ભાગ - ૨૮
જામનગરમાં રાઠોડ પરિવાર મીઠી નીંદરની મજા લઈ રહ્યું હતું ત્યારે માનગઢની હોટેલ સિલ્વર પેલેસમાં, પોતાના રૂમમાં રાણી કલ્યાણીદેવી વ્યગ્ર ચિત્તે આમથી તેમ આંટા મારી રહ્યા હતા જાણે એમની આંખો કોઈના આગમનની પ્રતિક્ષા કરી રહી હતી, કોઈ વ્યક્તિ કે પછી કોઈ સંકટની સાંકળ એમની તરફ વધી રહી હતી એ તો આવનારો સમય જ સૂચવશે....
'ઈશ્વાના હજી સુધી કોઈ સગડ નથી મળ્યા, આ દાઈમાં પણ ક્યાં અટવાઈ ગયા છે કે હજી સુધી ન એમનો ફોન આવ્યો છે કે ન એ પોતે અહીં હાજર થયા છે.' કલ્યાણીદેવીએ ઘડિયાળમાં જોયું તો રાતના પોણા ત્રણ થવા આવ્યા હતા, 'હવે સુઈ જવું જોઈએ, સવારે ઉઠીને ફરીથી એમને ફોન કરી લઈશ, આમ અડધી, મધરાતે દાઈમાંને ફોન કરીને હેરાન ન કરાય..' મનોમન વિચારી, બ્લેન્કેટ ઓઢીને વ્યથા, વિમાસણ અને વિચારોના ભાર વડે આંખો બંધ કરી સુઈ ગયા.
આકાશને આંબવા અધીર થતા સૂરજદાદા હળવે હળવે પર્વતમાળાની પાછળ સોનેરી કિરણો રેલાવતા, પ્રકાશ પાથરતા, નવા દિવસની નવી સવાર લઈ આવી રહ્યા હતા. પંખીઓના કલશોરથી માનગઢ અને આસપાસનો પરિસર ગુંજી રહ્યો હતો, ચોતરફ તાજગી ફેલાવતા તાજા ખીલેલા પુષ્પોની ખુશ્બુ, હરિયાળીમાં વિખરાયેલા રંગબેરંગી ફૂલો, મંદમંદ વાતો વાયરો, દૂર પહાડ પરથી આવતો માતાજીની આરતી સમયે થતા ઘંટારવનો પવિત્ર નાદ, આ પાવન વાતાવરણને ચીરતી, રાઠોડ પરિવારનો રાજવી લોગો ધરાવતી, બ્લેક વેગનઆર કાર ઉપરાઉપરી હોર્ન વગાડતી, ચ...રરરર..... કરતી હોટલ સિલ્વર પેલેસના ગેટ પાસે ઉભી રહી.
હોર્નના અવાજથી પોતાની ખુરશી પરથી ઉભા થઈ છોટુભાઈ દોડવાની ઝડપે બહાર આવ્યા પણ ગાડી પર રાજવી પરિવારનું સ્વસ્તિકનું ચિન્હ જોઈ ઉભા રહી ગયા.
ગાડી લોખંડના દરવાજાની લગોલગ આવીને ઉભી રહી, રાજવી પરિવારની ગાડી જોઈ મોહન ચાનો કપ બાજુમાં મૂકીને દોડતો આવ્યો અને પાછળનો દરવાજો ખોલી અદબ વાળી ઉભો રહ્યો, ગાડીમાંથી એક સ્ત્રી નીચે ઉતરી એટલે મોહને બે હાથ જોડી, ઝુકીને પ્રણામ કરી અભિવાદન કર્યું એના પ્રત્યુત્તરમાં એ સ્ત્રીએ બેય હાથ ઊંચા કરી મોહનને સસ્મિત આશીર્વાદ આપ્યા, એમનું સ્વાગત કરવા કલ્યાણીદેવી સ્વયં ગેટ પર હાજર હતા. એ સ્ત્રી એ બીજું કોઈ નહીં પણ બાસાહેબ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ દાઈમાં હતા.
દાઈમાં, એક અનોખું ને અચરજભર્યું વ્યક્તિત્વ. આશરે સાડાપાંચ ફૂટ જેટલી ઊંચાઈ, મધ્યમ બાંધો, લીસી, ચમકતી, ગોરી ત્વચા, કાળા સાટીન પર મરૂન ભરતકામ કરેલો ઘેરદાર ઘાઘરો અને એવા જ કાપડનો કમખો, મરૂન બાંધણીની ઓઢણી, છાતી સુધી આવતો ગળામાં પહેરેલો ચાંદીનો હાર, ગળામાં ચાંદીની હાંસડી, કાજલ આંજેલી પાણીદાર આંખો, કપાળની વચ્ચોવચ્ચ મોટો, લાલ કંકુનો ચાંદલો, ગળા પર ડાબી બાજુએ ત્રોફાવેલું ઓમનું છુંદણું, હાથમાં ચાંદીના મોટા બલોયા, બેય હાથની આઠે આંગળીઓમાં વિવિધ રત્નોજડીત ચાંદીની અંગૂઠીઓ, જમણા હાથના પંજા પર ઉડીને આંખે વળગે એવી રીતે ત્રોફાવેલું ત્રિશુળ, ડાબા પગમાં ચાંદીનું વજનદાર કડું અને ઘેરો, પહાડી અવાજ, એકવાર જોયા પછી ક્યારેય ન ભૂલી શકાય એવું અગોચર વ્યક્તિત્વ.
એ દાઈમાં અત્યારે કલ્યાણીદેવીની સામે ઉભા હતા અને ગાડીમાંથી મરૂન કલરનું, દાઈમાનું પોટલું પકડી એમની જોડે ઉભો હતો. કલ્યાણીદેવીએ આગળ આવી, ઝુકીને ચરણસ્પર્શ કરી દાઈમાંના આશીર્વાદ અને મોહન પાસેથી પોટલું લઈ એમને પોતાના રૂમ તરફ દોરી ગયા અને મોહનને દાઈમાં માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવાનું જણાવતા ગયા.
@@@@
હવેલીના ફોનની રિંગ સતત વાગી રહી હતી, પાછલી રાતના ઉજાગરાના થાકને લીધે બધા હજી સુતા હતા, સંતુ બહાર કચરો વાળી રહી હતી, રિંગનો અવાજ સાંભળી એ સાવરણી બાજુમાં મુકવાનું ભૂલીને સાથે લેતી આવી.
"હેલાવ... હેલાવ... કોણ બોલો સો?"
"હેલ્લો, સંતુબેન... હું નીલાક્ષી બોલું છું, કેમ છો તમે? મારે ઊર્મિ સાથે વાત કરવી છે એને જરા બોલાવોને,"
"હ...હા બેન, તમે ઘડીક ઉભા રહો, હું ઉપર જઈને અબઘડી મોટાભાભીને બોલાવી આવું સું હો..." સંતુએ રિસીવર સાઈડ પર મૂક્યું અને ઊર્મિને બોલાવવા જતાં એણે હજી પહેલે પગથિયે પગ મુક્યો ત્યાં જ ઊર્મિ અને કૌશલને નીચે ઉતરતા જોઈ એ ત્યાં જ ઉભી રહી ગઈ.
"મોટાભાભી... નાનભાભીના મમીનો ફોન આયો સે, તમને બોલાવવા હારું જ આવતી'તી, એમને તમારી હારે વાત કરવી સે, ફોન ચાલુ જ સે, ઝટ હાલો..."
'નીલા આંટીનો ફોન, અત્યારે?' મનમાં વિચારતી કૌશલ સામે જોઈ ઊર્મિ ઝટ દાદરો ઉતરી દોડતી જઈને ફોન ઉપાડ્યો.
"હેલ્લો આંટી, કેમ છો, ઓલ ઓકે? બધું બરાબર તો છે ને? "
"ઊર્મિ દીકરા, કાંઈ જ બરાબર નથી, આ ઘર અમને ખાવા દોડે છે. તેજસ તો રાતે સરખો સુઈ પણ નથી શકતો, ઊંઘમાંથી ઝબકી જાય છે. નથી ઈશ્વાના કોઈ સમાચાર, હવે હિંમત પણ તૂટતી જાય છે. છેલ્લા ત્રણ દિવસથી ન સરખી રીતે જમી શક્યા છીએ ન રહી શક્યા છીએ, વારે ઘડીએ નજર કાં તો ફોન પર કાં તો દરવાજા પર ટકેલી હોય છે. ફોનની રિંગ કે ડોરબેલ વાગે તો ઈશ્વા ને ઉર્વીશ આવ્યા હશે એવી અટકળો થાય છે." વાત કરતા કરતા જ નીલાક્ષીબેન છુટ્ટે મોઢે રડી પડ્યા.
"આંટી, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું, ઇન ફેક્ટ એમ કહું કે હું તમારી સ્થિતિ સારી રીતે અનુભવી શકું છું. ઈશ્વાની જેટલી ચિંતા તમને થાય છે એટલી જ અમને પણ છે. હું હમણાં જ આવું છું તમને લેવા, જ્યાં સુધી ઈશ્વા પાછી નથી આવતી ત્યાં સુધી તમે અને તેજસ અહીંયા, અમારી સાથે જ રહો, બધા સાથે હશું તો હિંમત પણ રહેશે અને દુઃખ પણ વહેંચાઈ જશે."
"હા ઊર્મિ, મેં એ પૂછવા જ ફોન કર્યો હતો કે અમે ત્યાં આવીને રહી શકીએ?" નીલાક્ષીબેનના ડુસકા હજી ચાલુ હતા.
"કેવી વાત કરો છો આંટી, આ ઘર પણ તમારું જ છે, હું તો પછી આવી, એ પહેલાં જ આ ઘર-પરિવાર સાથે તમારો અકબંધ સંબંધ છે જ. એમાં પૂછવાનું જ ન હોય, તમે આવી જ જાઓ. હું હમણાં આવું છું તમને લેવા, જરૂરી સામાન પેક કરી તૈયાર રહો, ૨૫-૩૦ મિનિટમાં હું પહોંચી જઈશ. જરાય ચિંતા ન કરો, મળીએ આપણે, બાય." ઉર્મિએ રિસીવર મૂક્યું અને જીવાને ગાડીની સાફ કરવા કહ્યું.
"તે સારું કર્યું ઊર્મિ, આંટી અને તેજસને અહીં બોલાવી લીધા. એક માં તરીકે એમની ઈશ્વા માટેની ચિંતા સહજ અને સ્વાભાવિક છે, એકમેકના સુખ દુઃખમાં સહભાગી બની શકીએ અને સાથે મળી આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ શોધીએ. તું એમને લઈ આવ, હું બ્રેકફાસ્ટ કરીને ઓફિસે જાઉં છું. દિલીપ પછી આવશે, રાતના ઉજાગરાને લીધે કદાચ સુતો હશે." કૌશલ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો.
"અરે સાલે સાહબ, શૈતાન કા નામ લિયા ઔર શૈતાન હાજીર, હું તૈયાર જ છું, આટલી આસાનીથી તમારો પીછો નથી છોડવાનો. સંતુબેન... મારા માટે પણ ચા નાસ્તો લાવજો." વાતાવરણની ગમગીનતા જોઈ દિલીપે એને હળવું કરવા પ્રયત્ન કર્યો જે મહદઅંશે સફળ પણ રહ્યો, એની વાત સાંભળી કૌશલ અને ઊર્મિ હસવું ન રોકી શક્યા અને ઊર્મિ ગાડીની ચાવી લઈ બહાર નીકળી.
@@@@
સુમેરગઢમાં ચોરે ને ચૌટે ઉજમ અને સુખલીની જ ચર્ચા ચાલુ હતી, વાત વાયુવેગે ફેલાઈ ચુકી હતી.
"રાણા'સા.... રાણા'સા...." એક સિપાહી પરસેવે નીતરતો, દોડતો દોડતો ઉજમ પાસે આવ્યો.
"શું થયું છે ભાઈ? કેમ આમ આવરો બાવરો આવ્યો છે? ફરીથી કોઈ શત્રુ સુમેરગઢ પર આક્રમણની યોજના બનાવી રહ્યો છે કે શું? જો એમ વાત હોય તો આ ઉજમસિંહ ચૌહાણ, લોહીના અંતિમ ટીપા સુધી લડી લેવા તૈયાર છે."
"ના... ના.... રાણા'સા... હું... હું... આપને મારી સાથે લઈ જવા આવ્યો છું. આપ ધ્યાનથી મારી વાત સાંભળો." સિપાહીએ ઉજમને જે વાત કરી એ સાંભળી ઉજમના પગ નીચેથી ધરતી ખસી ગઈ, આખો દરબાર એને ગોળ ગોળ ફરતો દેખાયો અને ધબ કરતોક સિંહાસન પર બેસી ગયો..
ક્રમશ: