં જ રાખ્યું હોય..!" જોની એ કહ્યું.

" તમે જહાજ લઈને આવ્યા છો..? ક્યાંથી આવ્યા છો..? ક્યાં જઈ રહ્યા છો...? તમારા વિશે પણ થોડું ઘણું જણાવો જેથી કરીને મને તમને મદદ કરવામાં સરળતા રહે."

" જેની પાસેથી બધું છીનવાઈ ગયું છે...! જેને ખુદ મદદની જરૂર છે તે અમને શું મદદ કરવાના ?" હર્ષિત મનમાં જ બોલ્યો. હર્ષિતને રાજા પર સહેજેય ભરોસો ન હતો કેમકે તે સારી રીતે જાણતો હતો કે રાજા પાસેથી હવે બધું છીનવાઈ ગયું છે. તેને વિશ્વાસ નહોતો થતો કે રાજા તેમને મદદ કરી શકશે. પણ બસ રાજાનો અહમ ન ગવાય તે માટે તે ચૂપચાપ તેઓની વાતો સાંભળી રહ્યો હતો.

" હું પોર્ટુગીઝ પરિવારમાંથી છું પરંતુ વર્ષોથી અમે ભારતમાં રહીએ છીએ. મારો જન્મ પણ ભારતમાં જ થયો હતો. મારા ડેડ અને જૉનીના ડેડ ભાઈઓની સાથે સાહસિક નાવીક છે. તેઓ એક દેશમાંથી બીજા દેશોમાં વસ્તુ અને માલ સામાનનો વેપાર કરતા." લિઝાએ કહ્યું.

" ઓહ..! તો તમે ભારતથી આવ્યાં છો..! ગ્રેટ..! ભારતીયોની હિંમત અને બહાદુરીના ઘણાં કિસ્સાઓ મારા કાને પડ્યાં છે. ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે કરેલા સત્યાગ્રહો અને આંદોલનોના...! શું નામ હતું તે માનવીનું...? હા, ગાંધી..ગાંધીજી..! સત્ય અને અહિંસાના આગ્રહી..!" રાજાએ કહ્યું.

To be continue...

મૌસમ😊