(સિયાએ લગ્ન સમાજમાં જ કરવા જોઈએ, જેથી આપણે સેઈફ સાઈડ રહી શકીએ. આ વાત ઘરના બધા લોકો સમજાવી રહ્યા છે. આ સાંભળી તો સિયા કંઈ નથી બોલી શકતી પણ તે બધો જ ગુસ્સો માનવ પર કાઢે છે. માનવ તેને મનાવી રહ્યો છે. હવે આગળ....)
“હું કંઈ એમની વાત માનવા માટે તો બિલકુલ તૈયાર નથી. ખરાબ પાસાં જ તે લોકો મને બતાવે છે અને જ્યારે તું કહે છે કે મારે એમની વાત માનવી જોઈએ. નથી માનવી મારે, એમની વાત મારે ફક્ત મારા મનની જ વાત માનવી છે. તો તું નક્કી કરી લે કે આપણે હવે શું કરવું છે? હું કહું છું એમ કરવું છે કે તું કહે એમ કરવાનું છે?”
“તું આમ ઉતાવળ ના કર અને શાંતિથી વિચાર્યા વગર આમ પગલું ના ભરાય.”
“જો તું કહે એમ કરીશ તો એટલું સમજી લેજે કે હું તારા જીવનમાં આગળ નહીં વધું અને આ દુનિયામાં પણ નહીં હોઉં.”
“અરે તું તો ધમકી આપવા લાગી અને તું હાલ એકદમ ઉતાવળ ના કર. એમ ઉતાવળીયો નિર્ણય ના લે, તું એકવાર સમજ કે કોઈ પણ વસ્તુ એટલી જલ્દી ના મળી જાય. એના માટે આપણે થોડું ઘણી તો મહેનત કરવી પડે. તને ખબર છે કે સોનુ કુંદન ક્યારે બને?’
“જ્યારે તે તપે ત્યારે... જ્યારે લોખંડ નથી તપતું અને સામે એ ઓગળતું પણ નથી, અને તે ગરમી ફેંકે છે એટલે જ તે લોખંડનું લોખંડ રહે છે. જયારે સોનું ઓગળી જાય છે એટલે તે કુંદન બની જાય છે. આપણે તો લોખંડ નથી બનવાનું, જ્યારે આપણે તો સોનુ બનવાનું છે.”
“પણ મારે સોનું નથી બનવું અને લોખંડ પણ નથી બનવું. મારે તો ફકત સિયા જ બનવું છે અને સિયાની એક જ ઈચ્છા હોય કે જે તેના મનમાં આવે તે કરી શકે. ના તેને મા બાપનું બંધન ગમે કે ના તો મને બીજા કોઈ મારે માટે મારા જીવનમાં નિર્ણય લે એ ગમે છે.”
“બીજા કોઈના કહેવાથી નહીં, પણ મારા કહેવા છતાં તું એકવાર વિચાર નહીં કરે. તને હું કહું તો છું તું ઉતાવળિયો નિર્ણય નહીં લે.”
“અને હું જેમ તને કહું છું કે આપે બંને જતા રહીએ તો, તું એની જગ્યાએ મને ઘરના લોકોને સમજાવવાનું કહે છે, મનાવવાનું કહે છે. તો તું એકની એક વાત કેમ પકડી રાખી છે?”
“મેં કંઈ એકની એક વાત નથી પકડી રાખીએ, હું તો તને સમજાવી રહ્યો છું કે તું એકવાર મારી વાત સાંભળ અને સમજ. એમ ભાગી જવાથી કોઈ જ ફાયદો ના થાય, પણ ઉલ્ટાની એમની સાથે વાતચીત કર.”
“પણ કેમ?”
“એટલા માટે કે તારા દાદા દાદી તને આટલા લાડ લડાવે છે, તો આપણે આમ જતા રહીશું તો દાદા દાદી તારી સાથે નહીં હોય તો પછી તું શું કરીશ? તારા મમ્મી પપ્પાને તારા જવાથી દુઃખ નહીં થાય.”
“એમાં શું જેમ આખી દુનિયા જે કરે છે એમ જ હું પણ મા-બાપ અને દાદા દાદી બધાને જ ભૂલી જઈશ. મારે એ લોકોની જોડે નથી રહેવું. જેને મારી લાગણીની કોઈ પરવા જ નથી.”
“એ તો તું એવું વિચારે છે, એમને છોડીને જવું સારું. એવું ના પણ હોય એ તારી લાગણીને પરવા કરતાં હોય, પણ દેખાડતા ના હોય અને તું ઉતાવળમાં એ વાત એમની સમજી પણ નથી રહી.”
“મને એ બધી ખબર નથી, મને એટલી જ ખબર છે કે હું હવે એમની સાથે કોઈ જ વાત કરવા તૈયાર નથી અને એની કોઈ વાત સાંભળવા પણ તૈયાર નથી. બસ તું હવે મારી વાત સાંભળ કે તું મારી સાથે આવીશ કે નહીં આવે? મારી સાથે લગ્ન કરીશ કે નહીં કરે?”
“અરે મેં તને પહેલા પણ નહોતું કે હું તારા માટે તો નરકમાં પણ આવા તૈયાર છું, તો આ તો લગ્ન જ છે.”
“બસ તો પછી હવે આપણે ગુરુવારે જતા જ રહીશું. ગમે તે થાય હવે તું મને એક વાર પણ એમ નહીં કહે કે, ‘હું એક વાર વિચારું કે હું આમ કરું કે હું મમ્મી પપ્પાને મનાવું. કોઈ જ વાત નહીં એટલે કોઈ વાત નહીં. આપણે બંને જાતે જ નક્કી કરીશું. અને આપણે જતા રહીશું અને મારી પાસે જેટલા પૈસા છે એટલા પૈસા લઈશ. આપણા જીવન જરૂરિયાત માટે કઈ વસ્તુ હોય તો તે તું શોધી રાખ કે લઈ રાખ અને લગ્નની તૈયારીઓ કરવાની ભૂલતો નહીં.”
“નહીં ભૂલું જાનેમન, તારો સાથ હોય તો હું કેવી રીતે ભૂલી શકું? છતાં હજી પણ તું વિચારી જો, આપણે મમ્મી પપ્પાના આશીર્વાદથી, દાદાના આશીર્વાદથી લગ્ન કરી શકીશું તો આપણે ઉતાવળ ના કરવી હોય તો એક વાર વિચારી જોજે.”
“મેં તને કહ્યું ને? કહેવાય એમ નથી, વિચાર્યું તો હતું પણ વાતને સમજાવવાનું પણ તે માનશે નહીં અને હું તારાથી હું દૂર નહીં રહી શકું. મને એવું લાગે છે હું તારાથી દૂર રહીશ ને તો મરી જઈશ. આ દુનિયામાં તારા વગર હવે મારો જીવ નહીં હોય. મારે તો તારા જ સાથે જીવન જીવવું છે.”
“તું છે ને, હજી લાગણીમાં વહી રહી છે.”
“હા, તો કોઈ લાગણીમાં રહે, બસ તું મને એમ કહે કે તું મને પ્રેમ કરે છે ને તું મારી સાથે લગ્ન કરીશ ને? જો તું મને પ્રેમ કરતો હોય ને તો હવે તું મને કંઈ જ નહીં કહે. બાકી મારે હવે કોઈ જરૂર નથી.”
“સારું ચાલ આપણે બંને નક્કી કર્યું છે, એ પ્રમાણે ગુરુવારે મળીશું પણ ખરા અને લગ્ન પણ કરી દઈશું. પણ ત્યાં સુધી તું તારા મમ્મી જોડે સારી રીતે રહેજે. જેથી તને એમની જીવનભર યાદો રહે, દાદાજીને પણ લાડ કરી લેજે. પછી તું લાડ મેળવી લેજે, નહિતર તેને અફસોસ રહેશે કે તે તને ના મળ્યું. પછી એ લોકો ક્યારેય તને બોલાવશે કે તને લાડ લડાવશે એ ખબર નથી.”
માનવ આવું કહેતાં જ સિયા ઈમોશનલ થઈ ગઈ છતાં પોતાના મનને કાબૂમાં લઈ,
“એ બધી જ મને ખબર છે અને મેં વિચારી પણ લીધું છે. પણ બસ તું હવે મને કોઇ જ સલાહ નહિ આપે.” એમ બોલી તેને ફોન મૂકી દીધો.
“આહ છેવટે કામ તો થઈ જ ગયું છે, હવે તો બીજા પ્લાનની તૈયારી કરવાની છે.”
માનવ પણ મનમાં જ બુદબુદીને કામે લાગ્યો.
આ બાજુ સિયા એના મમ્મી પપ્પા સાથે એટલી બધી વાર વાતો કરે છે અને એમની બધી જ વાતો સાંભળે છે. એમની કહેલી બધી વાત માને પણ છે અને ના તો તેની સાથે વાત ટાળે છે કે ના તો એ કોલેજમાં જાય છે. બસ તે તેના મનમાં ને મનમાં માનવનો સાથ જીવનભર મળવાનો છે, એ વાતથી જ ખુશ થઈને માનવની બધી વાતો માની રહી છે. બે દિવસ તો ચપટીમાં વીતી જાય છે, તેને ખબર પણ નથી પડતી કે ક્યાં દિવસ ગયો કે કયાં રાત્રે અને ક્યા બીજો દિવસ આવી ગયો.
(શું સિયા ખરેખર ભાગી જશે? સિયા બહાર જવા માટે કયું બહાનું કરશે? એ કેવી રીતે જશે? ઘરના લોકોને ખબર પડશે? પડશે ત્યારે શું થશે? ક્યાંક માનવ તો તેને દગો નહીં દે ને? એવું થશે તો સિયાનું શું થશે? માનવનો બીજો કયો પ્લાન છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૦)