સપ્ત-કોણ...? - 27 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 27

ભાગ - ૨૭

એક દિવસ.... સુખલીએ સુમેરગઢના રાજમહેલમાં પ્રવેશ કર્યો અને જઈને રાજા ઉજમસિંહ સામે પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વની યાદ તાજી કરાવતી ઉભી રહી.....

"ન્યાય કરો રાણા'સા.... ન્યાય... હું થારે દરવાજે આવી છું, મને ન્યાય જોઈએ છે." આંખમાં ઉમટેલા આંસુઓનો મહાસાગર રેલાવતી સુખલી બેય હાથ જોડી દરબારમાં આજીજી કરતી ઉભી રહી.

"બેન, કોણ છો તમે? કોણે તમારી સાથે અન્યાય કર્યો છે? કોઈએ તમને છેતરી છે, વિશ્વાસઘાત કર્યો છે?" એક રાજાની માફક તટસ્થતાથી ઉજમે સુખલીને સામા પ્રશ્નો કર્યા.

"તમે કર્યો છે મારી જોડે વિશ્વાસઘાત, તમે છેતરી છે મને, તમે અન્યાય કર્યો છે રાણા'સા, યાદ કરો.... સુ...ખલી.. યાદ છે તમને?" ક્રોધ અને વેદના વચ્ચે હડદોલા ખાતી સુખલી જમીન પર પાથરેલી લાલ, મખમલી જાજમ પર ફસડાઈ પડી.

"કોણ સુખલી... તમે કોની વાત કરો છો બેન?"

"કો.....ણ સુખલી? આ થારી સામે ઉભી ઈ સુખલી, જેની સાથે પરણવાનું વચન આપ્યું'તુ." આશ્ચર્ય અને આઘાતના પ્રત્યાઘાતરૂપ સુખલીનું પરસેવે રેબઝેબ શરીર થરથર કાંપી રહ્યું હતું.

"રાણા'સા... આ બે કોડીની કન્યાને તમે પરણવાનું વચન આપ્યું હતું?" ઉજમની બાજુના સિંહાસનમાં બેઠેલી દેવકીએ ધારદાર આંખે પ્રશ્ન પૂછ્યો.

"ના.... ના.... નહીં તો, હું તો આ બેનને ઓળખતો પણ નથી. મ્હારો વિશ્વાસ કરો... આ કોણ છે, ક્યાંથી આવે છે? મને કાંઈ ખબર નથી." સ્વબચાવની શરૂઆત કરતા ઉજમે નીચી નજરે સુખલી તરફ જોયું.

આંસુઓથી છલકાયેલી સુખલીની આંખોએ ઉજમનો ધૂંધળો પણ લાચાર ચહેરો જોયો, એ ખુબ રડી, કરગરી પણ બધું જ વ્યર્થ, રાજદરબારમાં કોઈ એની વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતું. થાકી હારીને એણે ધીમે પગલે પાછીપાની કરી અને ફાટેલ લહેરિયાનો ડૂચો મોઢામાં ભરી, રડતી રડતી ઉજમની નજરોથી ઓજલ થઈ ગઈ અને ઉજમે સભા અધવચ્ચે જ સ્થગિત કરી નાખી અને માથું દુખવાનું બહાનું કાઢી એ ઉભો થઈ પોતાના કક્ષમાં જતો રહ્યો એની પાછળ પાછળ દેવકી પણ ઉભી થઈ અને રાજસભા વિખરાઈ ગઈ.

@@@@

"મારી ઈશ્વા ક્યાંક આસપાસ જ છે, અહીંયા જ છે." અમોલના બેય ખભા પકડી એને વ્યોમે હચમચાવી દીધો.

"રિલેક્સ વ્યોમ રિલેક્સ, ઈશ્વા મળી જશે, તું હિંમત ન હાર. રાણાસાહેબ પાસે જઈએ, ચાલ..." અમોલનો દોરવાયો વ્યોમ એની સાથે નીચે ઉતર્યો અને બેય બહાર ગાર્ડનમાં બેઠેલા રાણાસાહેબ પાસે પહોંચ્યા.

"આવ દીકરા, મારી પાસે બેસ, ડો. અમોલ... આવો, તમે પણ બેસો. હમણાં જ ડો. ઉપાધ્યાય તમારી પ્રસંશાના ફૂલો વેરી રહ્યા હતા, ઉમરના પ્રમાણમાં ઘણા કાબેલ છો તમે." રાણાસાહેબે અમોલને એમની સામેની ખુરશીમાં બેસવા માટે ઈશારો કર્યો.

"જી અંકલ... આઈ મીન રાણાસર..."

"વ્યોમની જેમ તું પણ મને અંકલ કહીને બોલાવી શકે છે. તારી નર્વસનેસને દિમાગની જેલમાંથી આઝાદ કર અને દિલ ખોલીને વાત કર, મારાથી ગભરાવાની જરૂર નથી. શું હું એવો બિહામણો છું કે લોકો મારાથી ડરીને ચાલે છે." ખડખડાટ હસતા રાણાસાહેબે છોટુભાઈને બુમ મારી બધા માટે ચા મોકલવા કહ્યું.

વેઇટર ચારેય માટે ચા મુકી ગયો અને ટ્રેમાં હજી એક કપ લઈ એ ગાર્ડનના ગેટની બહાર નીકળ્યો જેની નોંધ રાણાસાહેબની ચકોર અને વેધક નજરે લીધી.

"બહાર કોણ વીઆઈપી ગેસ્ટ છે જેમને ચા આપવા ઠેઠ તું હોટેલની બહાર ગયો?" વેઇટરના પાછા ફરતાં જ રાણાસાહેબે એને પોતાના પ્રશ્નોની રિમાન્ડ પર લીધો.

"જ... જી.... એ તો આ નાનાસાહેબનો ડ્રાઇવર મોહન, બહાર ગાડીમાં બેઠો છે અને બા સાહેબનો આદેશ છે કે જેટલી વાર આપનો ચાનો ઓર્ડર આવે એટલી વાર મોહન માટે પણ ચા બનાવવી." વેઇટરે બને એટલી નમ્રતા અને સ્વસ્થતા કેળવતા જવાબ આપ્યો.

"સારું સારું, તું જઈ શકે છે હવે, પણ... જતાં જતાં એક વાત સાંભળતો જા..." રાણાસાહેબે ચાની ચુસકી લીધી.

"જ... જ... જી.... સાહેબ" મનમાં થોડા ડર સાથે એ અદબ વાળીને ઉભો રહ્યો.

"ચા બહુ જ સરસ બની છે, પ્રમાણસર દૂધ, સાકર અને મસ્ત આદુ-મસાલાવાળી, કડક ચા....મજા પડી ગઈ. દિલ અને દિમાગ બેય તરોતાજા થઈ ગયા, હવે મગજ પણ ફટાફટ દોડવા લાગશે, કેમ ડો. ઉપાધ્યાય, સાચી વાત છે ને? તું ય જા હવે, તારે કામ બાકી હશે, નહીં? આ જ કહેવું હતું, તું નાહક ગભરાતો હતો...." ખાલી કપ ટિપોય પર મુકી રાણાસાહેબ હસવા લાગ્યા એમની સાથે ડો. ઉર્વીશ, વ્યોમ અને અમોલ પણ જોડાયા.

"સોળ આના સાચી વાત કરી છે તમે સાહેબ, આવી ચા રોજ મળે તો દિલ અને દિમાગ ખરેખર ઝડપથી કામ કરતા થઈ જાય અને કામની ગાડી પણ સમયસર પાટા પર ચાલતી રહે બાકી ઘરવાળીના હાથની ચા પી ને તો હું ય હવે કંટાળ્યો હતો." ડો. ઉર્વીશની હળવી મજાક સાથે સૌના ચહેરા પર સ્મિતનું મોજું ફરી વળ્યું.

"કેટલો સરસ લાગે છે તું વ્યોમ, આમ જ હસતો ચહેરો રાખજે અને દરેક રસ્તામાં મુશ્કેલીઓ તો આવવાની જ અને દરેક મુશ્કેલીના રસ્તા પણ હોય છે, બસ આપણે ધીરજથી આગળ વધતા રહેવાનું, ચાલતા રહેશું તો ધુમ્મ્સમાંથી પણ રસ્તો મળી જશે." ડો. ઉર્વીશે પ્રેમથી વ્યોમના ગાલે હાથ ફેરવ્યો.

"બાય ધ વે.... આપણે હવે આ ચા અને ચર્ચાને વિરામ આપીએ, વ્યોમ, મને જરા મોહન વિશે માહિતી આપ, આપણે એની હાજરીની નોંધ જ નથી લીધી, બની શકે એની પાસેથી કોઈ ખૂટતી કડી મળી આવે." રાણાસાહેબ ઉભા થઈ મોહનની ગાડી તરફ ગયા.

@@@@

"પછી શું થયું રઘુકાકા?" ઉરમાં ઉત્સુકતા અને આંખોમાં આતુરતા સાથે ઉર્મિએ હૈયાથી હોઠ પર આવેલો પ્રશ્ન પૂછ્યો.

"પછી.....તો.... જો કે હવે રાત બહુ વીતી ગઈ છે અને હવે મનેય થાક લાગ્યો છે તો આપણે હવે આરામ કરવો જોઈએ, નહિતર હવારમાં મારા નામના દેકારા શરૂ થશે ને તમારેય સવારે ઓફિસે જવાનું હોય અને છોકરાઓને ય હવે નિશાળમાં ઘણી રજાઓ પડી ગઈ છે." રઘુકાકા ઉભા થઈ બેવડ વળી ગયેલી કમરને હાથના ટેકે સીધી કરી ધીમે ધીમે પોતાની ઓરડી તરફ વળ્યા.

"આ રઘુકાકા પણ.... કોઈ સસ્પેન્સ, થ્રિલર મુવી કે સિરિયલમાં ય આટલા અને આવા ટ્વિષ્ટ નથી જોયા જેટલા રઘુકાકાની કહાનીમાં સાંભળ્યા ને હવે એ પણ અધૂરી વાર્તા મૂકીને જતા રહ્યા, ચાલો..... હવે આપણેય સુઈ જઈએ." અર્પિતાની વાત સાથે સહમત થઈ સૌ ઉભા થઈ પોતપોતાના બેડરૂમમાં જઈ ફ્રેશ થઈ સુવાનો પ્રયત્ન કરતાં આંખો મીંચી બેડ પર પડી રહ્યા.

ઓરડીમાં જઈને સૌ પ્રથમ રઘુકાકાએ બાથરૂમમાં જઈને પોતાના ચહેરા પણ પાણીની છાલક મારી અને આંખોમાંથી નીતરી રહેલી વ્યથા, વેદના અને થાકને દૂર કરી માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી એકીશ્વાસે ગટગટાવી જઈ પોતાના જુના કટાઈ ગયેલા લોખંડના પલંગમાં પડખું ફરીને સુવાની વ્યર્થ કોશિશ કરતા પડ્યા રહ્યા. એમની આંખોની સામે જાણે કોઈ ચલચિત્ર ચાલી રહ્યું હોય એમ એક પછી એક દ્રશ્યો નજર સામે તાંડવ કરતા તરવરવા લાગ્યા. ઘડીકમાં એમના ચહેરા પર ફરીથી થાક, તાણ, પીડા અને ભયનું સામ્રાજ્ય પથરાઈ ગયું. બંધ આંખે, મુઠ્ઠીઓ ભીંસી, હનુમાન ચાલીસાનું રટણ કરતા કરતા જ નિંદ્રામાં સરી ગયા.

જામનગરમાં રાઠોડ પરિવાર મીઠી નીંદરની મજા લઈ રહ્યું હતું ત્યારે માનગઢની હોટેલ સિલ્વર પેલેસમાં, પોતાના રૂમમાં રાણી કલ્યાણીદેવી વ્યગ્ર ચિત્તે આમથી તેમ આંટા મારી રહ્યા હતા જાણે એમની આંખો કોઈના આગમનની પ્રતિક્ષા કરી રહી હતી, કોઈ વ્યક્તિ કે પછી કોઈ સંકટની સાંકળ એમની તરફ વધી રહી હતી એ તો આવનારો સમય જ સૂચવશે....


ક્રમશ: