(સિયા તેના પપ્પાને આશ્વસાન આપે છે કે તે સાવચેત રહેશે અને કંઈપણ અજૂગતું લાગશે તો તમને જણાવીશ કહે છે. તે આ બીના વિશે જાણવા પહેલાં રોમા અને પછી માનવને ફોન કરે છે. એ સાંભળી સંગીતા શોક થઈ જાય છે. હવે આગળ....)
“આવી બધી વાતોને ક્યારે નજરઅંદાજ પણ ના કરતી અને તારી નજર ચારે કોર ચાલવી જોઈએ. તને ખબર પડવી જોઈએ કે તારી સાથે કોઈ છે, તારો મિત્ર બનવાનો દાવો કરે છે, તો તે તને પરેશાન તો નથી કરી રહ્યો ને? તારો ઉપયોગ ના કરે કે તારા મિત્રતાનો ખોટો અર્થ ના કાઢે?”
“હા મમ્મી પપ્પા હું બધી બાજુ ધ્યાન રાખીશ અને સાવધાન પણ રહીશ કે મને કંઈ જ ના થાય અને મળનાર વ્યકિત કોઈ યોગ્ય નથી કે એવું કંઈક લાગશે તો તરત જ તમને કે મમ્મીને જણાવી દઈશ. તમે ચિંતા ના કરો અને આમ મને પણ કહેવા કરતા તમારા મનને કહો કે મારી દીકરી હોંશિયાર છે અને તેને સમજવો કે મારી દીકરી છે એટલે એને શું કરવાનું છે અને શું નહીં કરવાનું? એ ખબર છે, એટલે ચિંતા ના કરો.”
દાદાએ કીધું કે,
“સાચી વાત છે સિયાની, પણ તું મારી ઘડીએ મારી લાડલીને કંઈક ને કંઈક કહે કહે ના કર્યા કર. એને ખબર જ છે કે મારે કોની સાથે દોસ્તી કરવી અને કોની સાથે નહીં? એ બહુ ડાહી છોકરી છે, એને સમજ પણ પડે છે અને તેને એ પણ ખબર છે કે મેરેજ આપણા સમાજમાં જ કરવાના હોય. એરેન્જ મેરેજ કરીએ અને સમાજમાં જ કરીએ ને તો જ મજા છે.”
દિપક તરત જ બોલ્યો કે,
“અને હું પણ એવું જ માનું છું કે મેરેજ તો સમાજમાં થાય.”
“હાસ્તો, સારા ઘરમાં અને આપણા લેવલના વ્યક્તિ જોડે નહીં કે ગમે ત્યાં? નહીંતર એની પોતાની જિંદગી બગડી જશે એ પણ એને ખબર છે? બરાબર ને મારી લાડલી....?”
સિયા તો કંઈક બોલી જ ના શકે અને તે તો હકીબકી એમની સામે જ જોઈ રહી.
“શું થયું બેટા? કેમ આમ જોઈ રહી છે?”
સિયા એના દાદા આવું બોલતા જ, તેની પણ આગળ બોલવા જીભ નથી ઉપડતી. છતાં તે બોલી,
“કંઈ નહીં...”
આ સાંભળી ધીરુભાઈ એમની ધૂનમાં જ,
“બેટા ધ્યાન રાખજે હો, આપણા સમાજમાં આપણી એટલે કે મારી ઘણી બધી ઈજ્જત છે. મેં તો કમાવી જ હતી પણ સાથે સાથે તારા પપ્પાએ આ જોબ મેળવીને આ પદ મેળવીને તો એના ઉપર ચાર ચાંદ લગાડી દીધા છે. તેના પર ક્યાંક કલંક ના લગાડી દેતી બેટા. નહીંતર મારી છાતી જે ગર્વથી ફૂલી ગયેલી છે, તારા દગાથી મારો ખભો નમી જશે.’
“અને આમ પણ બેટા સમાજમાં તો એ વ્યક્તિને એક બે શબ્દો પણ કહી શકાય. સમાજની અને એમાં પણ બહારની વ્યક્તિઓને તો કેવી રીતે કંઈ કહેવું, તે તને ક્યાંક પરેશાન કરે તો અમે કોઈને કહી પણ ના શકીએ અને સહી પણ ના શકીએ.”
સિયા પરાણે બોલી કે,
“પણ દાદા એવું થોડું હોય કે સમાજમાં જ લગ્ન કરવા પડે?”
“બેટા એ તો એવું જ હોય ને? કોઈ પણ છોકરીના લગ્ન મા-બાપની મરજીથી થાય, સમાજમાં થાય એના જેવું કોઈ બેટર નથી અને તું જેવું વિચારે છે એના જેવું અયોગ્ય કંઈપણ બીના નથી. તને ખબર છે કે છોકરી મરી જાય તો મા બાપ બે ચાર દિવસ રડી શકે પછી મન શાંત થઈ જાય. જયારે દીકરી ભાગી જઈને લગ્ન કરી લે તો તે રડી ના શકે અને બહાર સમાજ તેને જીવવા પણ ના દે.”
“તમે વિચારો છો, પણ એવું ના હોય?”
સુધાબેને પણ ધીરુભાઈની વાતમાં જ હામી ભરતાં કહ્યું કે,
“એવું જ હોય બેટા, તને લાગે છે કારણ કે તે હજી એટલી બધી દુનિયા જોઈ નથી. મને ખબર છે કે બહાર સમાજમાં, બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારી છોકરીઓની હાલત શું હોય છે? એટલે જ અમે તને કહીએ છીએ કે મેરેજ તો આપણા સમાજમાં જ થવા જોઈએ.”
આ વાત સાંભળી સિયાને દુઃખ થયું અને એમાં પણ પ્રેમની, લગ્ન વિશે એમના વિચારો સાંભળ્યા પછી તે વિચારમાં જ પડી કે,
‘દાદા પણ જો આવી જ વાત કરતા હોય તો હું હમણાં વિચારતી હતી કે હું મારા મમ્મી પપ્પાને મનાવું પણ કેવી રીતે? હવે શું મનાવવાનું કોઈ મતલબ જ નથી. મને એમ કે દાદા માની જશે. પણ હવે એવું લાગે છે કે દાદા જ નથી માને એવા તો... તો પછી મમ્મી પપ્પાની વાત જ ક્યાં આવશે? હવે તો મારે મારી રીતે જ વિચારી લેવું પડશે? તે ત્યાં સુધીમાં ચૂપચાપ એની રૂમમાં જતી રહી અને તે દુઃખી પણ થઈ જાય છે.
એમ માનતી હતી કે હું દાદાને મનાવું, પણ હવે કરવું શું? એમ કરી તેના આંખમાં અંધારા આવી ગયા. તેને ખબર જ છે કે કંઈ થવાનું નથી અને કંઈ થઈ પણ નહીં શકે.... છોડ એ બધી વાત નહીં સમજે. હવે હું વિચારું તે જ સહી.”
તેને તરત જ માનવને ફોન લગાવવા વિચારતી જ હતી કે ત્યાં જ માનવનો ફોન આવ્યો અને એ ઉપાડી સિયા બોલી કે,
“બોલ હું તને જ ફોન કરવાનો વિચાર કરતી હતી.”
“ગઈકાલે તો આપણે મળ્યા હતા, તું ફરી પાછું મારા વગર એક મિનિટ પણ નથી રહી શકતી હે ને?”
“કેવી રીતે રહી શકું તું જ કહે કે આપણા બંને વચ્ચે જો આટલો પ્રેમ હોય તો તારા વગર રહેવું કેવી રીતે શક્ય છે?”
“એ તું તો ઈમોશનલ થઈ રહી છે, કેમ કે હું તો મજાક કરતો હતો. આ તો નોર્મલ છે.”
“હું નોર્મલ વાત નથી કરતી, તને ખબર છે ને? હું તને કેટલો પ્રેમ કરું છું.”
“છોડ એ બધી વાત અને તું કહે આજે આટલી બધી ઈમોશનલ કેમ થઈ ગઈ છે?”
“એટલા માટે કે તે મને શું કહ્યું હતું કે આપણે દાદા દ્વારા મમ્મી પપ્પાને મનાવીએ. દાદાને સમજાવીએ તો દાદા આપણી વાત સમજીને અને મમ્મી પપ્પાને મનાવશે, પણ અહીં તો દાદા જ સમજીવા તૈયાર નથી. તને ખબર છે, દાદાએ તો મને એમ જ કહી દીધું છે કે મારે લગ્ન તો સમાજમાં જ કરવાના છે. પછી બોલ હવે આપણે શું કરવાનું, કેમ કરવાનું?”
“આમ કેમ કરે છે, તું ધીરજ થોડીક તો ધર.”
“નથી ધરવી, તે તો વડીલ છે તો કહે જ ને, પણ એમને સમજાવી અને મનાવી છે.”
“પણ તો હું કંઈ એમની વાત માનવા માટે તો બિલકુલ તૈયાર નથી. ખરાબ પાસાં તે મને બતાવે છે અને તું કહે છે કે મારે એમની વાત માનવી જોઈએ. નથી માનવી મારે, એમની વાત મારે ફક્ત મારા મનની જ વાત માનવી છે. તો તું નક્કી કરી લે કે આપણે હવે શું કરવું છે? હું
કહું છું એમ કરવું છે કે તું કહે એમ કરવાનું છે?”
“તું આમ ઉતાવળ ના કર અને શાંતિથી વિચાર્યા વગર આમ ના કરાય.”
(માનવ હવે શું કહેશે? એ કેવી રીતે સમજાવશે? સિયા એની વાત માનશે? સિયા એની વાત કે ચાલ સમજી શકશે ખરા? ધીરુભાઈ અને ઘરના લોકોને સિયા વિશે ખબર પડશે તો શું થશે? તે માનવ સાથે વાત કરી રહી છે તે કોઈ સાંભળી જશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૯)