ખજાનો - 42 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 42

" તમારી વાત તો સાચી છે. તો આપણે હવે કોની રાહ જોઈએ છીએ ?" સુશ્રુતે પૂછ્યું.

" પેલો દીપડો ઝાડ પરથી ઉતરે તેની...!" લિઝાએ જવાબ આપ્યો.

દીપડો કોઈ સૈનિકને પોતાનો શિકાર બનાવે તેની સૌ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કોટડીનો દરવાજો ખુલ્યો. એ જ સમયે દીપડાએ એક સૈનિક પર તરાપ મારી.આ જ ઘડીનો લાભ લઇ પાંચેય ફટાફટ બહાર નીકળી ગયા અને તેમને ઉપયોગમાં લીધેલ નિસરણી પણ બહાર ખેંચી લીધી. કોટડીમાં આવેલો માણસ જોઈ ગયો કે કેદીઓ ભાગી ગયા. તેણે પાંચેયને પકડવાનો પ્રયત્ન કર્યો પણ સાવ નિષ્ફળ રહ્યો.
બહારની બાજુ દીપડાના હુમલાને કારણે સૈનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. એ દરમિયાન ચારેય રાજાને અનુસરતા સુરંગ સુધી પહોંચી ગયા.

સુરંગનો ભેદી દરવાજો ખોલી રાજા અંદર ઊતર્યા પછી બાકીના ચારેયને અંદર બોલાવ્યા. ત્યાર બાદ સુરંગનો ભેદી દરવાજો બંધ કરી દીધો. સૂરંગમાં ખૂબ અંધારું હતું. રાજા સિવાય બાકીના ચારેય થોડા ડરતાં હતા.

" અહીં પણ કોટડી જેવું જ લાગે છે. સાપ કે કોઈ બીજું જીવજંતુ આવીને આપણને કરડી જશે તો..?" ગભરું સુશ્રુત બોલ્યો. તે જ સમયે રાજાએ એક સ્વીચ પાડીને આખીએ સુરંગમાં થોડા થોડા અંતરે સુંદર પ્રકાશ આપતી નાની નાની લાઈટો શરૂ થઈ ગઈ.

" લે સુશ...! તારા પ્રૉબ્લેમનું સોલ્યુશન મળી ગયું. હવે શાંતિ ને ..?" લિઝાએ કહ્યું.

" આ તો એક પ્રૉબ્લેમનું સોલ્યુશન થયું. પણ સૌથી મોટી સમસ્યા તો હજુ બાકી છે." મોઢું લટકાવતાં સુશ્રુતે કહ્યું.

" કઈ મોટી સમસ્યા..." લિઝાએ પૂછ્યું.

" ભૂખ...! સખત ભૂખ લાગી છે. સાચું કહું તો હવે મારાથી ચલાતું જ નથી. હું બધું સહન કરી શકું પણ ભૂખ...ના યાર..હવે ભૂખ સહન નહિ થાય..!" થાક્યો પાક્યો અને ભૂખ્યો સુશ્રુત ધબ દઈને નીચે બેસી ગયો.

" તમે પણ સુશ્રુત પાસે બેસો..! હું ખોરાકની વ્યવસ્થા કરું છું." રાજજીએ કહ્યું.

" સુરંગમાં ખોરાકની વ્યવસ્થા થઈ શકશે ?" જૉનીએ પૂછ્યું.

" હા, અહીં બધી વ્યવસ્થા છે. આ સુરંગ રાજ પરિવારની સુરક્ષા માટે બનાવેલી છે. બાહ્ય આક્રમણ દરમિયાન મારા પરિવારને અહીં એક કરતાં વધુ દિવસો રહેવાનું થઈ શકે. આથી અહીં ખોરાક, પાણી, હથિયાર તેમજ સુવાની બધી જ વ્યવસ્થા અહીં છે."

" ઓહ સરસ..! લિઝા, હર્ષિત તમે સુશ્રુત પાસે બેસો હું આદરણીય રાજાજી સાથે ખોરાક પાણી અહીં લઈ આવું."

રાજાજીએ થોડા આગળ જઈ એક નાનો દ્વાર ખોલ્યો જેમાં કેટલાક ડબ્બાઓ હતા. તેમાં જુદા જુદા પ્રકારના ડ્રાયફ્રુટ ભર્યા હતા. જેમાં કાજુ,બદામ,ખજૂર,દ્રાક્ષ,સૂકું ટોપરું, પિસ્તા,અખરોટ,અંજીર અને શિંગ ચણા હતા. બાજુના નાના ગોખલામાં પાણીના નળની વ્યવસ્થા હતી.

" ઓહો...હો..! અહીં તો ઘણો ખોરાક છે. પાણીની વ્યવસ્થા પણ છે." જૉનીએ ખોરાકનો જથ્થો જોતા કહ્યું.

" હા, થોડે આગળ નાનું અમથું રસોડું પણ છે. ત્યાં અનાજ કઠોળ અને લોટ મસાલાની વ્યવસ્થા છે.પણ અત્યારે આપણે આ ડ્રાયફ્રુટથી કામ ચલાવીએ તો શરીરમાં કંઈક ઉર્જાનો સંચાર થાય. અને આપણે આગળ કંઈક વિચારી શકીએ."

રાજા અને જૉની ડ્રાયફ્રુટના ડબ્બા લઈ આવ્યા. બધાએ ડ્રાયફ્રુટસ ખાધાને રાહતનો શ્વાસ લીધો.

" હાસ...! જઠરાગ્નિ હવે શાંત થઈ." પેટ પર હાથ ફેરવતા સુશ્રુતે કહ્યું.

" તમે અહીં શા માટે આવેલા ? અને નુમ્બાસાએ તમને કોટડીમાં કેમ પૂર્યા હતા ?" રાજાએ પૂછ્યું.

" વાસ્તવમાં અમે તમને જ મળવા આવેલા. તમારી મદદ લેવા આવેલા. પણ અહીં અમને તમારી જગ્યાએ નુમ્બાસા મળી ગયો. ને અમે અહીં ફસાઈ ગયા." જૉનીએ કહ્યું.

" મારી મદદ...? મારી શુ મદદ જોઈતી હતી..? તમે લોકોએ મને કોટડીમાંથી બહાર કાઢ્યો છે. હું તમારો ઋણી છું. હું વચન આપું છું કે કોઈપણ ભોગે હું તમને મદદ કરીશ. પણ એ પહેલાં મારે કંઈ પણ કરીને મારી રાજ ગાદી પરથી નુમ્બાસાને હટાવવો પડશે." રાજાએ રૂઆબથી કહ્યું.

To be continue....

( શું પાંચેય સુરંગમાંથી સલામત રીતે બહાર નીકળી શકશે ?શું રાજા નુમ્બાસાને હરાવી શકશે ? શું રાજા પોતે આપેલ વચનને પુર્ણ કરી શકશે..? આ માટે મારા વ્હાલા વાચક મિત્રો આપ સૌએ આગળનો ભાગ વાંચવો પડશે.)

☺️મસ્ત રહો...ખુશ રહો...ખુશહાલ રહો..!☺️

😊મૌસમ😊