Sapt-Kon? - 2 books and stories free download online pdf in Gujarati

સપ્ત-કોણ...? - 2



ભાગ - ૨

"એ આવી રહ્યો છે. .. એ...એ... પાછો આવી રહ્યો છે. .." કહેતા રઘુકાકા લોનમાં ગોઠવેલી બેન્ચ પર ફસડાઈ પડ્યા અને ખભે રહેલા ગમછા વડે કપાળે વળેલો પરસેવો લુછવા લાગ્યા પણ એ પરસેવાના ઉતરેલા રેલા એમની છાતી વીંધીને હૃદય સોંસરવા ઉતરી અંદર ને અંદર વલોવાઈ રહ્યા હતા અને એની જ અકળામણ અને અજંપો એમના ચહેરા પર છવાયેલા ભયમાં ડોકાઈ રહ્યો હતો. .

@@@@

સાઈઠ પાર કરી ચૂકેલા રઘુકાકા આ હવેલીનો એક વણકહ્યો હિસ્સો હતા. માત્ર અગિયાર વરસની અણસમજુ ઉંમરે માં બાપને ગુમાવ્યા બાદ કાકાની આંગળી પકડી વેરાવળથી જામનગર આવી આ હવેલીની ચાકરીમાં લાગી ગયા હતા. એ ઘડી ને આજનો દીવસ, રઘુકાકાએ ક્યારેય હવેલીનો ઉંબરો ઓળંગ્યો નહોતો સિવાય કે રાઠોડ પરિવાર સાથે એકાદ બે વખત કોઈ પ્રસંગે ગયા હોય. પાંચ પાંચ દાયકાથી રઘુકાકા આ હવેલી અને પરિવારના દરેક સુખદુઃખના સાક્ષી હતા. એમની આંગળી પકડીને કૌશલ અને વ્યોમ ચાલતા શીખ્યા હતા. એમના ખોળાને અર્પિતાએ ઘણીવાર પલાળ્યો હતો. વરસોથી સફેદ કફની, પાયજામો અને ખભે ગમછો આ પહેરવેશ એમની ઓળખાણ બની ગયા હતા. ધીમા સુરે ગીત ગણગણતા રઘુકાકા અચાનક જ ક્યારેક શૂન્યમનસ્ક થઈ જતા. શ્યામ વર્ણ, રુક્ષ હાથ, કરડો નિસ્તેજ ચહેરો, કોરી આંખો, ચહેરા પર કાયમ આછી દાઢી અને એ દાઢીની આડશે દેખાતું ઘા નું નિશાન...પણ હૃદય હમેશા નિર્મળ અને નીતિ સાફ. પોતાના કર્મને જ ધર્મ માનીને ચાલનારા રઘુકાકાએ આજીવન કુંવારા રહીને હવેલી તેમજ રાઠોડ પરિવારની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

@@@@

બાંકડેથી ઉભા થઈ રઘુકાકાએ એક નજર હવેલી તરફ કરી અને ધીમે પગલે પોતાના આઉટ હાઉસ તરફ ડગ માંડ્યા. એમની નજર સમક્ષ વીતેલા વરસ ચલચિત્રની રિલની જેમ દ્રશ્યમાન થવા લાગ્યા.

@@@@

સાડા સાત એકરમાં ફેલાયેલું કલ્યાણીદેવીનું સામ્રાજ્ય એમની આંખો સામે આવી અતીતની ગર્તામાં લઈ ગયું. રઘુકાકાએ જયારે પહેલવહેલા હવેલીમાં પગ મુક્યો ત્યારે અચંબિત નજરે અહીંતહી જોઈ રહ્યા હતા. લોખંડના મોટા ગેટમાંથી પસાર થતાં રઘુકાકા નવી દુનિયામાં પ્રવેશી રહ્યા હતા. ગેટની સામે ગોળાકાર બગીચાની વચ્ચે નાનકડું જળાશય અને એની વચ્ચોવચ્ચ ઉડતા ફુવારાની વાંછટે એમના માસુમ ચહેરા પર ઠંડક પ્રસરાવી દીધી. જળાશયની ચોતરફ નાના નાના રંગબેરંગી ફૂલછોડ એની સુંદરતા વધારી રહ્યા હતા. એની સામે જ કુણા ઘાસની મોટી લોન જેમાં છૂટાછવાયા ત્રણ - ચાર બાંકડાઓ ગોઠવેલા અને, એક તરફ નેતરની ચાર ખુરસીઓ અને વચ્ચે આરસનું ટેબલ, કેટલાક ઘટાદાર વૃક્ષો, પવન વડે લહેરાતા પર્ણોનું સુમધુર સંગીત, પંખીઓનો મીઠો કલરવ, રઘુકાકાનું બાળમન મોહી ગયું. સંગેમરમરના દાદર ચડી જયારે એમણે હવેલીમાં પ્રવેશ કર્યો ત્યારે રાજા બળવંતરાયના પિતા રાજા ભુપતરાય અને માતા રાણી લતાદેવીની જાહોજલાલી જોઈ કોઈ કાલ્પનિક દુનિયામાં પ્રવેશી ગયા હોય એમ રઘુકાકાનું મોં પહોળું થઈ ગયું હતું. "આવડી જગ્યામાં તો અમારું હંધુય ગામ હમાઈ જાય" એમ જયારે એમણે ઉચ્ચાર્યું ત્યારે એમની નિર્દોષતા પર ભુપતરાય ઓવારી ગયા હતા. "આ રઘલાને અહીંયા મુકી જાઓ, આજથી એ અમારી સેવામાં રહેશે," ભુપતરાયે પ્રેમથી કીધેલા વેણ દિલમાં ઉતારી નિખાલસ અને ભોળા રઘુકાકા શરૂઆતથી જ દરેક કામ ખુબજ કાળજીપૂર્વક અને ચોકસાઈથી કરવા લાગ્યા હતા. પંદરેક ઓરડા ધરાવતી બે માળની હવેલીમાં દોડધામ કરતાંય ન થાકતું એ બાળક રઘલામાંથી ક્યારે રઘુકાકા બની ગયું એ ખુદ પણ નહોતા જાણતા.

ઘરના દરેક સદસ્યો કરતાંય વધુ વિશ્વાસ ભુપતરાયને રઘુકાકા પર હતો. ભુપતરાયનો કરોડોનો વહીવટ, બળવંતરાયના લગ્ન, કલ્યાણીદેવીનું આગમન, ત્રણે બાળકોનો જન્મ, ભુપતરાયની હત્યા, લતાદેવીનું મૃત્યુ, બળવંતરાયનું આકસ્મિક નિધન... દરેક સારા નરસા પ્રસંગ રઘુકાકાએ પોતાની સૂઝબુઝ, ચીવટ અને ભવિષ્યનો લાંબો વિચાર કરીને ખુબ જ તટસ્થતાપૂર્વક અને કાળજીથી પાર પાડ્યા હતા. રઘુકાકા સિવાય હવેલીમાં હજી બીજા ત્રણ નોકરો હતા, જીવો, એની પત્ની સંતુ અને દીકરો મોહન. સંતુ રસોડું સંભાળતી અને જીવો ઘરના બીજા નાના મોટા કામમાં રઘુકાકાને મદદ કરતો અને એમનો દીકરો મોહન ડ્રાઇવર તરીકે સેવા આપતો. સૌ પોતપોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતા.
હવેલીની પડખે આવેલા બે આઉટહાઉસમાં રઘુકાકા અને સંતુ-જીવાનો પરિવાર જીવન પસાર કરી રહ્યા હતા.

@@@@

ઈશ્વા અને વ્યોમ તૈયાર થઈ નીચે આવી આવ્યા ત્યારે કલ્યાણીદેવી ફોન પર વાત કરી રહ્યા હતા," અમે થોડીવારમાં અહીંથી નીકળીએ છીએ, ત્યાં બધી વ્યવસ્થા કરાવી દેજો, માતાજીની ચૂંદડી, શ્રીંગાર વગેરે અમે લઈ આવશું. હોટેલ સિલ્વર પેલેસમાં ચાર રૂમ બુક કરી દેજો અને હમેશ મુજબ બીજી બધી સગવડ થઈ જવી જોઈએ...જય માતાજી.." ફોન કટ કરી ઈશ્વા અને વ્યોમના કપાળે ચૂમી બંનેના ઓવરણાં લીધા.

"બધા આવી ગયા હોય તો હવે આપણે નીકળવું જોઈએ, સમયસર પહોંચી જવાય," દિલીપે શૂઝ પહેરતાં પોતાની અધીરાઈ જાહેર કરી.

"જીજુ, તમને બહુ ઉતાવળ છે ને કાંઈ માનગઢ જવાની... એનીથીંગ સ્પેશિયલ..?" વ્યોમે ઈશ્વા તરફ આંખ મિચકારી.

"ઉતાવળ તો હોય જ ને સાલે સાહેબ, ઘણા વરસો પછી આપણે બધાય સાથે જઈ રહ્યા છીએ અને અર્પિતા સાથે મારું સેકન્ડ હનીમૂન પણ તો છે..." અર્પિતાની આંખો અને ગાલો પર શરમના શેરડા ફૂટી આવ્યા.

"પપ્પા.... ચાલોને જલ્દી.." દસેક વર્ષની કૃતિએ દિલીપનો હાથ ખેંચ્યો.

"વી આર વેરી એક્સાઈટેડ ટુ ગો ધેર... ચાલોને દાદી," બાર વર્ષનો પાર્થિવ કલ્યાણીદેવીની આંગળી પકડી ઉભો રહ્યો.


રઘુકાકાને જરૂરી સૂચનાઓ આપી કલ્યાણીદેવી પરિવાર સાથે માનગઢ જવા રવાના થયા. એક કારમાં કલ્યાણીદેવી સાથે વ્યોમ, ઈશ્વા અને બંને બાળકો બેઠા જે મોહન ડ્રાઇવ કરી રહ્યો હતો અને બીજીમાં કૌશલ-ઊર્મિ અને દિલીપ-અર્પિતા બેઠા જે દિલીપ ડ્રાઇવ કરી રહ્યો હતો. બંને ગાડીઓ ગેટની બહાર નીકળી માનગઢ જવાની દિશામાં વળી.

@@@@

માનગઢ એટલે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણે રાજ્યોની સરહદે આવેલું અદભુત હિલ સ્ટેશન. ચારે તરફ વનરાજી અને કુદરતે ખોબલે ખોબલે વેરેલું સૌંદર્ય. વિખરાયેલા જંગલોથી ઘેરાયેલી સુંદર ટેકરીઓ. વાંકાચુંકા અને સિંગલ લાઈનવાળા સાંકડા રસ્તે ગાડી દોડાવવાની અલગ જ મજા આવે. વચ્ચે રસ્તાની બંને બાજુએ મોટું સુંદર સરોવર. છેલ્લે જયારે માનગઢ હિલ પહોંચવા માટે એકાદ કિલોમીટર જેટલું અંતર રહે ત્યારે એકદમ સીધો ઢાળ જ્યાં ગાડી ચલાવતી વખતે કોઈ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડમાં બેઠા હોઈએ એવી થ્રિલ અનુભવાય. આજુબાજુની બધી ટેકરીઓમાં માનગઢ હિલ સૌથી ઊંચી ટેકરી. એક સમયે અભણ આદિવાસીઓની વસ્તી ધરાવતું માનગઢ હવે ધીમેધીમે શહેરી રંગે રંગાઈ રહ્યું છે પણ અહીંની સંસ્કૃતિ અને સભ્યતાનો વારસો હજી સચવાઈ રહ્યો છે...

@@@@

રસ્તામાં ચા-નાસ્તો કરવા રોકાઇ બંને ગાડીઓ ફરી આગળ વધી.

"વ્યોમ, આટલા વરસોમાં તે તો મને ક્યારેય માનગઢ વિશે નથી જણાવ્યું. મેં પપ્પા પાસેથી પણ ઘણીવાર માનગઢનું નામ સાંભળ્યું છે પણ વધુ માહિતી તો એમની પાસેથી પણ જાણવા નથી મળી." ઈશ્વાએ ઠપકાના સૂરમાં વ્યોમને પોતાની વાત જણાવી.

"ઈશ્વા બેટા, ત્યાં એકવાર પહોંચીએ એટલે તમારા મનમાં ઉઠેલી શંકાનું સમાધાન થઈ જશે. પહેલાં આપણે માતાજીના આશીર્વાદ મેળવી લઈએ." કલ્યાણીદેવીએ મમતાભર્યા સુરે ઈશ્વાના માથે હેતાળ હાથ ફેરવ્યો.

"ઈશુ... મારા મનગમતા સ્થળોમાનું એક છે આ માનગઢ. તું પણ એની સુંદરતા જોઈ એના પ્રેમમાં પડી જઈશ. ઇટ્સ જસ્ટ અ વન્ડરફુલ પ્લેસ..." વ્યોમે હળવેથી ઈશ્વાની ચીબુકે ચૂંટી ખણી.

@@@@

"હેલો.... હેલો.... ધ્યાનથી સાંભળો. બંને ગાડીઓ અહીંથી માનગઢ જવા નીકળી ગઈ છે પણ એ ત્યાં સુધી ન પહોંચે એ જોવાનું કામ હવે તમારું....." હવેલીમાંથી કરાયેલા ફોન પર બોલાયેલા શબ્દો સાંભળી સંતુના પગ દરવાજે જ ખોડાઈ ગયા..



ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED